માધવનું સપનું-મનોજ્ઞા દેસાઈ

મંદિરના માધવને સપનામાં દેખાયું,
રાધા બની ગઈ મીરાં !
પછી મીરાંને રાધાના રૂપમાં નિહાળવાને,
ગોપીજનવલ્લભ અધીરા.

રાધાએ પહેરેલું શ્વેત એક વસ્ત્ર
અને હાથમાં લીધો’તો એકતારો,
મેઘધનુષનું ઓઢીને ઓઢણું,
મીરાં કે’ ‘મોહન બસ ! મારો મારો’.
રાધાની ડોક મહીં શોભે રુદ્રાક્ષ
અને મીરાંની ગ્રીવામાં હીરા !
રાધા બની ગઈ મીરાં !

ચંદનતિલક એક રાધાને ભાલ
અને કુમકુમ મીરાં લલાટ સોહે,
રાધા મગન એકતારાની ધૂનમાં
ને મીરાં તો વાંસળી મોહે.
માધવ મૂંઝાયા, ત્યાં આંખો ખૂલી
તો હતાં રાધા ને મીરાં મીરાં.
રાધા બની ગઈ મીરાં !

( મનોજ્ઞા દેસાઈ )

ભૂલી ગયા-કંચન અમીન

અજનબી તે નામ પણ ભૂલી ગયા
ઘર ગલી ને ગામ પણ ભૂલી ગયા

ક્યાં જવાનું હોય ? પહોંચી ક્યાં ગયા
રામ પણ ને શ્યામ પણ ભૂલી ગયા

ખુદ સ્વયંને પણ મળી શકતા નથી
એટલા ગુમનામ પણ ભૂલી ગયા

છેવટે દર દર ભટકતા થઈ ગયા
આખરી પયગામ પણ ભૂલી ગયા

કોઈ માટે કંઈ કરી ના પણ શક્યા
યાર, ખુદનું કામ પણ ભૂલી ગયા

જ્યાં ખુદા બેફામ વરસે દિલ ભરે
ત્યાં છલોછલ જામ પણ ભૂલી ગયા

કેટલી માદક અને મોહક હતી
તે ગઝલની શામ પણ ભૂલી ગયા

( કંચન અમીન )

દર્પણ અને ઝાડ-સોનલ પરીખ

બની જઉં હું
તારા માટે તારું દર્પણ, મારા માટે મારું.

તું જુએ ત્યારે તને આવકાર મળે,
હું જોઉં ત્યારે મને

આમ રહું ચૂપ, નિર્ભાર….
અ અપેક્ષા, ન અભિપ્રાય
ન કોઈ તિરાડ છાતી પર
સદાના પોતપોતાના સંઘર્ષની-
જેમાં હોઈએ છીએ તું ને હું
રાતદિવસ રત, સતત

ભલે લડે તું યુદ્ધો તારાં
મારે પણ હોય છે મારાં.
તું મારામાં ઝાંકે-ન-ઝાંકે
સમાવવા ને પી લેવાં મારે મારાં અજવાળાં
બની જાઉં હું દર્પણ
તારા માટે મારું, મારા માટે મારું.

પણ બહાર કદી જો મળું-
મળું તો ઝાડ થઈને મળું
તું આવે તો છાંયો આપું
હું આવું તો ફૂલ
ગમન-આગમન, કદર-ઉપેક્ષા
બધું સદા અનુકૂળ

રહું ઊભી મારાં જ મૂળ પર
ને આભ તરફ હું વધુ
વિસ્તરું, વિકસું સાવ અકારણ
અમથું અમથું ડોલું
કોલાહલના દરિયા વચ્ચે રચું
નાનો લીલો ટાપુ
જેના પર હો ઝાડ, ઝાડમાં દર્પણ,
તેમાં જવું આવવું રહે ચાલતું
મારું, ક્યારેક તારું.

( સોનલ પરીખ )

ત્રિપદી-પરાજિત ડાભી

આજ આ આકાશ મારા હાથમાં છે.
સૂર્યને હું શોધવા નીકળી શકું છું,
એટલો અજવાસ મારા હાથમાં છે.

તૂટલો આ શ્વાસ મારા હાથમાં છે.
જિંદગીનો દાવ હું હારી ગયો છું,
ના કશો અવકાશ મારા હાથમાં છે.

ખૂટતો વિશ્વાસ મારા હાથમાં છે.
કોઈ નકશો, કોઈ સરનામું નથી કે,
ધૂંધળો આભાસ મારા હાથમાં છે.

શબ્દ એવો ખાસ મારા હાથમાં છે.
પગ તળે તો હોય તપતું રણ ભલેને,
છમ્મ લીલું ઘાસ મારા હાથમાં છે.

( પરાજિત ડાભી )

જીવાતો જાઉં છું-આહમદ મકરાણી

ક્યાંક કોઠે હું ગઝલ થૈ ને ગવાતો જાઉં છું,
શ્વાસ થૈ ને પાન સાથે હું ચવાતો જાઉં છું.

સાવ સામી છાતીએ હું ઘા ઝીલું તલવારના,
ક્યાંક નાના શબ્દથી ભારે ઘવાતો જાઉં છું.

હું સખત થૈ તાપ રણ શી જિંદગી જીવી ગયો,
ક્યાંક લીલી ડાળ થૈ માળે છવાતો જાઉં છું.

ક્યાંક છલકી જાઉં છું નાળાં અને નદીઓ સમુ,
ક્યાંક પ્યાસા હોઠ પર જળ થૈ પીવાતો જાઉં છું.

ગોઠવતો હોઉં છું મોંઘાં પ્રદર્શનમાં કદી
થૈ બટનમાં-હાથથી કપડે સીવાતો જાઉં છું.

હરપળે આ મોત ઊભીને હસે છે કારમું,
જિંદગીના હાથથી તોયે જીવાતો જાઉં છું.

( આહમદ મકરાણી )

દીવાઓ ઝળહળતા રહ્યા-હનીફ સાહિલ

શબ્દ સાંભળતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા
ઘેનમાં સરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

રંગબેરંગી પતંગિયા ઘેરી લઈ દીવાની શગ
નૃત્ય કંઈ કરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

કેટલા ચહેરા પ્રકાશિત જ્યોત ઊપસી ગયા
મિત્રો સાંભરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

કેટલી જગ્યા હતી બાકી કથાના ચિત્રમાં
એમાં રંગ ભરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

કેટલા પડછાયા કાળા શ્વેત દીવાલે ફરે
સ્વજનો ડરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

ઓરડો આખો ઝળાહળ થઈ ગયો સાહિલ અને
શ્વાસ આ સરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

( હનીફ સાહિલ )

પરાજિત ડાભી

IMG-20160501-WA0009

31 ઑગસ્ટ 1954ના રોજ ભાવનગરમાં જન્મેલા પરાજિત ડાભીનું મૂળ નામ પ્રેમજીભાઇ કરમશીભાઇ ડાભી છે. તેઓ તમન્ના આઝમી નામના ઉપનામથી પણ સર્જન કરે છે. તેઓ વૅસ્ટર્ન રેલ્વેના નિવૃત્ત કર્મચારી છે. તેમની પાસેથી ‘પગરવ તમારો ઓળખું છું’ (2014) નામે ગઝલસંગ્રહ અને ‘ફરી હું મળું ના મળું’ (2015) નામે કાવ્યસંગ્રહ ગુજરાતી સાહિત્યને મળેલ છે. તેમણે ગીત સ્વરૂપમાં પણ પ્રદાન કરેલ છે. તેમના ગઝલકાર તરીકેના ઘડતરમાં ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’ અને ‘બુધસભા ભાવનગર’નો ફાળો મહત્વનો છે. તેમણે શામળદાસ આર્ટસ્ કૉલેજ, ભાવનગર ખાતેથી બી.એ ની ડિગ્રી મેળવેલ છે. ધોરણ-7 માં તેમની કવિતા (બાળકાવ્ય) સૌ પ્રથમ વાર ‘ફૂલવાડી’માં પ્રકાશિત થયેલી. ત્યારબાદ તેમના કાવ્યો વિવિધ ગુજરાતી સામાયિકોમાં, જેવા કે શબ્દસૃષ્ટિ, કવિલોક, કુમાર, ગઝલવિશ્વ, પરબ, બુદ્ધિપ્રકાશ, કવિતા, છાલક, શબ્દસર, નવનીત સમર્પણ અને ધબકમાં છપાતા આવ્યા છે.

મોબાઈલ નંબર – 9824511876
ઈમેલ એડ્રેસ – parajeet.dabhi@gmail.com

સ્વભાવ છે-ગુલામ અબ્બાસ ‘નાસાદ’

દિલ પર ભલેને બોજ ને મુખ પર તનાવ છે,
લોકોને મળતાં રહેવું એ મારો સ્વભાવ છે.

મારી નજરમાં મારા પ્રણયનું મહત્વ પણ,
લોકોની દ્રષ્ટિમાં એ ફક્ત એક બનાવ છે.

કારણ વગરનું હસીયે તો પાગલ ગણાઈએ,
હસતા રહો તબીબોનો એવો સુઝાવ છે.

પહેલાં કદી ભર્યું ભર્યું મારુંય ઘર હતું,
આજે સમય છે કેવો, ન કંઈ આવજાવ છે.

મારી જ સાથે થાય છે ઘટનાઓ અવનવી,
દરિયો દીસે છે શાંત ને મુશ્કિલમાં નાવ છે.

મા’ની દુઆઓ શું છે પરિચય ન માગ તું,
આ તો વિશેષ લાગણીનો રખરખાવ છે.

શ્વાસોની આ સફરમાં રહે પ્યાસી આત્મા,
રસ્તામાં ના તો કૂવા છે ના કોઈ વાવ છે.

મંઝિલ ગણીને સ્થાપી ગણતરીઓ ના મૂકો,
‘નાસાદ’ જિંદગી અહીં કેવળ પડાવ છે.

( ગુલામ અબ્બાસ ‘નાસાદ’ )

તરંગો હોય ના-રશીદ મીર

તરંગો હોય ના નહિતર સપાટી પર,
વ્યથા છે ડૂબનારાઓની પાણી પર.

બળીને પણ ન છોડ્યો સિંદરીએ વળ,
હતું સર્વસ્વ એનું એજ આંટી પર.

તમારી આંગળી મેળામાં જ્યાં છૂટી,
રહ્યો વિશ્વાસ ના જાહોજલાલી પર.

ગમે તે રીતે ક્ષણ અવઢવની આ વીતે,
અમે છોડી દીધો ઉત્તર સવાલી પર.

ઉકેલી ના શક્યા એક નામ જીવનભર,
લખ્યું’તું સૌપ્રથમ જે પેમ-પાટી પર.

કિનારે પહોંચીને પણ ના મળી મંઝિલ,
હતો તરવાનો બીજો દરિયો છાતી પર.

ગઝલ ખ્વાનીએ પતને ‘મીર’ રાખી છે,
છે એનો દબદબો ગુજરાતી વાણી પર.

( રશીદ મીર )

મળીશ હું-સાહિલ

છું પ્રતીક જડનું તો શું થયું – નિરંતર ગતિમાં મળીશ હું
ભલે હોઉં દાખલો પૂર્ણનો – છતાં હર ક્ષતિમાં મળીશ હું

ન મળે જગતના કોઈ ખૂણે નખ જેટલાયે સગડ છતાં
મને શ્રદ્ધા એટલી છે સદા તમારી સ્મૃતિમાં મળીશ હું

બધાયે નિયમ મહીં હોય છે અપવાદ એક-બે એ રીતે
છું નગણ્યમાંયે નગણ્ય પણ તમને અતિમાં મળીશ હું

હવે હુંય ખુદ કોઈ માર્ગ ભૂલ્યો પ્રવાસી માની રહ્યો મને
છતાં રાહબર થવા ઈચ્છતી બધીયે મતિમાં મળીશ હું

આ જગત ભલે મને મોભી માનતું ક્ષણજીવીની જમાતનો
તને કાળ સામે ટકી રહેલી કલાકૃતિમાં મળીશ હું

વીખરાવું મારું થયું છે ‘સાહિલ’ લાભદાયક કેટલું
હતો કાલ એકલો સાવ પણ હવે બહુમતીમાં મળીશ હું

( સાહિલ )