સમયના ચાર ચહેરા – રાજેન્દ્ર પટેલ

૧.

સવારનો સમય

*

સવારનો સમય

બારીમાંથી કૂદતોક આવી ચડ્યો

લખવા ધારેલી કવિતાના

કોરા કાગળ પર

અને લખ્યા વગર જ

લખાઈ ગઈ, કવિતા.

*

એ રાતના અંધારની પૂંઠે પડ્યો હોય એમ

બિલાડીની પીઠ પર બેસી

પાછળ પાછળ ઘરમાં ઘૂસ્યો

ઉદાસ દર્પણ

અચાનક ખીલી ઊઠ્યું.

*

કામવાળીના પગલે પગલે

એ ફરી વળ્યો બધે

બેઠકરૂમમાંથી બેડરૂમ સુધી

અને સાફસૂફી કરતો

એયને બેઠો હીંચકે…

 .

૨.

બપોરનો સમય

*

રઘવાટથી હાંફતો

વાળુ કરી ઘડીક શાંત થતો

જાણે રણસંગ્રામ વચ્ચે ઝોકે ચડ્યો.

ક્યાંક સંભળાતી મોબાઈલની રિંગ,

ક્યાંક સંભળાતા કબૂતરના ઘુઉ… ઘુ… ઘુ… વચ્ચે

એ ઘડીક થાક ખાતો બેઠો

જાણે સમય, સમયની ખુરશીમાં.

*

પ્રત્યેક પગલાંને આખો વખત

રહેમ નજરે જોયા કરે.

બારી બહાર ઊડતી સમડી જોતો

ઘડીક વિચારે ચડ્યો-

આભ ઊંડે સમડી તોય

જીવ ગૂંચવાયેલો રહે નીચે પડતા

પોતાના પડછાયામાં.

એ સાવ સ્તબ્ધ બની

જોઈ રહ્યો આ ખેલ.

*

ઘડીક પોરો ખાઈ એ

પાછા કામે ફરતા મજૂરની જેમ

ક્યારેક પરસેવે નીતરતો

ક્યારેક ઠંડો પવન ખાતો

દીવાલ પરના ઊડતા કેલેન્ડરના

દિવસો જોતો

ચા પીવા તલપાપડ થઈ ગયો.

 

૩.

સાંજનો સમય

.

સાંજના સમયને

બા, રાહ જોતી એક સમયે

એ ભુલાતું નથી.

સાંજનો સમય પહેલાં

ગમે એટલો વહેલો આવતો

બાને મન મોડો પડતો.

હવે એ ગમે એટલો મોડો પડે છે,

કદી મોડો થતો નથી

*

હવે સાંજનો સમય

કોઈની રાહ જોતો નથી

એ ઓગળી જાય છે સૂર્યાસ્તમાં

અથવા ક્ષિતિજ સોંસરવા ઊડતા

પંખીની પાંખે ચાલ્યો જાય છે

અગોચરમાં.

.

૪.

રાતનો સમય

 .

પહેલાં મૌન, ડાહ્યો ડમરો

પછી ઉકેલે રંગબેરંગી તાકા

વિસ્મયની એકાદ પળને જીવતી રાખવા

આખા દિવસના પટમાં કશુંક ફંફોસ્યા કરે છે.

*

ઘણી વાર એને લાગે

એ તાપણાની પાસે ટોળે વળી,

કંઈ સદીઓથી

સવારના સમયની

રાહ જોતો

બેઠો છે.

 .

( રાજેન્દ્ર પટેલ )

થોડાક શબ્દો નીકળ્યા છે – મનીષ પરમાર

આંસુની ભીનાશમાં થોડાક શબ્દો નીકળ્યા છે,

આ સમયના શ્વાસમાં થોડાક શબ્દો નીકળ્યા છે.

.

ફૂલ મારા હાથમાં ચોળાયલું આવી પડ્યું છે,

તરફડી સુવાસમાં થોડાક શબ્દો નીકળ્યા છે.

 .

દૂર શેઢે સાવ કોરી ડાયરી સમ ફરફરું,

ચાસની લીલાશમાં થોડાક શબ્દો નીકળ્યા છે.

 .

પંખીઓ ઊડી ગયાં છે ડાળ મૂકીને અગોચર,

ડૂબતા અજવાસમાં થોડાક શબ્દો નીકળ્યા છે.

 .

કેટલું અણદીઠ જોવાનું હજી બાકી રહ્યું છે,

પાંપણોની પ્યાસમાં થોડાક શબ્દો નીકળ્યા છે.

 .

( મનીષ પરમાર )

અફવા હશે – સ્પર્શ દેસાઈ

શૂન્યતા પડઘાય છે એવી ખબર અફવા હશે;

તો નસેનસમાં છવાયેલું નગર અફવા હશે.

.

વિશ્વ આખાનો જિગરમાં સળવળે છે વસવસો;

રિક્તતાના વ્યાપથી મારું જિગર અફવા હશે.

 .

મૌન મલકાતી બધીયે મંઝિલો પડઘાય છે;

ધૂળમાં રઝળી પડી સઘળી ડગર અફવા હશે.

 .

લાગણી ને છળ કપટના નામ પર રાવણ બન્યો;

રામ કેરા રાજ્યમાં એની નજર અફવા હશે.

 .

સ્પર્શ એનો કોક’દી તારાય મનડાંને થશે;

તેં કદી થોડી ઘણી રાખી સબર અફવા હશે.

.

( સ્પર્શ દેસાઈ )

એવું તો થાય ! – નીતિન વડગામા

.

થાય, ભાઈ, એવું તો થાય !

આજે ઊગેલા આ શબ્દોનો અર્થ ક્યાંક કાલે સમજાય !

 .

ઊછળતા-ઘૂઘવતા દરિયાની હોડમાંય ઊતરતી સગમગતી હોડી !

મનસૂબા મોતીના હોય તોય ખોબામાં આવે છે શંખલા ને કોડી !

 .

આપણને મોટા દેખાડવા આપણો જ પડછાયો કેવો લંબાય !

થાય, ભાઈ, એવું તો થાય !

 .

માળામાં બેસીને નાનકડી ચકલી પણ ઝાડને જ આપે છે જાસો !

લ્હેરાતા છાંયડાઓ ટોળે વળીને પછી રોજરોજ દેખે તમાશો !

 .

ગોફણથી છૂટેલા પથ્થરથી જાણે કે ઊછરતા ટહૂકા વીંધાય !

થાય, ભાઈ, એવું તો થાય !

 .

( નીતિન વડગામા )

પોપચાંને ચૂમી – સંદીપ ભાટીયા

.

પોપચાંને ચૂમી જગાડ તું

આંખો રેતાળ, એમાં

મોગરાનું ફૂલ ઉગાડ તું

 .

રાત ઓછાડની ન ઊકલેલી ગડી

સવાર હુલાવે એલાર્મની ઘંટડી

બંધ હોઠથી બંસરી જગાડ તું

પોપચાંને ચૂમી જગાડ તું

 .

ખાલી ફૂલદાન ખાલી આઈનો હોઉં છું

સપનામાં પોતાને તૂટી જતો જોઉં છું

મને જીવવાનો ચસ્કો લગાડ તું

પોપચાંને ચૂમી જગાડ તું

 .

( સંદીપ ભાટીયા )

યાદ આવે છે – સુરેશ દલાલ

કોઈકની મને યાદ આવે છે,

જળનો ઝીણો સાદ આવે છે.

 .

દરિયા-કાંઠે ફરતો રહું

મોજાં ઊછળે, શમે.

સાંજને સમે તારા વિના

કઈ રીતે મને ગમે ?

હવા નહીં, વિષાદ આવે છે.

જળનો ઝીણો સાદ આવે છે.

 .

હલેસાં વિના એકલી હોડી

કોણે મારા જળમાં છોડી ?

રાતની ઘૂઘવે શાંતિ, મને

કોણ ગયું તરછોડી ?

ખારો ખારો સ્વાદ આવે છે.

જળનો ઝીણો સાદ આવે છે.

 .

( સુરેશ દલાલ )

છું કે નહિ ? – લાભશંકર ઠાકર

અંધકારમાં

દીપ પેટાવું છું છતાં

મને કેમ દેખાતો નથી ?

કોણ ?

હું.

તું નથી ?

મારે એ જ જાણવું છે કે-

હું

છું કે નહિ ?

આ કોણે આપ્યો જવાબ ?

મેં.

તેં ?

હા, તારા નિત્ય નકારે.

તો મારો હકાર ક્યાં છે ?

તે નથી.

એટલે ?

તું નથી.

તો આ ભીતરની ભીતરમાં

છું-છું-છું-છું એવો…

એવો…અવાજ કરે છે કોણ ?

ઈચ્છના પિચ્છ ફફડાવતું

કલ્પાયન તારું.

 .

( લાભશંકર ઠાકર )

વિખેરાતા ટહુકાઓની વચ્ચેથી… – પ્રફુલ્લ પંડ્યા

હું તો પંખી બનીને રોજ ટહુક્યાં કરું છું;

ભલે ઓછાં થઈ જાય મારા ટહુકા !

ટહુકાને કોઈ મારા સાંભળી જો લે તો,

મને લાગે છે વાગ્યા મારા ડંકા !

 .

એક પંખી બનીને ગીત ગાવાની વાત;

મારી પાસેથી છીનવાતી જાય છે !

કૈં કેટલાંયે ઝાડ ઉપર બાંધેલા માળાની,

વારતાઓ પીંખાતી જાય છે !

ધીરે ધીરે એકલતાનો કાગળ મળે છે :

કહે મારામાં આવ અને ટંકા !

 .

કૈંકવાર સપનાંની વચ્ચે હોવું ને પછી

સપનાંઓ છોડીને ચાલવું…

કૈંક ઝળહળતા દિવસોનો લાંબો પ્રવાસ ;

એને ભૂંસીને મનને મઠારવુ !

 .

હું તો જાતને ભૂંસીને રોજ ગ્હેક્યાં કરું છું;

મારી અંદર સળગે છે કૈંક લંકા !

 .

( પ્રફુલ્લ પંડ્યા )

આ હોવાનું તે શું છે ? – પ્રબોધ પરીખ

આ હોવાનું તે શું છે ?

જોવા જેવું.

ઘર વિના પણ ચારેબાજુ

રહેવા જેવું.

 .

આ જોવાનું તે શું છે ?

કહેવા જેવું.

ભીતરના બે ચાર સમયમાં

વહેવા જેવું.

 .

આ કહેવાનું તે શું છે ?

સાંભળવા જેવું.

છેક સુધીના રૂપરંગને

ઝીલવા જેવું.

 ,

આ સાંભળવું તે શું છે ?

હોવા જેવું.

એકમેકને સથવારે

જીરવવા જેવું.

 .

આ હોવાનું તે શું છે ?

હોવા જેવું.

 .

( પ્રબોધ પરીખ )

તંબૂર મારો તાર-તૂટલો – ચંદ્રકાંત શેઠ

તંબૂર મારો તાર-તૂટલો  એ લઈને ક્યાં ફરું ?

અંદર ઊઠી રણઝણ એને સુણાવવા શું કરું ?

.

કોણ ઓટલો, કોણ રોટલો

મને આપવા આવે ?

કોણ પાઈ જલ શીળાં મીઠાં

મારી તરસ બુઝાવે ?

ખાલી ખોબે કેમ કરી હું સૌના ખોળા ભરું ?

.

ભીતર જેવાં ફૂલ ફૂટતાં

તુરત બધાં કરમાતાં;

મૂળિયાં મારાં ઊંડે ઊંડે

ખારા જળે ખવાતાં ?

ઠૂંઠો વડા હું, કેમ છાયડાં સૌના માથે ધરું ?

.

ધાન વિનાની ઘંટી ઘૂમે,

એમ જ હું પણ ઘૂમું;

ઉજ્જડ ચહેરે કેમ કરીને

લીલુંછમ હું ચૂમું ?

તરડાયેલું તળિયું લઈને કયા તળાવે તરું ?

.

( ચંદ્રકાંત શેઠ )