તું અંગાર છે-ચિનુ મોદી

તું થીજેલો છે બરફ ને તપ્ત તું અંગાર છે,
હોડીને ડૂબાડનારો પાણીનો અવતાર છે.

તું જ છે આકાશમાં ને તું જ છે પાતાળમાં,
જાણી લે કે તું જ તારો કામનો કરનાર છે.

શેઠિયો તું, વેઠિયો તું, તું સૂતો; તું જાગતો,
સર્વ ક્ષણમાં ગુપ્ત રીતે તારો તો સંચાર છે.

સાચ કહો કે જૂઠ કહો; પાપ કહો કે પુણ્ય કહો;
સ્વર્ગ ને આ નર્ક પણ શબ્દનો સંસાર છે.

નાનપણથી કોક આ ‘ઈર્શાદ’ને સમજાવને,
ક્યાંક ગુણાકાર તો ક્યાંક ભાગાકાર છે.

( ચિનુ મોદી )

જીવું છું-સાહિલ

સીધો સાદો છું માણસ એક-બે ઈચ્છામાં જીવું છું,
તમારી જેમ ક્યાં હું સેંકડો સ્વપ્નામાં જીવું છું.

છે સરખાં નામ પણ સ્થળ જીવવાનાં સાવ છે નોખાં,
તમે હાથોની ને હું મેંદીની રેખામાં જીવું છું.

મને વહેતી નદીમાં શોધવાનો યત્ન ના કરશો,
હું રેતીના થરો નીચે સૂતા ઝરણામાં જીવું છું.

સમય આવ્યે થશે પુરવાર પલ્લું કઈ તરફ નમશે !
તમે શંકામાં જીવો છો ને હું શ્રદ્ધામાં જીવું છું.

નથી જે સોય દેખાતી નરી આંખેય દુનિયાને,
મજા તો એ છે હું એ સોયના નાકામાં જીવું છું.

પડાવ પાસે પહોંચ્યા તોય પણ છે હાલ એના એ,
નિરાંતે જીવવાની કેટલી ચિંતામાં જીવું છું.

તમે બોલ્યા પછી વીખરાઈ જાઓ છો હવાઓમાં,
હું બોલ્યા બાદ ‘સાહિલ’ કાયમી પડઘામાં જીવું છું.

( સાહિલ )

કોણ છે ?-દિવ્યા સોની “દિવ્યતા”

આ આવ્યું મનમાં કોણ છે ?
કે હૈયે પડ્યું, ઘીનું મોણ છે ?

જ્ઞાન પામવાની અવઢવમાં,
એકલવ્યને મળ્યા દ્રોણ છે !

કોરે કોરા રણમાં જુઓને;
મીઠી ઝરમર ઓણ છે !

નષ્ટ થાય મારું મારાપણું,
સાચા સ્નેહનો દ્રષ્ટિકોણ છે !

બર્બ્યુડાના ત્રિકોણથીયે ,
પેચીદો પ્રેમનો કોણ છે !

( દિવ્યા સોની “દિવ્યતા” )

પ્રેમ…!!! -એષા દાદાવાળા

પ્રેમ એટલે
વોટ્સએપ પર એ ઓનલાઇન હોય
ત્યારે હૃદયમાં છે…ક અંદર હાથ નાંખી
ધબકારને આંગળીમાં પકડી, પારેવાની જેમ ફફડવું

પ્રેમ એટલે
ફેસબુક પર પોસ્ટ થયેલું એમનું સ્ટેટસ વાંચતા જ
ચશ્માનાં નંબરોનું ઉતરવું…

પ્રેમ એટલે
એમણે મોકલેલી સ્માઇલીનાં સ્મિતનું
મેસેજમાંથી કૂદીને હોઠ પર આવવું

પ્રેમ એટલે
રોજ રાત્રે એમનું સપનાંમાં આવવું, આંખ ખૂલે એટલે ભાગી જવું
ને પછી આપણું કલાકો જાગવું…

પ્રેમ એટલે
મોબાઇલની સ્ક્રીન પર એમનું નામ વાંચીને
આપણાં નામને ભૂલવું…

પ્રેમ એટલે
ફિલ્મનાં બહુ ચાલેલા રોમેન્ટીક ગીતો
આપણાં પર જ લખાયા હોવાનું લાગવું
ને પ્રેમ એટલે
હવાની છાલકનું પણ ગાલો પર વાગવું

પ્રેમ એટલે
વોટ્સએપનાં ડી.પીમાં મૂકેલાં ફૂલોનું
સાચા થવું
ને પ્રેમ એટલે
એક ફૂલનું બગીચો થવું

પ્રેમ એટલે
રસ્તો ઓળંગતા ગભરાવું
અરીસા સામે શરમાવું
ને પ્રેમ એટલે
આપણાં જેવું બીજું કોઇ નહીં
જેવા ખોટા વહેમમાં ભરમાવું

પ્રેમ એટલે
એમનાં ઘરનાં સૂરજનું
આપણી બારીમાં ઉગવું
ને પ્રેમ એટલે
છત્રીની જેમ ખૂલવું
ઝૂલા વિના પણ ઝૂલવું
ને પ્રેમ એટલે
ચક્રવૃધ્ધિ વ્યાજનાં દરે
ખૂબ બધાં વહાલને ધીરવું
પ્રેમ એટલે
એ, એ અને માત્ર એ જ
એવું ઘૂંટવું
ને
પ્રેમ
એટલે
થોડું ગભરું
સફેદ રંગનું પારેવું

ને પ્રેમ એટલે
જીંદગી આખી
સાથે જ જીવવા ધારેલું
ને
પ્રેમ એટલે
બધું બાજુ પર મૂકી
ઇશ્વર પાસે એમનું નામ જ માંગેલું…!!

( એષા દાદાવાળા ‌)

આ કેવો પેંતરો-દિવ્યા સોની “દિવ્યતા”

આ કેવો પેંતરો, એ રચી રહયા છે;
હારી ખુદને, મને એ જીતી રહયા છે !

એકમેકમાં એવા સમયભાન ભૂલ્યા,
કે દિનરાત, વર્ષો થઈ વીતી રહયા છે !

લાગણી એ જ છે પહેલા જેવી જ;
તણાવનું કારણ સમય-સ્થિતિ રહયા છે !

મારી બધી એષણાઓ ટેકવી રાખતા,
એમના જ ગોખલા ‘ને ખીંટી રહયા છે !

એકેએક શ્વાસે, અમે વિશ્વાસથી ,
ભવેભવ એકમેકમાં વીંટી રહયા છે !

( દિવ્યા સોની “દિવ્યતા” )

કબીરાઈ-સલીમ શેખ ‘સાલસ’

શબદને પામવા ના કામ લાગે છે ચતુરાઈ,
મરમને તાગનારાઓ જ પામે છે કબીરાઈ.

તમારો તાજ આલીશન પણ તમને મુબારક હો,
અમે તો બાદશાહીમાં ધરી છે આ ફકીરાઈ.

વિખેરાઈ ગયો, તો લેશ પણ ના રંજ છે ભગવંત,
થયા કણકણ પછી તારી અમે પામ્યા અખિલાઈ.

પઢા પોથી, બના પંડિત, ગયા કાશી, ગયા કાબા,
છતાં આ પ્રેમ નામે ભોગવે છે કાં ગરીબાઈ ?

નથી હોવાપણું નિર્ભર ફક્ત શ્વાસો ઉપર “સાલસ”,
અહીં બેભાન પણ શ્વાસો થકી આપે સબૂતાઈ.

( સલીમ શેખ ‘સાલસ’ )

નિહાળીને-સાહિલ

નિહાળીને ધસમસતો પ્રવાહ પહેલાં તો હું થથરી ગયો,
પછી સાતે સાગર હું તમારું નામ લઈને તરી ગયો.

હવે મારા લોહીનાં બુંદ બુંદ બરફના રાજકુમાર છે,
જે ધૂણો ધધખતો હતો ભીતર એ તો ક્યારનોય ઠરી ગયો.

કોઈ દોષ દર્પણોનો નથી-એ બિચારાનો નથી વાંક કંઈ,
હતો મારો ખુદનો ચહેરો એ-જે નિહાળીને હું ડરી ગયો.

જે તૂફાન સામે ધસી ગયો-પહોંચી ગયો એ કિનારે પણ,
એ કિનારા સામે ડૂબી ગયો જે પવન પ્રમાણે ફરી ગયો.

મને માર્ગમાં મળ્યા સાથીઓ વિશે એટલું જ કહી શકું,
જો કોઈ ઉજાસ હરી ગયો તો કોઈ ઉજાસ ભરી ગયો.

અરીસોય કોઈ અજાણ્યા જેમ જ તાકતો રહ્યો છે મને-
હરિ આવ્યો-આવીને દરમિયાની તમામ પર્દા હરી ગયો.

અમસ્તી નથી થઈ ગાઢ ‘સાહિલ’ મિત્રતા મઝધારથી,
મને જોતાંવેંત કિનારાથી કિનારો કિનારા કરી ગયો.

( સાહિલ )

દર્શન…(એક નઝમ)-વીરુ પુરોહિત

કોઈ નિર્મળ, યશસ્વી રાજવી નિશા વેળા,
નગરચર્ચાનાં રહસ્યોથી ખિન્નતા ધારે !
હું સતત મૌનની ચાદર લપેટી ઘૂમું છું;
ના રહી દ્રશ્ય કે અદ્ર્શ્ય ભિન્નતા મારે !

સમગ્ર શહેરના ગવાક્ષો ! તમે કંઈ તો કહો;
કઈ તરફ તાનસેની રાગના આલાપ વહે ?
કઈ તરફ સ્તબ્ધતા ધારી ઊભા છે મૃગવૃંદો ?
કઈ તરફ પથ્થરો, કહો ને, પીગળીને વહે ?

કોણ ત્યાગી રહ્યું યશોધરા ‘ને રાહુલને ?
કોણ કર પાત્ર લઈ ભિખ્ખુ ભમે છે નગરે ?
ધરે છે ધ્યાન બોધિસત્વ નીચે કોણ ભલા ?
કોણ ચાહી રહ્યું છે સર્વને કૃપા નજરે ?

આ કોનાં રક્તનો પ્રવાહ થૈ ગયો છે સડક ?
કોણ ઠોકી રહ્યું છે અંગ પર અસંખ્ય ખીલા ?
કોણ સૂતું છે અહીં વૃક્ષ-થડે પીઠ દઈ ?
કોણ છોડે છે તીર ? કોણ કરે પૂર્ણ લીલા ?

આ ધરે કોણ વિષનું પાત્ર અને કોણ ગ્રહે ?
કોણ આ તરફડે છે ? કોણ એ અમૃત કરે ?
કોણ છાતીએ ધરી હાથ, મુખે ‘રામ’ વદે ?
આ કોનો હાથ ગોળી છોડીને અટ્ટહાસ્ય કરે ?

( વીરુ પુરોહિત )

રહ્યો છું-દિનેશ ડોંગરે

બનાવોની વચ્ચે સફરમાં રહ્યો છું,
હું મંજિલને છોડી ડગરમાં રહ્યો છું.

જીવન આખું એવું વિવાદીત રહ્યું કે,
નિરંતર જગતની નજરમાં રહ્યો છું.

બધાને જ આશ્ચર્ય એ વાતનું છે,
અખંડ કૈ રીતે કાચઘરમાં રહ્યો છું ?

એ માણસને રોગી નહીં તો કહું શું ?
સ્વયં જે કબૂલે કે ડરમાં રહ્યો છું.

કદી આંખથી એના પીધી હતી મેં,
હજી પણ હું એની અસરમાં રહ્યો છું.

સૂકા વૃક્ષ પર પર્ણ જોઈને ‘નાદાન’,
હજી, આજલગ આ નગરમાં રહ્યો છું.

( દિનેશ ડોંગરે )

અનંત રાઠોડ

શ્રી અનંત રાઠોડનો જન્મ ૧૨ ડીસેમ્બર ૧૯૯૩ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં થયો હતો. માતા: હંસાબહેન, પિતા: શૈલેષભાઈ. તેઓ બે વર્ષની ઉંમરના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું. મૂળ વતન ઈડર તાલુકાનું ભૂતિયા ગામ. ધોરણ ૧ અને ૨ સુધીનું શિક્ષણ ભૂતિયા ગામની પ્રાથમિક શાળામાંથી લીધું. ત્યારબાદ હિંમતનગરની શ્રી હિંમત હાઈસ્કૂલમાં દાખલ થયા અને ૨૦૧૧માં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પાસ કર્યું. ત્યાર બાદ ૨૦૧૧માં તલોદ (સાબરકાંઠા)ની શ્રીમતી એસ. એમ. પંચાલ સાયન્સ કોલેજમાં બી.એસ.સીના અભ્યાસ માટે જોડાયા. ૨૦૧૨માં અમદાવાદની એમ. જી. સાયન્સ ઈન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મેળવી ૨૦૧૫માં બી.એસ.સી (રસાયણ શાસ્ત્ર)ની ડીગ્રી મેળવી. ૨૦૧૫માં સેંટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં સંસ્કૃતના અભ્યાસ માટે જોડાયા પણ કેટલાક કારણોસર અભ્યાસ અધૂરો છોડ્યો.

ધોરણ ૭માં નવલકથા અને કવિતાના પુસ્તકો વાંચવાની શરૂઆત કરી. પહેલી કવિતા ધોરણ ૭માં લખી. ધોરણ ૧૦માં પ્રથમ છંદોબદ્ધ ગઝલ લખી. તેમનું પ્રથમ કાવ્ય “જનસત્તા દૈનિક”માં પ્રગટ થયું હતું. તેમના સર્જનાત્મક વ્યક્તિત્વના ઘડતરમા હિંમતનગરના સરકારી જિલ્લા પુસ્તકાલયનો અગત્યનો ફાળો રહ્યો. કોલેજમાં આવ્યા બાદ તેમની ગઝલો અન્ય ગુજરાતી સામાયિકો ગઝલવિશ્વ, ધબક, કવિલોક, કુમાર, શબ્દસૃષ્ટી, પરબ, પરિવેશ તાદર્થ્ય, છાલક, કવિતા, કવિતાચયન-૨૦૧૩ વગેરેમાં સ્થાન પામી. ૨૦૧૩માં યોગેન્દુ જોશી સંપાદિત પુસ્તક “લઈને અગિયારમી દિશા”માં તેમની ગઝલો પ્રકાશિત થઈ. ૨૦૧૬માં મોરારીબાપુની રામકથા અંતર્ગત અબુધાબી (યુ.એ.ઈ.) કાવ્યપાઠ માટે જવાનો મોકો મળ્યો. આકાશવાણી અને દૂરદર્શનમાં તેમણે ઘણી વખત કાવ્યપાઠ કર્યો છે.

તેમના ઘડતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતેની બુધસભાનો ફાળો વિશેષ છે, જ્યાં તેઓ ૨૦૧૨માં જોડાયા. સૈદ્ધાંતિક વિવેચનનું વાંચન અને પૂર્વ-પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ તેમની રસની પ્રવૃત્તિઓ છે.

E-Mail ID: gazal_world@yahoo.com