છેલ્લી વેળાનું ગીત-વનરાજસિંહ સોલંકી

કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે મારે વળતી વેળાનું સુખ માણવું
કે હવે આથમતું અજવાળું આંખોમાં ઓગાળી છલકી ગયાનું સુખ માણવું
કે મારે પૂરો થયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું

કે મારા ઉપવનમાં ચાલી છે એવી તે લ્હેર
હવે મ્હેક મ્હેક મ્હેક મ્હેક મહેકે ચોમેર
મારે છાતીમાં લેવો છે આખોયે બાગ અને મ્હેકી ગયાનું સુખ માણવું
કે મારે બાગે ભળ્યાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે હવે આથમતું અજવાળું આંખોમાં ઓગાળી છલકી ગયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું

કે મારા દરવાજે રહી રહીને આપો છો હૂંફ
હવે ઉંબર ઓળંગો હો માનીતા ભૂપ
તારો તે હાથ મારા હાથમાં ઝાલીને મારે તારા થયાનું સુખ માણવું
કે મારે મારા થયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે હવે આથમતું અજવાળું આંખોમાં ઓગાળી છલકી ગયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું

( વનરાજસિંહ સોલંકી )

ઊંચા ઊંચા ગિરિશિખરોથી-સ્વામી માધવપ્રિયદાસ

ઊંચા ઊંચા ગિરિશિખરોથી; ઝરઝર ઝરતાં ઝરણાં આવે
મનમલ હરણાં શીતલ કરણાં; હેમલ વરણાં ઝરણાં આવે.

ગગન ગભીરા અનરાધારા; સાત સમંદર કો છલકાવે
અભિષેક શાં અમરતવારિ; વસુંધરા શિર પર વરસાવે.

સપ્ત સૂરોના ભૈરવ રાગે; પોઢેલા પાતાળ જગાવે
સત્યં મધુરં શિવં સુંદરમ; સકલ ચરાચર જગ સરજાવે.

જાદુગર શા અગમ અગોચર; કામણગારા કર પરસાવે
રોમ રોમ ખીલે વનારજી; પાનખરે કૂંપળ પ્રગટાવે.

ભાતીગળ ભાતોથી ભરીયા; વિશ્વતણાં ઉપવન સરસાવે
રંગો નોખા સત્ય એક છે; વેદતણાં એ ઘોષ સુણાવે.

ઊંચે આકાશેથી ઊતરી; સ્વર્ગ ધરા પર રમવા આવે
માધવ મા ધરતીનો ખોળો; ચૌદભુવનથી સરસો કાવે.

( સ્વામી માધવપ્રિયદાસ )

પવન આવતાં…-મનસુખ લશ્કરી

લાંબી થઈ પથરાઈ પડેલી હવા સફાળી ઊભી થઈ હરફરવા માંડે,
પાંદા સોતી વેલ વૃક્ષને ફડફડ કરતી જગવી છાનું કૈંક કાનમાં કહેવા માંડે.

નત-મસ્તક સંકોચસભર ઊભી-ઊભી લજવઈ ધજા
હવે આનાકાની મૂકીને તડ ફડ-ફડ ફરફરવા માંડે.

ઊડતું-ઊડતું પંખી જોડું કો’ક અચાનક ડાળે બેસી
ડાબે-જમણે ડોક મરડતાં…શું છે ? શું છે ? પૂછવા માંડે.

ગંધ શોધતાં આડા-ઊભા આંટા દઈ-દઈ પતંગિયાં તો
ભમતાં રમતાં-રમતાં જાણે રંગ-રંગની જાજમ ગૂંથવા માંડે.

જાનડિયું જાણે મઘમઘ ખેપ ઊતરતી હોય બગીચે એવા વાવડ દેવા
અધીર માંડવે સમીર ધોડતો આવી ઊભે અને હાંફવા માંડે.

( મનસુખ લશ્કરી )

વરસાદ-માધવ રામાનુજ

આખો ઉનાળો આ ઓરડાએ બળબળતા
તડકાનાં ઝીલ્યાં છે પૂર
પહેલા વરસાદનાં ફૉરામાં નળિયાનાં આ
વર્ષાનાં સાંભરે નૂપુર…

ટપ ટપ ને છમછમના એટલે ઊઠે છે એ
પહેલા વરસાદમાં જ તાલ,
આપણને એમ થાય છાનું છાનું આ કોણ
છાપરે ચડીને કરે વ્હાલ !
નળિયાં ને છાંટાના એવા સંવાદ પછી
નેવામાં છલકાતાં પૂર…

નેવાં ને ફળિયું ને શેરી ને ચોક પછી
ધરતી ને આભ એકાકાર,
આખુંયે ગામ જાણે મધદરિયે વ્હાણ હોય,
એવું ભીંજાય ધોધમાર !
ઘરમાં કે બહાર ક્યાંય કોરા રહેવાય નહીં
ભીતર ભીંજાય ભરપૂર…

આખો ઉનાળોઆ ખોરડાએ ખાળ્યાં છે
બળબળતા તડકાનાં પૂર
પછી પહેલા વરસાદના છાંટામાં નળિયાં જે
વર્ષાનાં સાંભળે નૂપુર…

( માધવ રામાનુજ )

મૂંઝવણ-પન્ના નાયક

મેં મારો એક ખૂણો પસંદ કરી લીધો છે.
કદાચ આ ખૂણાને કારણે જ હું
વધુ ને વધુ એકલી થતી જાઉં છું.
અને છતાંય
ફરી ફરી કહું છું
કે
મેં મારો એક ખૂણો
પસંદ કરી લીધો છે.
આ ખૂણામાંથી મને અત્યારે તો દેખાય છે
આરસમઢ્યાં પગથિયાં.
પગથિયાંની એક પાર
કાચના દરવાજા
બીજી પાર
સજાવટનો એક ભાગ હોય તેવાં
ખજૂરીનાં ઝાડ
હું કાચના દરવાજાને જોઉં છું
અને ઝાડને પણ.
ખૂણામાં બેઠાં બેઠાં
હું
મનોમન
કોઈક એક પગથિયા પર
ઊભી રહું છું.
મને ખબર નથી
કે
કાચની પેલે પાર
મારા જીવનનો
કોઈ નવો પ્રારંભ હશે
કે
ખજૂરીનાં ઝાડ સાથે
સ્વાભાવિક રીતે જ સંકળાયેલું
રણ હશે ?

( પન્ના નાયક )

…શરુ કર્યું છે-દિવ્યા સોની “દિવ્યતા”

દોડવાની તકલીફ પડતાં જ, મેં ચાલવાનું શરુ કર્યું છે;
વગર હિસાબે વેડફાતી જિંદગી માપવાનું શરુ કર્યું છે !

મશ્કરીઓમાં જે વેડફી, તક ફરી પામવાનું શરુ કર્યું છે,
જાત અનુભવે પકવેલી સલાહ મેં આપવાનું શરુ કર્યું છે.

ઘણું ઘુટ્યું તારું, હવે નામ મારું જ લખવાનું શરુ કર્યું છે,
અનમોલ દર્દ મારું મેં મારા સુધી જ રાખવાનું શરુ કર્યુ છે.

સાંકડા-મન વહેવારો મોકળાશથી શાખવાનું શરુ કર્યું છે,
છૂટે દુનિયા, પણ સિદ્ધાંતે મારા જ જીવવાનું શરુ કર્યું છે.

કળયુગમાં મૃત્યુએ આ માથે આવી નાચવાનું શરુ કર્યું છે,
જોઈશે જ એ અર્થી મેં આજથી શણગારવાનું શરુ કર્યું છે.

(દિવ્યા સોની “દિવ્યતા”)

ન વીજ ચમકી-જયા મહેતા

ન વીજ ચમકી
ન ગડગડાટ થયા
ન પવન ફૂંકાયો
ન વરસ્યું આકાશ સાંબેલાધાર
ને તોયે તણાઈ ગયું વિશ્વ આખું ? !
અહીં ત્યાં સર્વત્ર બધું
ઉજ્જડ વેરાન.
ઝૂલતી ખુરશી પડી છે
સ્થિર
ખાલીખમ
તાકી રહી છે ચાર આંખો
કોરીધાકોર
સૂમસામ ઓરડા.
ઘર જાણે
આખેઆખું ઊભું ઊભું જ
સુકાઈ ગયેલું ઝાડ !

( જયા મહેતા )

-નહીં-સોનલ પરીખ

૧.
બધે બધે ને કશે નહીં
સગડ ક્યાંય પણ હશે નહીં
હૃદય બધાનું થઈ જશે
તોય કોઈનું થશે નહીં

શીખવું તો બસ એક જ આ
હોવું ને ન પણ હોવું
પ્રેમ કરી લેવો પૂરો ને
હળવેથી છોડી જોવું
આકાશ કોઈ આકાર નથી
વાદળની મુઠ્ઠી થશે નહીં.

અંત વગરની સફરનો આ
નાનો શો એક પડાવ ફક્ત
ઈચ્છાઓનો આ ભાર લઈને
દોડ શાને જીવ સતત
આવીને જે આવ્યું નહોતું
તે જઈ જઈને પણ જશે નહીં.

૨.
મૃત્યુ એટલે
દેહની દીવાલ તૂટવી
અને
અંદરના ને
બહારના આકાશનું
એક થઈ જવું.

( સોનલ પરીખ )

ધૂળનો અર્થ-કરસનદાસ લુહાર

વિસ્મયનો રોપ આંખથી નિર્મૂળ થૈ ગયો,
ને ધૂળનો જ અર્થ પછી ધૂળ થૈ ગયો.

એવી ફૂટી સુગંધના સંદર્ભને અણી;
પર્યાયે ફૂલનો હવે તો શૂળ થૈ ગયો.

ખુલ્લાણના ખયાલને જે ટૂંપતો હતો,
એ ઓરડો શેં આજ અનુકૂળ થૈ ગયો ?

જ્યારે નગર શરીર ઉપરથી સરી પડ્યું,
ત્યારે પવન એક પાતળું દુકૂળ થૈ ગયો.

અસ્તિત્વને ઉશ્કેરતું કારણ છે આટલું,
કે, શ્વાસ શ્વાસને જ પ્રતિકૂળ થૈ ગયો !

( કરસનદાસ લુહાર )

પરછાઈ-નઈમ શેખ

જિન્દગાની સાવ હરજાઈ નથી,
તું નથીનો અર્થ તનહાઈ નથી.

ભાગ્ય સામે કર્મની મારી લડત,
સ્વસ્થ સ્પર્ધા છે હરીફાઈ નથી.

તું મળે છે કેટલાં વર્ષો પછી,
કેમ માની લઉં કે મહેંગાઈ નથી.

આંખ મીંચુ તો ય હું ગબડું નહીં,
મારી આજુ-બાજુમાં ખાઈ નથી.

છે બધું સુખદ પરંતુ દુ:ખ છે,
તું નથી ને તારી પરછાઈ નથી.

( નઈમ શેખ )