મૂંઝવણ – નલિની માડગાંવકર

લખતાં લખતાં અચાનક,

મારા અક્ષરોને… શબ્દોને… અર્થોને…

ઓળખવાનો પ્રયત્ન કરું છું

પણ એ તો બધા ધુમ્મસિયા બની

હાથને ઈશારે મને બોલાવતા ભાગતા જાય છે

બે આંગળીઓ વચ્ચેની ફાંકમાંથી ટપકતું જળ…

કેમ કરી સાચવું!

અમૃત સંજીવનીનું દમયંતીની હથેળીનું વરદાન

દરેક અક્ષરને વરેલું છે આ સત્ય

પચાવવું કેટલું અઘરું છે !

ખોબે ખોબે વિરામચિહ્નોને પાથરું છું,

 .

થોડા અલ્પવિરામો થોડાં આશ્ચર્યચિહ્નો

વચ્ચે ડોકાતાં પ્રશ્નાર્થો

પણ પૂર્ણવિરામ ક્યાં ?

 .

( નલિની માડગાંવકર )

તારો ઉલ્લેખ – ભાવિન ગોપાણી

જ્યારે સભામાં તારો ઉલ્લેખ નીકળે છે,

બદાલય મનનો મોસમ ને મેઘ નીકળે છે.

 .

તારા તરફનો રસ્તો જાણે કે જિંદગી હોય,

ક્યાંથી શરૂ થયો ને ક્યાં છેક નીકળે છે.

 .

મ્હેંકી ઊઠે છે શ્વાસો, ઉઘડે કિતાબને જ્યાં,

તારો મને લખેલો આલેખ નીકળે છે.

.

તારો વિચાર જણે, યોદ્ધા ખરેખરો છે,

સામાં થયાં ઘણાં પણ, એ એક નીકળે છે.

.

તું નીકળે અહીંથી તો શ્વાસ નીકળે છે,

લે નીકળી હવે તું, તો દેખ નીકળે છે…

.

( ભાવિન ગોપાણી )

તમો છો તો – દીપક બારડોલીકર

તમો છો તો નથી ચિંતાનું કારણ પણ

હથેલી પર ઉપાડી લેશું પર્વત પણ

 .

કદી એવાયે ફરકે છે અધર એના

કે સૂક્કી ડાળે ફૂટી જાય કૂંપળ પણ

.

કોઈની યાદ જાણે ભોમિયો કોઈ

કે ભટકું ત્યાં મળી જાયે મારગ પણ

 .

ઉમર-શો કો છબીલો પણ નથી રણમાં

સૂનો છે મારવીનો એક પનઘટ પણ

 .

હવે શું વાટ જોવી કોઈની ‘દીપક’

નથી જાણીતો પગરવ, કોઈ આહટ પણ

 .

( દીપક બારડોલીકર )

વ્હેતી મૂકો ગઝલ – લલિત ત્રિવેદી

જો જો કે છે ને સત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ

શું રાખવી સરત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

.

લઈ એક અસલિયત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

કાગળની શું મમત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

શબ્દની હોડલી આ…હલેસાં શું મારવા…

ડૂબવાની હો જો મત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

એંધાણનું શું કામ ને શું ડંકા ને નિશાણ…

ક્યાં આવવું પરત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

જો જો વજન અહમનું હશે તો ડૂબી જશે

પહેલાં તજો તખત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

નહિંતર તો કૈં સહેલો નથી તરવો આ કાળમીંઢ

તરણાથી રાખી પત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

વાણીની સાથ સાથ ને પાણીની પેલે પાર

તરવું લઈ ગુપત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

( લલિત ત્રિવેદી )

કબીરી અદાથી – આહમદ મકરાણી

જીવું છું જગતમાં ફકીરી અદાથી;

લઉં, શ્વાસ છોડું, અમીરી અદાથી.

 .

હતો, ના હતો હું, ભલે થૈ જવાનો;

વહેતો રહું છું સમીરી અદાથી.

.

જરા શોધશો મળે કૈં નિશાની;

ગયો છાપ છોડી લકીરી અદાથી.

.

‘ન તેરા, ન મેરા’-જીવું એમ સમજી,

ફિકર એ જ ફાકી કબીરી અદાથી.

.

( આહમદ મકરાણી )

રક્તસંચાર – જિજ્ઞા ત્રિવેદી

ટચસ્ક્રીન પરની થીજી ગયેલી

આંગળીઓ માટે

સારું વદન, સંવેદન ધરાવતાં

સ્પર્શને અનુભવી શકે એવા,

ભાવથી જડ અને ઉજ્જડ થયેલાં ટેરવાને…

ચેતનવંતા અને હરિયાળી કરી શકે તેવા,

પ્રેમસભર નિરંતર રક્તસંચાર કરવાનું

સામર્થ્ય ધરાવતાં,

દ્રવ્યની જરૂર છે.

આ જા.ખ. વાંચીને

નેટમાંથી સર્ચ થયેલી

કેટલીક હાઈડ, કેટલીક અનહાઈડ થયેલી,

કેટલીક ફાઈલ, કેટલીક પ્રોફાઈલ થયેલી,

કેટલીક મર્જ તો કેટલીક હેંગ થયેલી

લાગણીઓની લાઈન લાગી…

એક પછી એકનું ઈન્ટરવ્યુ લેવાયું,

બધી જ થઈ ચેક,

અને બધી જ થઈ રિજેક્ટ,

પછી છેલ્લે ટશિયા ફૂટેલી એક

અણઘડ આંગળી ઈન્ટરવ્યુમાં થઈ પાસ…

ત્યાં જ ટચસ્ક્રીન પરની ગંઠાઈ ગયેલી

આંગળી, ધબકી ઊઠી તત્કાલ !

 .

( જિજ્ઞા ત્રિવેદી )

ફેરવાતા જાય છે – મનીષ પરમાર

પથ્થરે પથ્થર વમળમાં ફેરવાતા જાય છે,

પ્હાડ જેવા પ્હાડ જળમાં ફેરવાતા જાય છે.

 .

એક છે એની નજરનો જાદુ એવો દોસ્ત કે,

આંસુ અટકળને અકળમાં ફેરવાતા જાય છે.

 .

આંગણું મઘમઘ થઈ મ્હેંકી રહ્યું છે એટલે-

એમનાં પગલાં કમળમાં ફેરવાતા જાય છે.

 .

સૂસવાડો મૂકીને ચાલ્યો સમયની રેતનો,

શ્વાસ આ કેમેય સળમાં ફેરવાતા જાય છે.

 .

મોસમોની જેમ હું ખીલી અને ખરતો રહ્યો,

જિંદગીના રંગ પળમાં ફેરવાતા જાય છે.

.

( મનીષ પરમાર )

પ્રથમ મિલન – પન્ના નાયક

આપણું પહેલવહેલું મિલન.

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 ..

આપણે નદીકિનારે બેઠાં હતાં

કે દરિયાકિનારે ?

વહેતાં હતાં પાણી કે

હતો મોજાંનો ઘુઘવાટ ?

હવામાં તરતી હતી, એ કોની હતી સુગંધ ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 .

મેં કઈ સાડી પહેરેલી ?

ગુલમહોરી કે

ચેરીબ્લોસમી ?

તારા સ્પર્શ જેવી રેશમી કે

વીંટીમાંથી પસાર થઈ જાય એવી ઢાકઈ ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

. ..

ઓઢી હતી મેં શાલ કે

પહેર્યું હતું ખૂલતું બ્લાઉઝ ?

તું જોતો હતો તે

હતો નભનો કે

મારા ભાલનો ચાંદલો ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 .

આપણે બેઠાં હતાં ત્યારે

વરસતી હતી ચાંદની ?

સંભળાતી હતી

વૃક્ષોનાં પાંદડાંમાંથી ચળાઈને આવતી

મર્મર ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 .

આપણા સંયોગની ભાગ્યરેખાની વાત

કરતાં કરતાં આપણે ઊઠેલાં

ને લંબાવેલા તારા હાથમાં મેં મૂકેલો મારો

હાથ

થોડો છેટો

કે

જરા નજીક ?

ત્યારે મોંસૂઝણું થયેલું

કે સમી સાંજ ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

.

( પન્ના નાયક )

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

સાત અશ્વનો રથ, પણ સૂરજ થાકે ચાર પ્રહરમાં;

દશે દિશામાં સૂસવી, બંદી થાય પવન ગહવરમાં !

છો કહેવાતો એ રત્નાકર, છો કૌસ્તુભ હૃદયે ઝગે;

છો દર્પ ધરે ઊંચા કુળનું, છો ગરજે વા છો ચગે !

.

અઢળક નદીઓનો સ્વામી છે છતાંય

ઉદધિ સૂનમૂન થઈ જાય અમાસે !

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

છે પ્રેમ વિના માનવીનું સંવિદ, ચાપ વિનાનું બાણ;

જલ વિણ જ્યમ, અવનિ ઉદ્ધવજી ! ખંડ-ખંડ, નિષ્પ્રાણ !

ના, ગોકુળના પાયામાં, ઉદ્ધવ ! કોઈ વાસના નથી;

ને મથુરાના સહુ છદ્મ, અ-ધર્મો આજકાલના નથી !

 .

મદ્ય ભરેલા ઘટમાં સો સો તીરથજળ ભર્યાથી

ઉદ્ધવ ! શું પાવન થઈ જાશે ?!

.

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

( વીરુ પુરોહિત )

ગમતું નથી – અંજુમ ઉઝયાન્વી

પારકો આધાર લૈને, ચાલવું ગમતું નથી !

રોજ માથે ભાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

રાહમાં તડકો બિછાવી, તું દિલાસો દે નહીં

કોઈનો ઉપકાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

એક તરફી લાગણીની હઠ મને ભારે પડી

રંજ પારાવાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

ગાર માટીની વસાહતનાં નિસાસા લાગશે

મેઘ અનરાધાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

પારકી પાંખે ઘણાં ઉડવા મથે છે આભમાં

કોઈના દરકાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

મેં હવાની દેખતાં, દીપક ઠાર્યા હતા

રોજની તકરાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

સાત સાગર મેં તરી લીધા અજાણી ધૂનમાં

હાથમાં પતવાર લૈને, ચાલવું ગમતું નથી !

.

ઘાટ હું કોના ઘડું, પથ્થર બધા ભાગી ગયા

ચો-તરફ ઓજાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

આપજે અંજુમ થોડા આગિયા તું દાનમાં

રાહમાં અંધાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

( અંજુમ ઉઝયાન્વી )