લાગણીભીના ઉર ગયા ક્યાં ?-કિસન સોસા

ભાવાત્મક સંબંધના હર સ્થળ થયા નાબૂદ
આ શહેરમાં ક્યાં હવે સૂર્ય ચંદરનું વજૂદ
હીંચકે બેઠી શેરી હતી ત્યાં
ભયે ભરચક રોડ
કિડિયારામાં ગુમ થયા છે
કોમળ કિલ્લોલ કોડ
ધુમાડાના આકાશ તળે શું વદ અને શું સુદ
આ શહેરમાં ક્યાં હવે…
લાગણીભીના ઉર ગયા ક્યાં
મુખ એ ભોળા ભોળા
અથડાતા કૂટાતા દોડે
ચોગમ વિહ્વળ ટોળાં
પંખી-કલરવ-ને કસબે અવ કપિની કૂદાકૂદ
આ શહેરમાં ક્યાં હવે…

( કિસન સોસા )

દૂર છું-આબિદ ભટ્ટ

એ શક્યતાથી પર સમજ, તારાથી દૂર છું,
દર્પણના શબ્દમાં કહું ? મારાથી દૂર છું !

ઓઢીને સ્થિરતા ઊભો, ઉપડે નહીં કદમ,
મંજિલ તો છે સમીપ પણ રસ્તાથી દૂર છું.

સૂરજ મને ગળી જશે, શબનમ છું પર્ણ પર,
ના બુંદ છું સમંદરી, ધારાથી દૂર છું.

માળા નહીં રચાય ને ટહુકા થશે નહીં,
ના માંડવો વસંતનો, શાખાથી દૂર છું.

વળગી નહીં શકે મને ઈચ્છાની લીલ પણ,
સંપૂર્ણ મુક્તિ માણતો, લિપ્સાથી દૂર છું.

ઝાઝું નથી હું જાણતો, મારામાં વાસ છે,
એ છે હૃદયમાં ઝંઝાથી દૂર છું.

( આબિદ ભટ્ટ )

છેલ્લી વેળાનું ગીત-વનરાજસિંહ સોલંકી

કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે મારે વળતી વેળાનું સુખ માણવું
કે હવે આથમતું અજવાળું આંખોમાં ઓગાળી છલકી ગયાનું સુખ માણવું
કે મારે પૂરો થયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું

કે મારા ઉપવનમાં ચાલી છે એવી તે લ્હેર
હવે મ્હેક મ્હેક મ્હેક મ્હેક મહેકે ચોમેર
મારે છાતીમાં લેવો છે આખોયે બાગ અને મ્હેકી ગયાનું સુખ માણવું
કે મારે બાગે ભળ્યાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે હવે આથમતું અજવાળું આંખોમાં ઓગાળી છલકી ગયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું

કે મારા દરવાજે રહી રહીને આપો છો હૂંફ
હવે ઉંબર ઓળંગો હો માનીતા ભૂપ
તારો તે હાથ મારા હાથમાં ઝાલીને મારે તારા થયાનું સુખ માણવું
કે મારે મારા થયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે હવે આથમતું અજવાળું આંખોમાં ઓગાળી છલકી ગયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું

( વનરાજસિંહ સોલંકી )

ઊંચા ઊંચા ગિરિશિખરોથી-સ્વામી માધવપ્રિયદાસ

ઊંચા ઊંચા ગિરિશિખરોથી; ઝરઝર ઝરતાં ઝરણાં આવે
મનમલ હરણાં શીતલ કરણાં; હેમલ વરણાં ઝરણાં આવે.

ગગન ગભીરા અનરાધારા; સાત સમંદર કો છલકાવે
અભિષેક શાં અમરતવારિ; વસુંધરા શિર પર વરસાવે.

સપ્ત સૂરોના ભૈરવ રાગે; પોઢેલા પાતાળ જગાવે
સત્યં મધુરં શિવં સુંદરમ; સકલ ચરાચર જગ સરજાવે.

જાદુગર શા અગમ અગોચર; કામણગારા કર પરસાવે
રોમ રોમ ખીલે વનારજી; પાનખરે કૂંપળ પ્રગટાવે.

ભાતીગળ ભાતોથી ભરીયા; વિશ્વતણાં ઉપવન સરસાવે
રંગો નોખા સત્ય એક છે; વેદતણાં એ ઘોષ સુણાવે.

ઊંચે આકાશેથી ઊતરી; સ્વર્ગ ધરા પર રમવા આવે
માધવ મા ધરતીનો ખોળો; ચૌદભુવનથી સરસો કાવે.

( સ્વામી માધવપ્રિયદાસ )

પવન આવતાં…-મનસુખ લશ્કરી

લાંબી થઈ પથરાઈ પડેલી હવા સફાળી ઊભી થઈ હરફરવા માંડે,
પાંદા સોતી વેલ વૃક્ષને ફડફડ કરતી જગવી છાનું કૈંક કાનમાં કહેવા માંડે.

નત-મસ્તક સંકોચસભર ઊભી-ઊભી લજવઈ ધજા
હવે આનાકાની મૂકીને તડ ફડ-ફડ ફરફરવા માંડે.

ઊડતું-ઊડતું પંખી જોડું કો’ક અચાનક ડાળે બેસી
ડાબે-જમણે ડોક મરડતાં…શું છે ? શું છે ? પૂછવા માંડે.

ગંધ શોધતાં આડા-ઊભા આંટા દઈ-દઈ પતંગિયાં તો
ભમતાં રમતાં-રમતાં જાણે રંગ-રંગની જાજમ ગૂંથવા માંડે.

જાનડિયું જાણે મઘમઘ ખેપ ઊતરતી હોય બગીચે એવા વાવડ દેવા
અધીર માંડવે સમીર ધોડતો આવી ઊભે અને હાંફવા માંડે.

( મનસુખ લશ્કરી )

વરસાદ-માધવ રામાનુજ

આખો ઉનાળો આ ઓરડાએ બળબળતા
તડકાનાં ઝીલ્યાં છે પૂર
પહેલા વરસાદનાં ફૉરામાં નળિયાનાં આ
વર્ષાનાં સાંભરે નૂપુર…

ટપ ટપ ને છમછમના એટલે ઊઠે છે એ
પહેલા વરસાદમાં જ તાલ,
આપણને એમ થાય છાનું છાનું આ કોણ
છાપરે ચડીને કરે વ્હાલ !
નળિયાં ને છાંટાના એવા સંવાદ પછી
નેવામાં છલકાતાં પૂર…

નેવાં ને ફળિયું ને શેરી ને ચોક પછી
ધરતી ને આભ એકાકાર,
આખુંયે ગામ જાણે મધદરિયે વ્હાણ હોય,
એવું ભીંજાય ધોધમાર !
ઘરમાં કે બહાર ક્યાંય કોરા રહેવાય નહીં
ભીતર ભીંજાય ભરપૂર…

આખો ઉનાળોઆ ખોરડાએ ખાળ્યાં છે
બળબળતા તડકાનાં પૂર
પછી પહેલા વરસાદના છાંટામાં નળિયાં જે
વર્ષાનાં સાંભળે નૂપુર…

( માધવ રામાનુજ )

મૂંઝવણ-પન્ના નાયક

મેં મારો એક ખૂણો પસંદ કરી લીધો છે.
કદાચ આ ખૂણાને કારણે જ હું
વધુ ને વધુ એકલી થતી જાઉં છું.
અને છતાંય
ફરી ફરી કહું છું
કે
મેં મારો એક ખૂણો
પસંદ કરી લીધો છે.
આ ખૂણામાંથી મને અત્યારે તો દેખાય છે
આરસમઢ્યાં પગથિયાં.
પગથિયાંની એક પાર
કાચના દરવાજા
બીજી પાર
સજાવટનો એક ભાગ હોય તેવાં
ખજૂરીનાં ઝાડ
હું કાચના દરવાજાને જોઉં છું
અને ઝાડને પણ.
ખૂણામાં બેઠાં બેઠાં
હું
મનોમન
કોઈક એક પગથિયા પર
ઊભી રહું છું.
મને ખબર નથી
કે
કાચની પેલે પાર
મારા જીવનનો
કોઈ નવો પ્રારંભ હશે
કે
ખજૂરીનાં ઝાડ સાથે
સ્વાભાવિક રીતે જ સંકળાયેલું
રણ હશે ?

( પન્ના નાયક )

…શરુ કર્યું છે-દિવ્યા સોની “દિવ્યતા”

દોડવાની તકલીફ પડતાં જ, મેં ચાલવાનું શરુ કર્યું છે;
વગર હિસાબે વેડફાતી જિંદગી માપવાનું શરુ કર્યું છે !

મશ્કરીઓમાં જે વેડફી, તક ફરી પામવાનું શરુ કર્યું છે,
જાત અનુભવે પકવેલી સલાહ મેં આપવાનું શરુ કર્યું છે.

ઘણું ઘુટ્યું તારું, હવે નામ મારું જ લખવાનું શરુ કર્યું છે,
અનમોલ દર્દ મારું મેં મારા સુધી જ રાખવાનું શરુ કર્યુ છે.

સાંકડા-મન વહેવારો મોકળાશથી શાખવાનું શરુ કર્યું છે,
છૂટે દુનિયા, પણ સિદ્ધાંતે મારા જ જીવવાનું શરુ કર્યું છે.

કળયુગમાં મૃત્યુએ આ માથે આવી નાચવાનું શરુ કર્યું છે,
જોઈશે જ એ અર્થી મેં આજથી શણગારવાનું શરુ કર્યું છે.

(દિવ્યા સોની “દિવ્યતા”)

ન વીજ ચમકી-જયા મહેતા

ન વીજ ચમકી
ન ગડગડાટ થયા
ન પવન ફૂંકાયો
ન વરસ્યું આકાશ સાંબેલાધાર
ને તોયે તણાઈ ગયું વિશ્વ આખું ? !
અહીં ત્યાં સર્વત્ર બધું
ઉજ્જડ વેરાન.
ઝૂલતી ખુરશી પડી છે
સ્થિર
ખાલીખમ
તાકી રહી છે ચાર આંખો
કોરીધાકોર
સૂમસામ ઓરડા.
ઘર જાણે
આખેઆખું ઊભું ઊભું જ
સુકાઈ ગયેલું ઝાડ !

( જયા મહેતા )