મારા આંસુનું કારણ-પન્ના નાયક

મને ખબર ન પડે એમ
એક બાઈ
મારામાં ઘર કરી ગઈ છે.
એ એમ માને છે
કે
હું અને એ બન્ને એક જ છીએ
પણ હરગિજ
અમે એક નથી જ નથી
હું તો આનંદી, સંતોષી, ને સ્વચ્છંદી
ને
એ તો સદાયની અસંતોષી ને કકળાટિયણ
એને વારે વારે આવે છે રડવું
એટલે
બેગ ભરીને લાવેલા રૂમાલથી
લૂછ્યા કરે છે પોતાની આંખો,
નીચોવ્યા કરે છે આંસુભીના રૂમાલ એ કૂવામાં,
ને માપ્યા કરે છે એની સપાટી.
માલિક થઈ મને કબજામાં રાખવાના
એના અવિરત પ્રયત્નોમાં
હું એને ઝાઝી સફળ થવા દેતી નથી
એટલે એ બળ્યા કરતી હોય છે
ધુંધવાતા કોલસાની જેમ.
ક્યારેક મારા આંસુ
એને કારણે હોય છે.

( પન્ના નાયક )

ખારવાની વહુ-મનીષા જોષી

એ ખારવાના ગયા પછી
શૂન્યમનસ્ક, મૂંગી થઈ ગઈ છે એની વહુ.
એક વાર મેં એને જોઈ,
દરિયાની સાવ નજીક ઊભેલી.
ધારીને જોયું તો
એના મોંમાંથી કરચલા ખરી રહ્યા હતા.
એ કરચલા જમીન પર પડતાવેંત
દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ.
એ ખારવાની વહુ પણ
ધીમેથી આગળ વધી રહી હતી
દરિયા ભણી.
પણ એ તો કરચલા જેમ
દરિયામાં ભળી ન શકી.
પાછી વળી ગઈ એ પોતાની વસાહત તરફ.
હવે હું ક્યારેક જોઉં છું એને.
એ પોતાના ઘર આગળ
સતત પથ્થરોની પાળ બાંધવામાં વ્યસ્ત હોય છે.
એને ભય છે કે દરિયો
ભાળી ગયો છે એનું ઘર
અને આગળ વધી રહ્યો છે એના તરફ.
એને ભય છે કે એની કૂખમાં છે હવે
નર્યું ખારું પાણી.
એના મોંમાંથી ખરી રહેલા કરચલાની વાત પણ
ફેલાઈ ગઈ છે આસપાસની વસાહતોમાં.
દરિયાના નામનો
વાસો લઈને ધૂણતી એ સ્ત્રી
જ્યારે દરિયો એના ઘટમાં આવે ત્યારે
કોઈ જબરી તાકાતથી ધૂણવા માંડે છે.
નવી ખેપ પણ જઈ રહેલા ખારવાઓ
આવે રહ્યા છે એના દર્શને.
એ આપી રહી છે જાતજાતના આશીર્વાદ
અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ.

( મનીષા જોષી )

દરેક પ્રેમ-ગગન ગિલ, અનુ. નલિની માડગાંવકર

દરેક પ્રેમ તમારે ઘરને ઉંબરે આવીને
સહુ પ્રથમ પૂછે છે કે
તું મારે ખાતર બારીમાંથી નીચે કૂદી શકીશ ?
પોતાની છાતી ચીરી શકીશ ?

દરેક પ્રેમ આમ જ પૂછે છે કે
તું તારા નાજુક બાહુથી
મારી જોડે ઊડી શકીશ ?
પ્રેમ તમારા ઘરને ઉંબરે આવતો હોય છે
ઉતાવળે પાછો ન ફરવા માટે
એને જવું હોય છે
એકાદ પર્વત કે ખીણની દિશામાં
સાગર કે નદીની દિશામાં
એ પૂર્વયોજના વગર
તમારા ઘરની દિશામાં આગળ વધે છે.
અને જાણવા ઈચ્છે છે કે
તમે એની સાથે ડૂબવા તૈયાર છો કે નહીં ?
પ્રેમ તમને સ્વેચ્છાએ મરવાની
પૂરેપૂરી સંમતિ આપે છે.

( ગગન ગિલ, અનુ. નલિની માડગાંવકર )

પછી ત્યાં સહી કરી દેજે-પ્રજ્ઞા વશી

સમી જાયે બધી અટકળ, પછી ત્યાં સહી કરી દેજે
જીવે નિરાંતની બે પળ, પછી ત્યાં સહી કરી દેજે

ઉધામા શ્વાસનાં ફોગટ લઈ દોડે જીવનભર પણ
રહે છે કેમ તું પાછળ, પછી ત્યાં સહી કરી દેજે

નથી સમજી શકાતું મૌન, એનો આ મૂંઝારો છે
અરે ! મન વાંચ પળ બે પળ, પછી ત્યાં સહી કરી દેજે

અલગ છે પ્રેમની ભાષા ચતુરાઈ ન ચાલે ત્યાં
ઠગે તારું જ તુજને છળ, પછી ત્યાં સહી કરી દેજે

સદીની ઊપજે અહીંયા મળ્યાં છે શ્વાસ થીજેલાં
મળે સંવેદનાની કળ, પછી ત્યાં સહી કરી દેજે

અગર છે ડૂબવાની વાત તો કિનાર શા માટે
મળે મઝધારનું જો તળ, પછી ત્યાં સહી કરી દેજે

( પ્રજ્ઞા વશી )

જીવને કાંઠે-એસ. એસ. રાહી

જીવને કાંઠે મને લાવી દીધો,
સાવ છેલ્લા શ્વાસે તડપાવી દીધો

આંસુઓને ઠામ-ઠેકાણું મળ્યું
રિક્ત કૂવો તુર્ત છલકાવી દીધો

તે પછી તો શાંત થઈ ગઈ એ નદી
જ્યાં કળશ મૃગજળનો પધરાવી દીધો

સાંભળી જો મેં કથા એકલવ્યની
ધૂળમાં મેં અંગૂઠો વાવી દીધો

રાતભર પીવડાવી હેતલ ચાંદની
એક માણસને મેં બહેકાવી દીધો.

ભર અષાઢે રાખતી’તી દૂર તું
આ ઉનાળે પ્રેમ વરસાવી દીધો ?

હું નિવાસી કોલસાની ખાણનો
કેમ ‘રાહી’ને તેં ચમકાવી દીધો ?

( એસ. એસ. રાહી )

નથી પૂરા થતા-મનીષ પરમાર

રાતના પાના નથી પૂરા થતા,
આંસુઓ છાના નથી પૂરા થતા.

એ શમા બળતી રહી છે રાતભર,
તોય પરવાના નથી પૂરા થતા.

કેટલા જન્મોથી ચાલ્યા આવતા,
દર્દ એ ઘાના નથી પૂરા થતા.

છેક છેલ્લા શ્વાસ લગ છોડે નહીં,
પ્રેમ દીવાના નથી પૂરા થતા.

વારતા ચાલ્યો અધૂરી મૂકીને,
મર્મ હોવાના નથી પૂરા થતા.

( મનીષ પરમાર )

કોણ છે તું ?-હનીફ સાહિલ

રોજ બારીમાં ઊભે, કોણ છે તું ?
રાહ કોની જુએ છે, કોણ છે તું ?

મારો પડછાયો બનીને ચાલે,
મારી સાથે જ રહે, કોણ છે તું ?

શ્વાસમાં આવજાવની ઘટના
તું જ રગરગમાં વહે, કોણ છે તું ?

તું જ ચાહત છે તું જરૂરી છે
તું જ વગર કંઈ ન ગમે, કોણ છે તું ?

સત્ય તું, શિવ તું ને સુંદર તું
તું જ કણકણમાં વસે, કોણ છે તું ?

તું જ શબ્દોનું કરે આયોજન
ને પછી રૂપ ધરે. કોણ છે તું ?

તું કહે એમ કરે છે સાહિલ
તું લખાવે તે લખે, કોણ છે તું ?

( હનીફ સાહિલ )

એક કોરો કાગળ-મનીષા જોષી

સિલ્કના એક સુંદર સ્કાર્ફમાં
મેં છૂપાવી રાખી છે, એક કવિતા.
આમ તો જોકે,
આ એક કોરો કાગળ જ છે.
મારા ગયા પછી,
એ સ્કાર્ફ જેના હાથમાં આવશે,
એ જોશે એક કોરો કાગળ.
મારા વાળનું તેલ,
સ્કાર્ફમાંથી થઈને એ કાગળ પર ઊતર્યું હશે.
એ કાગળ પર થોડા તેલના ધાબા ઉપસ્યા હશે.
પછી એ કાગળ કોઈ ફેંકી દેશે પસ્તીમાં,
અને સ્કાર્ફ પણ ધોવાઈ જશે.
ખુલ્લી હવામાં ફરફરી રહેલા સ્કાર્ફ પર ચિતરેલા
ચકલી ને પતંગિયાં ઊડાઊડ કરી મૂકશે
ને મોર નૃત્ય કરશે ત્યારે
તેલના ધાબાવાળો એક કાગળ
વેચાશે કશેક નજીવા દામમાં.
એ કાગળ ભળી જશે, બીજા કાગળોના પલ્પમાં.
અને બની જશે ફરી, એક નવોનકોર કાગળ.
એ બનશે કોઈ સુંદર પ્રેમપત્ર
કે એના પર લખાશે કોઈ કાનૂની દસ્તાવેજ,
એ બનશે કોઈની આજીવન કેદનો હુકમ
કે એના પર લાગશે કીમતી સ્થાવર મિલકતની સ્ટેમ્પ.
કોઈ બાળક એની હોડી બનાવશે
કે કોઈ વેપારી એ કાગળમાં અગરબત્તી બાંધીને વેચશે.
જે હોય તે.
મારા ગયા પછી,
હું મૂકી જઈશ, એક કોરો કાગળ.
પણ, અત્યારે તો,
અગરબત્તીની તીવ્ર સુગંધ નથી સહન થતી મારાથી.
એ સુગંધમાં રહેલી પવિત્રતા અકળાવી રહી છે મને.
અત્યારે તો, મને સૂંઘવા દો.
રિસાઈકલ થઈ રહેલા કાગળમાં ભળી રહેલા
કૃત્રિમ રસાયણોની સુગંધ.

( મનીષા જોષી )

કાંઠે-યોગેશ જોષી

કાંઠે
ઊભો ઊભો જોઉં છું-
વહાણ તો
હલેસાય છે
આ વિરાટ સરોવરમાં
પાણીય છે ભરપૂર
હિલોળા લેતું…
સઢ પણ છે નવો નક્કોર,
ફરફરતા આકાશ જેવો
ને
વેગીલો પવન પણ છે
અનુકૂળ દિશામાં…
ધ્રુવના તારા જેવી નજરથી
નાવિક મીટ માંડી રહ્યો છે
મારા ભણી…
પણ
કોઈ જ ઈચ્છા
ક્યાં છે હવે ?!
બસ,
ઊભો છું
કાંઠે…

( યોગેશ જોષી )

આંગળીના ટેરવે-રન્નાદે

આંગળીના ટેરવે ક્યાંથી મળે જળનું ટીપું ?
સ્પર્શ ભીનો ઝળહળે છે, ઝળહળે જળનું ટીપું.

છીપ પણ અકબંધ રાખી સાચવે શમણું હજી
ખોલશો ના તોડશો ના-ટળવળે જળનું ટીપું.

આંખની બારે ઉઘાડી કોણ આ ઊડી ગયું ?
ઝૂરતા એકાંતને ક્યાં સાંકળે જળનું ટીપું ?

ડાળથી છૂટાં પડેલા પાંદડાંઓ ક્યાં ગયાં ?
પીળચટ્ટી ધૂળમાં આ ટળવળે જળનું ટીપું.

સાવ સૂના ઓરડાને સાચવી ઘર ઊંઘતું
આંગણે આકાશ ઊભું-નેવલે જળનું ટીપું.

( રન્નાદે શાહ )