આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

 

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

“સાચા સેવકને સેવા કરતાં જે આનંદ મળે છે તે ખરું જોતાં પ્રેમાનંદ હોય છે. સાચા શિક્ષકને ભણાવતાં જે સુખ થાય છે તે પણ પ્રેમાનંદ જ છે. કુદરત-ઘેલો જ્યારે કશા હેતુ વગર રખડે છે ત્યારે એને જે કલાત્મક આનંદ થાય છે તેની પાછળ પણ વિરાટ પ્રેમાનંદ જ હોય છે. જ્યારે હું ગુજરાતીમાં લખું છું ત્યારે મારા નાનામોટા વાચકો સાથે હું એક રીતે વાતો કરું છું એ ખ્યાલથી, અને એટલા પૂરતો બધા લોકો સાથે હું અભેદ અનુભવું છું એ રસથી મને આનંદ થાય છે. મેં જોયું છે કે આ ‘ઓતરાતી દીવાલો’એ મારે માટે અનેક ઘરનાં બારણાં ખુલ્લાં કર્યાં છે; અને અનેક હ્રદયમાં મને પ્રવેશ આપ્યો છે. 

આ લખાણમાં ઉપદેશ નથી, પ્રચાર નથી, ડહાપણ નથી, વિદ્વત્તા નથી; કેવળ અનુભવની, સુખદુ:ખની અને કલ્પનાની આપલે છે. અને વિશેષ તો ખુશમિજાજી છે. ખરેખર, દુનિયા મારાથી અકળાઈ હોય તો ભલે પણ હું દુનિયાથી અકળાયો નથી. દુનિયા ભલી છે, દુનિયાએ મને પ્રસન્ન રાખ્યો છે; મારું ભલું જ કર્યું છે; અને મને જીવવા પૂરતો અવકાશ આપ્યો છે. જેલમાં જ્યાં ગેરસમજ, ગેરઈન્સાફ અને હેરાનગત જ હોય છે ત્યાં પણ મારી દુનિયા મને પ્રિય જ લાગી છે”.

                                                                                                       -કાકાસાહેબ કાલેલકર

જેલવાસના દીવસોને કાકાસાહેબે પ્રેમાનંદથી માણ્યા હતા. જેલની અંદરની મનુષ્ય સિવાયની સજીવ સૃષ્ટિની દિનચર્યાનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું. કાગડો, કાબર, કબુતર, ચકલી, હોલા, સમડી, નીલકંઠ(ચાસ પક્ષી), સારસ, કીડી, મંકોડા, માકડ, વંદા, કાનકજૂરા, પતંગિયું, ગરોડી, દેડકો, બિલાડી, વાંદરા, ખિસકોલી, પીપડો, અરીઠાનું ઝાડ, તુલસીનો છોડ, બારમાસી, લીમડો, જાંબુડાનું ઝાડ.…વગેરેનું માત્ર અવલોકન ન કર્યું પણ તેની સાથે તાદાત્મ્યપન અનુભવ્યું. અને એ વિશે આ પુસ્તિકામાં ખૂબ જ સરળ શૈલીમાં આલેખન કર્યું છે. નાનકડી પણ વાંચવા ગમે એવી આ પુસ્તિકા છે.

કાકાસાહેબની કલમે આ પુસ્તિકામાંથી જ એક ઝલક મેળવીએ…

“હું માનતો કે કોયલ પોતાનાં ઈંડાં કાગડા પાસે સેવાવે છે એ કેવળ કવિકલ્પના હશે. ‘શાકુન્તલ’માં જ્યારે વાંચ્યું ‘अन्यैद्विजै: परभृत पोषयन्ति’ ત્યારે કાલિદાસે લોકવહેમનો ઉપયોગ કર્યો છે એમ જ મેં માનેલું. પણ જેલમાં જોયું કે કાગડા સાચે જ કોયલનાં બચ્ચાંને ઉછેરે છે. જ્યાં ત્યાંથી ખાવાનું આણીને બચ્ચાંને ખવડાવે અને તેમને લાડ લડાવે. પણ થોડા દિવસમાં સંસ્કૃતિનો ઝગડો શરૂ થયો. કાગડાને થયું કે બચ્ચાંને ખવડાવીએ તેટલું બસ નથી, આપણી સુધરેલી કેળવણી પણ તેને આપવી જોઈએ. એટલે ખાસ વખત કાઢી માળા પર બેસી કાગડો શિખવાડે, ‘બોલ કા…. કા …. કા’. પણ કોયલનું પેલું કૃતઘ્ન બચ્ચું જવાબ આપે, ‘કુઊ…. કુઊ…. કુઊ’. કાગડો ચિડાઈને ચાંચ મારે અને ફરી કેળવણી શરૂ કરે, ‘કા…. કા …. કા’. પણ આમ કોયલ કંઈ પોતાની સંસ્કૃતિનું અભિમાન છોડે? એણે તો પોતાનું ‘કુઊ…. કુઊ’ જ રટવા માંડ્યું. કાગડાની ધીરજ ખૂટી ત્યાં સુધીમાં કોયલનું બચ્ચું પગભર-અથવા સાચું કહીએ તો પાંખભર-થયું હતું. કાગડાની બધી મહેનત છૂટી પડી. મને લાગે છે કે કાગડો હિંદુસ્તાની હોવાથી તેણે નિષ્કામ કર્મ કર્યાનું સમાધાન તો જરૂર મેળવ્યું હશે : यत्ने कृते यदि न सिध्यति कोડत्र दोष:I 

 

એમ ન હોત તો કાગડો દર વર્ષે એ ને એ જ અખતરો ફરીફરીને શું કામ કરત? શામળભાઈ કહે, ‘આ કોયલનાં બચ્ચાં જેટલી પણ અક્કલ આપણા અંગ્રેજી ભણેલાઓમાં હોત તો તેઓ ઘરમાં અંગ્રેજીમાં ન બોલત’. “   

 

ઓતરાતી દીવાલો-કાકાસાહેબ કાલેલકર

પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર

પૃષ્ઠ: ૯૯

કિંમત: રૂ. ૩૦.૦૦

પુસ્તકતીર્થ

એક વખત દિલ્હીના સરાઈ રોહિલ્લા રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં બેસવાનું થયું ત્યારે  સ્ટેશનના બુકસ્ટોલ પરથી મને અમૃતા પ્રીતમની આત્મકથા “रसीदी टिकट” માત્ર ૩૫/-રૂ.માં મળી. ત્યારબાદ હું કલકત્તા જતી હતી અને નાગપુર સ્ટેશન પર ટ્રેન થોડીવાર અટકી ત્યારે પ્લેટફોર્મ પરના બુકસ્ટોલમાંથી મને રવીન્દ્રનાથ ટાગોરની “ઘરે બાહિરે” અને પ્રેમચંદની “ગોદાન” ૬૦-૬૦ રૂ.માં મળી ગઈ. અન્ય ભાષાના પુસ્તકો આટલા સહેલાઈથી અને નજીવી કિંમતે ઉપલબ્ધ થતાં જોયા ત્યારે મને થતું કે આવી રીતે ગુજરાતી ભાષાના પુસ્તકો ક્યારે ઉપલબ્ધ થશે?

પરંતુ અશક્ય લાગતી આ વાત છેલ્લા દસ વર્ષથી શક્ય બની છે. ડો. ગુણવંત શાહે જેને “પુસ્તકતીર્થ”નું નામ આપીને નવાજ્યું તેવું ભુજનું “શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ”  અધધધ..કહી શકાય તેવા વળતરથી પુસ્તકોની લ્હાણી કરી રહ્યું છે.

શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ આમ તો રૂરલ હ્યુમન હેલ્થ પ્રોગ્રામ, એજ્યુકેશન પ્રોગ્રામ, નોન કન્વેશન એનર્જી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વુમન-ચાઈલ્ડ એન્ડ યુથ અવેરનેશ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વોટર હાર્વેસ્ટીંગ એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, વાસ્મો, એન્વાયરમેન્ટ એન્ડ રૂરલ સેનિટેશન પ્રોગ્રામ, કેટલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ડાયમંડ ટ્રેઈનિંગ એન્ડ પ્રોડક્શન સેન્ટર, એક્ષટેન્શન પ્રોગ્રામ, વોટરશેડ પ્રોગ્રામ જેવી ઘણી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. પણ આજે જેની માહિતી અહીં મેળવવાના છીએ તેનું નામ છે “પુસ્તકમિત્ર” યોજના.

શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, પ્રેમજી જેઠા ચેરિટેબલ ટ્રસ્ટ અને કેશવકાન ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડોનર એવા શ્રી કેશવલાલ પ્રેમજી ભૂડિયાએ પુસ્તકપ્રેમીઓને સહાયભૂત થવા તથા સમાજમાં પુસ્તકવાંચનમાં રસવૃત્તિ ધરાવતો નવો યુવાવર્ગ તૈયાર કરવા પુસ્તકમિત્ર યોજના ઘડી કાઢી. તા. ૧/૦૪/૨૦૦૦ના રોજ આ યોજનાના શ્રીગણેશ કર્યા અને એનું ફલક વિસ્તર્યું કચ્છ, ગુજરાત, ભારત અને વિદેશ સુધી. ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત પ્રકાશકોએ પ્રકાશિત કરેલા સેંકડો ઉત્તમ પુસ્તકો ૫૦ થી ૬૫%ના વળતરે વાચકોને ઉપલબ્ધ કરાવાયા છે. આ પ્રકાશકોમાં નવભારત સાહિત્ય, ઉપનિષદ પ્રકાશન, નવનીત પ્રકાશન, નવજીવન પ્રકાશન, પ્રવિણ પ્રકાશન, ગુર્જર ગ્રંથરત્ન, આદર્શ પ્રકાશન, સાધના ફાઉન્ડેશન, અઢિયા પ્રકાશન, આર. આર. શેઠની કંપની, ગુજરાત પુસ્તકાલય સહકારી મંડળી લી., યજ્ઞ પ્રકાશન, ગ્રંથલોક પ્રકાશન, લોકમિલાપ ટ્રસ્ટ, સસ્તુ સાહિત્ય, અરૂણોદય પ્રકાશન, સાહિત્ય સંગમ, કુસુમ પ્રકાશન, પાર્શ્વ પબ્લિકેશન વગેરેનો સમાવેશ થાય છે. આ ટ્રસ્ટ પ્રકાશકો પાસેથી માતબર કમિશન સાથે પુસ્તકો ખરીદે છે અને પછી વિશેષ વળતર ઉમેરીને વાચકોને ઓછી કિંમતે પહોંચાડે છે. આમ પુસ્તકાલયો, શાળાઓ અને વાચકોને બેવડા વળતરનો લાભ મળે છે. તા. ૧૩/૧૧/૨૦૦૯ સુધીમાં ૩,૯૨,૫૧,૪૦૦/-રૂ.ની મૂળ કિંમતના પુસ્તકો ૬૦% વળતરથી અપાતા વાચકોના ૨,૩૨,૨૯,૯૬૯/- રૂ. બચાવવામાં ટ્રસ્ટ નિમિત્ત બન્યું છે.

ઉત્તમ સાહિત્ય ગામડાઓ સુધી પહોંચે તે માટે શાળા કક્ષાએ વાંચન શિબિરોનું આયોજન પણ ટ્રસ્ટે હાથ ધર્યું છે. શું વાંચવું, કેમ વાંચવું અને ખાસ તો બે લીટી વચ્ચેની ખાલી જગ્યાને વાંચી ઉકેલવા જેવી બાબત પરત્વે વાંચન કાર્યશાળાઓમાં સક્રિય માર્ગદર્શન આપવામાં આવે છે. શાળા, કોલેજો, સાંસ્કૃતિક મેળાઓ, ભવ્ય મિલન સમારંભો દરમ્યાન ટ્રસ્ટ પુસ્તકમેળાનું આયોજન પણ કરે છે.

૨૦/-રૂ.નો મનીઓર્ડર કરીને સૂચીપત્ર મેળવી શકાય છે. મનીઓર્ડર કરવાનું તથા આ ટ્રસ્ટનો સંપર્ક સાધવાનું સરનામું આ મુજબ છે…

શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, જી. એમ. ડી. સી. ગેસ્ટ હાઉસ નીચે, ભુજ-મિરજાપર હાઈવે, ભુજ-કચ્છ. ફોન નંબર: ૦૨૮૩૨-૩૨૯૬૬૬, મોબાઈલ નંબર: ૯૮૨૫૨૨૭૫૦૯, ઈ-મેઈલ: ssrdt@yahoo.in

સૂચિપત્ર-પાના નંબર ૧

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

હવે પત્ર લખવાની કળા લગભગ લુપ્ત થઈ ગઈ છે. પણ થોડા વર્ષો પૂર્વેની વાત કરું તો ત્યારે પત્ર લખવાની અને આપણા નામે પત્રો મેળવવાની મજા કંઈક અલગ જ હતી. ત્યારે કવિતા/નવલિકા/નવલકથા વાંચ્યા બાદ કવિ/લેખકને પત્ર લખીને પ્રતિભાવ આપવો પડતો. પણ કવિ/લેખકોના સરનામાં સહેલાઈથી મળતાં ન્હોતા. કારણ કે મોટેભાગના સામાયિકો કે અખબારો સર્જકોના સરનામાં પ્રકાશિત કરતાં ન્હોતા. એકમાત્ર “ગુજરાત”ના દીપોત્સવી અંકમાં સર્જકોના સરનામાં આપવામાં આવતા હતા. અમે “ગુજરાત”ના દીપોત્સવી અંકમાંથી આ તમામ સર્જકોના સરનામાં નોટમાં ઉતારતા અને પછી ગમતાં સર્જકોને પત્રો લખતાં.

હવે સર્જકોને પત્રો લખવામાં તો ભાગ્યે જ કોઈને રસ હોય. પણ રૂબરૂ મળવામાં કે ફોન પર વાત કરવામાં કે ઈ-મેઈલથી સંપર્ક કરવામાં તો ઘણાંને રસ હશે જ. આવા રસિકો માટે “ગુજરાતી સાહિત્યકારકોશ” પ્રગટ થયો છે. જેમાં ગુજરાતીભાષાના સાહિત્યકારો વિશેની માહિતી જેવી કે સાહિત્યકારનું નામ, ઉપનામ, જન્મતારીખ, તેમનું મહત્વનાં ચાર ક્ષેત્રમાં પ્રદાન, સરનામું, ઘર-ઓફિસના ટેલિફોન નંબર, મોબાઈલ નંબર અને ઈ-મેઈલની વિગતો આપવામાં આવી છે. સાહિત્યરસિકોને આ પરિચયકોશ ઘણો ઉપયોગી બનશે.      

ગુજરાતી સાહિત્યકારકોશ-સંપાદક ડો. કિરીટ એચ. શુક્લ

પ્રકાશક: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર

પૃષ્ઠ: ૮+૪૦૮=૪૧૬

કિંમત: રૂ. ૨૫.૦૦