.
સામી છાતીએ વીરગતિને વ્હાલી કરનારા એ સ્થાનિક વીરો, જેમને નહોતી ખબર કે, ભવિષ્યમાં પોતાની ભવ્ય સંસ્કૃતિ ભૂલાવી દેનારા નમાલા થઇ ગયેલા અને અહિંસાનો પાઠ ભણનારા હિંદૂઓ, તેમને ભૂલાવી દેવાના છે. શ્રીહરિના અવતાર એવા મહાપરાક્રમી રાજવી પ્રભુ શ્રીરામ પ્રત્યેની અમારી શ્રદ્ધા અને આસ્થાને હૃદયમાં રાખી અમે જે યુદ્ધ લડ્યા છીએ તે અમારું બલિદાન પણ ભૂલાવી દેવાના છે. પણ ના, કમ સે કમ આપણે તો તેમને નહિ ભૂલાવીએ… સનાતન ધર્મનો સાચો ઇતિહાસ જાણવાની જિજ્ઞાસા રાખી વાંચશું, જાણશું, પ્રશ્નો ઉઠાવશું અને ખોટા આક્ષેપો કરનારાને નિઃશંક ડારશું પણ ખરા જ… તો ચાલો બે એપિસોડ્સમાં થોડી વિગતો જાણ્યા બાદ હવે ત્રીજા એપિસોડ તરફ આગળ વધીએ…
સ્થાનિકોની લાશો જોઈ પોરસાતા બાબરના સેનાપતિ મીર બાકી સામે યુદ્ધ લડવા માટે હવે મહારાજ બદ્રીનાથ અયોધ્યા પહોંચી ચૂક્યા હતા. વાત આખાય કૌશલ પ્રદેશમાં ફેલાઈ ચૂકી હતી. આથી બદ્રીનાથજીની સેના સાથે તે યુદ્ધમાં ઉતરવા માટે અયોધ્યાની આસ-પાસના બીજા અનેક સામાન્ય લોકો પણ જોડાયા. પરંતુ, પાશવી મુસ્લિમ સાશકની તે વિશાળ સેના સામે બદ્રીનાથજીની સેનાનું સંખ્યાબળ ઓછું હતું આથી વીરતાપૂર્વક લડવા છતાં તે યુદ્ધમાં તેમની હાર થઇ.
.
અયોધ્યાની આસ-પાસના વિસ્તારના સામાન્ય લોકો પણ બદ્રીનાથજી મહારાજ સાથે યુદ્ધમાં જોડાયા છે તે વાત આગની જેમ આજૂ-બાજૂ ફેલાવા માંડી. એક ક્ષત્રિયનું લોહી ઉકળી નહિ ઉઠે તો બીજૂ શું થાય? ૧૫ જ દિવસ બાદ હંસવરના મહારાજા રણવિજય સિંહ મંદિરની રક્ષા કરવા માટે અગ્રેસર થયા. મહાન વીર એવા હંસવરના એ રાજવીને ખબર હતી કે દુશ્મનની વિશાળ સેના સામે તેમની નાની સેના ઝીંક નહિ ઝીલી શકે. છતાં પોતાના ૧૦૦૦ સૈનિકોની સેના લઈ રણવિજય સિંહ રામ મંદિરના તે પ્રાંગણ નજીક આવી ચઢ્યા. મીર બાકીને લલકારતા તેમણે કેસરિયા કર્યા અને હિંદૂઓના દુર્ભાગ્યે તેઓ પણ વીરગતિ પામ્યા.
.
આ આખાય લોહિયાળ ઇતિહાસની કથા વિષે કહેવાતા ઈન્ટલેકચૂઅલ્સમાંના કોઈપણ નબીરા કે નબીરીને શક હોય તો, લખનૌ ગેઝેટિયરમાં લખાયેલો ઇતિહાસ ચકાસી શકે છે. જેમાં લખ્યું છે કે, તે સમયે અંદાજે ૧,૭૪,૦૦૦ જેટલા હિંદૂઓ મંદિરની રક્ષા કરતા-કરતા શહિદ થઇ ગયા હતા. પોણા બે લાખ બાહોશ શ્રદ્ધાળુઓનો જીવ લીધા બાદ મીર બાકી આખરે પ્રભુ શ્રી રામનું એ મંદિર તોડી પાડવામાં સફળ થયો. એ મંદિર જે સ્વયં શ્રી રામચંદ્રજીના પુત્ર કુશે બંધાવ્યું હતું, એ જ મંદિર જે મહારાજ પુષ્યમિત્ર શુંગ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, એ જ મંદિર જેનો પુનઃ જીર્ણોદ્ધાર મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યો હતો.
.
હિંદૂ રાષ્ટ્રમાં હિંદૂઓની શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ એવું મંદિર, જે માત્ર કોઈ ભગવાનનું મંદિર નહોતું. પરંતુ, ભવ્ય ભારતના ભવ્યાતિ ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવંત સ્વરૂપ હતું. તે હવે તૂટી ચૂક્યું હતું. પાશવી નરાધમો આ કૃત્ય દ્વારા એક અમાનુષી આનંદ લઇ રહ્યા હતા. મંદિર તૂટ્યું અને બાબરના સેનાપતિ મીર બાકીએ ત્યાં પહેલીવાર એક મસ્જિદનો ઢાંચો બનાવડાવ્યો. કુદરતની બલિહારી જૂઓ કે, હિંદુઓનું જે મંદિર તોડી મીર બાકીએ મસ્જિદ બનાવડાવી તેનું નામ શું રાખ્યું? મંદિરના કાટમાળ પર મંદિરના જ સ્તંભો દ્વારા બનેલી તે મસ્જિદને નામ આપવામાં આવ્યું, “મસ્જિદ-એ-જન્મસ્થાન” અર્થાત, જન્મસ્થાનની મસ્જિદ. એટલું જ નહિ, આ મસ્જિદ બનાવી ત્યાં તેણે કોતરણી કરાવી તકતી પર એક સંદેશ લખાવ્યો. “મહાન બાબરના આદેશ પર દયાળુ મીર બાકીએ ફરીશ્તોની આ જગ્યાને મુક્કમલ સ્વરૂપ આપ્યું છે!” કોઈને સમજાય છે, આ સંદેશ વાક્યમાં “ફરિશ્તા” કોને કહેવાયું હશે? જી હા, પ્રભુ શ્રી રામચંદ્રજી માટે શબ્દ વપરાયો હતો “ફરિશ્તા!” અર્થાત તેમણે મંદિર તો તોડી પાડ્યું, ત્યાં મસ્જિદ પણ બનાવી લીધી. પરંતુ, ક્યાંક એ દૈત્યોનો પણ આત્મા ડંખ્યો હશે કે જે તેમને ફરિશ્તાનો ઉલ્લેખ કરવા પર મજબૂર કરી રહ્યો હતો. આ રીતે જે નરાધમે આ મંદિર તોડ્યું તેનું પોતાનું પણ માનવું હતું કે, તેણે જે સ્થાને મસ્જિદ બનાવડાવી છે તે પ્રભુ શ્રી રામનું જન્મસ્થાન હતું. ત્યારબાદ પાછળથી આ જ મસ્જિદને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવી.
.
પરંતુ, તે સમયના બાહોશ હિંદૂઓનું લોહી હજી આપણા જેટલું ઠંડુ નહોતું પડી ગયું. ના તેમને ‘અહિંસા પરમો ધર્મ’ની જુઠ્ઠી અને સ્વનો વિનાશ નોતરનારી જડીબુટ્ટી પીવડાવવામાં આવી હતી. તેથી જ મંદિર તૂટી ગયું હોવા છતાં તે માટેનો સંઘર્ષ હજીય ચાલૂ રહેવાનો હતો. મીર બાકી સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા મહારાજા રણવિજય સિંહની વિધવા રાણી જયરાજ કુમારી હંસવર હવે મેદાને પડવાની હતી. વિચાર કરો આ એ જ દેશ છે જ્યાં આજે પણ હજી સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીને થતા અન્યાય માટેની વાતો ચાલે છે. એ જ દેશની એક વીરાંગના રાણી જયરાજ કુમારી હંસવરે શ્રી રામ મંદિરને દુશ્મનોથી મુક્ત કરાવવા માટે ૩૦૦૦ વીરાંગનાઓની એક સેના બનાવી. એટલું જ નહિ કોઈ તાલીમબદ્ધ સશસ્ત્ર સૈનિકોની સેનાને પણ શરમાવે તે રીતે તેમણે કેટલાય દિવસો સુધી વીરાંગનાઓની તે ટૂકડી સાથે મળી દુશ્મનો સામે છાપામાર યુદ્ધ ખેલ્યું. કોઈ ધારણા મૂકી શકો તેઓ દુશ્મનો સામે આ યુદ્ધ ક્યાં સુધી લડ્યા હશે? પણ એનો જવાબ મેળવવા પહેલા એ જાણી લઈએ કે છાપામાર યુદ્ધ એટલે શું?
.
છાપામાર યુદ્ધ શૈલી એ ગુપ્ત યુદ્ધકળાનો પ્રકાર છે. જેમાં, દુશ્મન સાથે યુદ્ધ મેદાનમાં સામ-સામે યુદ્ધ લડવામાં નથી આવતું. મુખ્યત્વે આ શૈલી ત્યારે અપનાવવામાં આવે છે જયારે દુશ્મનની સેના પોતાની સેના કરતા વધુ વિશાળ અને શક્તિશાળી હોય. શત્રુને અચાનક હુમલા દ્વારા અચંબિત કરી નાખનારી, છૂપાઈને હુમલો કરવાની આ યુદ્ધકળા છે. રાણી જયરાજ કુમારી હંસવરની ૩૦૦૦ વીરાંગનાઓની તે સેના આ યુદ્ધ બાબરના મૃત્યુ પછી હુમાયુના સાશનકાળ સુધી લડતી રહી હતી.
.
દેશની એક વિધવા ક્ષત્રિયાણી જ્યારે ૩૦૦૦ સ્ત્રીઓ સાથે હાર્યા અને થાક્યા વિના આટલા લાંબા સમય સુધી યુદ્ધ કરી શકે તો ઈશ્વર વંદનામાં જીવન વિતાવતા સંતો કેમ નહિ! તે સમયમાં સ્વામી મહેશ્વરાનંદ નામના એક સન્યાસીએ બીજા અનેક સન્યાસીઓને ભેગા કર્યા અને રાણી જયરાજ કુમારીની સેનાને મદદ કરવા માટે તેમની સાથે મળી યુદ્ધમાં જોડાયા. “યુદ્ધ” જે આજ સુધી ક્ષત્રિય પુરુષોનો વીરતાધર્મ ગણાતું હતું તે હવે સ્ત્રીઓ અને ભારત દેશના સન્યાસીઓ લડી રહ્યા હતા. શા માટે? કારણ કે પાશવી શત્રુએ ઈશ્વર વંદનાનું સ્થળ તોડી પાડવાની હિંમત કરી હતી.
.
થાક્યા અને હાર્યા વિના કેટલાંય લાંબા સમય સુધી ચાલતા રહેલા આ યુદ્ધનું આખરે પરિણામ એ આવ્યું કે, રાણી જયરાજ કુમારી હંસવરે, મહેશ્વરાનંદ સ્વામી સાથે મળી રામ મંદિર મુગલોના ચુંગલમાંથી મુક્ત પણ કરાવી લીધું. અર્થાત મંદિર હવે ફરી એકવાર હિંદૂ ભક્તોનું પ્રાર્થના સ્થાન બની ચૂક્યું હતું. પરંતુ, એક સ્ત્રી અને એક સન્યાસી આ રીતે જીતી જાય એ વાત કોઈ નરાધમ સાશક કઈ રીતે ચલાવી લઇ શકે? હુમાયુએ તેને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી લીધો અને તે મંદિર કે જે તેને માટે તો એક મસ્જિદ હતી તે પાછી મેળવવા માટે તેણે પોતાની પૂર્ણ સૈન્યશક્તિ કામે લગાડી દીધી. વિશાળ પાશવી મુગલ સેના સામે ફરી એકવાર હિંદૂઓની નાના સૈન્યબળવાળી સેના હારી ગઈ અને ફરી એકવાર મંદિરનો જે હવે મસ્જિદ બની ચૂકી હતી, તેનો હવાલો કે કબ્જો મુગલો પાસે ચાલી ગયો.
.
રામ જન્મભૂમિ સ્થળ અને મંદિર આ રીતે ફરી એકવાર અનિધિકૃત અને અન્યાયી પગલાંઓ દ્વારા જુલ્મી વિધર્મીઓ પાસે જાતે રહ્યું તેના અફસોસ સાથે આજની વાતને અહીં વિરામ આપીએ, આગળની વાત આવતીકાલે.
.
*નિવેદન -*
આ આખીય શૃંખલા વાંચતી વેળા મનોમન એ હિસાબ રાખતા રહેજો ખરાં કે આપણી સંસ્કૃતિ અને શ્રદ્ધાના સંવર્ધન હેતુ આ એક મંદિર માટે કૂલ કેટલા યુદ્ધો લડાયા હતા અને તેમાં કેટલાં હિંદૂઓએ પોતાનો જીવ આપી દઈ બલિદાન વ્હાલું કર્યું હતું. કારણ કે, લોકો તમને એવું કહેનારા મળશે કે, હિંસા અને વેરનો ભૂતકાળ યાદ રાખવા કે યાદ કરવાથી તમે પણ તેવા જ બની જાવ છો. તેમને ભવિષ્યમાં તમારે કહેવું પડશે કે, જે પ્રજા પોતાનો ભૂતકાળ ભૂલાવી દે છે તે કાળક્રમે નામશેષ થઇ જાય છે.
વિશ્વના કોઈપણ મહાન દેશ કે મહાન સંસ્કૃતિ વિષે જેમણે થોડોઘણો પણ અભ્યાસ કર્યો હશે તેમને ખબર હશે કે, તે જ દેશ અને પ્રજા પોતાનું સ્થાન જાળવી રાખી શકી છે જે પોતાનો ઇતિહાસ નથી ભૂલી. બાકીના અનેક એવા રાજ્યો, દેશ, ધર્મ અને પ્રજા સમયની ગતિમાં વિલીન થઇ આજે ભૂલાઈ ચૂક્યા છે. તેમનું અસ્તિત્વ નામશેષ થઇ ચૂક્યું છે.
.
*વધુ આવતીકાલે…*
.
( આશુતોષ ગીતા દેસાઈ )