કોમળ તડકો

રે, અમને કોમળ તડકે ઘેર્યા;

સૂની વાટમાં, સખી અમે તો

સૂરજમુખી શાં લ્હેર્યા !

.

ઝરમર વરસે, અટકે, વરસે

શ્રાવણ ખાતો પોરાં;

માંડ માંડ ભીંજાયું ત્યાં તો

તડકા કરશે કોરાં !

.

તડકામાં તરબોળ સકળ,

પીતવર્ણા જામા પહેર્યા !

રે, અમને કોમળ તડકે ઘેર્યા.

.

આ પા ઘર, પેલી પા ખેતર,

અંતરિયાળી લીલાં;

પતંગિયા શો તડકો પાડે,

ભીની હવામાં ચીલાં.

.

તડકાની સંગાથે યાદના

શ્રાવણ કૈં ખંખેર્યા;

રે, અમને કોમળ તડકે ઘેર્યા.

.

( ગિરીશ ભટ્ટ )

હોય તોય શું ?

લાચાર માનવીને અછત હોય તોય શું ?

ઉપયોગમાં ન આવે, બચત હોય તોય શું ?

.

ઈશ્વરનું હોવું મારે કદી પણ ફળ્યું નથી,

મારી સમજ ધરાર અસત હોય તોય શું ?

.

સચ્ચાઈ મારી પાસે પુરાવા વિનાની છે,

તારીખ, વાર સાથે વિગત હોય તોય શું ?

.

ચાહે ગમે તે રૂપે, એ શરણાગતિ જ છે,

હાર્યા પછીયે મારી શરત હોય તોય શું ?

.

ચૂકી ગયો દિશા ને ભટકવાનું માત્ર છે,

રસ્તો હવે પછીનો સખત હોય તોય શું ?

.

ખામોશ થઈ ગયેલો પરિચિત અવાજ છું,

કોઈને આજે મારી ખપત હોય તોય શું ?

.

‘નાશાદ’ મારી રીતે હું સાચો રહ્યો છું પણ,

કોઈને મન એ ખોટી મમત હોય તોય શું ?

.

( ગુલામ અબ્બાસ ‘નાશાદ’ )

ઢાઈ અક્ષર પ્રેમના

સર્વ સગપણમાં સમાયા ઢાઈ અક્ષર પ્રેમના,

તે છતાંયે ક્યાં કળાયા ઢાઈ અક્ષર પ્રેમના ?

.

છે સતત વસ્ત્રો વણ્યા કરવાની આદત આપણી,

પણ કદી એમાં વણાયા ઢાઈ અક્ષર પ્રેમના ?

.

જે સહજ ભાવે મીરાં થૈ ઝેરપ્યાલી પી ગયા,

કૃષ્ણરૂપે પણ પમાયા ઢાઈ અક્ષર પ્રેમના.

.

છે તફાવત એ જ તો વામન અને વિરાટનો

ક્યાં કદી માપી શકાયા ઢાઈ અક્ષર પ્રેમના ?

.

તું નથી સમજી શક્યો બસ આ સરળ શી વાતને,

તેં નહીં, એણે બનાવ્યા ઢાઈ અક્ષર પ્રેમના !

.

( હર્ષ બ્રહ્મભટ્ટ )

સાંજ થઈ ગઈ છે

Sunset point - Saputara

આભ અજવાળો – સાંજ થઈ ગઈ છે,

ચંદ્રને બાળો – સાંજ થઈ ગઈ છે.

.

ઝાડ જો ! કહી રહ્યું પંખીને,

‘આ રહ્યો માળો – સાંજ થઈ ગઈ છે.’

.

ત્યાં… ભલા-બૂરાના હિસાબનીશો,

મેળવે તાળો – સાંજ થઈ ગઈ છે.

.

સરહદો પરનો પહેરો તેજ કરો,

ક્ષિતિજ સંભાળો – સાંજ થઈ ગઈ છે.

.

‘ગામડું કોણ લઈ ગયું ?’ પૂછે,

ગામડાવાળો – સાંજ થઈ ગઈ છે.

.

રક્તના વહી ગયા પછીથી ઘા

થઈ જશે કાળો – સાંજ થઈ ગઈ છે.

.

રાતની તૈયારી કરો ! ચાલો !

ઢોલિયા ઢાળો – સાંજ થઈ ગઈ છે.

.

( શોભિત દેસાઈ )

કરી શકું

થોડોય જાત સાથે પરિચય કરી શકું,

આ પાર કે ઓપારનો નિર્ણય કરી શકું.

.

એવું દે દર્દ વિશ્વને વિસ્મય કરી શકું,

અંદર બહાર સઘળું ગઝલમય કરી શકું.

.

કાં તો શીખવ કે સૌથી સહજ પર બની શકું,

કાં તો શીખવ કે સૌનો સમન્વય કરી શકું.

.

કાણી આ હથેળી છે પરંતુ મઝા જુઓ,

ધારું છું ત્યારે પાત્ર એ અક્ષય કરી શકું.

.

મારે તો તને જોવી છે તેથી ઉદાસ છું,

ઈચ્છું તો તને આ પળે તન્મય કરી શકું.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

એકવેરિયમની ગઝલ

ચોતરફ જળ છે કે મૃગજળ માછલી મૂંઝાય છે

કાચના ઘરમાં પળેપળ માછલી મૂંઝાય છે

.

આટલો બંધિયાર, છીછરો હોય દરિયો શી રીતે ?

સહેજ ડૂબકીમાં મળે તળ માછલી મૂંઝાય છે

.

છીપલાં, શેવાળ, પરપોટા બધું હાજરાહજૂર

ને છતાં આભાસ કેવળ માછલી મૂંઝાય છે

.

દોડતા રહેવું સતત ને પહોંચવું ના ક્યાંય પણ

આ સફર તો છે નર્યું છળ માછલી મૂંઝાય છે

.

પારદર્શક કેદની આગળ જગત કેવું હશે ?

વ્યર્થ કરવી રોજ અટકળ માછલી મૂંઝાય છે

.

( ઉર્વીશ વસાવડા )

પ્રિય પ્રભુ (૩)

નૂતન વર્ષાભિનંદન

પ્રિય પ્રભુ,

.

નવું વર્ષ બે હાથ ખુલ્લા કરીને મને ભેટવા માંગતા દોસ્તાર જેવું લાગે છે…

આ પત્રોમાં તારા અસ્તિત્વ જેવું જ અલ્લડપણું છે…

આ પત્રોમાં વહેતી મારી લાગણી પાસે કોઈ નિશ્ચિત નકશો નથી…

પણ પ્રામાણિક રસ્તો જરૂર છે…

આવનારું નવું વર્ષ દરેક વર્ષે લીધેલા સંકલ્પોને યાદ કરાવે છે…

આ વર્ષે સંકલ્પો નથી લેવા પરંતુ બાકી રહી ગયેલા સંકલ્પોને પૂરા કરવા છે.

સંકલ્પોને કારણે માણસ બંધિયારપણું અનુભવે છે.

પૂર્વયોજિત નીતિ-નિયમો પાસપાસે ઊગેલા દિવસોને

એક જ ઘરેડમાં જીવતાં શીખવે છે…

આ વર્ષે સહજ થઈને જીવવું છે…તારી જેમ…

બધું જ પાટી પર લખીને ભૂંસી નાખવાનું મન થાય એમ…

તારા સપનાનું સરનામું હ્રદયના ચૂકી ગયેલા ધબકાર

પાસેથી મળે-તેની રાહ જોવામાં વિતાવવું છે…

બે પાંપણની ક્ષિતિજ વચ્ચે આકાર લેતી દુનિયા

તારા નિરાકાર હોવા વિશે પ્રશ્નો જરૂર ઊભા કરે છે

પણ નવું વર્ષ ઘણા જવાબો લઈને આવે છે…

મારી આંખો એમાં પ્રૂફરીડિંગની ભૂલો ન શોધે એટલો

ભરોસો રાખી શકું ?

.

લિ.

લીધેલા સંકલ્પોને યાદ કરતો ‘હું’.

.

( અંકિત ત્રિવેદી )

પ્રિય પ્રભુ (૨)

પ્રિય પ્રભુ,

.

અસ્તિત્વની પેલે પારથી આવતી તારી સુગંધ

મને માણસ તરીકે જીવતો રાખે છે…

પ્રત્યેક પળ દિવાળીનું અજવાળું બની જાય

એવી તારી ઈચ્છાને અમે સંઘર્ષનું

નામ આપ્યું છે…

તું મને મળીશ એ ક્ષણ મારું નવું વર્ષ…

દોસ્તીમાં એકમેકને મળવાની આતુરતા હોય છે…

તું મને મળે છે પણ વાત કરવાનો મોકો નથી આપતો…

આ દિવાળીએ થોડીક શિખામણ તનેય આપવી છે…

મળવાની તાલાવેલી તારી આંખોમાં પણ વંચાવવી જોઈએ

સુખ અને દુ:ખની પેલે પારનું જીવવા માટે

સંબંધોને વધુ ઉપસાવવામાં મદદ કરજે…

જીવતરમાં એવા રંગો પૂરજે, જે વાયરાના કહ્યામાં ન હોય…

દીવો ઓલવાઈ ગયા પછી પણ આસપાસમાં અજવાળું જીવતું હોય છે…

એમ જ તારી ગેરહાજરીમાં મારું ‘માણસપણું’ જીવતું રહે એનું ધ્યાન રાખજે…

ઘરના ઉંબર સુધી પહોંચેલું નવું વર્ષ બારેમાસ ‘નવું’ જ લાગે એવું કરજે…

દિવાળીનું નવું વર્ષ પાંચ દિવસનો તહેવાર નથી…

તારી પ્રતીક્ષામાં રત અમારા જીવનમાં બનતી

સારી ઘટનાઓમાં સંભળાતો તારો રણકાર છે…

.

લિ.

હયાતીના રઝળપાટમાં તારી હૂંફ શોધતો ‘હું’

.

( અંકિત ત્રિવેદી )

પ્રિય પ્રભુ

May millions of DEEPAK illuminate your life with endless joy, love, prosperity, health, wealth and happiness forever. HAPPY DIWALI.

પ્રિય પ્રભુ,

.

દિવાળીનો ઉલ્લાસ અમારા ચહેરા પર જોવા ઈચ્છતો હોય તો આટલું કરજે જ…

આતંકવાદીનાં હ્રદયમાં વૃક્ષારોપણ કરવાનું સપનું ઉછેરજે…

ઘરડાં મા-બાપને દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એ પહેલાં

તારી પાસે બોલાવી લેજે…એમની આંખોમાં વીતેલાં વર્ષોની

ખુમારીની આબરૂ જાળવી લેજે !

પ્રેમલગ્ન કર્યા પછી પણ છૂટાં પડવા માગતાં બે હૈયાંને

પ્રેમની અદબ જાળવીને છૂટાં પડવામાં મદદ કરજે…

વારેઘડીએ તારી પાસે આવીને હાથ લાંબો કરનારા

માણસોને જીવનમાં સ્વાવલંબી બનવા માટે જરૂરી આત્મવિશ્વાસ આપજે…

મુશ્કેલીના સમયે ધરેલી ધીરજને શ્રદ્ધાનું ફળ આપજે…

ગમતી વ્યક્તિની જોવાતી રાહમાં શબરીની પ્રતીક્ષા જેટલી

તીવ્રતા ન હોય એ કબૂલ, પણ એ રાહમાં

પ્રામાણિકતાની સુગંધ ઉમેરજે…

એકબીજાને છેતરી-વેતરીને વિસ્તરેલા શહેરને

પોતાના હોવા વિશે શંકા થતી હોય છે ક્યારેક !

અકસ્માતો, તોફાનો, આંદોલનો, વિસ્ફોટો, દગાબાજી-

આ બધ્ધું જ એમાં ઘી હોમવાનું કામ કરે છે…

ત્યારે તું સંપની ભાષા શિખવાડવામાં મદદ કરજે…

અમારી ભૂલોને અમે નીતિ-નિયમોમાં ઢાંકી દીધી છે,

અમને બિનધાસ્ત જિવાડવામાં મદદ કરજે…

અમારામાં જ ઝાંખું-પાંખું જીવતા સંસ્કારોને ભયના ભારમાંથી મુક્ત કરજે…

નવા વર્ષના સંકલ્પો એકલા અમારા માટે જ થોડા હોય ?

બાકી તો અપેક્ષા અને મહત્વાકાંક્ષા વચ્ચેના ભેદને તું

રૂ-બ-રૂ મળે ત્યારે સમજાવજે…!

.

લિ.

.

તારા લીધેલા સંકલ્પોને મદદ કરવા આતુર ‘હું’.

.

( અંકિત ત્રિવેદી )