“એ મારી સામે આવે તો…!!”-( રાધિકા પટેલ )

એ મારી સામે આવે તો;
પ્રથમ તો,
એનો કાખલો પકડી,
પેટ પર જોરથી એક લાત મારી
નીચે પાડી દઉં…!

પછી, એની છાતી પર ચડી-
એના ગાલ પર થપાટો માર્યા જ કરું…માર્યા જ કરું…
લોહીની ટશરો ના ફૂટે ત્યાં સુધી…!

હાથ-પગ કાપીને નીરી દઉં-
ભૂખ્યા વરુને…!

“લબ…લબ…” કરતી એની જીભ તે જ તલવારથી કાપી-
દાટી દઉં પાતાળમાં.

આંખોમાં ખીલા અને કાનમાં સળિયા ખોડી-
નાક પર એક મો…ટ્ટું-
રાંઢવું બાંધી દઉં.

છેલ્લે
એની ચામડી પર અગણિત ડામ દઈ,
એનું કાળજું કાઢી નાખી દઉં-
ભઠ્ઠીમાં.

પણ…
પણ…
“પીડા”
સાલ્લી… બહાર નીકળે તો-ને ?

( રાધિકા પટેલ )

ગઝલ કહેવી નથી મારે-બાબુલાલ ચાવડા ‘આતુર’

ભલે દુનિયાથી હો રંજિશ, ગઝલ કહેવી નથી મારે,
ન હો તારી જો ફરમાઈશ, ગઝલ કહેવી નથી મારે.

નુમાઈશ કાલ જે કરતા હતા મારી જમાનામાં,
લગાવી ક્યાં ગયા આતિશ? ગઝલ કહેવી નથી મારે.

નિહાળીને બુલંદી પર તને બસ એ જ કહેવું છે,
‘સમયની હો ન આ સાજિશ’, ગઝલ કહેવી નથી મારે.

રદીફોકાફિયા ક્યાં ? ક્યાં વજન ? ક્યાં મત્લાઓમક્તા ?
વળી આ બેમજા બંદિશ, ગઝલ કહેવી નથી મારે.

ક્ષુધાતુર કે તૃષાતુર કૈં નથી હું ફક્ત ‘આતુર’ છું,
તખલ્લુસની કરો તફલીશ, ગઝલ કહેવી નથી મારે.

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

છોડી દીધું-બાબુલાલ ચાવડા ‘આતુર’

મેં હવે તારા વિચારોનું ગગન છોડી દીધું,
કૈંક વરસોનું દિશાહીન ઉડ્ડયન છોડી દીધું.

એક ચમચી યાદ તારી આંખ મીંચી પી ગયો,
ને પછી પહેલા પુરુષનું એકવચન છોડી દીધું.

એમને ફુરસદ નથી કે મારા જખ્મોને ગણે,
વ્યસ્ત લેખનમાં થયા વાચન-ગણન છોડી દીધું.

આજ હું મારા જ પડછાયાના છાંયે સૂઈ ગયો,
ને બધાને એમ લાગ્યું કે શ્વસન છોડી દીધું.

કોપરાના છીણ જેવું વાટકીભર આયખું,
સહેજ ભભરાવી ગઝલમાં લે કવન છોડી દીધું.

શબ્દની બેબાકળી વણજાર ચાલી ગઈ પછી,
ધૂંધળું ‘આતુર’ બધું ચિંતન-મનન છોડી દીધું.

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

કેમ જીરવાશે ?-બાબુલાલ ચાવડા ‘આતુર’

હૃદયની રાંગ પર દેમાર લશ્કર કેમ જીરવાશે ?
શબદનાં શર કલેજે હે મુનિવર કેમ જીરવાશે ?

કમળના પાંદડે ઝાકળના અક્ષર કેમ જીરવાશે ?
તિમિરની પીઠમાં સૂરજનાં ખંજર કેમ જીરવાશે ?

ઉતરડીને ત્વચા હું વલ્કલો ધારણ કરી લઉં પણ,
જડેલા વૃક્ષ પર સ્મૃતિઓનાં બખ્તર કેમ જીરવાશે ?

પીડાના દ્વીપ વિસ્તરતા જશે જો આમ, દ્વૈપાયન ?
પછી ખોબોક જીવતરનો આ સમદર કેમ જીરવાશે ?

કદી સંશય બધા ટળશે, ઊકલશે ભેદ પણ સઘળા,
છતાં મૂંઝવણ વિનાનું મન તો આખર કેમ જીરવાશે ?

બનીને મૂકદ્રષ્ટા કેમ જોવાશે બધું ‘આતુર’!
જશે સૌ ઈન્દ્રિયો છોડીને એ ઘર કેમ જીરવાશે ?

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

માણસ છું-બાબુલાલ ચાવડા ‘આતુર’

ચમકે ના ચમકે એવા ચાંદરણા જેવો માણસ છું,
ડૂબતો માણસ ઝાલે છે એ તરણા જેવો માણસ છું.

કોઇ શિકારી રાજી ક્યાં છે તીર પોતાનું વેડફવા?
કસ્તૂરીને ખોઇ ચૂકેલા હરણા જેવો માણસ છું.

માંડ રળે છે કોઇ પેટિયું ફૂટપાથે ફેલાવીને,
જર્જર, મેલા-ઘેલા એ પાથરણા જેવો માણસ છું.

જે દરિયાને મળી નથી એ નદીની પીડા જાણું છું,
કોઈ નદીને મળે નહીં એ ઝરણા જેવો માણસ છું.

છપ્પનભોગી ઓડકારની સામે થાકી-હારીને,
ભૂખમરાએ શરુ કરેલા ધરણા જેવો માણસ છું.

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

ઓ સાથી!-બાબુલાલ ચાવડા ‘આતુર’

નરી આંખે નિહાળી છે, કૃપા પ્રગટી છે, ઓ સાથી!
ગગનના ગોખમાં ઝળહળ ઋચા પ્રગટી છે, ઓ સાથી!

રુંવાડાભેર આ હોવાપણું શ્લોકત્વ પામ્યું છે,
અતિશય આર્તનાદે વેદના પ્રગટી છે, ઓ સાથી!

ડચૂરો કંઠનો કેવો તરંગિત લય બન્યો છે જો!
ગઝલના વેશમાં આદિમ તૃષા પ્રગટી છે, ઓ સાથી!

અહો, ઊમટ્યાં છે કંઈ ગંધર્વ ને કિન્નરનાં ટોળાંઓ,
અજાણ્યાં વિસ્મયોની આવ-જા પ્રગટી છે, ઓ સાથી!

સમયના શુષ્ક વેરાને રઝળતા શ્વાસમાં અંતે,
નવેસરથી પુરાતન ભવ્યતા પ્રગટી છે, ઓ સાથી!

પ્રગટશે કંઈ નવું ’આતુર’ હવે આ સખ્યમાંથી પણ,
અહીં તું છે ને શબ્દોની લીલા પ્રગટી છે, ઓ સાથી!

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

કેટલાક વળી-તુષાર શુક્લ

કેટલાક વળી વર્ષગાંઠે ઉદાસ બની જાય છે
વિચારે છે કે એક વર્ષ ઓછું થયું…
વિચારી તો એમ પણ શકાય ને કે એક વર્ષ વધ્યું?!
પ્યાલો અરધો ખાલી ય છે.
પ્યાલો અરધો ભરલો ય છે.
બંને સત્ય છે!

સવાલ સમજણનો છે. દ્રષ્ટિનો છે.
જે જીવનને માણે છે એ વધઘટના હિસાબમાં નથી અટવાતા.
જે વર્ષોને વેડફે છે એ જ વર્ષ ઘટ્યાનાં રોદણાં રડે છે.
સમય ન હોવાની ફરિયાદ કરનારાનું સમયપત્રક જ,
વાસ્તવમાં, ખોટું હોય છે!

દિવસ આખાનું વ્યવસ્થિત આયોજન હોય
એમની પાસે ઉડાડવા માટેનો ય સમય હોય છે.
સમયને વેડફનારાને જ સમય ખૂટે છે!

( તુષાર શુક્લ )

વર્ષગાંઠે-તુષાર શુક્લ

વર્ષગાંઠે એક વધુ વર્ષ બંધાય છે,
અનુસંધાય છે જીવન સાથે.
આ નવા વર્ષનું આગમન આનંદદાયી તો જ બને
જો વીતેલા વર્ષોની ગાંઠોનો ભાર પીડા ન બને.

વળી એક વર્ષ…વળી એક ગાંઠ…
આવો ભાવ મનમાં હોય તો ન જ ઉજવાય વર્ષગાંઠ.
વર્ષગાંઠ બંધન નહિ,
અનુસંધાન બની રહે જીવનનું
તો જ ગમે ગાંઠને ઉજવવાનું.

( તુષાર શુક્લ )

કુશળ પતંગબાજ-તુષાર શુક્લ

કુશળ પતંગબાજ પોતાના પતંગને અનુકૂળ દોરી રાખે છે.
એ એમાં ઝોલ પડવા નથી દેતા.
અનાવશ્યક અજાણ દોરના લપટાવાથી પોતાની
દોરને ઝૂમઝૂમ થવા નથી દેતા.
એ પતંગના ઉડ્ડયનને અનુરૂપ દોર રાખે છે.
એમની કુશળતા કદી ય અગાશી પર દોરીનો ઢગલો થવા દેતી નથી.
એમના આ કૌશલને સાથ મળે છે સજ્જ ફિરકીધારકનો.

ફિરકી પકડનાર પતંગ ઉડાડતા નથી,
પણ એને ઉડતા રાખવામાં સહાયક જરૂર સિદ્ધ થાય છે.
એ આવશ્યકતા પ્રમાણે દોરીનો પ્રવાહ જાળવે છે.
દોરી ગૂંચાય નહિ એનું ધ્યાન રાખે છે.
અને દોરી ગૂંચાય તો એને ઉકેલી નાખે છે. ન જ ઉકલે તો ગાંઠ મારે છે.

આ ગાંઠ મારવાનો નિર્ણય સમયસરનો હોય તે જરૂરી છે.
એ ગાંઠ મારવામાં પ્રવીણ હોય છે.
એણે મારેલી ગાંઠ, દોરને આગળ સરકવામાં ઓછામાં ઓછી અડચણ રચે છે.
અને, અધવચ્ચે છૂટી પણ નથી જતી.
ગૂંચ પડે નહિ, અને પડે ને ઉકલેનહિ
તો નવી ગાંઠ મારતા ય આવડવું જોઈએ !

( તુષાર શુક્લ )

ગાંઠ બાંધનારા-તુષાર શુક્લ

ગાંઠ બાંધનારા જાણે છે કે ગાંઠના પ્રકાર હોય છે.
એમાં એક ગાંઠ ‘સરકણી ગાંઠ’ કહેવાય છે
એનો ગાળિયો છૂટવાની મથામણમાં વધુ ને વધુ રૂંધાતો જાય છે.
ફાંસીગરનો ગાળિયો, જીવન હરી લે છે.
કેટલીક ગાંઠમાં બંને છેડા એવા છૂટા રખાય છે
કે સહેલાઈથી છૂટી જવાય. સરકી જવાય.

જ્યાં કશુંક તૂટતું હોય અને એને સાચવવું જરૂરી હોય
જ્યાં કશુંક છૂટતું હોય અને એને જાળવી લેવું જરૂરી હોય
ત્યાં ગાંઠ આવકાર્ય છે.

અલબત્ત, ગાંઠ ગાંઠ જ છે.
એને ભૂલો નહિ તો
ગમે તેટલી ઝીણી ગાંઠ પણ ખટક્યા કરે છે.

પતંગરસિકો જાણે છે દોરીમાં જો આવી ગાંઠ આવે તો દોરી
સરકતી અટકે છે ને પેચ કપાય છે.
પવન અનુકૂળ હોય છતાં ય પતંગ કપાવાની પાછળ દોરીમાંની આ ગાંઠ છે.

વર્ષોની ગાંઠે જો વ્યક્તિ બંધાય તો એની ગતિ રૂંધાય
અને જીવન ગંધાય !

( તુષાર શુક્લ )