મૌનથી – સુરેશ દલાલ

.

તારા મૌનથી

હું અકળાઉં છું

એમાં રહેલો નારાજીનો ભાવ

છૂપો રહેતો નથી

અને એ મારા રાજીપાને

હત્યારાની જેમ હણી નાખે છે

મારે આટલી હદે

સંવેદનશીલ ન થવું જોઈએ

પણ સંવેદના અને તર્કને

બારમો ચંદ્રમા છે

તને મનાવવાનો કોઈ અર્થ નથી

અનુભવથી એટલું સમજાય છે

કે તને ક્યારે, કયા કારણે

વાંકુ પડે છે એની બારાખડી

ઉકેલાય, પણ કેટલી વાર ?

એટલે હવે હું પણ તને

મારા મૌનથી અકળાવીશ

ક્યારેક કાંટાથી કાંટો નીકળતો હોય

તો સારી વાત છે

નહીંતર પગમાં કાંટા સાથે ચાલવાની

મને તો આદત પડી ગઈ છે.

 .

( સુરેશ દલાલ )

ક્ષણ – નલીની માડગાંવકર

.

મારા આનંદનો શ્વાસ

વેદનાનો નિશ્વાસ બની પાછો ફરે

એ પહેલાં,

મારે આ ક્ષણને જીવી લેવી છે.

જેમ…

વૃક્ષ જીવે છે

ફૂલનો આનંદ બનીને…

આકાશ જીવે છે

ખળખળતી નદી બનીને…

રેતીના પટ પર ઊઠતી

પગલાંની સંકેતલિપિ

વાંચ્યા વગર ભૂંસવા

સમય તો ક્યારનોય અધીરો થઈ રહ્યો છે.

પણ…

મારે પાછું વળીને જોવું નથી.

દસ આંગળીઓની કેડીએ

વહેવા દઈશ મારા આનંદને

આગળ ને આગળ

અને નિહાળીશ,

ઘાસની હથેળી પર

વિશ્વકવિની જેમ રમતા બાળક જેવી

આ ક્ષણને.

 .

( નલીની માડગાંવકર )

દ્વાર ખખડાવે – તુરાબ ‘હમદમ’

.

દ્વાર ખખડાવે કશું વળતું નથી,

એક સરનામું હજી મળતું નથી.

 .

બંધ બારી-બારણાં, ભીંતો બધીર

સાદ મારો કોઈ સાંભળતું નથી.

 .

એ રીતે અંધકારમાં ડૂબી ગયા,

કોઈ વાતે દિલ, આ ઝળહળતું નથી.

 .

જિંદગીના આકરા આ તાપમાં

કોણ એવું છે જે ઓગળતું નથી.

 .

હું નથી ફળતો કદાચિત સ્વપ્નને,

કાં, પછી સપનું મને ફળતું નથી.

 .

ત્યાગની ‘હમદમ’ મહત્તા હોય છે,

માગવાથી તો કશું મળતું નથી.

.

( તુરાબ ‘હમદમ’ )

એક દિવસ પક્ષીની પાંખમાંથી પીંછું ખર્યું – કિશોર શાહ

.

હળવેકથી તે જમીન પર ઊતર્યું

ઊતરતાં તેણે જમીન પર

પોતાનો પડછાયો જોયો

જમીનને અડતાંવેંત એને લાગ્યું

કે એ પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠું છે

આકાશમાં ઊડતાં પંખીઓ તરફ તે તાકવા માંડ્યું

ફરી ઉડવાનો પ્રયત્ન કરવા લાગ્યું.

એકાએક

હવાની એક લહેરખી આવી

લહેરખીના બળે તે ફરી ઊંચકાયું

ઊંચે તેણે પોતાનો પડછાયો

નાનો થતો જોયો.

આમ ધીરે ધીરે ઊંચકાવાનું

અને ફરીથી જમીન પર પથરાવાનું

તેને સહજ થઈ ગયું.

એક દિવસ હવાની લહેરખીએ

એને ફરી ઊંચક્યું

અને ઊંચે લઈ ગઈ

એટલે ઊંચે

કે પીંછું તેનો પડછાયો પણ

ન્હોતું જોઈ શકતું.

ધીમેધીમે ઊતરતાં અને ઊંચાઈ ગુમાવતાં

એકાએક તે કાદવમાં જઈ પડ્યું

ભીનું થયું, ભારે થયું

હવાની લહેરખીએ એને ઊંચકવાના ખૂબ પ્રયત્નો કર્યા

પણ એ ન ઊંચકાયું

હવે તે પોતાના પડછાયા સાથે

એકાકાર થઈ ગયું હતું.

 .

( કિશોર શાહ )

વચ્ચે ના કશું – મહેશ જોશી

.

છાતીનું પોલાણ-વચ્ચે ના કશું

એકલો અંધાર-વચ્ચે ના કશું.

.

એક ધરતીકંપ જેવા લોહીઝાણ

શબ્દના ઘરવાસ-વચ્ચે ના કશું.

 .

આંખમાં દીવો બળે છે ક્યારનો

જીર્ણ આ અસબાબ-વચ્ચે ના કશું.

 .

મોજ સ્પર્શીને કિનારાને તજે

ઓટ ને જુવાળ-વચ્ચે ના કશું.

.

તારી આંખો ચોતરફથી તાકતી

તાકતી જંજાળ-વચ્ચે ના કશું.

.

એની ભીતર ઘૂઘવે છે ઝાંઝવાં

ત્યક્ત ઘરનાં દ્વાર-વચ્ચે ના કશું.

 .

એ તૂટેલી નાવની છે દુર્દશા

પાણી ને મઝધાર-વચ્ચે ના કશું.

 .

( મહેશ જોશી )

 .

[ જંજાળ – બે નાળચાંવાળી બંદૂક ]

માછલી સંદર્ભે – નારાયણ જોશી

.

(૧)

માછલીઓ

એ બીજું કોઈ નથી

પણ પૂર્વજન્મમાં

અવગતે ગયેલી

હોડીઓ જ છે !

 .

(૨)

એ સત્ય છે કે :

પાણી વગર,

પાણી બહાર

માછલી તરફડે જ,

પણ…

માછલી વગર

પાણી અંદર

પાણીને તરફડતા

તમે ક્યારેય જોયું છે ?

 .

(૩)

આપણે

જે દરિયાનો ઘૂઘવાટ

સાંભળીએ છીએ

એ ખરેખર તો

માછલીના મૌનનો પડઘો છે !

 .

( નારાયણ જોશી )

ભાષાન્તર કરું – અજય પુરોહિત

.

પગતળે ઈચ્છાનું ભાષાન્તર કરું

થાકના ચ્હેરાનું ભાષાન્તર કરું

 .

ફૂલથી કોમળ હવાની છું શરત-

રેશમી ટહુકાનું ભાષાન્તર કરું

.

હું સમયની રેતમાં ઊંડે ગયો-

ધૂળમાં પગલાંનું ભાષાન્તર કરું

 .

હું અજાણ્યા સૂર્યની નજીક ડૂબ્યો-

સાંજ છું, તડકાનું ભાષાન્તર કરું

.

હું જ મારી સંધિ ને મારો સમાસ

શૂન્યથી ઘટનાનું ભાષાન્તર કરું

 .

કોઈ સુક્કા પાંદની છું ઓળખાણ

વૃક્ષના નકશાનું ભાષાન્તર કરું

 .

( અજય પુરોહિત )

ઈશ્વર તો લહેરી લાલો છે – પ્રવીણ દરજી

.

ઈડિપસ, ઓડિસિયસ કે ઈફેજેનિયા

તમે સમજો, જરા નિરાંતે વિચારો

આપણે માટે હવે એક જ વિકલ્પ રહ્યો છે :

ઈશ્વરની સાથે સમાધાન કરી લેવાનો.

આપણે જિંદગીને આપણી માની લેવાની

એક મોટી ભૂલ કરી બેઠા છીએ

પણ હજી બહુ મોડું થયું નથી.

સત્યનો સ્વીકાર કરીએ અને સમજીએ

કે

જિંદગી ઈશ્વરે એની મરજીથી આપેલું

એક બંધ કવર છે.

એને ખોલવાનું નથી તેમ એ આપણી

સંપત્તિ નથી.

એને સાચવી રાખીએ એ જ ગનીમત.

ઈશ્વર તો લહેરી લાલો છે.

આપણે તંબૂઓમાં વસવા મથામણ કરતા

હોઈએ છીએ

ત્યારે એ મહેલ પધરાવી દે છે !

અને આપણે જ્યારે હસવાની ક્ષણ ઉપર

આવીએ છીએ

ત્યારે એ ડૂસકાં મોકલી આપે છે !

માગી શકે એવા માણસને તે મૂક કરી દે છે

અને મૂંગા માણસને તે વાણીના

ચમત્કારના પાઠો શીખવે છે !

આપણે ઊંચી ડોકે બ્રહ્માંડના નકશાઓ

લઈને ભલે ફર્યા કરીએ

આપણે માટે તો તેમાં નથી કોઈ ટપકું કે

નથી કોઈ તોફા

આપણે માટે તો છે તોપ, ધણધણતી તોપ

જે ક્યારેય પણ ફૂટી શકે છે, ક્યારેય

પણ આપણને ફૂંકી મારી શકે છે.

આપણે તો પેલા બંધ કવરને સાચવી

રાખીએ એ જ ગનીમત !

દીવાલ પાછળના આપણા વિશ્વને

તેથી જ ખુલ્લું કરવાની ના કહું છું.

ત્રિકમ-પાવડા મૂકી દો, એને ખોદવાની

વાત જ મિથ્યા છે.

‘નર્કાગાર’ કે ‘વેદનાગાર’ શબ્દો

ઈશ્વરના કોશમાં સદા પ્રતિબંધિત છે.

હે મારાં વ્હાલાં ભાઈ-બહેનો !

ચાલો, ઈશ્વરની સાથે આપણે સમાધાન

કરી લઈએ !

ઈશ્વર તો લહેરી લાલો છે !

 .

( પ્રવીણ દરજી )

પ્રાર્થના – સુરેશ દલાલ

.

અમસ્તું પણ બહાર જવું હોય તો માણસે ઉંબરો છોડવો જોઈએ. ક્યાંક પહોંચવું હોય તો ઘરની દીવાલને વળગી ન રહેવાય. બહાર જવા માટે જો આટલું કરવું પડતું હોય, કશુંક છોડવું પડતું હોય –તો તને પામવા માટે, ભીતર પ્રવેશવા માટે માણસે કેટલું બધું છોડવું જોઈએ… પહેલાં તો છોડી દેવા જોઈએ છઠ્ઠી આંગળી જેવા લટકતા સંબંધો. આ સંબંધો જ આડે આવે છે. રચી આપે છે મોહ અને માયાનું વાતાવરણ. આપણે આપણા જ સરોવરમાં માછલી થઈને તર્યા કરીએ છીએ. અને આપણો જ એક અંશ કિનારે માછીમાર થઈને ઊભો છે અને એ જાળ ફેલાવે છે આમ આપણે જ આપણી જાળમાં ફસાયેલા છીએ. જાળમાંથી મુક્ત થઈએ અને જળમાં જ જીવીએ એનાથી બીજી પ્રાર્થના કઈ હોઈ શકે !

 .

 .

તારી સાથે જોડાવા માટે જગત સાથેથી છૂટવું અનિવાર્ય હોય તો હું તને એ પણ કહી દઉં કે જગત છોડીને આવ્યો છું હું તારી પાસે. તારી સાથે મારે યુક્ત થવું છે, સંયુક્ત થવું છે. તારી સાથે મારે સાધવો છે યોગ. હવે નર્યો સંયોગ. વિયોગનું નામોનિશાન નહીં. તારા વિના યોગભ્રષ્ટ થઈને જીવવાનો કોઈ અર્થ નથી. બધાંને છોડીને આવ્યા પછી તું મને હવે તરછોડી નહીં શકે. મને સ્વીકારવાની હવે પૂર્ણ જવાબદારી તારી. મારી તો આ નિતાન્ત શરણાગતિ.

 .

 .

પ્રાર્થના મારા એકાન્તનું જતન કરે છે, રક્ષણ કરે છે. પ્રાર્થના મારા ઈશ્વરનું લાલનપાલન કરે છે. પ્રાર્થના મારા હૃદયની ભક્તિપીઠ છે. પ્રાર્થના પિષ્ટપેષણ કે પીંજણ નથી કરતી. બુદ્ધિની આતશબાજી ફૂટતી હોય એમ પ્રાર્થના દલીલ નથી કરતી કે પ્રાર્થના નથી કરતી કોઈ ઘોંચપરોણા. પ્રાર્થનાના શબ્દો ધરતીમાંથી ફૂલનો દીવો થઈને પ્રગટે છે અને આકાશમાંથી સૂર્યકિરણ થઈને અવતરે છે. પ્રાર્થના એ મારો હિમાલય છે અને મારી અલકનંદા છે. કદીયે ન વીંખાય કે ચૂંથાય એવી મારી પ્રાર્થનાનો માળો તો તારા વૃક્ષમાં બંધાયો છે. ત્યાંથી જ મારા દિવસની ગતિ આરંભાય છે અને પાછો આવું છું ત્યારે જ મારી ગતિને સ્થિતિ મળે છે. પ્રાર્થના મારી શરણાગતિ છે. મને મારી પ્રાર્થના ગમે છે કારણ કે એની સાથે બીજું કોઈ જ નહીં પણ તું સંકળાયો છે.

 .

( સુરેશ દલાલ )

પહેચાન કાયમ રાખીએ – શોભિત દેસાઈ

.

આવનારા કાળની પહેચાન કાયમ રાખીએ

વીત્યા સાથેનું અનુસંધાન કાયમ રાખીએ

 .

ધોમ તડકામાં ધર્યો હો છાંયડો જેણે અહીં

માથે એ સૌ વૃક્ષનું અહેસાન કાયમ રાખીએ

 .

ખૂબ અંગત લાગણીઓ પણ ન ઓળંગે સીમા

જાત પૂરતું એટલું સન્માન કાયમ રાખીએ

 .

જાણીએ કે જિંદગીની ડોલને તળિયું નથી

માંહ્યલો મબલક, સભર, વિદ્વાન કાયમ રાખીએ

 .

ટેકવી જેના ખભે માથું, મરી-રોઈ શકાય

સાવ પાસે એવું એક ઈન્સાન કાયમ રાખીએ

 .

જાણીતા-અણજાણ્યાની બુરાઈઓ દફનાવવા

જાગતું ભીતરમાં કબ્રસ્તાન કાયમ, રાખીએ

 .

( શોભિત દેસાઈ )