.
૨૨મી જાન્યુઆરી, ૨૦૨૪ની આપણે બધા અત્યંત ઉત્સાહ અને ઉમળકા સાથે રાહ જોઈ રહ્યા છીએ. પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરમાં રામચંદ્રજીની મૂરતની પ્રાણપ્રતિષ્ઠા થશે. અયોધ્યા આ રામ મંદિરને કારણે આખાય વિશ્વમાં જાણીતી બનશે એવી કોઈને ભ્રાંતિ હોય તો કહી દેવું જોઈએ કે, અયોધ્યા આજથી નહિ પુરાણોકળથી, યુગોથી જાણીતી હતી જ. બસ વર્ષોથી ઇરાદાપૂર્વક આપણા આ સાંસ્કૃતિક વૈભવને દબાવી દેવાના, બીભત્સ બનાવી દેવાના, મજાક, મશ્કરીનું સાધન બનાવી દેવાના પ્રયત્નો થતા રહ્યા. જેને કારણે થોડી ધૂળ આ ભવ્ય સ્થળના નામ પર ચઢી ગઈ હતી જે હવે ખંખેરાશે. તે જ રીતે આપણા બધાના માનસપટલ પર પણ જે ખોટી જાણકારી, માન્યતાઓ અને માહિતીઓની ધૂળ હમણાં સુધી જામેલી રહી છે તેને હવે આ ટૂંકી શ્રુંખલા દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરીએ.
.
શ્રી હરિના અવતાર રામજીનું જન્મસ્થાન એટલે અયોધ્યા, રાજવી તરીકે જ્યાં તેમણે ઈશ્વરીય વાતાવરણનું સર્જન કર્યું તે અયોધ્યા, ધર્મયુક્ત રાજ કરી રાજધર્મના સટીક અને સાચા દ્રષ્ટાંતો ઉભા કર્યા તે અયોધ્યા. આપણો અપ્રતિમ દૈવત્વપૂર્ણ ઇતિહાસ જ્યાં રચાયો તે અયોધ્યા. આ શૃંખલા શરૂ કરવાનું એક કારણ એ છે કે, ઘણાં બુદ્ધિજીવીઓએ વર્ષોથી એવી દલીલો કરી છે કે, ધર્મમાં એટલું જ માનતા હોવ તો તમારે ત્યાં મંદિર બનાવવાની જ જીદ્દ શું કામ કરવી છે? હોસ્પિટલ કે શાળા બનાવો જેથી હજારો લોકોને તેનો ફાયદો થાય. મંદિર જ બનાવવું હોય તો અહીં જ બનાવવું એવી જીદ્દ શું કામ કરો છો? મંદિર તો બીજે ગમે ત્યાં બની જ શકે છે. કોઈ બીજા ધર્મનું પ્રાર્થના સ્થાન ઇદગાહ જેવા પવિત્ર સ્ટ્રકચરને તોડી પાડી ત્યાં મંદિર બનાવવું એ કેવી પાશવી વૃત્તિ કહેવાય? તમારો ધર્મ તમને શું આ જ શીખવે છે? જો હા તો, આવો ધર્મ શું કામનો જે હિંસા કરી કોઈકની ભાવનાઓને આહત કરી સ્વમંદિર સ્થાપના શીખવે! આવા આક્ષેપો કે દલીલોની યાદી બનાવવા જઈએ તો એક અલાયદી બીજી શૃંખલા બની શકે. પરંતુ, આવા બધા જ આક્ષેપો, દલીલો અને તર્કોને હવે આ શૃંખલા પછી આપણે એટલું જ કહેવાનું કે, આ સો ટચ સોના જેવી સાચી હકીકત (પુરાવાઓ સાથે) વાંચી જજો, જાણી લેજો પછી અમારે નહિ પણ તમારે જ કશુંય કહેવા જેવું નહિ રહે.
.
તો શરૂ કરીએ, અયોધ્યાના રામમંદિરનો સાચો છતાં અજાણ્યો ઇતિહાસ. રામચંદ્રજીના રાજ્યાભિષેકથી લઈને આજના વર્તમાન દિવસ સુધીની એકે એક માહિતી સાથે. રામચંદ્રજીના જીવન અને રામાયણ અંગે પણ અનેકવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉઠતા રહ્યા છે. કારણ કે આ બંને બાબતોને તોડી મરોડીને, સુધારા-વધારા-ઉમેરા કરીને બગાડવાના, બદનામ કરવાના અનેકાનેક પ્રયત્નો થયા છે. પરંતુ, મારી દ્રષ્ટિએ સચોટ અને સટીક મૂળ વાલ્મિકી રામાયણ (છેડછાડ થયા વિનાનું ઓરીજીનલ) છે.
.
વાલ્મિકી રામાયણમાં આપણને સ્પષ્ટ અને વિસ્તૃત વર્ણન મળે છે કે, શ્રીરામચંદ્રજીનો જન્મ મહારાજા દશરથના ઘરે અયોધ્યા નગરીમાં થયો હતો. આ અયોધ્યા નગરી એટલે એક સમયે કૌશલ રાજ્યની રાજધાની. જેની સ્થાપના વૈવસ્વત મનુએ સ્વયં કરી હતી. ત્યારબાદ સમય વીતતા તેમના પુત્ર ઈક્ષ્વાકુએ અયોધ્યાને પોતાના રાજ્યની રાજધાની બનાવી. જેના વંશજ રાજવી દશરથે (બ્રહ્માજીથી લઈને રાજા દશરથની આજસુધીની આખીય વંશાવલી કોઈએ જાણવી હોય તો એ પણ આ લખનાર પાસે ઉપલબ્ધ છે.) અયોધ્યા પર ૬૦ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યારબાદ, વનવાસથી પાછા ફરેલા દશરથ પુત્ર અને શ્રીહરિના અવતાર શ્રી રામનો રાજ્યાભિષેક થયો અને રાજવી તરીકે રાજ્યનો કારભાર તેમણે સંભાળ્યો. રામચંદ્રજીના રાજ્યાભિષેક પછી તેમણે ૧૧ હજાર વર્ષો સુધી અયોધ્યા નગરી પર રાજ્ય કર્યું હતું. (જેના લિખિત પુરાવા રામાયણમાં મળે છે અને અનેક આર્કિયોલોજીકલ પુરાવાઓ પણ મળી ચૂક્યા છે.)
.
૧૧ હજાર વર્ષો રાજ કર્યા બાદ જ્યારે રામચંદ્રજીએ પોતાની લીલાઓ સંકેલી લઇ સરયૂ નદીમાં નિર્વાણ લેવાનો નિશ્ચય કર્યો ત્યારે તેમણે પોતાના અધિકારની બધી જમીન એટલે કે રાજ્ય પોતાના સંતાનો કુશ અને લવને અને પોતાના ત્રણ ભાઈ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના બે-બે પુત્રોને સરખે ભાગે વહેંચી દીધી.
.
મુખ્ય અયોધ્યાનું રાજ્ય રામજીના સૌથી મોટા દીકરા કુશને મળ્યું. બાકીના લવ અને ત્રણ ભાઈઓના સંતાનોના વંશ ત્યારબાદ લાંબો સમય સુધી આગળ નહિ વધ્યા અને તેમના કૂળનો અંત આવતો ગયો. પરંતુ, કુશનો વંશ ખૂબ આગળ વધ્યો. (એટલો કે આજે પણ તેમના વંશજ જીવિત છે. અને તમે નહિ માનો પણ ભારતના એક રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે હમણાં તેઓ રાજ્યનો કારભાર સંભાળી રહ્યા છે.) એટલું જ નહિ કુશે પોતાના સાશનકાળ દરમિયાન પોતાના રાજ્યની સીમા પણ અત્યંત વિશાળ કરી. અયોધ્યાથી શરૂ થયેલા રાજ્યની હદ છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરી. (વિશ્વ આખું જેને હિંદુકુશની ઘાટી અથવા હિંદુકુશની પર્વતમાળા કહે છે તે નામ કોના નામ પરથી પડ્યું એ સમજી શકો છો!)
.
અને અહીંથી શરૂ થાય છે, અયોધ્યાના રામમંદિરનો ભવ્ય ઇતિહાસ. પ્રભુ શ્રીરામચંદ્રજીએ જ્યારે પોતાની લીલાઓ સંકેલી લઇ નિર્વાણ લીધું ત્યારબાદ અયોધ્યાનું વાતાવરણ અને ત્યાંના લોકો પ્રભુની ગેરહાજરીમાં અત્યંત ઉદાસ રહેવા લાગ્યા. આખાય રાજ્યનું વાતાવરણ જાણે બોઝિલ થઇ ગયું. અને તે સમયે સ્વયં શ્રીરામના પુત્ર કુશે અયોધ્યામાં પહેલીવાર રામ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એટલું જ નહિ, આ મંદિર એ જ સ્થળે બંધાયું, જ્યાં આજે ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થયું છે. પ્રભુ શ્રીરામનું જન્મસ્થાન. અર્થાત આજે જે મંદિર બંધાયું છે તેનો પાયો વાસ્તવમાં તો ત્રેતાયુગમાં નંખાયો હતો અને બન્યું હતું એક ભવ્યાતિભવ્ય રામમંદિર. તે પણ કોના પ્રયત્ન, નિર્ણય અને હસ્તકમળોથી? સ્વયં રામપુત્ર કુશના!
.
કુશના રાજ્યકાળ બાદ તેમની ૩૧ પેઢીઓએ કૌશલરાજ્ય પર સાશન કર્યું અને આ દરેક રામવંશના સાશનકાળ દરમિયાન અયોધ્યા જ તેમની રાજધાની રહી હતી. હા એ વાત સાચી કે ૩૧મી પેઢી આવતા સુધીમાં રામવંશ એટલે કે સૂર્યવંશીઓનું પ્રભુત્વ અને પરાક્રમતા તેવી નહોતી રહી જેવી રામચંદ્રજીના રાજ્યકાળ દરમિયાન હતી. છતાં, તેવા સમયમાં પણ કૌશલરાજ્ય એક અત્યંત શક્તિશાળી રાજ્ય તરીકે તો સ્થાપિત હતું જ અને તેની પ્રતિષ્ઠા મહાજનપદ તરીકેની જ રહી હતી. આ સમય સુધી (૩૧ પેઢીઓ સુધી) કુશે બનાવડાવેલું રામ મંદિર એટલી જ ભવ્યતાથી સ્થાપિત હતું.
આ સમયબાદ રામજીની ૩૨મી પેઠીમાં એક એવો રાજવી થયો જેણે સનાતન ધર્મના બીજા મહાકાવ્ય એવા મહાભારતના યુદ્ધમાં પોતાનું કૌશલ દેખાડ્યું હતું અને કૌરવો તરફથી લડ્યા હતા. (આ આખીય કહાણી જાણવી હોય તો મારી અધિકની લેખમાળામાં તમને મળી રહેશે.) મહાભારતના યુદ્ધમાં સૂર્યવંશીઓનું પ્રતિનિધિત્વ કરનારા એ મહાન લડવૈયા અને રામચંદ્રજીના ૩૨માં વંશજ એટલે બૃહદબલ. મહાભારતના યુદ્ધમાં તેઓ ૧૩ દિવસ સુધી પોતાનું પરાક્રમ અને વીરતા દેખાડી લડતા રહ્યા અને ૧૩માં દિવસે અભિમન્યુના હાથે તેઓ વીરગતિ પામ્યા.
.
બૃહદબલ બાદ અયોધ્યાની રાજગાદી પર તેમનો પુત્ર બૃહત્ક્ષણ આરૂઢ થયો. અને રામ મંદિરમાં પ્રભુની પૂજા-અર્ચના તેની પૂર્ણ ભવ્યતા અને શ્રદ્ધપૂર્વક થતી રહી. બૃહદબલ બાદ પણ ૨૨ પેઢીઓ સુધી અયોધ્યા પર સૂર્યવંશીઓનું જ રાજ રહ્યું અને અયોધ્યા હજીય એક રાજધાની તરીકે અને મહાજનપદ તરીકેનો જ મોભ્ભો ભોગવી રહી હતી.
.
બૃહદબલની ૨૩મી પેઢીમાં એટલે કે કુશની ૫૫મી પેઢીમાં એક એવા રાજવી આ રાજ્યની રાજગાદી પર આવ્યા જેમને રાજ્ય કરવામાં નહિ પરંતુ સ્વના સંશોધનમાં વધુ રસ જણાયો. સાધનાને જ પોતાનો જીવન ધ્યેય બનાવી તેઓ સન્યાસના માર્ગે અગ્રેસર થયા. તેમનું નામ હતું સિદ્ધાર્થ. જી હા એ જ સિદ્ધાર્થ જેઓ પછીથી ગૌતમ બુદ્ધ તરીકે વિશ્વ આખામાં જાણીતા થયા અને તેમણે આપેલા ઉપદેશ અને માર્ગદર્શન બૌદ્ધ ધર્મ તરીકે વિશ્વભરમાં ફેલાયો. સિદ્ધાર્થના સન્યાસ લેવાને કારણે રાજગાદી તેમના પુત્ર રાહુલે સંભાળી. એટલે કે અયોધ્યા હવે રાહુલના સાશન હેઠળ હતી. ગૌતમબુદ્ધને કારણે રામચંદ્રજીની ત્યારબાદની કેટલીક પેઢી સુધી બૌદ્ધ ધર્મનો પ્રભાવ રહ્યો. પરંતુ, અયોધ્યાનું તે રામ મંદિર તેના પૂર્ણ પ્રભાવ સાથે સ્થાપિત હતું. અહીં મળી આવેલા બૌદ્ધધર્મના શિલાલેખોમાં પણ શ્રી રામ મંદિરના અસ્તિત્વનો ઉલ્લેખ મળે છે.
.
આ સમયબાદ શરૂ થયો મોર્ય સામ્રાજ્યનો સુવર્ણકાળ. ચંદ્રગુપ્ત મોર્યના સાશનકાળના અનેક શિલાલેખો પુરાત્વવિદોને મળ્યા હોવાની જાણકારી આપણને છે જ. જેમાં ચંદ્રગુપ્ત મોર્ય દ્વિતીયના સાશનકાળના શિલાલેખો વિશેની માહિતી તમે ચકાસશો તો તેમાં જાણવા મળે છે કે, ચંદ્રગુપ્ત મોર્ય દ્વિતીયના સાશનકાળ સુધી અને ત્યારપછી પણ પેઢીઓ સુધી અયોધ્યા જ ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી અને તે શિલાલેખોમાં પણ અયોધ્યામાં ભવ્ય રામમંદિર હોવાનો ઉલ્લેખ મળે છે. આ કાળ સુધી અયોધ્યાનું કુશ દ્વારા સ્થાપિત રામ મંદિર તેના પૂર્ણ વૈભવ સાથે સ્થાપિત હતું.
.
હવે જે માહિતી અને પુરાવાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે રામમંદિરના બદલાઈ રહેલા વાઘાઓ વિશેની છે. ૧૮૦ ઈસાપૂર્વ વર્ષોમાં અયોધ્યા પુષ્યમિત્ર શુંગના સાશન હેઠળ આવી. તેમના સાશનકાળ દરમિયાનના મળેલા શિલાલેખો દ્વારા જાણવા મળે છે કે, અયોધ્યાના એ ભવ્ય રામમંદિરનો તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એટલું જ નહિ તે શિલાલેખોમાં એ વિષે પણ સ્પષ્ટ ઉલ્લેખ મળ્યા છે કે તે મંદિરમાં પુષ્યમિત્ર શુંગે બે અશ્વમેધ યજ્ઞો પણ કરાવ્યા હતા.
.
કુશ દ્વારા નિર્મિત તેમના પિતાના આ ભવ્ય મંદિરનો પહેલીવાર જીર્ણોદ્ધાર થયો અને મંદિરને ભવ્યમાંથી નવો અતિભવ્ય આકાર મળ્યો. મૂળ મંદિરના પહેલા જીર્ણોદ્ધાર સુધીની આટલી વાતો બાદ આજના લેખને અહીં અલ્પવિરામ આપીએ. આગળનો ઇતિહાસ આવતીકાલના એપિસોડમાં આગળ વધારીશું.
.
( આશુતોષ ગીતા દેસાઈ )