પંખીપણું-કૃષ્ણ દવે

એક પણ વળગણ નથી ને ? એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું,
સહેજ પણ સમજણ નથી ને ? એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એ જરૂરી છે જ નહીં કે
રોજ એની એ જ ડાળી પર ફરી પાછા જવું, ને આમ મારે-
કોઈ એક જ ઘર અને આંગણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એક ભીનો આવકારો આંખમાં રોપી
લીલીછમ રાહ જોતા વૃક્ષની પાસે જવાના-
આવવાના કોઈ પણ કારણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

પંથ આખો છે હવાનો એટલે હળવા થવાનો,
ને જુઓ આ પંથ માટે-
કોઈ નિયમો કોઈ બંધારણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

આ ગણતરીના લબાચાને અહીં નીચે મૂકી ને
પાંખ બે વિશ્વાસની પહેરી જરા ઊડી જુએ ને તો જ-
સમજાશે તને કે ક્યાંય પંખીપણામાં એક બે કે ત્રણ નથી ને?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

( કૃષ્ણ દવે )

જેવો જ છે એવો જ-ચીનુ મોદી

જેવો જ છે, એવો જ તું દેખાય છે,
હું અરીસો છું, તને સમજાય છે ?

સાત ઓટે આવતી અચ્છી ગઝલ,
જેના તેના હાથમાં સોંપાય છે ?

તાળીઓ માંગે ભિખારી બઝ્મમાં,
‘આલજોમા-બાપ’ બહુ પડઘાય છે.

હાથ લંબાવ્યો ટકોરા મારવા,
આપમેળે દ્વાર ઊઘડી જાય છે.

દેહમાં સંચારબંધીનો અમલ,
ભીંત પર ‘ઈર્શાદજી’ ટીંગાય છે.

( ચીનુ મોદી )

પાછો ફર-પ્રીતમ લખલાણી

શિખર પરથી
પાછળ વળીને જોયું,
અંધકારની
રજાઈ ઓઢીને
ઘસઘસાટ ઢોલિયે પોઢેલ
મારા ગામના
પાદરમાં
ઝાંખાપાંખા ટમટમતા
દીવા વચ્ચે
તાપણું કરીને બેઠેલા
બે-ચાર પાળિયા
સાદ પાડીને
મને બરકી રહ્યાં’તાં
કે,
દીકરા પાછો ફર….

( પ્રીતમ લખલાણી )

मेरे सामने से-शंख घोष

मेरे सामने से
बादलों-जैसा वह इन्सान चला जा रहा है
उसकी देह को थपकने से
लगता है पानी झरने लगेगा

मेरे सामने से
बादलों-जैसा वह इन्सान जा रहा है
उसके पास जाकर बैठने पर
लगता है छाया उतर आएगी

वह देगा, या कि लेगा ? वह आश्रय है, या कि आश्रय चाहता है ?
मेरे सामने से
बादलों-जैसा वह इन्सान चला जा रहा है

उसके सामने जाकर खड़े होने से
हो सकता है मैं भी कभी बादल बन जाऊँ!

( शंख घोष, अनु.: उत्त्पल बैनर्जी )

मूल कविता : बंगाली

गुम हो गई एक चिठ्ठी-गोपाल सहर

कोई नहीं है कहीं मुन्तज़िर !

एक वो चिठ्ठी ही गुम नहीं हुई हैं।
बहुत कुछ गुम हो गया है चिठ्ठी के साथ-साथ।
ढूंढ़ता हूं यहां-वहां।
कुछ भी हाथ में नहीं आता है।
स्याही, कलम कहाँ चले गये हैं।
आंसू … झील-आँखें सूख गयी हैं….
पत्थर फेंकू….धूल उड़ेगी थोड़ी सी और बैठ जायेगी फिर से..
अब कोई बवण्डर भी नहीं उठता है हमारे अंदर।
सब जगह् राजनीति..
कदम दर कदम राजनीति….

( गोपाल सहर )

બેઠી છું-આરતી શેઠ

સવાલ-જવાબની વચ્ચે મૌન પાળીને બેઠી છું,
માયા સંકેલી, શબ્દોનું પોટલું, વાળીને બેઠી છું.

સ્પર્શનો ગરમાવો હાંફીહાંફી ઠીકરું થતો ગયો,
અંગારો ફૂંકવા એમાં, ખુદને બાળીને બેઠી છું.

અરીસો અખંડ હોય કે તિરાડવાળો શું ફરક પડે છે ?
સપાટીથી તળિયા સુધી તને ભાળીને બેઠી છું.

જે ઘટનાઓ બદલવાનું હવે મારું ગજું નથી,
મારી કલ્પનાના બીબાંમાં એને ઢાળીને બેઠી છું.

નથી જોઈતા ખુલાસાઓ, નહિ ભરું અદાલત હવે,
વીંધાઈશ નહીં ધારણાઓથી એમ ધારીને બેઠી છું.

( આરતી શેઠ )

સાચવી રાખો-હનીફ સાહિલ

એક એહસાસ સાચવી રાખો,
મહેકતા શ્વાસ સાચવી રાખો.

હાથ આપ્યો છે એણે હાથોમાં,
એનો વિશ્વાસ સાચવી રાખો.

સાચવી રાખો આંખનો જાદુ,
ચહેરે લાલાશ સાચવી રાખો.

મહેક આવે છે હજી એમાંથી,
પત્ર એ ખાસ સાચવી રાખો.

દર્દ પણ દાસ્તાન થઈ જાશે,
આર્દ્ર ઈતિહાસ સાચવી રાખો.

કાં ઉદાસી ભરી લો આંખોમાં,
કાં તો આકાશ સાચવી રાખો.

તો જ થાશે ગઝલ આ સિદ્ધ હનીફ,
શબ્દ સહવાસ સાચવી રાખો.

( હનીફ સાહિલ )

છૂટી ગયું-સુભાષ પંચોલી ‘અક્ષર’

આખરી આ શ્વાસનું બંધન હતું, છૂટી ગયું,
આ જગતની સાથનું અંજળ હતું, છૂટી ગયું.

વેંત જેવું હું નમ્યો તો હાથ જેવું એ નમ્યો,
ઓગળ્યો દિલનો અહમ અંતર હતું છૂટી ગયું.

જ્યારથી પરચો થયો છે પ્રેમની તાકાતનો,
લોહી તરસ્યું હાથમાં ખંજર હતું છૂટી ગયું.

કર્મ એનું એ જ કર્તા, જ્ઞાન એ લાધ્યા પછી,
પુણ્ય શું ને પાપ શું ? મંથન હતું છૂટી ગયું.

સાવ ક્ષુલ્લક મોહમાં પરવશ રહ્યો ‘અક્ષર’ સદા,
માણવા સુંદર જગત, અંબર હતું છૂટી ગયું.

( સુભાષ પંચોલી ‘અક્ષર’ )

સ્વંયની શોધ આદરજે-હાર્દિક વ્યાસ

ઉદાસી આંગણે આવી સ્વંયની શોધ આદરજે,
ઝરણને સહેજ છલકાવી સ્વંયની શોધ આદરજે.

પરિચિત જળ મળ્યું છે તો ડુબાવી દે અધૂરપને,
પ્રવાહો છેક પલટાવી સ્વંયની શોધ આદરજે.

ગગનમાં કો’ક દિન તું નીરખી લે ધ્રુવ તારકને,
પછી સંકલ્પ સરખાવી સ્વંયની શોધ આદરજે.

મળ્યો છે વારસો તો બંધ હોઠોનો જ જન્મોથી,
છતાં અહાલેક સંભળાવી સ્વંયની શોધ આદરજે.

ગતિની તાજગી સાથે મળે સંતોષ વાયુને,
ધજાને એમ ફરકાવી સ્વંયની શોધ આદરજે.

નહીં તો તૃપ્ત મૂળિયાંઓ ભૂલી જાણે ઉગમબિંદુ,
તૃષાનું બીજ ફણગાવી સ્વંયની શોધ આદરજે.

જુદા છે અર્થસંદર્ભો બધી સંઘર્ષગાથાના-
હૃદય, મસ્તકને સમજાવી સ્વંયની શોધ આદરજે.

( હાર્દિક વ્યાસ )

અનાહતા-ઉર્વશી પંડ્યા

અંધારી અજવાળી ક્ષણો ભીતર
સહસા છાતી ફાડી તરી આવતું વિસ્મૃત નગર,
ગોરાળુ જમીનના થર છેદી ફૂટી નીકળતાં બીજાંકુરો
જૂનાં-નવાં રૂપ એકાકાર.
પ્રલયપૂરમાં લીન થતી સૃષ્ટિ.
મારી ત્વચા, માંસ-મજ્જા, શિરા-ધમની, રુધિર
રસબસ અંધારી-અજવાળી ક્ષણો ભીતર.
ગોરજ ટાણું, ધૂંધળી સાંજ
દિશાઓથી સૂસવતા પોકાર
પોકાર જળ, અગન, માટી આભ ને વાયરાના
ગંધ, સ્પર્શ, સ્વાદ, શ્વાસ ને રવના
અંધાર ઉજાશ ને ઉગમણા-આથમણાના-
રસબસ અંધારી અજવાળી ક્ષણો ભીતર.
માટીની માયા ધાનભરી ભોંયના શ્વાસ હેવાયા.
શિયાળુ સવારનાં હૂંફાળાં ચોસલાં
તાજાં લણેલાં ધાનની ગંધ
અંધારી અજવાળી ક્ષણોમાં પ્રવેશું વિસ્મૃત નગર ભીતર
ન સ્વપ્ન, ન સમજણ, ન કોઈ બોધ.
બહાર નક્ષત્રોભર્યું આકાશ, સઘળે તું વ્યાપ્ત
અવાજ જેવી
સુવાસ જેવી
હૂંફ જેવી
પ્રેમ જેવી ને
ક્યારેક મેં અતિશે ચાહેલા એકાંત જેવી.

( ઉર્વશી પંડ્યા )