આધુનિક દ્રૌપદીની અભિપ્સાનું ગીત-ગાયત્રી ભટ્ટ
આંખો સામે તરે ખભો ને મનમાં માથું ઢળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
કદી કોઈને કહી નથી કંઈ એવી અઢળક વાતો
અંદર અંદર ઊગીને આથમતી જાતી રાતો
જાત ઉલેચું આખી ત્યારે તળિયે ટાઢપ વળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
સાચેસાચ્ચું કહી દેવામાં લાગે છે બહુ બીક
એ જો સામે હોય નહીં તો કશું ન લાગે ઠીક
એકલબેઠું મન બિચ્ચારું મૂંઝારાને દળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
મુઠ્ઠી જેવડી છાજલી મારી એ કેવો મસમોટો
ડાબે જમણે ડોક ધરું તો જડે ન એનો જોટો
નથી સમાતો આ આંખોમાં સપનું ક્યાંથી ફળે ?
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
( ગાયત્રી ભટ્ટ )