.
સૂર્યવંશી રાજા રામચંદ્રના જ્યેષ્ઠ પુત્ર કુશ દ્વારા નિર્મિત ભવ્ય રામમંદિરના પહેલા જીર્ણોદ્ધાર સુધીની કહાણી આપણે ગઈકાલના એપિસોડમાં જાણી. હવે આગળ…
.
મહાકવિ કાલિદાસે સનાતન હિંદૂ ધર્મમાં એક અજય અને અમર કહી શકાય એવા ગ્રંથનું સર્જન કર્યું હતું, રઘુવંશમ. જેમાં તેમણે રઘુકૂળ વિશેનું વિસ્તૃત અને અત્યંત રસપ્રદ વર્ણન કર્યું છે. કાલિદાસજીના આ ગ્રંથમાં પણ આપણને અયોધ્યામાં શ્રી રામ મંદિર હોવાનો ઉલ્લેખ મળે છે.
.
તો અહીંથી આગળ વધતા ઈસાપૂર્વ ૧૦૦ વર્ષ, જયારે સૂર્યવંશી મહાપ્રતાપી એવા રામચંદ્રજીનો રાજવંશ અયોઘ્યાનું પ્રભુત્વ ગુમાવી ચૂક્યો હતો. તે સમયમાં એવો ઉલ્લેખ મળે છે કે શ્રી રામ મંદિર ખૂબ જર્જરિત અવસ્થામાં આવી પડ્યું હતું. પરંતુ, તે જ સમય દરમિયાન ઉજ્જૈનના રાજવી વિક્રમાદિત્યનું અયોધ્યા પહોંચવાનું થાય છે. વિક્રમાદિત્ય પોતાની સેના સહીત પ્રવાસમાં હોય તેમણે વિશ્રામના આશયથી અયોધ્યામાં થોડો આરામ કરવા વિચાર્યું. ક્યારેક અત્યંત ભવ્યતા ભોગવી ચૂકેલા તે મંદિરની નજીક વિક્રમાદિત્ય પોતાની સેના સાથે આરામ કરી રહ્યા હતા ત્યારે તેમને મંદિરની આસ-પાસના વાતાવરણમાં અત્યંત દિવ્યતાનો અનુભવ થયો. મંદિરની આસ-પાસના વિસ્તારમાં આવી દિવ્યતાનો અનુભવ શા કારણથી? રાજવીને જિજ્ઞાસા જાગી કે આ જગ્યામાં એવું તે શું છે કે જેને કારણે આ ભૂમિ અને તેની આસ-પાસનું વાતાવરણ આટલું નિર્મળ અને દિવ્ય જણાય છે? તેમણે આસ-પાસના બ્રાહ્મણો પાસે તે સ્થાન વિષે જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એમને ખબર પડી કે તેમણે જ્યાં આશ્રય લીધો છે એ સ્થાન, કોઈ ઓર નહિ પણ સ્વયં ભગવાન શ્રીરામના મંદિરનું પ્રાંગણ છે. અને ક્યારેક ભવ્ય મંદિર હતું જે આજે જર્જરિત અવસ્થામાં પહોંચી ચૂક્યું છે. પ્રભુ શ્રી રામમાં અત્યંત ઘનિષ્ઠ આસ્થા ધરાવતા રાજવી વિક્રમાદિત્યએ ત્યારપછી તે મંદિરનો ફરીવાર જીર્ણોદ્ધાર કરાવ્યો.
.
આ રીતે કુશ નિર્મિત તે મંદિરનો બીજીવાર જીર્ણોદ્ધાર થયો. (આ આખીય ઘટનાનું વર્ણન અને ઉલ્લેખ વિક્રમાદિત્યના સમયમાં મળી આવેલા શિલાલેખોમાં છે. કોઈને આ બાબતે શંકા હોય તો ભારતના આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની આર્કાઇવમાં ચકાસી શકે છે.) રાજવી વિક્રમાદિત્યએ જીર્ણોદ્ધાર દ્વારા ફરી એકવાર કાળા પથ્થરોથી એક ભવ્ય મંદિરની સ્થાપના કરી જે ૮૪ વિશાળ સ્તંભો પર ઉભું કરવામાં આવ્યું. એ કહેવાની જરૂર નથી કે ત્રેતાયુગમાં સ્થપાયેલા એ મંદિરને બે યુગ જેટલો સમય વીતી ચૂક્યો હતો. અર્થાત, ત્રેતાયુગ બાદ દ્વાપર યુગ પૂર્ણ થઇ ચૂક્યો હતો અને કળિયુગની સ્થાપના થઇ ચૂકી હતી. આ યાદ કરાવવાનું કારણ એટલું જ કે શ્રી રામના મંદિરને આ સમય સુધીમાં કેટલા વર્ષો થયા હશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.
.
૬૩૦મી સદીમાં બૌદ્ધ ધર્મનો અનુયાયી એવો એક ચીની યાત્રી હેનત્યસાંગ ભારત આવે છે. પોતે જે ધર્મને અનુસરે છે તેના ગુરૂના જન્મસ્થાન અને જ્ઞાન પ્રાપ્તિ સ્થાનની મુલાકાત દરમિયાન તેણે જોયેલી બાબતો વિષે પોતાના પ્રવાસ વર્ણનમાં તે લખે છે, અયોધ્યા આસ-પાસ લગભગ ૨૦ જેટલા બૌદ્ધ મંદિરો છે. જેમાં ૩૦૦૦ કરતા પણ વધુ બૌદ્ધ ભિક્ષુકો રહે છે. તેમના પ્રવાસ વર્ણનના લેખમાં જ તેઓ આગળ લખે છે. અહીં એક વિશાળ અને ભવ્ય મંદિર છે. જ્યાં હજારોની સંખ્યામાં હિંદૂ ભક્તો દર્શન માટે આવે છે. હેનત્યસાંગ દ્વારા વર્ણિત એ મંદિર બીજૂ કોઈ નહિ પરંતુ, અયોધ્યા સ્થિત વિક્રમાદિત્ય દ્વારા જીર્ણોદ્ધાર કરાયેલું રામમંદિર જ હતું.
.
૧૨મી શતાબ્દી, ભારતના એક મહાદ્રોહી જયચંદને પાપે મહોમ્મદ ઘોરીએ ભવ્ય ભારત વર્ષ પર આક્રમણ કર્યું અને તે સમયે મહોમ્મ્દ ઘોરીનો ચમચો એવો જયચંદ કન્નોજથી અયોધ્યા આવ્યો. તેણે આ મંદિર પર લગાડેલા પ્રશસ્તિપત્ર અને શિલાલેખો પરથી વિક્રમાદિત્યનું નામ હટાવી પોતાના નામની તકતીઓ અને પ્રશસ્તિપત્રો લગાવડાવી દીધા.
.
મંદિરના સ્થાપત્ય અને મંદિર સાથે સંકળાયેલા ઇતિહાસમાં આ રીતે પહેલીવાર છેડખાની અહીંથી શરૂ થઇ. અને કરી કોણે? ભારતવર્ષમાં ઇસ્લામિક આતંકીઓના પગપેસારા માટે જવાબદાર એવા મહોમ્મ્દ ઘોરીના ચમચા જયચંદે. મહોમ્મ્દ ઘોરીના એ આક્રમણ પછી ભારત સતત ૨૦૦ વર્ષ સુધી મુસ્લિમ આક્રમણકારીઓના આક્રમણ સહેતુ રહ્યું. લૂંટફાટ અને બળજબરીએ ધર્મપરિવર્તન તો તેમના અત્યાચાર અને પાશવી કૃત્યોની લાંબી યાદીમાં આવતા માત્ર બે નાના પડાવો છે. તે સિવાય સ્ત્રીઓ સાથે બળજબરી, બળાત્કાર, સ્ત્રીઓનું વેચાણ, ગુલામ બનાવવી, બાળકોને અનાથ કરવા, તેમની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કાર્ય આચરવું, પુરુષોને હીજડા બનાવી દેવા, તેમના જનાનખાનામાં સેવક તરીકે રાખવાથી લઈને તે ઇસ્લામિક સાશકો કે જે મૂળ તો લૂંટારુઓ અને અત્યાચારી હતા. તેમના મળમૂત્ર સાફ કરવા સુધીના જુલ્મો ભારતની પ્રજા પર આચરવા જેવા અનેક ધૃણાસ્પદ જુલ્મો એક સનાતન ધર્મી રાષ્ટ્રએ સહન કરવા પડ્યા.
.
આટલા જુલ્મો અને અત્યાચાર છતાં, ૧૪મી સદી સુધી મહારાજા વિક્રમાદિત્ય દ્વારા જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલું તે મંદિર જેમનું તેમ તેના ભવ્ય ઇતિહાસ સાથે ઉભું હતું. ૧૪મી શતાબ્દીમાં ઇબ્રાહિમ લોધીના સાશનકાળ સુધી આ મંદિર અયોધ્યામાં સ્થાપિત હોવાના અનેક પ્રમાણો મળે છે. ત્યારબાદ આવી ૧૫૨૬નું એ વર્ષ જ્યારે પાણીપતનું યુદ્ધ લડાયું. ઇબ્રાહિમ લોધીનું મૃત્યુ થયું અને બર્બર ઓહ સોરી બાબર દ્વારા મુગલ સામ્રાજ્યનો પાયો નાખવામાં આવ્યો. આપણે ભણતા હતા ત્યારે જે અકબરનો ઇતિહાસ આપણને “મહાન અકબર” તરીકે ભણાવવામાં આવ્યો હતો તે જ હીપોક્રેટ અકબરનો પૂર્વજ એવા બાબરનો સાશનકાળ આવ્યો. અને શરૂ થયું અત્યાચારનો એ દૌર જે અત્યારસુધીના જુલ્મો અને અત્યાચારથી સાવ અલગ હતો. એક એવો દૌર જે અત્યંત ધૃણાસ્પદ, નિમ્નકક્ષાનો અને પાશવી હતો. અત્યારસુધીના બાહરી આક્રમણકારો, હિંદૂ રાજવીઓ, ઘરો અને સાથે અત્યંત પવિત્ર અને આસ્થાનું સ્થાન એવા મંદિરોને લૂંટતા હતા. અને એ બધી લૂંટેલી મિલકત પોતાના મુલ્કમાં લઇ જતા હતા. પરંતુ, બાબરના સાશનકાળની શરૂઆતના સમયની આસ-પાસ હવે શરૂ થયો તોડફોડ, આતંક અને જોર જબરદસ્તીનો એક એવો દૌર કે જેને કારણે આ દેશની પ્રજા વર્ષો સુધી ભયભીત રહેવાની હતી. દબાયેલી, કચડાયેલી માનસિકતાનો શિકાર થઇ જવાની હતી. સંસ્કૃતિનું નખ્ખોદ કાઢી નાખવાની આ પૂર્વતૈયારી રૂપે ભારતના અનેક મંદિરો તોડી નાખવાનો પાશવી દૌર શરૂ થયો.
.
બર્બર સાશક બાબરે અયોધ્યાનું મહિનાઓ પુરાણુ નહિ, વર્ષો પુરાણુ પણ નહિ, પરંતુ યુગો પુરાણુ પ્રભુ શ્રી રામનું મંદિર તોડી પાડવાનું રીતસર એક અભિયાન ચલાવ્યું. ૧૫૨૭નું એ કાળમુખુ વર્ષ કે જ્યારે હરામખોર, પરદેશી લૂંટારા બાબરે અયોધ્યાનું રામમંદિર તોડી પાડવાનું ફરમાન બહાર પાડ્યું. અને અહીંથી શરૂ થયો મંદિર બચાવી લેવાના ભગ્ન પ્રયત્ન રૂપે એક એવા વણથંભ્યા યુદ્ધનો જેનો ક્યારે અંત આવશે તેની કદાચ ઇતિહાસના એ પાનાઓને પણ નહોતી ખબર.
.
૧૫૨૭ની સાલમાં બાબરે ફરમાન બહાર પાડ્યું અને ૧૫૨૮ની સાલમાં બાબરનો સેનાપતિ મીર બાકી તેને તોડી પાડવા માટે અયોધ્યા પહોંચ્યો. તે સમયે મંદિરના મુખ્ય મહંત તરીકે હતા, શ્યામાનંદજી! શ્યામાનંદજી કોઈપણ ભોગે આ મંદિર તૂટે એ સાંખી લેવા તૈયાર નહોતા. આથી તેમણે ભીટીના રાજા માહતાબસિંહ બદ્રીનાથને મદદે આવવા તેડૂં મોકલાવ્યું. તે સમયે બુલેટ ટ્રેન કે સોનિક સ્પીડ કાર્સ કે બાઈક્સ તો હજી હતા નહિ. આથી મહારાજ બદ્રીનાથને મદદ માટે આવતા સમય લાગવાનો છે તે અયોધ્યાવાસીઓને ખબર હતી. એવા સમયે અયોધ્યાથી લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલા સનેથૂ ગામમાં રહેતા પંડિત દેવીનંદન પાંડેએ તમામ સ્થાનિક લોકોને ભેગા કર્યા. બધાને હાકલ નાખી પ્રભુ શ્રીરામના મંદિરને બચાવી લેવા માટેની. બધાય સ્થાનિક લોકો એકત્ર થયા અને તેમણે મીર બાકીની સેના સામે બાથ ભીડવાની બહાદૂરી કરી લેવાનું નક્કી કર્યું. બર્બર મુગલીયો બાબર અને તેના સેનાપતિની વિશાળ સેના સામે બિચારા સ્થાનિક બ્રાહ્મણો અને બીજા સામાન્ય લોકો ક્યાં સુધી અને કેટલું લડી શકે! તે યુદ્ધમાં સામેલ એકે-એક સ્થાનિક વીર સ્ત્રી-પુરુષો મૃત્યુને ભેટ્યા, વીરગતિ પ્રાપ્ત કરી!
.
અને અહીંથી શરૂઆત થઇ અયોધ્યામાં સ્થિત સ્વયં રામપુત્ર દ્વારા મૂળ નિર્મિત એવા રામ મંદિર માટેના પહેલા યુદ્ધની. હિંદૂઓના રાષ્ટ્રમાં હિંદૂઓના મંદિરના અસ્તિત્વ માટે કરવા પડેલા અનેક યુદ્ધોમાંનું એક એટલે ૧૫૨૮ની સાલમાં મીર બાકીની સેના સામે શ્રદ્ધાળુ સામાન્ય જનતાનું પોતાના ઇષ્ટદેવના મંદિર માટેનું યુદ્ધ.
.
*રામ મંદિર માટે થયેલા આ પહેલા યુદ્ધની વાત દ્વારા આજના આ લેખને અહીં વિરામ આપીએ. વધુ વાત આવતીકાલે…*
.
( આશુતોષ ગીતા દેસાઈ )