ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !

 .

અમે ઓળખી શક્યાં નહીં ‘ને મૃગજળ પાછળ દોડ્યાં;

છીપ નીરખતાં રજત ગણીને અઢળક શાને મોહ્યાં ?

તૃષ્ણા કીધી ગગનકુસુમની, કેવળ પામ્યાં છલના;

સકળ વિશ્વનું છદ્મ લઈ, શું કરી કૃષ્ણની રચના ?

 .

હશે, અમે અબળા તો મૂળથી બન્યાં કપટનો ભોગ !

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

 .

વાંસ વધ્યાની પેર અમારો પ્રેમ ક્ષણેક્ષણ વાધ્યો;

છતાંય અંબર-ઊંચો માધવ નથી લગીરે સાધ્યો !

દેવ-દેવીઓ મથે છતાં ક્યાં ભાગ્ય શકે છે જાણી;

કહી શકે છે કોણ ? માછલી પીએ કેટલું પાણી ?

 .

હોય ઉછીનું સુખ અસ્થાયી; અલ્પ પામીએ ભોગ !

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

 મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !

.

( વીરુ પુરોહિત ‌)

હમણાં જ આવી છું – પ્રજ્ઞા વશી

બધાં મ્હોરાં ફગાવીને હજી હમણાં જ આવી છું

ધૂણી ભીતર જલાવીને હજી હમણાં જ આવી છું

 .

નકામો બોજ સુખનો હું લઈને દોડતી’તી પણ

સમયસર એ હટાવીને હજી હમણાં જ આવી છું

 .

હૃદયથી દૂર ક્યાં એકેય પળ ? હરક્ષણ તમે ધબકો

એ ધબકારાં મપાવીને હજી હમણાં જ આવી છું

 .

તમે છો ગેરહાજર તો ય કાયમ હાજરી લાગે

હું મનને એ મનાવીને હજી હમણાં જ આવી છું

 .

બધા માને કે ‘પ્રજ્ઞા’ સુખનાં તાળાં બધાં ખોલે

હું એ ચાવી બનાવીને, હજી હમણાં જ આવી છું

 .

( પ્રજ્ઞા વશી )  

ધાર્યું હતું – કવિતા સિંહ

કેવું અદ્દભુત ધારેલું !

એક ધોધ, એક બગીચો, એક પહાડને

મારા તાબામાં રાખીશ, પાળીને રાખીશ

નળની ધારમાં, ફૂલદાનીમાં, કાગળની ગોઠવણીમાં

કંઈ વાંધો નહીં આવે, બધું સહજ બનશે

આવું જ કંઈક ધારેલું, કેવું અદ્દભુત !

 .

કેવી વાતો ધારેલી ! કંઈ કંઈ વિચારેલું !

એક પુરુષ, કોમળ દ્રષ્ટિ સભર, એક દીકરો,

આ બધાને પ્રેમની-ચાહનાની શક્તિએ બાંધીશ

પોતીકું સુખ, છાનુંછપનું સ્વર્ગ, શાંતિનું ઘર સહજ ઘડીશ.

આવું જ કંઈક ધારેલું,

કેવું કેવું ધારેલું !

 .

( કવિતા સિંહ, અનુ. નલિની માડગાંવકર )  

ગુમ છે – હનીફ સાહિલ

જિંદગીના ખયાલમાં ગુમ છે

તારા હિજ્રો-વિસાલમાં ગુમ છે

 .

કોણ વાંચે એ કિતાબી ચહેરો

વાંચનારા જમાલમાં ગુમ છે

 .

પુષ્પ ખિલ્યા છે શુષ્ક ડાળ ઉપર

ગામ આખું અકાલમાં ગુમ છે

 .

કોઈ બેઠા છે થઈ ઉદાસ અને

કોઈ તારા ખયાલમાં ગુમ છે

 .

કોઈ આપી શક્યું ન એનો જવાબ

શર્મથી સૌ સવાલમાં ગુમ છે

.

કોઈ રાખે હિસાબ જીવનનો

કોઈ ક્ષણ, માહો-સાલમાં ગુમ છે

.

શૈર કહે છે કમાલના સાહિલ

એટલે એ કમાલમાં ગુમ છે

.

( હનીફ સાહિલ )

ટેવ પાડો – દિનેશ કાનાણી

વાત સાચી જાણવાની ટેવ પાડો

થોડી ધીરજ રાખવાની ટેવ પાડો

 .

આ ઉદાસી દૂર કરવી છે તમારે ?

સૌની સાથે ચાલવાની ટેવ પાડો

 .

સાવ સાચું હું કહું છું, ખૂબ મળશે

થોડું થોડું આપવાની ટેવ પાડો

 .

કેટલું લઈ લીધું એ તમને ખબર છે ?

આ સમયને વાંચવાની ટેવ પાડો

 .

છે હકીકત વાંસળીના છીદ્ર જેવી

ફૂંક એમાં મારવાની ટેવ પાડો

 .

કોણ કોનું છે, ખરેખર જાણવું છે ?

દૂર અમને રાખવાની ટેવ પાડો.

 .

હું કહું છું, એ ગલત છે એ ગલત છે

તોય શાને માગવાની ટેવ પાડો ?!!

 .

( દિનેશ કાનાણી )

તે દિવસે અમે બન્ને – મન્દાક્રાન્તા સેન

હમણાં જ ઊંઘમાંથી ઊઠી,

કામિની વૃક્ષની આડશે, શરમાળ આંખે મુંઝાયેલા ચહેરે

ઈશ્વર આવીને ઊભા,

ઈશ્વર ! હા ઈશ્વર, એમને કઈ રીતે ઓળખ્યા,

એ નથી જાણતી.

ત્યારે હજુ સૂરજ પણ ઊગ્યો નહોતો,

મારા આંગણામાં તડકો ઊતર્યો નહોતો,

અજવાળું નહોતું થયું પણ અજવાળું આવું, આવું કરતું હતું

પરોઢિયાનો દેહ લજ્જાભર્યો,

એવે સમયે ઈશ્વર એકલા જ આવ્યા

મારે દરવાજે

વેરવિખેર વાળ, ચોળાયેલાં કપડાં

કેટલાંય વર્ષોનો થાક, પથરાયેલો આંખો નીચે

જોકે આવી આંખો જોઈને અચાનક

એવું લાગ્યું કે એ દેખાવડા છે

આટલું રૂપ મેં ક્યારેય જોયું નથી.

મારો આવો મુગ્ધભાવ જોઈ

એમણે ચહેરો ઝુકાવી અસ્વસ્થ થઈ,

ઉધરસ ખાવા માંડી,

ઉધરસ ખાતાં ખાતાં જ એ દરવાજા પાસે

નીચે પગથિયાં લગોલગ હળવેકથી બેસી ગયા

ત્યારે પણ સવારનું ધુમ્મસ પૂરેપૂરું વિખરાયું નહોતું

ભીંત લગોલગ ઈશ્વર અને મારી વચ્ચે

વાતચીત શરૂ થઈ

 .

એ વાતો ખૂબ ખૂબ ગમતી, મધુર, છતાં ગુપ્ત હતી,

એ બધી વાતો મેં કવિતામાં લખી નથી,

જો લખીશ તો એ મને દગાબાજ માનશે…

 .

( મન્દાક્રાન્તા સેન, અનુ. નલિની માડગાંવકર )

મૂંઝવણ – નલિની માડગાંવકર

લખતાં લખતાં અચાનક,

મારા અક્ષરોને… શબ્દોને… અર્થોને…

ઓળખવાનો પ્રયત્ન કરું છું

પણ એ તો બધા ધુમ્મસિયા બની

હાથને ઈશારે મને બોલાવતા ભાગતા જાય છે

બે આંગળીઓ વચ્ચેની ફાંકમાંથી ટપકતું જળ…

કેમ કરી સાચવું!

અમૃત સંજીવનીનું દમયંતીની હથેળીનું વરદાન

દરેક અક્ષરને વરેલું છે આ સત્ય

પચાવવું કેટલું અઘરું છે !

ખોબે ખોબે વિરામચિહ્નોને પાથરું છું,

 .

થોડા અલ્પવિરામો થોડાં આશ્ચર્યચિહ્નો

વચ્ચે ડોકાતાં પ્રશ્નાર્થો

પણ પૂર્ણવિરામ ક્યાં ?

 .

( નલિની માડગાંવકર )

તારો ઉલ્લેખ – ભાવિન ગોપાણી

જ્યારે સભામાં તારો ઉલ્લેખ નીકળે છે,

બદાલય મનનો મોસમ ને મેઘ નીકળે છે.

 .

તારા તરફનો રસ્તો જાણે કે જિંદગી હોય,

ક્યાંથી શરૂ થયો ને ક્યાં છેક નીકળે છે.

 .

મ્હેંકી ઊઠે છે શ્વાસો, ઉઘડે કિતાબને જ્યાં,

તારો મને લખેલો આલેખ નીકળે છે.

.

તારો વિચાર જણે, યોદ્ધા ખરેખરો છે,

સામાં થયાં ઘણાં પણ, એ એક નીકળે છે.

.

તું નીકળે અહીંથી તો શ્વાસ નીકળે છે,

લે નીકળી હવે તું, તો દેખ નીકળે છે…

.

( ભાવિન ગોપાણી )

તમો છો તો – દીપક બારડોલીકર

તમો છો તો નથી ચિંતાનું કારણ પણ

હથેલી પર ઉપાડી લેશું પર્વત પણ

 .

કદી એવાયે ફરકે છે અધર એના

કે સૂક્કી ડાળે ફૂટી જાય કૂંપળ પણ

.

કોઈની યાદ જાણે ભોમિયો કોઈ

કે ભટકું ત્યાં મળી જાયે મારગ પણ

 .

ઉમર-શો કો છબીલો પણ નથી રણમાં

સૂનો છે મારવીનો એક પનઘટ પણ

 .

હવે શું વાટ જોવી કોઈની ‘દીપક’

નથી જાણીતો પગરવ, કોઈ આહટ પણ

 .

( દીપક બારડોલીકર )

વ્હેતી મૂકો ગઝલ – લલિત ત્રિવેદી

જો જો કે છે ને સત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ

શું રાખવી સરત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

.

લઈ એક અસલિયત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

કાગળની શું મમત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

શબ્દની હોડલી આ…હલેસાં શું મારવા…

ડૂબવાની હો જો મત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

એંધાણનું શું કામ ને શું ડંકા ને નિશાણ…

ક્યાં આવવું પરત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

જો જો વજન અહમનું હશે તો ડૂબી જશે

પહેલાં તજો તખત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

નહિંતર તો કૈં સહેલો નથી તરવો આ કાળમીંઢ

તરણાથી રાખી પત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

વાણીની સાથ સાથ ને પાણીની પેલે પાર

તરવું લઈ ગુપત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

( લલિત ત્રિવેદી )