જરા વાર લાગશે

થાશે તમસ પસાર જરા વાર લાગશે,

સંધ્યા, નિશા, સવાર જરા વાર લાગશે.

.

દિલમાં ધરો યકીન ન માયુસ બનો કદી,

મળશે મદદ અપાર જરા વાર લાગશે.

.

હો ભાવનો પ્રદેશ પહોંચી જજે તરત,

કર પ્રેમનો પ્રચાર જરા વાર લાગશે.

.

અંધેર તો નથી જ હશે દેર શક્ય છે,

કાને ધરે પુકાર જરા વાર લાગશે.

.

જાશે હટી તમામ પડળ આંખ પર પડ્યાં,

કરજે પછી જુહાર જરા વાર લાગશે.

.

થાશે શરૂ વસંત અને પાનખર જશે,

ને આવશે નિખાર જરા વાર લાગશે.

.

( આબિદ ભટ્ટ )

ધ્યાન હતું

બેઉ દુનિયાનું ત્યાં જ ધ્યાન હતું,

જે તરફ એમનું મકાન હતું.

.

શહેર આખામાં એ જ ચર્ચા છે,

ક્યાં હતું તીર-ક્યાં નિશાન હતું !

.

લોકના માટે સાદું વાક્ય હશે,

મારા માટે તો સંવિધાન હતું..

.

જે કરી જાણે માત્ર છબછબિયાં,

એમના હાથમાં સુકાન હતું.

.

સ્વપ્ન ઈચ્છે છે મોકળાશ અને,

આંખથી નાનું આસમાન હતું.

.

વાણીની શી હતી જરૂર ‘સાહિલ’

મૌન ખુદ બોલતું બયાન હતું.

.

( સાહિલ )

ક્યાં છે ?

ક્યાં છે યારો ? યારો ક્યાં છે ?

ઝળહળતો જનમારો ક્યાં છે ?

.

સાથ છતાં સથવારો ક્યાં છે ?

એકલતાનો આરો ક્યાં છે ?

.

અગમનિગમના કાગળ લાવે,

એ ખાખી હલકારો ક્યાં છે ?

.

પંકોનાં થર પર થર જામ્યા,

મઘમઘતાં મંદારો ક્યાં છે ?

.

અડાબીડ અંધાર-અરણ્યે,

જૂગનુનો ઝબકારો ક્યાં છે ?

.

આકળ-વિકળ આભ પૂછે છે :

એક ખરેલો તારો ક્યાં છે ?

.

પંચભૂતો રઘવાયાં ભટકે,

ચેતનનો ચમકારો ક્યાં છે ?

.

ચહેરા સાથે ચીપક્યાં સજ્જડ

મ્હોરાંનો હરનારો ક્યાં છે ?

.

કુબ્જા જેવા કુબ્જ જીવનને

રાધા શું કરનારો ક્યાં છે ?

.

( જિતેન્દ્ર કા. વ્યાસ )

સીતાનું મૌન-દ્રૌપદીનો ચિત્કાર !

દરેક સમય ખંડમાં જાણે કે સીતા જીવે છે…

અને ઈતિહાસને અવગણીને શ્વાસ લઈ રહી છે દ્રૌપદી પણ…

બરછટ સમય ખોતર્યા કરે છે

ક્ષણોની છીણી વડે અનુભવોને.

સંવેદના મૃત્યુ પામી રહી હોય છે ધબકતી ત્વચાની ભીતર.

ને છતાં અનુભવો પદ્દચિહ્ન છોડી જાય છે પાળિયાની જેમ…

સમયની દીવાલનો ટેકો લઈને ઊભી છે પણે દ્રૌપદી…

સ્નેહ-સમજણ-સુરક્ષા-શાંતિ

અને સ્વમાનભેર કરાયેલો અસ્તિત્વનો સ્વીકાર !

બસ-

ફક્ત પાંચ આંગળીનાં ટેરવામાં ગણી શકો એટલી જ અપેક્ષા…

અને કચકચાવીને મુઠ્ઠીમાં બંધ રહી ગઈ એક વાત…

માટલાનાં ખાલીખમ્મ ગર્ભની શૂન્યતા પડઘાયા કરે છે સનાતનકાળથી…

શાશ્વતી પડઘાતી રહી યુગોથી…

નિવારણ શોધતી રહી હોવાપણાનું…

ગોરંભાતા આભ જેવા ઝળૂંબતા પ્રશ્નો…

કોહવાયા કરે છે કાળનાં ગર્ભમાં સીતાનું મૌન…

અથડાયા કરે છે આકાશી અસીમ શૂન્યતામાં દ્રૌપદીનો ચિત્કાર!!!

કોણ બને મારો અવાજ…!!!

કોણ કએ મારી ઓળખ…!!!

.

( રેખાબા સરવૈયા )

નિયતિ

કદી તો નિરંતર તરસવું પડે છે,

કદી બસ અકારણ વરસવું પડે છે

.

કદી આશરો વન મહીંયે મળે છે,

કદી ઘર મહીં પણ રઝળવું પડે છે.

.

કદી તો મળે છે બધું આપમેળે,

કદી અંશ કાજે તલખવું પડે છે.

.

કદી તો ફળે છે અનાયાસ રસ્તા,

કદી હર કદમ પર ભટકવું પડે છે.

.

કદી હર જગા હોય છે એક આસન,

કદી આસનેથી ઊથલવું પડે છે.

.

( રાકેશ બી. હાંસલિયા )

જીવન સુંદર છે !

આ જીવન સુંદર છે !

ઉર-પથ્થરથી ફૂટી નીકળે રમ્ય પ્રેમનું ઝરણું;

શ્યામલ શશના ગૌર હાસ્યમાં શરદપૂર્ણ ચાંદરણું:

આ અનુકૂલ અવસર છે-

આ જીવન સુંદર છે !

.

અલ્પ વર્ણની વર્ણમાલિકા : મહાકાવ્ય અવતરતું;

સ્વલ્પ વર્ણની કાવ્યપંક્તિમાં નવચેતન તરવરતું :

તન વ્યંજન મન સ્વર છે –

આ જીવન સુંદર છે !

.

પલ પલ પર્વ અમર છે :

સુંદર સુંદરતર છે !

જવ સમદર પર સૂર્ય નવોદિત અદ્દ્ભુત કંઈ ઉદ્દભવતું;

ક્ષિતિ-નભ-વાયુ-અગન-જલ સંગમ પંચતત્વ પાંગરતું !

એ જ બ્રહ્મ-હરિ-હર છે !

આ જીવન સુંદર છે !

પલ પલ પુણ્ય પરમ છે :

સુંદર સુંદરતમ છે !

.

( અરુણ વામદત્ત )

ખાલીપાની ખાલી

ચડી છે સહુને ખાલીપાની ખાલી…

નથી કોઈના ચહેરા ઉપર…

સ્મિત ભરેલી લાલી…!

.

હાય-વોયનાં જાળાંઓની વચ્ચે ગયાં ફસાઈ,

દુનિયા નાની થઈ, રચાઈ મનની ઊંડી ખાઈ,

છોળ છલોછલ સમૃદ્ધિની,

કિન્તુ સંકોચાઈ હ્રદયની પ્યાલી…

.

સૌ રંગોની અસલ ચમકની પરખ નથી પકડાતી,

ભીતરમાંયે તંગદિલી તો સદા રહે સૂસવાતી,

વાતવાતમાં નથી આપતું,

કોઈ હવે તો હસી હસીને તાલી…!

.

( યોસેફ મેકવાન )

મને

લીલુંછમ કોણે બતાવ્યું રણ મને ?

ઝાંઝવાથી થૈ ગયું સગપણ મને.

.

રૂપનું મેં પત્રમાં વર્ણન કર્યું,

પણ રિસાવાનું કહો કારણ મને.

.

પાછલા હું બારણેથી નીકળું-

તે છતાંયે દેખતું દર્પણ મને.

.

કેટલાં વરસો પછી આવું ઘરે,

ઓળખે છે ઊડતી રજકણ મને.

.

ક્યાંક તો ઘરમાં સમય ઊભો હશે,

છૂટીને એમાંથી વાગી ક્ષણ મને.

.

( મનીષ પરમાર )

નાનીમાનું ઘર

હવે તો તે છે ઘણું દૂર

જ્યાં એક વાર મને મળી હતી પ્રેમની હૂંફ.

મૃત્યુ પામી છે એ સ્ત્રી-મારી નાનીમા.

શાંતિની બખોલમાં પાછું સરી પડ્યું છે એ ઘર.

વાંચી ન શકું એટલી નાની બાળકી હતી હું,

પુસ્તકોમાં ફરતાં’તાં ત્યારે સાપોલિયાં

ને ઠરી જતું’તું મારું લોહી ટાઢાટમ ચાંદાની જેમ.

કેટલીયે વાર કરું છું વિચાર ત્યાં જવાનો-

બારીઓની અંધ આંખોથી અંદર ઝાંખવાનો

થીજી ગયેલી ત્યાંની હવાને વાંચવાનો

કે પછી ઘોર નિરાશામાં ઘેરાયેલી હું

મુઠ્ઠીભરી ત્યાંથી લઈ આવું અંધારું,

સુવાડું તેને મારા બેડરૂમનાં બારણાંની બહાર

જાણે વિચારોમાં ખોવાઈને પડેલું કૂતરું !

રસ્તો ભૂલી હવે માગું છું

અજાણ્યા ઘરે ઘરે પ્રેમના પરચૂરણની ભીખ.

તને ખચીત જ માન્યામાં નહીં આવે વહાલા,

એક વાર રહેતી હતી હું પેલા ઘરમાં

ગૌરવ અને પ્રેમની હૂંફ સાથે.

.

કમલા દાસ (અંગ્રેજી)

અનુવાદ : ઈન્દ્રજિત

ચકમકની પોટલી

તમરાં સજાવી શોધે છે બકબકની પોટલી,

ઢોળાઈ ગઈ છે રાતમાં ચકમકની  પોટલી.

.

કાપી સતત રહી છે સમયને દિવસ ને રાત,

લટકી રહી જે ભીંત પર ટકટકની પોટલી.

.

ભાષા જુદી જ હોય છે શિશુઓના વિશ્વની,

ચકલીનું નામ હોય છે ચકચકની પોટલી.

.

બાંધે છે રાતે વસ્ત્રથી મલમલના, નભને કોણ ?

જાણે બની ગયું છે એ તારકની પોટલી !

.

એ સામે આવશે તો થશે શું, નથી ખબર;

એનો વિચાર માત્ર છે ધકધકની પોટલી.

.

ભૂલી સમય વહાલ કરે આંખ, આંખને !

વેરાઈ રહી છે, જોઈ લો ! રકઝકની પોટલી.

.

(શોભિત દેસાઈ)