
૧.
એકમાં શ્રદ્ધા હોય તો બસ. નિરાકારમાં શ્રદ્ધા એ તો સારું, પરંતુ એવી ભાવના રાખવી નહીં કે માત્ર એ જ સાચું, બીજું બધું ખોટું. એટલું જાણજો કે નિરાકાર પણ સાચું તેમ જ સાકાર પણ સાચું. તમને જેમાં શ્રદ્ધા હોય તેને પકડી રાખજો.
.
૨.
સંસારનું બધું કામ કરવું, પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું. ઈશ્વરભક્તિ પ્રાપ્ત કર્યા વિના જો સંસાર ચલવો તો ઉલટા વધુ સપડાઓ. સંકટ, શોક, તાપ એ બધાંથી હેરાન થઈ જાઓ. હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહીંતર એનું દૂધ હાથે ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારના કામમાં હાથ લગાડવા જોઈએ.
.
૩.
સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ-પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહીં. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાનભક્તિરૂપી માખણ કાઢી લો. એ માખણ સંસારજળમાં રાખી મૂકો તો તેમાં ભળી ન જાય, તર્યા કરે.
.
૪.
ઈશ્વર પ્રાણીમાત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવુંમળવું ચાલે; જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે, એટલે કંઈ વાઘને ભેટી પડાય નહીં !
.
૫.
કોઈ કોઈ એમ ધારે કે વધુ પડતું ‘ઈશ્વર ઈશ્વર’ કરવાથી મગજ બગડી જાય. એમ થાય નહીં. આ તો અમૃતનું સરોવર, અમૃતનો સાગર ! વેદમાં તેને ‘અમૃત’ કહ્યું છે. એમાં ડૂબી જવાથી મરાય નહીં, અમર થવાય.
.
૬.
જો તાળબંધ ઓરડાની અંદરનું રત્ન જોવાની અને મેળવવાની ઈચ્છા હોય તો મહેનત કરી ચાવી લાવીને બારણાનું તાળું ઉઘાડવું જોઈએ. ત્યારપછી રત્ન બહાર કાઢવું જોઈએ. નહીં તો ઓરડો તાળાબંધ, તેના બારણાની બહાર ઉભા ઉભા વિચાર કરીએ, કે આ બારણું મેં ઉઘાડ્યું, આ પેટીનું તાળું ખોલ્યું, આ રત્ન બહાર કાઢ્યું; એમ માત્ર ઉભા ઉભા વિચાર કરવાથી કાંઈ વળે નહીં. સાધના કરવી જોઈએ.
.
૭.
એમ ધારવું એ સારું નહીં કે મારો ધર્મ જ સાચો ને બીજા બધાના ધર્મો ખોટા. બધા માર્ગોએ થઈને ઈશ્વરને પામી શકાય. હ્રદયની વ્યાકુળતા હોય તો બસ.
.
૮.
નામનું ખૂબ માહાત્મ્ય છે ખરું, પણ અનુરાગ ન હોય તો શું વળે ? ઈશ્વરને માટે પ્રાણ આતુર થવા જોઈએ. નામ લીધે જઈએ છીએ, પણ મન કામકાંચનમાં પડ્યું હોય, એથી શું વળે ? વીંછીંનો કે મોટા કરોળિયાનો ડંખ એકલા મંત્રથી ન મટે, છાણાનો શેક-બેક કરવો જોઈએ.
.
૯.
જેની પાકી ખાતરી છે કે ઈશ્વર જ કર્તા છે અને હું અકર્તા, તેનાથી પાપ થાય જ નહીં. જે નાચવાનું બરાબર શીખ્યો હોય તેનો પગ તાલથી બહાર પડે જ નહીં. અંતર શુદ્ધ થયા વિના ઈશ્વર છે એવી શ્રદ્ધા જ બેસે નહીં.
.
૧૦.
’તમે’ અને ‘તમારું’ એનું નામ જ્ઞાન; ‘હું’ અને ‘મારું’ એ અજ્ઞાન.
.
( રામકૃષ્ણ પરમહંસ )






