ન આવે-ગૌરાંગ ઠાકર
માગું છું દુઆ કોઈથી વિખવાદ ન આવે,
સંવાદ વગર કોઈ બીજો સાદ ન આવે.
દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે ?
સંગાથમાં તું હોય ને વરસાદ ન આવે.
એવું જો અહીં થાય તો ચિંતાનો વિષય છે,
બે જણને પ્રણયમાં કદી ફરિયાદ ન આવે.
વરદાન હવે એક મને એવું મળે બસ,
આબાદ કે બરબાદ છું એ યાદ ન આવે.
શાયર લખે તો શું લખે આ જિંદગીની વાત,
ગઝલોમાં સીધો આંસુનો અનુવાદ ન આવે.
ક્યારેય ખરીદી ન શક્યું કોઈ મરીઝાઈ,
નહિતર તો મરીઝ કોઈ બીજો એકાદ ન આવે ?
( ગૌરાંગ ઠાકર )