પ્રિય, તને પત્ર – સુરેશ દલાલ

Happy Valentine's Day

પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. સમયનો સ્વભાવ સરવાનો છે. મિલનમાં સમય સરતો જાય છે. વિરહમાં સમય જાણે કે થંભી જાય છે. હકીકતમાં હરણની છલંગરૂપે કે ગોકળગયની ગતિએ સમય સરતો જ રહે છે. ઓક્ટેવિયા પાઝની એક પંક્તિ છે : “Does nothing pass, when time is passing by ?” સમયની સોગાતરૂપે મળેલો પ્રેમ રાતોરાત વીખરી જાય છે અને છતાં પણ એ વીખરવાપણાની વચ્ચે પણ કહ્યા વિના એક વાત કહેવાય છે કે હવે આ હ્રદય અન્ય કોઈ સાથે ક્યારેય અનુસંધાન નહિ પામે.

.

તને પત્ર લખવો છે અને નથી લખવો. બધી જ વાત કહેવી છે અને કશી જ વાત કહેવી નથી. બધી જ વાત કોઈ કદીયે કહી શક્યું છે ખરું ? લાગણીની લિપિ પૂર્ણપણે કોરા કાગળ પર અંકિત થઈ શકે ખરી ? એટલે જ પત્ર લખવાની સનાતન પ્યાસ હોવા છતાંય પત્ર લખવાનું માંડી વાળું છું. અને આ વાત માંડી વાળી શકાય એવી પણ નથી. હું લખું છું, વલખું છું ,લખું છું. સૂરજનું કિરણ રોજ સવારે સમુદ્રના જળ પર પોતાની લિપિ આંકવા માટે અથાક પ્રયત્ન કરે છે. થાકીને તે પાછું રાતના અંધકારમાં લપાઈ જાય છે. રાતના અંધકાર જેવી મારી ભાષા. એમાં કોઈક શબ્દો તારાની જેમ પ્રકટે પણ ખરા પણ તારાનું જરીક અમથું તેજ આટલા બધા અંધકારને કઈ રીતે છેદી ભેદી શકે ?

.

સ્મૃતિ વીજળી થઈને મારા આકાશને આખેઆખું ચીરી નાખે છે. ક્યારેક એ વીજળી ચાબુક થઈને મને ફટકારે છે ત્યારે પણ મારા કંઠમાંથી ચીસ નથી પ્રગટતી. સરી જાય છે એક આનંદનો ઉદ્દગાર અને ઉદ્દગારમાં હોય છે તારું નામ. હું અભાગી નથી. સદ્દભાગી છું. તારી સ્મૃતિ સાથે જીવું છું. તારી સ્મૃતિ સાથે જાગું છું, તારી સ્મૃતિ સાથે ઊંઘું છું. તારી સ્મૃતિ સાથે ખાઉં છું, પીઉં છું. કરવા પડતાં તમામ કામ કરું છું તારી સ્મૃતિ સાથે. અને એટલે જ મારું કોઈ પણ કામ, બોજો કે વેઠ કે વૈતરું નથી પણ જીવનનો નર્યો ઉલ્લાસ છે. પ્રત્યેક પળ સાથે તારો પ્રાસ છે. પ્રત્યેક પળ એ તારો સહવાસ છે. પ્રત્યેક પળ એ તારી સાથેનો પ્રવાસ છે. ચારે બાજુ આસપાસ તારી જ સુવાસ છે.

.

મારે તો તને એક જ વાત કહેવી છે. તું આવ, અહીં આવ. પવનના તીરની ગતિ લઈને આવ. આ સાગરમાં મારી નાવ ડૂબી જાય એ પહેલાં આવ. આ રાતનો અંધકાર જરી પણ નથી જીરવાતો. મારો આ સૂર તારા શબ્દ વિના ક્યાં લગી એકલો રઝળતો ગાતો ગાતો ફર્યા કરશે ?

.

હવામાં રાતરાણીની મહેક ક્યાંથી ? ફૂલની કોઈ પણ સુગંધ, શરણાઈના કોઈ પણ સૂર મને વ્યાકુળ કરવા માટે પૂરતા છે. તારે માટે ઝૂરતા જીવ માટે આટલું જ પૂરતું છે. વ્યાકુળતા દેખાતી નથી પણ હવાની જેમ હોય છે. વ્યાકુળતા દેખાડવાની પણ હોતી નથી. એને જેટલી સંગોપી શકાય એટલી સંગોપવી જોઈએ. સંગોપી શબ્દમાં પણ ગોપી લપાઈ છે. ગોપીને કોઈ નામ નથી હોતું. એ કેવળ કૃષ્ણની હોય છે.

.

( સુરેશ દલાલ )

Share this

4 replies on “પ્રિય, તને પત્ર – સુરેશ દલાલ”

  1. હિનાબેન,

    ગોપી ભાવનો પ્રેમ સતત અલગ અલગ રીતે આપના બ્લોગમાં જોવા મળ્યો. ગોપી શબ્દ જ એક નીર્મળતાના દર્શન કરાવે છે. ગો નામ ઇન્દ્રિય + પી, જે ઈન્દ્રિયોને પી ગઈ છે તે ગોપી. (કામ-ક્રોધ,લોભ, મોહ, મદ અને મત્સર )

    પ્રેમ ને સારી રીતે વ્યક્ત કરેલ છે.

  2. હિનાબેન,

    ગોપી ભાવનો પ્રેમ સતત અલગ અલગ રીતે આપના બ્લોગમાં જોવા મળ્યો. ગોપી શબ્દ જ એક નીર્મળતાના દર્શન કરાવે છે. ગો નામ ઇન્દ્રિય + પી, જે ઈન્દ્રિયોને પી ગઈ છે તે ગોપી. (કામ-ક્રોધ,લોભ, મોહ, મદ અને મત્સર )

    પ્રેમ ને સારી રીતે વ્યક્ત કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.