જાન્યુઆરી ૬, ૨૦૦૯




અમારે બપોરે ૧૨.૦૦ વાગ્યે ચેક આઉટ કરવાનું હતું એટલે ત્યાં સુધીનો અમારી પાસે સમય હતો. હોટલમાં અમારે ઘણું બધું જોવાનું બાકી હતું. હોટલમાં ૨૪ કલાકની કોફી શોપ “નૈવેદ્ય” અને વેજીટેરીયન રેસ્ટોરન્ટ “રાજભોગ” છે. તે ઉપરાંત “ધી કેરાલા આયુર્વેદિક થેરાપી સેન્ટર”, મેડીટેશન રૂમ “તપસ્યા”, ગેઈમ રૂમ અને લાઈબ્રેરી રૂમ “મનોરંજન”, સ્વીમિંગપૂલ અને ગાર્ડનની સુવિધા હતી. બ્રેકફાસ્ટ કર્યા બાદ આ બધું જોઈ અમે ગાર્ડનમાં બેઠા. “શ્રધ્ધા ઈન” ખરેખર સરસ હોટલ હતી.
તડકો આકરો થવા માંડ્યો એટલે અમે પાછા રૂમમાં આવ્યા અને આગળ પ્રયાણ કરવાની તૈયારી કરી. ૧૨.૦૦ વાગ્યા સુધીમાં અમારો સામાન ગાડીમાં ગોઠવી દીધો અને મુંબઈ જવા નીકળ્યા. ખબર નહીં કેમ પણ શિરડીથી મુંબઈનો રસ્તો અમને બધાને કંટાળાજનક લાગ્યો.


મુંબઈ આગ્રા હાઈવે પરથી શાહપુર, ઈગતપુરી થઈ અમે મુંબઈના સીમાડામાં પ્રવેશ્યા. CST (વી.ટી. સ્ટેશન ) તરફ આગળ વધતા હતા ત્યાં સાયન વિસ્તારમાં એક ઓવરબ્રીજ પાસે અમારી ગાડીને બે હવાલદારે રોકી. જે રીતે ગાડીને રોકવામાં આવી તેના પરથી જ અમને ખ્યાલ આવી ગયો કે આ લોકો હેરાન કરવાના અને પૈસા કઢાવવાના મૂડમાં છે. ડ્રાઈવર ને ગાડીની બહાર બોલાવીને બધા ડોક્યુમેન્ટસ જોવા માંગ્યા. બાકી બધું તો બરાબર હતું પણ આર.સી.બુક રીન્યુ ન્હોતી થઈ એટલે હવાલદારે આર.સી.બુક લઈ લીધી અને ૨૦૦૦/- રુ. ની રસીદ બનાવી દીધી. ડ્રાઈવરે આજીજી કરી પણ હવાલદાર ધરાર માને નહીં. સહી કરીને પૈસા ચૂકવવા ઉતાવળ કરાવે. ડ્રાઈવરે એના માલિકને વલસાડ ફોન કર્યો અને માલિકે મુંબઈના કોઈ ઈન્સપેક્ટર પાસે હવાલદારને ફોન કરાવ્યો ત્યારે માંડ માંડ ૮૦૦/- રુ. માં પતાવટ કરી. આર.સી.બુક તો પાછી આપી પણ રસીદ ન આપી.
ત્યાંથી સીધા અમે CST પહોંચ્યા ત્યારે સાંજ ના ૬ વાગ્યા હતા. આતંકવાદીઓએ CST પર ગોળીબાર કરીને નિર્દોષ મુસાફરો અને સુરક્ષા કર્મીઓના જાન લીધા પછી અહીં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. આ સ્ટેશન પર ૧૮ પ્લેટફોર્મ છે અને દરેક પ્લેટફોર્મ પરથી વારાફરતી કોઈ ને કોઈ ટ્રેન ઉપડતી જ રહે છે. તેથી મુસાફરો ઘણી મોટી સંખ્યામાં હોય.
અમારી કોંકણકન્યા એક્સપ્રેસનો સમય હતો રાત્રે ૧૧.૦૦ વાગ્યાનો. અમારે CST પર પાંચ કલાક વીતાવવાના હતા. અમને બધાને પ્લેટફોર્મ પર બેસવાની જ્ગ્યા તો મળી ગઈ. પણ માઈક પર થતું સતત એનાઉન્સમેન્ટ સાંભળી સાંભળીને વધારે કંટાળી ગયા. આખરે ટ્રેન આવી અને અમે એમાં ગોઠવાયા. ૧૧.૦૦ વાગ્યે ટ્રેન મડગાંવ જવા માટે રવાના થઈ. આમ કોંકણકન્યા એક્સપ્રેસમાં અમારો બીજો પડાવ થયો.