વિચારી જુઓ-સુધીર પટેલ

શબ્દ વિહોણાં દિવસ ને રાત વિચારી જુઓ,
શબ્દથી પણ ખાનગી હો વાત, વિચારી જુઓ.

શબ્દ પણ ન્હોતા અને કોઈ લિપિ પણ ક્યાં હતી ?
ભાવ સૌ ભીતર હતા રળિયાત, વિચારી જુઓ !

કોઈ ના બોલી શકે એકાંતમાં એક શબ્દ તોય,
કેવી રસપ્રદ હોય મુલાકાત, વિચારી જુઓ !

શબ્દ એ હો કોઈનો પણ નાનો અમથો તોય જો,
કેટલો હૈયે કરે આઘાત, વિચારી જુઓ !

શબ્દ જ્યાં મારે છે ફાંફાં પામવાને એ ‘સુધીર’,
મૌન ઉકેલે સહજમાં જાત, વિચારી જુઓ !

( સુધીર પટેલ )

સમય હતો-હેમેન શાહ

વાતાવરણ ગુલાબી, મજાનો સમય હતો,
અફસોસ કે એ મારા જવાનો સમય હતો.

એ દેણગી કે શ્રાપ ? ખબર પડી નહીં,
જે કાવ્યનો સમય, એ વ્યથાનો સમય હતો.

ભરપૂર પ્રેમ હોય તો ઢંકાય ખામીઓ,
પથરાળ પટ તો ઓટ થવાનો સમય હતો.

આંસુ ને સ્વપ્ન આંખમાં સાથે રહે નહીં,
છે એક વર્તમાન, બીજાનો સમય હતો.

અંતિમ ક્ષણે કહ્યું મેં સિકંદરના કાનમાં,
દુનિયાનો એકમાત્ર ખજાનો, સમય હતો.

( હેમેન શાહ )

એક કાવ્ય-વિપાશા મહેતા

હું શાંતિથી રાહ જોતી ઊભીશ.
મારી આ
દવા વગર તોફાને ચઢેલી
નસો શાંત થવાની.
પણ ત્યાં તો
લોકોએ કંઈ નવું જ
ધતિંગ શરૂ કર્યું,
મગજમાં ગુસ્સો ભરાવી
શરીર ચીંથરેહાલ કરી
મોં પર તાળાં ઠોકી
કહ્યું
જો જો
તારી અંદર કેટ કેટલોક તો ગુસ્સો છે
અમે તને ફટકાવી ફટકાવી એ અંદરનો ગુસ્સો
બહાર લાવવા તારી મદદ કરીએ છીએ, તને બચાવવા.
હું
મારા શરીરનાં ચીથરાં થતાં જોઈ
ઊભી છું
શાંત
અડીખમ
મારા મગજને
બચાવતી.

( વિપાશા મહેતા )

લાગે છે-દિવ્યા સોની “દિવ્યતા”

દરિયા જેવી ખુશીઓમાં મારી આજ આવી ઓટ લાગે છે.
તું ભલે મળી ને જાય તોય તરત જ તારી ખોટ લાગે છે.

વિચારો ની ઘંટીમાં તારી યાદો થઇ પડી લોટ લાગે છે,
તું મળવામાં જો રાખે કચાસ, આ દિલને મારા ચોટ લાગે છે.

નિત માંગણીઓ એમ કરતો, જાણે પ્રેમ મારો વોટ લાગે છે,
એને માટે જે હંમેશ ઝૂરતી આ જાત મારી હવે ભોટ લાગે છે.

મન પર ચડાવી લીધો તેં પણ સમજણ નો કોટ લાગે છે,
તરછોડી જવાની મુજને, તેં પણ મૂકી ઉડતી દોટ લાગે છે.

હિસાબ કરવા દિલ ખોલ્યું, ને થયો આ ઘટ:સ્ફોટ લાગે છે,
ઉધારે મારી આખી જીંદગી, જમાના ખાને ખોટ લાગે છે.

( દિવ્યા સોની “દિવ્યતા” )

વાત કરવા દે-સુરેન્દ્ર કડિયા

ધસી જતા આ જળમાં જળ વિશેની વાત કરવા દે
મને એકાદ પળમાં પળ વિશેની વાત કરવા દે

ઘડીક ભૂલા પડી જઈએ, ઘડીક રસ્તે ચડી જઈએ
અજાણ્યા કોઈ સ્થળમાં સ્થળ વિશેની વાત કરવા દે

તને જો રસ પડે તો સાવ હળવોફૂલ હું થઈ જઉં
ઘણા વખતે વળેલી કળ વિશેની વાત કરવા દે

નભોમંડળ, ધરાતલ ને અતલ હરદમ ઉકેલું છું
હવે બસ પાઘડીના વળ વિશેની વાત કરવા દે

મને કરતો ગયો ખાલી એ ખાલીપો નથી ખપતો
છલોછલ છેતરે એ છળ વિશેની વાત કરવા દે

( સુરેન્દ્ર કડિયા )

ફેરે-ફેરો ફળશે-દિલીપ જોશી

દર્પણમાંથી બહાર નીકળ તો
દુનિયા જોવા મળશે !
પરપટાની ટોચ ઉપર તું
ઝબકારે ઝળહળશે !….

બહાર નીકળતા મહિના-વરસો-યુગ કૈં બદલાઈ જશે !
હર વળાંક પર વળતો રસ્તો સામેથી સમજાઈ જશે !
પગલે-પગલે પરવાળાના
લોઢે-લોઢ ઊછળશે !…..

તથ્ય હોય શું નામ-રૂપમાં ક્ષણમાં એ અણસાર મળે !
માર પલાંઠી અમરાપુઅરનું ભીતર ખૂલતું દ્વાર મળે !
અંદરના અઢળક અજવાળે
ફેરે-ફેરો ફળશે !…..

સુખ ક્યાં છે જાણ થવાની સચરાચરની પાર જઈ !
જીવ ઝબોળી માણ સમયને સથવારામાં સ્વર્ગ લઈ !
વેદ-મંત્ર થઈ દિશા-દિશાઓ
ખુદને ઘેરી વળશે !…..

( દિલીપ જોશી )

એવા દિવસોનો…-ચેતન શુક્લ

તારા જ નામથી જે ફૂટી’તી કૂંપળ જો થઈ જાય ઘેઘૂરતમ ઝાડ
એવા દિવસોનો માનીશું પાડ.

માળીની જાણબહાર ઉગ્યું’તું ફૂલ
એ ફૂલને ઉગાડી ગયું કોણ ?
પાનખર છે એક અને બીજી વસંત પણ
મઘમઘતા પવનની વાદે ચઢીને પછી મખમલી દ્વાર તો ઉઘાડ.

ચૈતરના વાયરાએ લીલાછમ પાંદડાને
જીવનનો સમજાવ્યો સાર,
ટહુકાને સરનામે લખ્યા સંદેશ એ
પહોંચવામાં લાગી છે વાર.
સોનેરી છાંયડાઓ સમયના આંગણામાં સર્જે છે કાયમ તિરાડ.

( ચેતન શુક્લ )

ફેસબુકિયા ફ્રેન્ડ-આશા પુરોહિત

રે ! ભાઈ, અમે ફેસબુકિયા ફ્રેન્ડ,
લંગોટિયા યાર અને નિશાળિયો દોસ્ત ભૂલી,
અપનાવ્યો આધુનિક ટ્રેન્ડ,
રે ! ભાઈ, અમે ફેસબુકિયા ફ્રેન્ડ,

ટાઈમ નહીં, તોય કેવા પોતાની ટાઈમલાઈન પર,
જાતજાતનું કરવાનું પોસ્ટ,
રિકવેસ્ટ જો આવે તો થોડુંક ચકાસીને,
થઈ જાતા કાયમના દોસ્ત,
ફોટાને ક્લીક કરી, વીડિયો રેકોર્ડ કરી,
પળભરમાં કરવાનું સેન્ડ,
રે ! ભાઈ, અમે ફેસબુકિયા ફ્રેન્ડ,

વાહ-વાહ ! વેરી ગૂડની અમથી કમેન્ટ કરી,
કરવાનું શેર જે ગમતું,
ધડ ધડ બસ લાઈક કરી, ટેગ કરી, હાઈડ કરી,
મન જાણે એમાં જ ભમતું.
વાસ્તવિક જીવનની લાગણીની માગણીનો,
લાવી દેવાનો બસ એન્ડ,
રે ! ભાઈ, અમે ફેસબુકિયા ફ્રેન્ડ,

( આશા પુરોહિત )

એને નવું વર્ષ કહેવાય…-અંકિત ત્રિવેદી

shindyr02

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય…
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય…

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય…

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશું ઈશ્વરનો અહેસાસ
ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય…

( અંકિત ત્રિવેદી )

હેપ્પી દિવાળી

Diwali-1

(૧)
દીવડા પ્રજવાળવાની રાત છે.
અંધકારો બાળવાની રાત છે.

જેમના પગમાં ભરેલો થાક છે,
તેમને સંભાળવાની રાત છે.

ભગ્ન સ્વપ્નોની કરચને મોજથી,
આભમાં ઉછાળવાની રાત છે.

પ્રેમ, હિંમતને ઈરાદાના નવા,
દ્રાવણો ઉકાળવાની રાત છે.

આપણી શ્રદ્ધાનો સૂરજ ઉગશે,
એ જ આશે ગાળવાની રાત છે.

( પરાજિત ડાભી )

(૨)
કોઈને જૂઓ અને
તમારી અંદર રંગોલી પૂરાઈ જાય ત્યારે સમજવું કે
આજે દિવાળી છે
સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને ફરતા હો
અને
અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ અડી જતામાં
તમે આખે આખા ફૂટી જાવ
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
વૃક્ષમાંથી લાકડું થઈને બારણું બની ગયેલા
તમારા સમયને કોઈની નજરુંનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ કડવી વખ જેવી ઉદાસી વાગોળતા વાગોળતા
તમે જૂના ડબ્બા ખોલતા હો
અને અચાનક કોઈની મીઠી યાદ sweetનું સ્વરૂપ લઈને મળી આવે
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
જમણો હાથ ડાબા હાથને પણ ન કળી શકે એવા ગાઢ અંધારમાં
તમે બેઠા હો
અને
તમારા સાવ અંદરના ઓરડે આવીને કોઈ
દીવડો જલાવી જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે…

( હેમંત ગોહિલ ‘મર્મર’)

(૩)
સબરસ બને જો આદમી, કાયમ દિવાળી,
હો જિંદગીમાં સાદગી, કાયમ દિવાળી.

પકવાન લાખો ના મળે તો ચાલશે, બસ
છે ડુંગળી ને ભાખરી, કાયમ દિવાળી.

જપ-તપ ફક્ત દેખાવ, મનમાં દાવપેચો,
દિલમાં કરી દો આરતી, કાયમ દિવાળી.

આ રંગરોગાનો કરીને ઢાંકશો શું ?
ભીતર ભરી દો ગુલછડી, કાયમ દિવાળી.

મેલું રહે છે મન, ભલે ને ઊજળું તન,
સબરસ બને જો આદમી, કાયમ દિવાળી.

( દિનેશ દેસાઈ )