Author Archives: Heena Parekh

કબીરાઈ-સલીમ શેખ ‘સાલસ’

શબદને પામવા ના કામ લાગે છે ચતુરાઈ,
મરમને તાગનારાઓ જ પામે છે કબીરાઈ.

તમારો તાજ આલીશન પણ તમને મુબારક હો,
અમે તો બાદશાહીમાં ધરી છે આ ફકીરાઈ.

વિખેરાઈ ગયો, તો લેશ પણ ના રંજ છે ભગવંત,
થયા કણકણ પછી તારી અમે પામ્યા અખિલાઈ.

પઢા પોથી, બના પંડિત, ગયા કાશી, ગયા કાબા,
છતાં આ પ્રેમ નામે ભોગવે છે કાં ગરીબાઈ ?

નથી હોવાપણું નિર્ભર ફક્ત શ્વાસો ઉપર “સાલસ”,
અહીં બેભાન પણ શ્વાસો થકી આપે સબૂતાઈ.

( સલીમ શેખ ‘સાલસ’ )

નિહાળીને-સાહિલ

નિહાળીને ધસમસતો પ્રવાહ પહેલાં તો હું થથરી ગયો,
પછી સાતે સાગર હું તમારું નામ લઈને તરી ગયો.

હવે મારા લોહીનાં બુંદ બુંદ બરફના રાજકુમાર છે,
જે ધૂણો ધધખતો હતો ભીતર એ તો ક્યારનોય ઠરી ગયો.

કોઈ દોષ દર્પણોનો નથી-એ બિચારાનો નથી વાંક કંઈ,
હતો મારો ખુદનો ચહેરો એ-જે નિહાળીને હું ડરી ગયો.

જે તૂફાન સામે ધસી ગયો-પહોંચી ગયો એ કિનારે પણ,
એ કિનારા સામે ડૂબી ગયો જે પવન પ્રમાણે ફરી ગયો.

મને માર્ગમાં મળ્યા સાથીઓ વિશે એટલું જ કહી શકું,
જો કોઈ ઉજાસ હરી ગયો તો કોઈ ઉજાસ ભરી ગયો.

અરીસોય કોઈ અજાણ્યા જેમ જ તાકતો રહ્યો છે મને-
હરિ આવ્યો-આવીને દરમિયાની તમામ પર્દા હરી ગયો.

અમસ્તી નથી થઈ ગાઢ ‘સાહિલ’ મિત્રતા મઝધારથી,
મને જોતાંવેંત કિનારાથી કિનારો કિનારા કરી ગયો.

( સાહિલ )

દર્શન…(એક નઝમ)-વીરુ પુરોહિત

કોઈ નિર્મળ, યશસ્વી રાજવી નિશા વેળા,
નગરચર્ચાનાં રહસ્યોથી ખિન્નતા ધારે !
હું સતત મૌનની ચાદર લપેટી ઘૂમું છું;
ના રહી દ્રશ્ય કે અદ્ર્શ્ય ભિન્નતા મારે !

સમગ્ર શહેરના ગવાક્ષો ! તમે કંઈ તો કહો;
કઈ તરફ તાનસેની રાગના આલાપ વહે ?
કઈ તરફ સ્તબ્ધતા ધારી ઊભા છે મૃગવૃંદો ?
કઈ તરફ પથ્થરો, કહો ને, પીગળીને વહે ?

કોણ ત્યાગી રહ્યું યશોધરા ‘ને રાહુલને ?
કોણ કર પાત્ર લઈ ભિખ્ખુ ભમે છે નગરે ?
ધરે છે ધ્યાન બોધિસત્વ નીચે કોણ ભલા ?
કોણ ચાહી રહ્યું છે સર્વને કૃપા નજરે ?

આ કોનાં રક્તનો પ્રવાહ થૈ ગયો છે સડક ?
કોણ ઠોકી રહ્યું છે અંગ પર અસંખ્ય ખીલા ?
કોણ સૂતું છે અહીં વૃક્ષ-થડે પીઠ દઈ ?
કોણ છોડે છે તીર ? કોણ કરે પૂર્ણ લીલા ?

આ ધરે કોણ વિષનું પાત્ર અને કોણ ગ્રહે ?
કોણ આ તરફડે છે ? કોણ એ અમૃત કરે ?
કોણ છાતીએ ધરી હાથ, મુખે ‘રામ’ વદે ?
આ કોનો હાથ ગોળી છોડીને અટ્ટહાસ્ય કરે ?

( વીરુ પુરોહિત )

રહ્યો છું-દિનેશ ડોંગરે

બનાવોની વચ્ચે સફરમાં રહ્યો છું,
હું મંજિલને છોડી ડગરમાં રહ્યો છું.

જીવન આખું એવું વિવાદીત રહ્યું કે,
નિરંતર જગતની નજરમાં રહ્યો છું.

બધાને જ આશ્ચર્ય એ વાતનું છે,
અખંડ કૈ રીતે કાચઘરમાં રહ્યો છું ?

એ માણસને રોગી નહીં તો કહું શું ?
સ્વયં જે કબૂલે કે ડરમાં રહ્યો છું.

કદી આંખથી એના પીધી હતી મેં,
હજી પણ હું એની અસરમાં રહ્યો છું.

સૂકા વૃક્ષ પર પર્ણ જોઈને ‘નાદાન’,
હજી, આજલગ આ નગરમાં રહ્યો છું.

( દિનેશ ડોંગરે )

અનંત રાઠોડ

શ્રી અનંત રાઠોડનો જન્મ ૧૨ ડીસેમ્બર ૧૯૯૩ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં થયો હતો. માતા: હંસાબહેન, પિતા: શૈલેષભાઈ. તેઓ બે વર્ષની ઉંમરના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું. મૂળ વતન ઈડર તાલુકાનું ભૂતિયા ગામ. ધોરણ ૧ અને ૨ સુધીનું શિક્ષણ ભૂતિયા ગામની પ્રાથમિક શાળામાંથી લીધું. ત્યારબાદ હિંમતનગરની શ્રી હિંમત હાઈસ્કૂલમાં દાખલ થયા અને ૨૦૧૧માં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પાસ કર્યું. ત્યાર બાદ ૨૦૧૧માં તલોદ (સાબરકાંઠા)ની શ્રીમતી એસ. એમ. પંચાલ સાયન્સ કોલેજમાં બી.એસ.સીના અભ્યાસ માટે જોડાયા. ૨૦૧૨માં અમદાવાદની એમ. જી. સાયન્સ ઈન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મેળવી ૨૦૧૫માં બી.એસ.સી (રસાયણ શાસ્ત્ર)ની ડીગ્રી મેળવી. ૨૦૧૫માં સેંટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં સંસ્કૃતના અભ્યાસ માટે જોડાયા પણ કેટલાક કારણોસર અભ્યાસ અધૂરો છોડ્યો.

ધોરણ ૭માં નવલકથા અને કવિતાના પુસ્તકો વાંચવાની શરૂઆત કરી. પહેલી કવિતા ધોરણ ૭માં લખી. ધોરણ ૧૦માં પ્રથમ છંદોબદ્ધ ગઝલ લખી. તેમનું પ્રથમ કાવ્ય “જનસત્તા દૈનિક”માં પ્રગટ થયું હતું. તેમના સર્જનાત્મક વ્યક્તિત્વના ઘડતરમા હિંમતનગરના સરકારી જિલ્લા પુસ્તકાલયનો અગત્યનો ફાળો રહ્યો. કોલેજમાં આવ્યા બાદ તેમની ગઝલો અન્ય ગુજરાતી સામાયિકો ગઝલવિશ્વ, ધબક, કવિલોક, કુમાર, શબ્દસૃષ્ટી, પરબ, પરિવેશ તાદર્થ્ય, છાલક, કવિતા, કવિતાચયન-૨૦૧૩ વગેરેમાં સ્થાન પામી. ૨૦૧૩માં યોગેન્દુ જોશી સંપાદિત પુસ્તક “લઈને અગિયારમી દિશા”માં તેમની ગઝલો પ્રકાશિત થઈ. ૨૦૧૬માં મોરારીબાપુની રામકથા અંતર્ગત અબુધાબી (યુ.એ.ઈ.) કાવ્યપાઠ માટે જવાનો મોકો મળ્યો. આકાશવાણી અને દૂરદર્શનમાં તેમણે ઘણી વખત કાવ્યપાઠ કર્યો છે.

તેમના ઘડતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતેની બુધસભાનો ફાળો વિશેષ છે, જ્યાં તેઓ ૨૦૧૨માં જોડાયા. સૈદ્ધાંતિક વિવેચનનું વાંચન અને પૂર્વ-પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ તેમની રસની પ્રવૃત્તિઓ છે.

E-Mail ID: gazal_world@yahoo.com

ડો. ગોરા ત્રિવેદી

પ્રો. ડૉ. ગોરા એન ત્રિવેદી રાજકોટ-ગુજરાત-ભારતના એક શિક્ષક-કેળવણીકાર, લેખક અને સામાજીક કાર્યકર્તા છે. તેઓ પોતાની ‘રાષ્ટ્રને પ્રાથમિકતા’ ‘નેશન ફર્સ્ટ’ વિચારસરણીથી વિશેષ જાણીતા છે. તેમણે માનવ અધિકાર વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી કરેલ છે અને હાલ કાયદાના વ્યાખ્યાતા તરીકે કાર્યરત છે.

શરૂઆતનું જીવન
ડો. ગોરાનો જન્મ ૨૩ એપ્રિલ ૧૯૭૯ના રોજ ભાવનગર-ગુજરાતમાં થયો હતો (પિતા : શ્રી નવિનચંદ્ર ત્રિવેદી, માતા : મીનાક્ષીબહેન ત્રિવેદી). તેમણે શાળાનું શિક્ષણ શ્રી.જી.ટી.શેઠ વિદ્યાલય-રાજકોટમાંથી, સાયન્સ ગ્રેજ્યુએશન શ્રી એચ.એન.એચ.બી કોટક સાયન્સ કોલેજ-રાજકોટમાંથી, લો ગ્રેજયુએશન શ્રી એ.એમ.પી લો કોલેજ- રાજકોટમાંથી લીધું હતું. ત્યારબાદ હ્યુમન રાઈટ્સ એન્ડ ઇન્ટરનેશનલ હ્યુમેનીટેરીયન લોસ અને પી.એચ.ડી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માંથી કરેલ છે.

કારકિર્દી
તેમણે તેમની કારકિર્દીની શરૂઆત વીઝીટીંગ ફેકલ્ટી તરીકે શ્રી.એ. એમ. પી લો કોલેજથી ૨૦૦૮માં કરી હતી. ત્યારબાદ ફૂલ ટાઇમ લેકચરર તરીકે શ્રી. કે. એ.પાંધી ઈંગ્લીશ લો કોલેજ-૨૦૧૦ અને શ્રી એચ. એન. શુક્લ કોલેજ-૨૦૧૪માં હેડ.ઓફ.ધ ડીપાર્ટમેન્ટ-લોની જવાબદારી સંભાળેલ. હાલ તેઓ ગીતાંજલી લો કોલેજમાં ઇન-ચાર્જ પ્રિન્સીપાલ તરીકેની ફરજ બજાવે છે.

અન્ય નોંધનીય કાર્ય
પી.એચ.ડી સાથે જ તેમણે કાયદાકીય પુસ્તકો પણ લખ્યા જેમ કે;
૧.ઈફેક્ટીવ ઈમ્પલીમેંનટેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઇન ઇન્ડિયા
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૨૬-૪૦૫-૭
૨.ગુડ ગવર્નન્સ – ગ્લોબલ ટુ ગુજરાત [ શ્રી નરેન્દ્રભાઈમોદીને રૂબરૂ અર્પણ કરેલ ]
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૨૬-૫૯૪-૮
૩.રાઈટ ઓફ હેલ્ધી એન્વાયરમેન્ટ એઝ વુવન ઇન ઇન્ડિયન કોન્સ્ટીટ્યુશન
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૩૭-૭૦૭-૮
૪.યુનિવર્સલ એક્સેપટન્સ ઓફ રાઈટ ટુ પ્રાઈવસી એઝ અ હ્યુમન રાઈટ
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૩૭-૭૦૫-૪
૫. ઇન્ટરનેશનલ હ્યુંમેનેટેરીયન લોઝ એન્ડ વોર ક્રાઈમ્સ
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૩૭-૭૦૬-૧

તેઓ જાણીતા બન્યા તેમની સેલ્ફ પબ્લીશડ બુક ‘ધ સીવીક કોડ’ [ઓકટોબર-૨૦૧૫]થી કે જે સીવીક સેન્સ અને દેશભક્તિ પર લખાઈ છે. આ પુસ્તક ગુજરાતીમાં લખાયેલ છે અને વાચકોમાં એટલું લોકપ્રિય થયું છે કે અંગ્રેજી વાચકો સુધી પહોંચી શકે એ માટે એપ્રિલ-૨૦૧૬માં આ પુસ્તકનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો. હાલ આ જ પુસ્તકના હિન્દી અનુવાદનું કામ ચાલી રહ્યું છે.

ડો. ગોરાએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એકેડેમીક સ્ટાફ કોલેજમાં કાયદા અને માનવ અધિકારો વિષય પર રિસોર્સ પર્સન તરીકે વ્યાખ્યાનો આપેલ છે. તેમણે ‘સ્ત્રી સશક્તિકરણ’ પર ઘણાં કાર્યક્રમો અને વ્યાખ્યાન શ્રુંખલાઓ યોજેલ છે.

પુસ્તકો વાંચવા, વંચાવવા અને વહેંચવા એ પણ ડો. ગોરાની પ્રિય પ્રવૃત્તિ છે. તેઓ બુક ટોક પણ કરે છે.

ડો. ગોરા ફ્રી-લાન્સ કોલમિસ્ટ તરીકે પણ કાર્યરત છે અને વિવિધ શાળા, કોલેજ, એન.જી.ઓ., સંસ્થાઓ દ્વારા નિયમિત રીતે વ્યાખ્યાન માટે આમંત્રિત કરવામાં આવે છે.’

ડો. ગોરા તેમના આ કામ સિવાય સામાજીક પ્રવૃતિઓ માટે પણ જાણીતા છે. તેમની સેવાકીય પ્રવૃતિઓમાં જાગૃતિ અભિયાન મુખ્ય છે પણ એક માત્ર નથી. એમના સૌથી વધુ જાણીતા બનેલ કાર્યોમાં ‘નો હોર્ન મુવમેન્ટ’ નો સમાવેશ થાય છે કે જે રાજકોટથી શરુ થઇ અને ગુજરાતના વિવિધ શહેરો સુધી ફેલાયેલ છે. હાલમાં ઓકટોબર ૨૦૧૬માં તેમણે પોતાનો એન.જી.ઓ ‘અમલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ની શરૂઆત કરેલ છે.

માન્યતા
ડો. ગોરાના પુસ્તક ‘ગુડ ગવર્નન્સ: ગ્લોબલ ટુ ગુજરાત’નું શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિમોચન થયેલ. આ ઉપરાંત તેમના પુસ્તક ‘ધ સીવીક કોડ’ની ઈંગ્લીશ આવૃત્તિનું વિમોચન શ્રી સુબ્રમનીયન સ્વામી દ્વારા નવી દિલ્હી ખાતે થયેલ.

પ્રેસ/મીડિયા
તેમના કાર્યોનો ઉલ્લેખ નામાંકિત ગુજરાતી મેગેઝીન ચિત્રલેખા દ્વારા ૨૦૧૫ના વર્ષમાં ૨ વાર થયેલ છે. ગુજરાતના તમામ અગ્રણી સમચારપત્રોએ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ અને પુસ્તક ‘ધ સીવીક કોડ’ની નોંધ લીધેલ છે.

એવોર્ડ્સ
તેમને લાયન્સ ક્લબ દ્વારા ‘નારી શક્તિ સન્માન’ એવોર્ડ મળેલ છે.

તેઓ તેમના નિડર,સ્પષ્ટ અને નિખાલસ નિવેદનો અને લખાણ માટે સોસીયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે. તેઓ સોશીયલ મીડિયા પર કરન્ટ અફેર્સ, સીવીક સેન્સ, સોસીયલ ડ્યુટીસ, દેશભક્તિ અને રાજકારણ વિષયો પર લખે છે. વર્ડપ્રેસ પર ‘મારું સત્ય’ નામનો તેમનો બ્લોગ પણ છે.

E-mail ID : goratrivedi@yahoo.co.in
Blog : https://drgoratrivedi.wordpress.com/
https://twitter.com/ProfGora(Twitter)
https://www.linkedin.com/profile/view?id=AAIAABVmx-QBE28ItpoyVDlE2aDczb6otAMtX1A&trk=nav_responsive_(LinkedIn)
https://www.youtube.com/channel/UCbyOjQcJMObWnXDE0X1MY_w(YouTube)

વર્ષોને વાપરે છે-તુષાર શુક્લ

કેટલાંક વર્ષોને વાપરે છે
કેટલાંકને વર્ષો વાપરે છે.
કેટલાંક વર્ષોને ધનની પેઠે સાચવી સાચવીને ખરચવા મથે છે.
એક એક પળનો હિસાબ માંડે છે.
કોઈક વળી છૂટે હાથે ઉડાવે છે.
મજા એ છે કે, કોઈને ય ક્યાં ખબર છે કે મૂડી કેટલી છે ?
બેલેન્સમાં શું છે ? સિલક શું વધી છે ?
એકને ઘટી જવાની ચિંતા છે, એકને વધી પડવાની ફિકર છે.
જે સાચવે છે એ ય વધારી નથી શકતા.
જે વેડફે છે એમનુંય ઘટી તો નથી જ જતું!
પણ, બંનેનું સરવૈયું જુદું જુદું બોલે છે!
કેટલું જીવાયું ને કેવું જીવાયું!
મૂંજી થઈને પૂંજી વધારવા મથવાને બદલે રમૂજી થઈને સમજી લેવાની જરૂર છે,
હસતાં આવડશે તો જીવતાં આવડશે.
ઈશ્વર પાસે આંસુ ને સ્મિત બંનેના ખડિયા છે,
એમની કલમ ક્યારેક આંસુ તો ક્યારેક આંસુમાં કલમ ડૂબાડે
ત્યારે હસી પડવું એ જ એક માર્ગ!

( તુષાર શુક્લ )

હવે તો-તુષાર શુક્લ

હવે તો મોટાં થયાં!
હવે શેની ઉજવણી?
ઘરડાં થયાં, હવે તો!
આવા ઉદ્દગાર પાછળ વેડફેલા વર્ષોની વ્યથા જ હોય છે.
આજને કાલ પર છોડનારાને મહાકાલ છોડતો નથી.
પ્રત્યેક વર્ષ
પ્રત્યેક માસ
પ્રત્યેક સપ્તાહ
પ્રત્યેક દિવસ
પ્રત્યેક પળ…
આપણને અવસર આપે છે જીવનને આનંદવાનો.
માત્ર આપણી તૈયારી જોઈએ-જીવવાની.
તત્પરતા જોઈએ-માણવાની.
સજ્જતા જોઈએ-સ્વીકારવાની.
વર્ષગાંઠ એ તો પૂર્ણત્વની પ્રાપ્તિ તરફનું વધુ એક પગલું છે
એનો તો આનંદ જ હોય.
ઉત્સવ જ હોય.
ઉમંગ જ હોય
ઉલ્લાસ જ હોય.

( તુષાર શુક્લ )

એક ચકલીને ધૂળમાં નહાવું છે-કનૈયાલાલ ભટ્ટ

એક ચકલીને ધૂળમાં નહાવું છે.
ચોમાસુંય વાટ જોઈ બેઠું છે ડેલીએ વૃક્ષોએ જળથી ભીંજાવું છે.
એક ચકલીને ધૂળમાં નહાવું છે.

ધૂળનીઢગલીઓ શોધી શોધીને ચકલીનેય ચડી ગયો શ્વાસ
ધરતીની ધૂળને ઝાડ પાન છાંયો ને ક્યાંક ને લીલો અજવાસ
નદીયુંનાં નીર ફરી વહેતાં જો થાય તો કૂંપળનેય ઝાડવું થાવું છે.
એક ચકલીને ધૂળમાં નહાવું છે.

વાદળાંઓ શોધે છે લીલાંછમ્મ વૃક્ષો ને ટહુકાના ભીના તળાવને
આભના ફળિયા લગ ઊંચી ઈમારતો ખોતરે છે ધરતીના ઘાવને
ગોધૂલિ ટાણે એ ગગન ગોરંભાય તો ફૂલોનેય પલળવા જાવું છે.
એક ચકલીને ધૂળમાં નહાવું છે.

ચકલીને કંઠ જો ચીં ચીં સુકાયું તો તડકાનો ખેલાશે તાંડવ
સૂરજનું કહેવું કે ચકલી તો ધરતીનો હવામાં લહેરાતો પાલવ
ધરતીની ધૂળમાં રંગોળી પૂરીને ચકલીને વાદળ વરસાવું છે.
એક ચકલીને ધૂળમાં નહાવું છે.

ફળિયામાં ધૂળ ને લીમડો ને ઘરમાં નળિયા ને મોભારા ગુમ છે
ઝાડ પર પંખીના ટહુકાઓ વીસરાયા માણસની ચારેકોર બૂમ છે.
ફળિયાં ને નળિયાં સૌ પાછા લૈ આવો કે પથ્થરના ઘરમાં પીંખાવું છે ?
એક ચકલીને ધૂળમાં નહાવું છે.

( કનૈયાલાલ ભટ્ટ )

શું કરું-માધવ આસ્તિક

શું કરું હું સર્વ કિસ્સા સંઘરીને ?
ખાલીપો માણી શકું જો મનભરીને.

મૌનની સામે થયો’તો એ પછીથી,
હર્ફ પણ ઉચ્ચારું છું હું થરથરીને.

જો વહેવું આવડે તો પાર દરિયા,
ક્યાં કશે પહોંચી શકાયું છે તરીને!

આંગળી બદલે પહોંચો ચાલશે પણ,
હસ્તરેખામાં જ બેઠા ઘર કરીને?

એક પરપોટાને કાપી નાખવો છે,
એ જ સપનું રોજ આવે છે છરીને.

( માધવ આસ્તિક )