નિહાળીને-સાહિલ

નિહાળીને ધસમસતો પ્રવાહ પહેલાં તો હું થથરી ગયો,
પછી સાતે સાગર હું તમારું નામ લઈને તરી ગયો.

હવે મારા લોહીનાં બુંદ બુંદ બરફના રાજકુમાર છે,
જે ધૂણો ધધખતો હતો ભીતર એ તો ક્યારનોય ઠરી ગયો.

કોઈ દોષ દર્પણોનો નથી-એ બિચારાનો નથી વાંક કંઈ,
હતો મારો ખુદનો ચહેરો એ-જે નિહાળીને હું ડરી ગયો.

જે તૂફાન સામે ધસી ગયો-પહોંચી ગયો એ કિનારે પણ,
એ કિનારા સામે ડૂબી ગયો જે પવન પ્રમાણે ફરી ગયો.

મને માર્ગમાં મળ્યા સાથીઓ વિશે એટલું જ કહી શકું,
જો કોઈ ઉજાસ હરી ગયો તો કોઈ ઉજાસ ભરી ગયો.

અરીસોય કોઈ અજાણ્યા જેમ જ તાકતો રહ્યો છે મને-
હરિ આવ્યો-આવીને દરમિયાની તમામ પર્દા હરી ગયો.

અમસ્તી નથી થઈ ગાઢ ‘સાહિલ’ મિત્રતા મઝધારથી,
મને જોતાંવેંત કિનારાથી કિનારો કિનારા કરી ગયો.

( સાહિલ )

દર્શન…(એક નઝમ)-વીરુ પુરોહિત

કોઈ નિર્મળ, યશસ્વી રાજવી નિશા વેળા,
નગરચર્ચાનાં રહસ્યોથી ખિન્નતા ધારે !
હું સતત મૌનની ચાદર લપેટી ઘૂમું છું;
ના રહી દ્રશ્ય કે અદ્ર્શ્ય ભિન્નતા મારે !

સમગ્ર શહેરના ગવાક્ષો ! તમે કંઈ તો કહો;
કઈ તરફ તાનસેની રાગના આલાપ વહે ?
કઈ તરફ સ્તબ્ધતા ધારી ઊભા છે મૃગવૃંદો ?
કઈ તરફ પથ્થરો, કહો ને, પીગળીને વહે ?

કોણ ત્યાગી રહ્યું યશોધરા ‘ને રાહુલને ?
કોણ કર પાત્ર લઈ ભિખ્ખુ ભમે છે નગરે ?
ધરે છે ધ્યાન બોધિસત્વ નીચે કોણ ભલા ?
કોણ ચાહી રહ્યું છે સર્વને કૃપા નજરે ?

આ કોનાં રક્તનો પ્રવાહ થૈ ગયો છે સડક ?
કોણ ઠોકી રહ્યું છે અંગ પર અસંખ્ય ખીલા ?
કોણ સૂતું છે અહીં વૃક્ષ-થડે પીઠ દઈ ?
કોણ છોડે છે તીર ? કોણ કરે પૂર્ણ લીલા ?

આ ધરે કોણ વિષનું પાત્ર અને કોણ ગ્રહે ?
કોણ આ તરફડે છે ? કોણ એ અમૃત કરે ?
કોણ છાતીએ ધરી હાથ, મુખે ‘રામ’ વદે ?
આ કોનો હાથ ગોળી છોડીને અટ્ટહાસ્ય કરે ?

( વીરુ પુરોહિત )

રહ્યો છું-દિનેશ ડોંગરે

બનાવોની વચ્ચે સફરમાં રહ્યો છું,
હું મંજિલને છોડી ડગરમાં રહ્યો છું.

જીવન આખું એવું વિવાદીત રહ્યું કે,
નિરંતર જગતની નજરમાં રહ્યો છું.

બધાને જ આશ્ચર્ય એ વાતનું છે,
અખંડ કૈ રીતે કાચઘરમાં રહ્યો છું ?

એ માણસને રોગી નહીં તો કહું શું ?
સ્વયં જે કબૂલે કે ડરમાં રહ્યો છું.

કદી આંખથી એના પીધી હતી મેં,
હજી પણ હું એની અસરમાં રહ્યો છું.

સૂકા વૃક્ષ પર પર્ણ જોઈને ‘નાદાન’,
હજી, આજલગ આ નગરમાં રહ્યો છું.

( દિનેશ ડોંગરે )

એક ચકલીને ધૂળમાં નહાવું છે-કનૈયાલાલ ભટ્ટ

એક ચકલીને ધૂળમાં નહાવું છે.
ચોમાસુંય વાટ જોઈ બેઠું છે ડેલીએ વૃક્ષોએ જળથી ભીંજાવું છે.
એક ચકલીને ધૂળમાં નહાવું છે.

ધૂળનીઢગલીઓ શોધી શોધીને ચકલીનેય ચડી ગયો શ્વાસ
ધરતીની ધૂળને ઝાડ પાન છાંયો ને ક્યાંક ને લીલો અજવાસ
નદીયુંનાં નીર ફરી વહેતાં જો થાય તો કૂંપળનેય ઝાડવું થાવું છે.
એક ચકલીને ધૂળમાં નહાવું છે.

વાદળાંઓ શોધે છે લીલાંછમ્મ વૃક્ષો ને ટહુકાના ભીના તળાવને
આભના ફળિયા લગ ઊંચી ઈમારતો ખોતરે છે ધરતીના ઘાવને
ગોધૂલિ ટાણે એ ગગન ગોરંભાય તો ફૂલોનેય પલળવા જાવું છે.
એક ચકલીને ધૂળમાં નહાવું છે.

ચકલીને કંઠ જો ચીં ચીં સુકાયું તો તડકાનો ખેલાશે તાંડવ
સૂરજનું કહેવું કે ચકલી તો ધરતીનો હવામાં લહેરાતો પાલવ
ધરતીની ધૂળમાં રંગોળી પૂરીને ચકલીને વાદળ વરસાવું છે.
એક ચકલીને ધૂળમાં નહાવું છે.

ફળિયામાં ધૂળ ને લીમડો ને ઘરમાં નળિયા ને મોભારા ગુમ છે
ઝાડ પર પંખીના ટહુકાઓ વીસરાયા માણસની ચારેકોર બૂમ છે.
ફળિયાં ને નળિયાં સૌ પાછા લૈ આવો કે પથ્થરના ઘરમાં પીંખાવું છે ?
એક ચકલીને ધૂળમાં નહાવું છે.

( કનૈયાલાલ ભટ્ટ )

શું કરું-માધવ આસ્તિક

શું કરું હું સર્વ કિસ્સા સંઘરીને ?
ખાલીપો માણી શકું જો મનભરીને.

મૌનની સામે થયો’તો એ પછીથી,
હર્ફ પણ ઉચ્ચારું છું હું થરથરીને.

જો વહેવું આવડે તો પાર દરિયા,
ક્યાં કશે પહોંચી શકાયું છે તરીને!

આંગળી બદલે પહોંચો ચાલશે પણ,
હસ્તરેખામાં જ બેઠા ઘર કરીને?

એક પરપોટાને કાપી નાખવો છે,
એ જ સપનું રોજ આવે છે છરીને.

( માધવ આસ્તિક )

હું વારતાઓ પાસે જતો-બાબુ સુથાર

ત્યારે હું છોકરાં મામાને ત્યાં જાય
એમ વારતાઓ પાસે જતો
હું કીડીને પૂંઠે પૂંઠે
શિકારી પાસે જતો
ને તીરને આમ
ને કબૂતરને તેમ જતાં નિહાળતો.
હું કાગડાને કૂંજામાં કાંકરા નાખવા લાગતો
હું સતને ત્રાજવે તોળતી પેલી બિલાડીની પૂંછડીને પણ તાકી રહેતો
હું પેલા રાજાને પણ જોતો
જે ઝાડ ઓથે સંતાઈને
રસ્તા વચ્ચેનો પથ્થર
કોણ ઉપાડે છે
એની રાહ જોતો.
આજે મને થાય છે:
એ પથ્થર મેં કેમ ન’તો ઉપાડ્યો ?
મને લાગે છે કે હવે મારે કાશીએ જઈને કરવત મુકાવવો જોઈએ.

( બાબુ સુથાર )

મેં જોયાં નથી-બાબુ સુથાર

મેં જોયાં નથી કોઈ યુદ્ધ
કે જોઈ નથી કોઈ તોપો
મારી ગલીમાં
કે મારા ગામમાં
કે મેં નથી જોયા સૈનિકો
માથે લોઢાનો ટોપો મૂકીને
લેફ્ટ કરતા કે રાઈટ કરતા.
મેં જોયા છે મારા બાપાને
ખભે વાંસલો મૂકીને કામે જતા,
મેં જોઈ છે મારી માને
ખભે દાતરડું ભેરવીને ખેતરે જતી,
મેં જોયો છે નાથિયા વાણિયાને
ભાગળેથી બૂમો પાડતાં આવતો;
કોયાભાઈ, વ્યાજ તૈયાર રાખજો; મૂડી દિવાળીએ.
એ બૂમ સંભળાતી હોય છે ત્યારે
મારા ગામની ભાગોળે અદ્રશ્ય થતી જતી
નાથા વાણિયાની પીઠ દેખાતી હોય છે.

( બાબુ સુથાર )

“એ મારી સામે આવે તો…!!”-( રાધિકા પટેલ )

એ મારી સામે આવે તો;
પ્રથમ તો,
એનો કાખલો પકડી,
પેટ પર જોરથી એક લાત મારી
નીચે પાડી દઉં…!

પછી, એની છાતી પર ચડી-
એના ગાલ પર થપાટો માર્યા જ કરું…માર્યા જ કરું…
લોહીની ટશરો ના ફૂટે ત્યાં સુધી…!

હાથ-પગ કાપીને નીરી દઉં-
ભૂખ્યા વરુને…!

“લબ…લબ…” કરતી એની જીભ તે જ તલવારથી કાપી-
દાટી દઉં પાતાળમાં.

આંખોમાં ખીલા અને કાનમાં સળિયા ખોડી-
નાક પર એક મો…ટ્ટું-
રાંઢવું બાંધી દઉં.

છેલ્લે
એની ચામડી પર અગણિત ડામ દઈ,
એનું કાળજું કાઢી નાખી દઉં-
ભઠ્ઠીમાં.

પણ…
પણ…
“પીડા”
સાલ્લી… બહાર નીકળે તો-ને ?

( રાધિકા પટેલ )

ગઝલ કહેવી નથી મારે-બાબુલાલ ચાવડા ‘આતુર’

ભલે દુનિયાથી હો રંજિશ, ગઝલ કહેવી નથી મારે,
ન હો તારી જો ફરમાઈશ, ગઝલ કહેવી નથી મારે.

નુમાઈશ કાલ જે કરતા હતા મારી જમાનામાં,
લગાવી ક્યાં ગયા આતિશ? ગઝલ કહેવી નથી મારે.

નિહાળીને બુલંદી પર તને બસ એ જ કહેવું છે,
‘સમયની હો ન આ સાજિશ’, ગઝલ કહેવી નથી મારે.

રદીફોકાફિયા ક્યાં ? ક્યાં વજન ? ક્યાં મત્લાઓમક્તા ?
વળી આ બેમજા બંદિશ, ગઝલ કહેવી નથી મારે.

ક્ષુધાતુર કે તૃષાતુર કૈં નથી હું ફક્ત ‘આતુર’ છું,
તખલ્લુસની કરો તફલીશ, ગઝલ કહેવી નથી મારે.

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

છોડી દીધું-બાબુલાલ ચાવડા ‘આતુર’

મેં હવે તારા વિચારોનું ગગન છોડી દીધું,
કૈંક વરસોનું દિશાહીન ઉડ્ડયન છોડી દીધું.

એક ચમચી યાદ તારી આંખ મીંચી પી ગયો,
ને પછી પહેલા પુરુષનું એકવચન છોડી દીધું.

એમને ફુરસદ નથી કે મારા જખ્મોને ગણે,
વ્યસ્ત લેખનમાં થયા વાચન-ગણન છોડી દીધું.

આજ હું મારા જ પડછાયાના છાંયે સૂઈ ગયો,
ને બધાને એમ લાગ્યું કે શ્વસન છોડી દીધું.

કોપરાના છીણ જેવું વાટકીભર આયખું,
સહેજ ભભરાવી ગઝલમાં લે કવન છોડી દીધું.

શબ્દની બેબાકળી વણજાર ચાલી ગઈ પછી,
ધૂંધળું ‘આતુર’ બધું ચિંતન-મનન છોડી દીધું.

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )