દેહથી દૂર-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

દેહથી દૂર જઈ ચઢાયું છે,

સાવ હળવા બની જવાયું છે.

.

રાત ઊભી છે હોઠ સીવીને,

સાવ કાચું કશું કપાયું છે.

.

દોસ્ત તેં પથ્થરો ફેંક્યા,

આમ પણ પાણી તો મપાયું છે.

.

આંખ પડદા ન બાંધ આંસુના,

એ જ વંચાય જે લખાયું છે.

.

આવ કે આંખ ઓળખે કાંઠો,

થઈ તણખલું ફક્ત તરાયું છે.

.

રોજ પહેરી નવાં નવાં પહેરણ,

એક ભાંગ્યો ભરમ થવાયું છે.

.

એટલે તો ગઝલ લખે ‘રાજ્જા’,

ક્યાં કદી પણ તને મળાયું છે.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’  )

સમજ્યા-લાભશંકર ઠાકર

સૂરજ આ અમથું ઉગ્યોને અમથું ખીલ્યું ફૂલ … સમજ્યા

અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ … સમજ્યા

અમથું આ પંખી બોલે છે, અમથું ઊડે કાગ … સમજ્યા

અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ … સમજ્યા

અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ … સમજ્યા

અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ … સમજ્યા

તેમ છતાં આ અમથું ના કંઈ અમથો થતો સવાલ … સમજ્યા

ઉપર નીચે નાના મોટા, ફરકે અમથા ખ્યાલ … સમજ્યા

કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ … સમજ્યા

અમથા અમથા તારા ઉગે, અમથી સળગે વાટ … સમજ્યા

અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત … સમજ્યા

અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત … સમજ્યા

.

( લાભશંકર ઠાકર )

નથી જવું-ભગવતીકુમાર શર્મા

મઝારમાં જઈશ પણ બજારમાં નથી જવું;

કે મારે શ્વાસના જમા-ઉધારમાં નથી જવું.

.

હ્રદયધબકની હું હરાજી શી રીતે કરી શકું ?

કવિ છું હું, કલમના કારભારમાં નથી જવું.

.

મળે જો વાંસળી મુગટ હું શિર ઉપર નહીં ધરું;

કબમ્બછાંય છોડી રાજ્યદ્વારમાં નથી જવું.

.

રમ્યા કરીશ હું ધરાની ધૂળમાં રમ્યા કરીશ;

કદીય અપ્સરાના ઈન્તજારમાં નથી જવું.

.

ક્ષમા કરો મને કે મારો પંથ છે જરા જુદો;

મનસ્વી હું પતંગિયું, કતારમાં નથી જવું.

.

( ભગવતીકુમાર શર્મા )

બોધિસત્વમાં જોયું-લલિત ત્રિવેદી

નિજત્વમાં જોયું ને પરત્વમાં જોયું

મેં જ્યારે જ્યારે મારું ઘર મમત્વમાં જોયું

.

અકળ ! તમેય પણ ત્યારે અકળ ન દેખાયા

પ્રયોજનોની પાર જો સમત્વમાં જોયું

.

મળ્યું શું-તંતુ તંતુ ખોલ્યા જ્યારે સૂતરના

શું ફાયદો જો ખમીસને મેં સ્વત્વમાં જોયું

.

મેં ધૂળ ખંખેરીને જોયું ધૂળનું ઢેફું

હવાની સોંસરું મેં એક સત્વમાં જોયું

.

સુગંધ શબ ઉપર હતી ને પૂજામાંય હતી

ગુલાબ ક્યારે અને કયા મહત્વમાં જોયું !

.

મકાન ઉઘાડ્યું તો એક બોધિવૃક્ષ જોયું મેં

શરીર ઉઘાડીને મેં બોધિસત્વમાં જોયું !

.

( લલિત ત્રિવેદી )

ચલો ગાઈએ ગીત-ધ્રુવ ભટ્ટ

ચલો ગાઈએ ગીત છલકતા દરિયા જેવું

નૈં નિયમ નહીં રીત છલકતા દરિયા જેવું

.

માત્રા મેળ વગરના મીઠા છંદ રચે જ્યાં પાણી

અક્ષર વિના રોજ લખે ત્યાં રેત અજાણી વાણી

નહીં પાળો નહીં ભીંત છલકતા દરિયા જેવું

નૈં નિયમ નહીં રીત છલકતા દરિયા જેવું

.

ગીત કહેશે માછણની આંખોમાં સપનાં ભીનાં

છાતીથી છલકાય પછી તો નભ પછવાડે સીમા

લોહી લગોલગ હીંચ છલકતા દરિયા જેવું

ચલો ગાઈએ ગીત છલકતા દરિયા જેવું

નૈં નિયમ નહીં રીત છલકતા દરિયા જેવું

.

( ધ્રુવ ભટ્ટ )

નદીને મળ્યા પછી- હર્ષદ ચંદારાણા

.

પથ્થર થયા છે ગાતા, નદીને મળ્યા પછી

કાંઠે નથી સમાતા, નદીને મળ્યા પછી

.

લાલી સમા સુહાતા, નદીને મળ્યા પછી

હોઠો જે ગીત ગાતા, નદીને મળ્યા પછી

.

છાલકનો સ્પર્શ થાતાં, નદીને મળ્યા પછી

ફૂલો શરમથી રાતાં, નદીને મળ્યા પછી

.

દિવસો ન ઓળખાતા, નદીને મળ્યા પછી

ખુશ્બો બની છવાતા, નદીને મળ્યા પછી

.

ધસમસ પ્રવાહ થાતા, નદીને મળ્યા પછી

અંગે પવન ભરાતા, નદીને મળ્યા પછી

.

પરિચય મટીને નાતા, નદીને મળ્યા પછી

તનના પતંગ થાતા, નદીને મળ્યા પછી

.

(  હર્ષદ ચંદારાણા )

રાત આખી-અનિલા જોશી

રાત આખી સેવાયેલું

સ્વપ્ન

ઊડી ગયું છે ઝાકળની જેમ

કાળા કાળા ઉજાસમાં

રહી ગયા છે

લાંબા લાંબા ઓળાઓ.

અડીખમ પહાડમાંથી

જન્મી છે નદી.

ભગવન ખાતર

રહેવા દો, વહેવા દો

મારી એકલતાને…

મારે ઝીલવું છે

મારા કાળા ડિબાંગ પ્રારબ્ધના આકાશને

મારી નદીના જળમાં

.

( અનિલા જોશી )

મેં તો કૈં પણ કહ્યું નથી-અમી મહેતા

અરે !

મેં તો કૈં પણ કહ્યું નથી

તો પછી

આ ફૂલો

એકાએક કેમ ચીમળાઈ ગયાં ?

.

મેં તો કૈં પણ કહ્યું નથી

તો પછી

આ ધોધમાર વરસતો વરસાદ

અચાનક કેમ અંદર ને અંદર સૂકાઈ ગયો ?

.

મેં તો કૈં પણ કહયું નથી

તો પછી

આ ઝંઝાવાતી પવન

અચાનક ગગનની કઈ ગુફામાં લપાઈ ગયો ?

.

કદાચ હું કૈં નથી બોલ્યો

એની તો વેદના નહીં હોય ?

.

( અમી મહેતા )

ગુલ્ફામ આવે છે

જીવનમાં તો ઘણા એવા સરસ મુકામ આવે છે;

અમે કરતા નથી કૈં પણ અમારું નામ આવે છે.

.

અમે તો એટલા માટે વિગતને સાચવી બેઠા;

ઘરે હો સંઘરેલો સાપ તો એ કામ આવે છે.

.

‘નથી પીતો’, ‘નહીં પીઉં’, હકીકત કોણ સમજાવે ?

છતાં સાકીના હાથે કાં ભરેલા જામ આવે છે ?

.

ડરો ના મોતથી હરદમ, ખરેખર આવશે નક્કી;

ખુદાના હાથથી મળતું સહજ ઈનામ આવે છે.

.

ન છેડો કોઈ પણ એને, જવા દો એકલો એને;

બળેલું દિલ લઈને કોઈ એ ગુલ્ફામ આવે છે.

.

( અહમદ મકરાણી )