ક્યાંક-અનંત રાઠોડ “અનંત”

કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક,
નગરનું એક જણ રસ્તો,પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

મને વ્હેલી સવારે એ નદીકાંઠે કોઈ બિનવારસી પેટીમાં મૂકેલી દશા માં હાથ લાગેલી,
ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા પાણીમાં છોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધુયે છે અહિં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને,
બહુ સ્હેલાઈથી એક જણ મને જાણીબુઝીને સાવ અર્ધો ચીત્રમાં દોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉં ને સાંજે તો ફરી એ ત્યાં જ ઊગી જાય છે પાછું,
ગયા ભવનું કોઈ વેરી અજંપાનું લીલુછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક

( અનંત રાઠોડ “અનંત” )

મને હાથમાં લઇને-અનંત રાઠોડ “અનંત”

મને હાથમાં લઇને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભુક્કો કરે છે,
પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે.

મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે સાંભળ,
પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે પછી એ જ ટુકડાનો ડૂમો કરે છે.

નગરની આ રોનકને આંખોમા આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી,
અમારી ગલીનાં વળાંકે ઊભી રહી ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે.

હું ઊભો છું વર્ષો વરસથી અહીં એક મોંઘી જણસ કોઇની સાચવીને,
કોઇ વનમાં વર્ષો વરસથી ગયું છે ને માયાવી મૃગનો એ પીછો કરે છે.

જે તણખા ની વાતો કરે છે સતત એમણે કૈં જ કીધું નથી મેં હજું પણ,
હું છોડીને આવ્યો છું એવા નગરને, હવા પણ જ્યાં આવીને દિવો કરે છે.

( અનંત રાઠોડ “અનંત” )

ગાંઠના પ્રકાર-તુષાર શુક્લ

ગાંઠ બાંધનારા જાણે છે કે ગાંઠના પ્રકાર હોય છે.
એમાં એક ગાંઠ ‘સરકણી ગાંઠ’ કહેવાય છે
એનો ગાળિયો છૂટવાની મથામણમાં વધુ ને વધુ રૂંધાતો જાય છે.
ફાંસીગરનો ગાળિયો, જીવન હરી લે છે.
કેટલીક ગાંઠમાં બંને છેડા એવા છૂટા રખાય છે
કે સહેલાઈથી છૂટી જવાય. સરકી જવાય.

જ્યાં કશુંક તૂટતું હોય અને એને સાચવવું જરૂરી હોય
જ્યાં કશુંક છૂટતું હોય અને એને જાળવી લેવું જરૂરી હોય
ત્યાં ગાંઠ આવકાર્ય છે.

અલબત્ત, ગાંઠ ગાંઠ જ છે.
એને ભૂલો નહિ તો
ગમે તેટલી ઝીણી ગાંઠ પણ ખટક્યા કરે છે.

પતંગરસિકો જાણે છે દોરીમાં જો આવી ગાંઠ આવે તો દોરી
સરકતી અટકે છે ને પેચ કપાય છે.
પવન અનુકૂળ હોય છતાં ય પતંગ કપાવાની પાછળ દોરીમાંની આ ગાંઠ છે.
વર્ષોની ગાંઠે જો વ્યક્તિ બંધાય તો એની ગતિ રૂંધાય
અને
જીવન ગંધાય !

( તુષાર શુક્લ )

એક ઉપયોગ-તુષાર શુક્લ

ગાંઠનો એક ઉપયોગ છે
તૂટતાને, છૂટતાને જોડવા માટે, સાથે રાખવા માટે,
સંબંધાવા માટે.

હિન્દુ વિધિમાં લગ્નપ્રસંગે બંધાતી છેડછેડી
પણ એક ગાંઠ જ છે.
લગ્નગ્રંથિ શબ્દમાં ગ્રંથિ છે જ
લગ્ન એટલે બે જણનું સાથે હોવું.
ગ્રંથિ એટલે એમનું સાથે જોડાવું.
એ જોડે છે, અને છૂટા થતાં રોકે છે.
છેડાછેડીને છૂટાછેડામાં પરિણમતા અટકાવે છે.

ગાંઠનો આ હકારાત્મક ઉપયોગ છે.
પરંતુ કેટલાક સંબંધમાં આ ગાંઠ જ
ગાંઠ પડ્યાની પીડા બની જાય છે.
કોઈક એને છોડવા
કોઈક એને તોડવા
તો કોઈક એને વેંઢારવા મથે છે !

( તુષાર શુક્લ )

આપણને અનુકૂળ-તુષાર શુક્લ

આપણને અનુકૂળ જ આપણને આનંદ આપે છે.
ગ્રંથિના ગોગલ્સ દ્રશ્યને ઈચ્છિત રંગ આપે છે,
અને પ્રકાશને ગાળી નાખે છે.
ભરબપોરે ઢળતી સાંજનો ભ્રમ રચે છે.

સહેજ અમથી પ્રતિકૂળતા મૂંઝવી જાય છે મનને.
ગ્રંથિનું ગણિત લાગણીની ભાષાના પેપરમાં ઓછા માર્કસ અપાવે છે.
ગાંઠ પડે ત્યારે સૌથી પહેલો ભોગ બને છે સહજતા.
સરળતાથી પરોવાવું શક્ય નથી રહેતું,
પછી આપણે કૃત્રિમ બનતા જઈ છીએ.
હોઈએ છીએ જૂદા
દેખાઈએ છીએ જૂદા
સમયાનુસાર, ચહેરા પર મ્હોરા પહેરતા ફાવી જાય છે.
આ ફાવટને આપણે મોટા થવું કહીએ છીએ
અને વર્ષગાંઠને એનો પદવીદાન સમારંભ !

( તુષાર શુક્લ )

વર્ષ પ્રતિ વર્ષ-તુષાર શુક્લ

વર્ષ પ્રતિ વર્ષ બંધાતી ગાંઠ.
આયુષ્ય સાથે સમયની ગાંઠ છે.
જીવનના વૃક્ષ પર એક ઓર પર્ણ ખીલ્યું,
એક ઓર પુષ્પ મ્હોર્યું.
ગાંઠ હોય તો આવી હોય-લીલીછમ.
ગાંઠ હોય તો આવી હોય-સહજ સુરભિત.

પર્ણ કે પુષ્પ વૃક્ષ સાથે ગંઠાતા નથી.
સમયાવધિ એ ખીલે-સમયાવધિએ ખરી પડે.
ખીલવું ને ખરવું-સાવ સહજ !
આપણી ગ્રંથિઓ આપણને સહજ નથી રહેવા દેતી.
ગ્રંથિઓમાં ગંઠાઈ આપણે વિલસવાનું વિસરી જઈએ છીએ.
વિકસવાનું તો શક્ય જ નથી રહેતું.
ગ્રંથિને જ આપણું ગગન માનીને
એમાં આપણી ઈચ્છા મુજબના તારલા ટાંગીને
રચીએ છીએ નક્ષત્રો.
પહેલા બનાવી લઈએ છીએ
આપણી પસંદનું મેઘધનુષ,
ને પછી શોધતા ફરીએ છીએ અષાઢી આકાશ !

( તુષાર શુક્લ )

ગાંઠ ખૂલવા નિમિત્તે-તુષાર શુક્લ

ગાંઠ ખૂલવા નિમિત્તે યાદ કર્યા ગુરુને.
ગુરુ શબ્દનો ગૌરવલોપ થયો છે.
ગુરુ શબ્દનો અર્થહ્રાસ જોવા મળે છે.
હળવીથી માંડીને હલકી વાતોમાં ‘ગુરુ’ શબ્દ !
અયોગ્ય ચાતુરીના અર્થમાં ઉપયોગમાં લેવાય છે.
ગુરુના માનભંગ માટે ગુરુ અને શિષ્ય બંને જવાબદાર.
ગુરુનો સંકીર્ણ અર્થ ગાઈડમાં ફેરવાયો છે.

ગાઈડ અને ગુરુ વચ્ચે ફેર છે.
ગાઈડ દિશા દર્શાવતો નથી, સાથે ફરીને સઘળું બતાવી દે છે.
ગાઈડ કુતૂહલનો શત્રુ છે, ગાઈડ વિસ્મયનો વિરોધી છે.
ગુરુ માત્ર દિશા દર્શન કરાવે છે.
આંગળી ચીંધે છે-જોવાની દ્રષ્ટિ આપે છે.
પછી, આપણી જવાબદારી શરૂ થાય છે.

આપણે સજ્જતા કેળવવાની છે.
હૈયા ઉકલત પ્રમાણે સમજાતું જાય છે.
ગુરુ ઉંબર પર ઊભા રહી જાય છે.
ઓરડે ઓરડે ફરતા-ફેરવતા નથી,
ગુરુએ ઉકેલી ગાંઠ ફરી પડતી નથી !

( તુષાર શુક્લ )

ગાંઠ ઉકેલવી છે ?-તુષાર શુક્લ

ગાંઠ ઉકેલવી છે ?
તો… ગુરુ જોઈએ.
આપણાથી જે ન બને તે ગુરુઆશિષથી બને.
ગુરુ શું કરે છે ?
શિષ્યની ગ્રંથિઓને એક પછી એક ખોલતા જાય છે.
જ્યારે આપણે ગ્રંથિરહિત મુક્ત માનવ બનીએ
ત્યારે આપણે ઈશ્વરની સન્મુખ હોઈએ છીએ.
ગાંઠ હોય ત્યાં સુધી વિમુખ, ગાંઠ છૂટે ત્યારે સન્મુખ !

આપણે ઈશ્વરના ચિત્રમાં
આપણી ઈચ્છાના રંગ પૂરવા વ્યર્થ મથીએ છીએ.
જે ઘડીએ ઈશ્વરની ઈચ્છાને અનુકૂળ બનીએ
એ જ ક્ષણે આપણું આખું અસ્તિત્વ રંગાઈ જાય છે.
પછી મારું-તારું રહેતું નથી. રંગાયેલા સહુ એક જ લાગે છે.

રંગમાં રમમાણ થવાય પછી જ સાચું રંગાયા કહેવાઈએ.
રંગોત્સવનું જ નામ વર્ષગાંઠ !

( તુષાર શુક્લ )

ગાંઠ છૂટે તો-તુષાર શુક્લ

ગાંઠ છૂટે તો દોર ઢીલી થાય,
મોકળાશ વધે. ખુલ્લાપણું આવે. બંધન જાય.
તંગદિલી ઓછી થાય. મુક્તિ અનુભવાય. સત્ય સમજાય.

ગાંઠ છૂટવી સહેલી નથી.
પ્રામાણિક પ્રયત્નથી ઉકલી શકે
એવી દોરને આપણે જ ગૂંચવી મારીએ છીએ.

આપણો ઉત્સાહ, આપણી ઉતાવળ,
આપણી અણસમજ ગૂંચને ગૂંચવે છે.
ને ગૂંચાઈ ગયેલી ગૂંચ જ ગંઠાઈ જઈને ગાંઠ બને છે.

ગૂંચવણને એના આરંભે જ ઉકેલવી જોઈએ.
આ ઉકેલવામાં ઈચ્છા જોઈએ.
નિષ્ઠા જોઈએ-પ્રયત્ન જોઈએ.
સાતત્ય જોઈએ-સમજ જોઈએ.
આવડત જોઈએ.

તો ગૂંચ ગાંઠ બનીને ગંઠાતા પહેલાં જ ઉકલી જાય છે.
સહેલું નથી,
તો, અશક્ય પણ નથી !

( તુષાર શુક્લ )

ગાંઠ એટલે નિર્ણય-તુષાર શુક્લ

ગાંઠ એટલે નિર્ણય.
ગાંઠ વાળવી એટલે નિર્ણય કરવો.
ગાંઠ વળે એટલે દ્રઢ નિર્ણયનો પરિચય મળે.
આ દ્રઢતા હકારાત્મક પરિણામ પણ લાવે.
આ દ્રઢતા નકારાત્મક પરિણામ પણ લાવે.
પણ, એક વાર ગાંઠ વાળી-નિર્ણય કર્યો-
પછી પાછા હઠવું અસંભવ.

ગાંઠ વળે ત્યારે એક નુકસાન એ થાય છે કે
મનની બારીઓ જડબેસલાક બંધ થઈ જાય છે
વૈકલ્પિક વિચારના વાયુનું વહન પણ હવે અસંભવ બને છે.

દ્રષ્ટિનો લેન્સ એક જ ખૂણે ફિટ થઈ જાય છે.
હવે વિષયને અન્ય દ્રષ્ટિકોણથી સમજવા
મન મુક્ત રહેતું નથી.

જેને આપણે આપણી ઈચ્છાથી વાળેલી ગાંઠ માનતા હોઈએ,
એ જ પછી- ગાંઠ પડી ગયાની સ્થિતિ બને છે.
હવે આગ્રહ હઠાગ્રહ બને છે.
ગાંઠ છૂટવાની વેળાની
હવે તો માત્ર વાટ જ જોયા કરવાની !

( તુષાર શુક્લ )