-સ્વજન હે !-માધવ રામાનુજ

જુઓ,
સમયની સાંઢણીઓ
શણગાર સજીને આવી.
જુઓ સમયની સાંઢણીઓ પર
સવાર થઈને આવી ગઈ વિદાય-

અમે સ્મરણના પડછાયા પહેરીને
જઈશું.
આ કોઈ સ્વજનના અંતર જેવું અકળ
અને આ સાવ અજાણ્યા અક્ષય જેવું
આછું આછું ઉકલે એવું મૌન
અમારા મારગ વચ્ચે આવીને ઊભું છે !
એમાં ઉઘડે છે આ
અનંતની યાત્રાનો સૂનો પંથ
અને કંઈ કેટલાંય યાત્રીનો મૂંગો પદરવ…

આ શ્વાસ ક્યારના સજીધજીને
થનગનતા ઊભા
અને સમયની સાંઢણીઓ પર
સજીધજીને આવી ગઈ વિદાય.

સ્વજન હે !
બોલ્યું ચાલ્યું માફ !
આવજો.
ફરી મળીશું અહિંયા-
અહીંયાં, આંસુના બે ટીપાં વચ્ચે
ભીનો ભીનો મળી જશે અવકાશ…
ક્યાંક…ક્યારેક !

( માધવ રામાનુજ )

નહિ ટાળું !-વીરુ પુરોહિત

હું નહીં શ્યામને ભાળું !
પ્રણ લીધું છે, ઉદ્ધવ ! મારા પ્રાણ ગયે નહિ ટાળું !

હતો સમય કે જ્યારે વ્હાલાં થવા કૃષ્ણને જીવતાં;
કરી એકઠાં મોરપિચ્છ, કહાનાનાં વસ્ત્રો સીવતાં !
કાલાવાલા કરીએ ત્યારે માંડ વગાડે બંસી;
એ વેળા થાતું કે હું તો મનસરોવર હંસી !

થયું બધું વેરાન, થોરની વચ્ચે જીવન ગાળું !
હું નહીં શ્યામને ભાળું !

હશે શ્યામને, એના વિણ ગોકુળનો ઊડ્યો રંગ;
કોણ હશે જે મરક-મરકતું ઊભું રહે ત્રિભંગ ?
કહેજો, ઉદ્ધવ ! અમે બધાંયે ભૂલી ગયાં ગઈકાલ;
આ વેળા, મોસમનો સાચ્ચે મબલખ ઊતર્યો ફાલ !

હાશ, નગરમાં કોઈ નથી કરનારું કામણ કાળું !
હું નહીં શ્યામને ભાળું !

પ્રણ લીધું છે, ઉદ્ધવ ! મારા પ્રાણ ગયે નહિ ટાળું !

( વીરુ પુરોહિત )

ઘણી વાર લાગશે-ચિન્મય શાસ્ત્રી

ઘરને મહેલ થવામાં ઘણી વાર લાગશે
એવું વિચારવામાં ઘણી વાર લાગશે !

મારા નગરમાં આપ અકસ્માત આવજો,
ચાહીને આવવામાં ઘણી વાર લાગશે !

આવો તો તમારા અભાવને જણાવજો
આજે ઘરે જવામાં ઘણી વાર લાગશે !

આવ્યા નહીં તમે તો શરાબે કહી દીધું
મહેફિલ શરૂ થવામાં ઘણી વાર લાગશે !

મારો સ્વભાવ ખૂબ નિખાલસ હતો પ્રિયે !
એ તથ્ય શોધવામાં ઘણી વાર લાગશે !

કાયમ મને વિકલ્પ તરીકે જુઓ નહીં
નહીં તો ગુમાવવામાં ઘણી વાર લાગશે !

( ચિન્મય શાસ્ત્રી )

કોરાશ-પન્ના નાયક

એક દિવસ
હું
તારે માટે
ગુલાબનું ફૂલ લઈને આવી.
મને એમ કે
એની સુગંધથી
તું છલકાઈ જશે.
પણ
બાજુએ રહી ગઈ સુગંધની વાત.
તું બોલ્યો : મને કાંટા વાગ્યા.

પાછી ફરી એક વાર
એક દિવસ
હું તારે માટે
ખોબો ભરીને જળ લાવી.
મને એમ કે
જળ જોઈને
તારી તરસ ઊઘડશે
પણ તું બોલ્યો : મને જળના છાંટા વાગ્યા.

હવે
મારી પાસે છે કેવળ
હથેળીની કોરી રેખાઓ….

તારે કંઈ કહેવું છે ?

( પન્ના નાયક )

અશ્રુપાત-ઉર્વીશ વસાવડા

શાહી નહીં, કાગળ પર અશ્રુપાત થવાનો,
તારો કાગળ મોંઘેરી મીરાત થવાનો

ફૂલો પર અહીં પતંગિયું પાંખો ફફડાવે,
દૂર કશે દરિયામાં ઝંઝાવાત થવાનો

મારાં સઘળાં મ્હોરાં સાવ નકામ રહ્યાં છે
તેં ચાલી છે ચાલ, હવે હું મ્હાત થવાનો

જગ આખું માને છે જે આભાર પાતળો,
એ જ તાંતણે ટકવાની તાકાત થવાનો

મારા કિસ્સા મારા અંગત ક્યાંથી રહેશે ?
રોજ ઊઠી જ્યાં જગનો ચંચુપાત થવાનો.

( ઉર્વીશ વસાવડા )

કરી જુઓ-સાહિલ

કદી કામના તણાં કુંભને જો ભરી શકો તો ભરી જુઓ
પૂરા વિશ્વમાં પછી ઈચ્છો ત્યાં જો ફરી શકો તો ફરી જુઓ.

નદી હોય છીછરી તોય શું-મળ્યું બરકરાર નદીપણું
તમે સાવ છીછરા વ્હેણમાં જો તરી શકો તો તરી જુઓ.

જો ઝીલી શકો તો પતંગિયાના પીંછાની છાયા ઝીલી લઈ,
પછી વીજળીના લસરપટે જો સરી શકો તો સરી જુઓ.

તમે બાળકોના નયનને ઊડતી પરીના થોડા સપન દઈ
પછી સુખ તમારી પછેડીમાં જો ભરી શકો તો ભરી જુઓ.

ભલે કલ્પવૃક્ષના છાંયડે તમે આયખું વીતાવ્યાં કરો
અને મનને વશમાં જરા-તરા જો કરી શકો તો કરી જુઓ.

હવે શક્યતા ને અશક્યતાની તમામ ભાંજગડો મૂકી
ને હરિ કનેથી હરિપણું જો હરી શકો તો હરી જુઓ.

તમે ગાંઠ બાંધી છે જેટલી-એ બધીય ‘સાહિલ’ છૂટશે !
એ વિષે વિચારીને જાતરા જો કરી શકો તો કરી જુઓ.

( સાહિલ )

ઇન્ડિયન આર્મી ડે!-ડો. ગોરા ત્રિવેદી

Army Day-1

૧૫ જાન્યુઆરી… ઇન્ડિયન આર્મી ડે!

આપણા દરેક દિવસ અને રાતની શાંતિ જેમના કારણે છે તેમનો દિવસ એટલે આર્મી ડે! છેલ્લા ૨ દાયકાથી લોકોનો રોષ વધી રહ્યો છે; આપણા જવાનો કપાઈ રહ્યા છે-વીંધાઈ રહ્યા છે. લોકોને યુદ્ધ જ એક વિકલ્પ દેખાય છે. કોઈ પણ સરકાર જો યુદ્ધ નથી ઈચ્છતી તો એનું કારણ પણ આપણે જ છીએ. એક યુદ્ધ કોઈ પણ દેશને દાયકાઓ પાછળ લઇ જાય છે; એટલો ખર્ચ અને ખુંવારી થાય છે કે જેને પહોંચી વળવા એક પેઢી ખપી જાય છે. આપણા જવાનો શહીદી વોહરે છે તે ફક્ત આપણી સુરક્ષા માટે જ નથી પણ આપણી સમૃધ્ધિ માટે પણ છે; પણ આપણે આ વાત આ રીતે જોતા કે સમજતા જ નથી.

આપણા આદર્શો નટ-નટીઓ અને વેપારી ખેલાડીઓ છે. આપણા જવાનોના ફોટોગ્રાફ્સ આપણે કશે રાખતા નથી અને આવા નક્કામાઓના ફોટોગ્રાફ્સથી કોમ્પ્યુટર, લેપટોપ, સેલ ફોનની સ્ક્રીન્સ છલકાતી હોઈ છે.

આપણે સરહદ પર જઈને લોહી નથી વહાવવું પડતું તો એટલીસ્ટ અહીં સમાજમાં તો એ રીતે વર્તીએ કે આપણા જવાનોને એવો સવાલ ના થાય કે ‘કેવા લોકો માટે આપણો જીવ દઈએ છીએ?!!!’

આ દેશની સ્વતંત્રતા, શાંતિ અને સમૃધ્ધિ માટે સતત જાગતા રહેતા, લડતા રહેતા અને શહીદી વહોરતા રહેતા જવાનોને સલામ!
The Civic Code – Awareness for Patriotism ‘આપણા આદર્શો’માંથી….

Army Day

मैं रहूं या ना रहूं-रश्मी विराज

मैं रहूं या ना रहूं
तुम मुज में कहीं बाकी रहेना…

मुजे नींद आये जो आखिरी
तुम ख्वाबों में आते रहेना
बस इतना है तुमसे कहेना…
मैं रहूं या ना रहूं
तुम मुज में कहीं बाकी रहेना…

किसी रोज बारिश जो आये
समज लेना बूंदो में मैं हूं
सुबह धूप तुमको सताये
समज लेना किरनों में मैं हूं
कुछ कहुं या ना कहुं
तुम मुजको सदा सुनते रहेना
बस इतना है तुमसे कहेना…

हवाओं में लिपटा हुआ मैं
गुजर जाउंगा तुमको छु के
अगर मन हो तो रोक लेना
ठहर जाउंगा इन लबों पे
मैं दिखुं या ना दिखुं
तुम मुजको महसूस करना
बस इतना है तुमसे कहेना…

मैं रहूं या ना रहूं
तुम मुज में कहीं बाकी रहेना

Video Album : Main Rahoo Ya Na Rahoo
Singer : Armaan Malik
Lyrics : Rashmi Virag
Music Label : T Series

તૈયારી-જયા મહેતા

૧.
સૂરજ આથમવાની તૈયારી છે.
નીચે બાળકો રમે છે એના અવાજો સંભળાય છે
સાતમા માળની બાલ્કનીમાં હું બેઠી છું
હવે મારાથી અવાજો સહન થતા નથી
અવાજ ન કરો એમ બાળકોને કહેવાનું મન થતું નથી
હું જોયા કરું છું :
આકાશ ઝાંખું થતું જાય છે
સૂરજ આથમવાની તૈયારી છે.

૨.
સૂરજ આથમવાની તૈયારી છે.
બાળકો રમવાનું બંધ કરીને ઘરે ગયાં છે
હું સાતમા માળની બાલ્કનીમાં બેઠી છું
ચારે તરફ બધું શાંત શાંત છે
આ સ્મશાનવત શાંતિ મને અકળાવે છે
રમવાનું બંધ કરીને ઘરે જવાનું મારા હાથમાં નથી
હું જોયા કરું છું :
આકાશ ઝાંખું થતું જાય છે
સૂરજ આથમવાની તૈયારી છે.

૩.
હવે સૂરજ આથમી રહ્યો છે
નીચે કોઈ રમતું નથી, અવાજ કરતું નથી
ચારે તરફ અંધારું છવાતું જાય છે
સાતમા માળની બાલ્કનીમાં હું બેઠી છું
ગઈ કાલે પણ આમ જ અંધારું છવાતું હતું
હું જોયા કરતી બેઠી હતી
ને આજે પણ
જોયા કરું છું:
અંધારામાં ભળીને હું પણ અંધારું થતી જાઉં છું.
સૂરજ આથમી રહ્યો છે.

( જયા મહેતા )

શું હતું એ-નીતા રામૈયા

ચણોઠીના છોડ ઉપર ઝાકળ ઠર્યું
ને તું સાંભરી આવી
થયું
પત્ર લખું આજ
મન છલકાયું
લાલચટક ચણોઠી જેવી તારી યાદથી
પત્રના શબ્દે શબ્દે હું તારી સાથે વાત કરતી હતી
આ લખાઈ ગયો કાગળ\પણ થયું કે
કૈંક લખવાનું રહી ગયું
આમતેમ આંટા મારું
થતું કે
શું હતું એ
લખવાનું રહી ગયું તે
હા…ખાસ લખવાનું એ કે
મારા સપનામાં આવેલી
બા
તને વેણે વેણે
યાદ કરતી હતી.

( નીતા રામૈયા )