Tag Archives: શોભિત દેસાઈ

બહુ આગળ જવાનું છે-શોભિત દેસાઈ

અજાણ્યાને ગણી ઈશ્વર બહુ આગળ જવાનું છે,

નવા અનુમાન આંખે ભર બહુ આગળ જવાનું છે.

.

નથી મંઝિલ સફરની કોઈ. છે પોતે સફર મંઝિલ,

સતત શરૂઆત પાછી કર બહુ આગળ જવાનું છે.

.

તેં આપી ઊંઘ વર્ષોને કર્યું સાકાર સપનું, પણ-

હવે છોડી દઈ એ ઘર બહુ આગળ જવાનું છે.

.

સડો પેસી જવાનો સહેજ પણ અટકાયું વચ્ચે તો

કિનારાના ફગાવી ડર બહુ આગળ જવાનું છે.

.

શરાફત, ખાનદાની ક્યાં સીમિત છે આ જનમ પૂરતી ?

ઘૂંટી લેજે અઢી અક્ષર બહુ આગળ જવાનું છે.

.

( શોભિત દેસાઈ )

રાખતો જ નહીં-શોભિત દેસાઈ

ખરા કે ખોટાની મરજાદ રાખતો જ નહીં,

તું બોલ સાચું, કશું યાદ રાખતો જ નહીં.

.

છે દરિયો ખારો ને મીઠી નદી હકીકત છે,

વિચારોને બહુ આઝાદ રાખતો જ નહીં.

.

તિમિરમાં બુદ્ધિને કામે લગાડવી પડશે-

હૃદયના તખ્ત પર પશ્ચાદ રાખતો જ નહીં.

.

બહુ નિકટનું કે અંગત દુભાઈ જાય ખરું,

ગમે તે થાય પણ અપવાદ રાખતો જ નહીં.

.

છે શબ્દ ઓછા પરંતુ છે કીમિયો અકસીર

સુખી થવું હોય તો ફરિયાદ રાખતો જ નહીં.

.

( શોભિત દેસાઈ )

ચકમકની પોટલી

તમરાં સજાવી શોધે છે બકબકની પોટલી,

ઢોળાઈ ગઈ છે રાતમાં ચકમકની  પોટલી.

.

કાપી સતત રહી છે સમયને દિવસ ને રાત,

લટકી રહી જે ભીંત પર ટકટકની પોટલી.

.

ભાષા જુદી જ હોય છે શિશુઓના વિશ્વની,

ચકલીનું નામ હોય છે ચકચકની પોટલી.

.

બાંધે છે રાતે વસ્ત્રથી મલમલના, નભને કોણ ?

જાણે બની ગયું છે એ તારકની પોટલી !

.

એ સામે આવશે તો થશે શું, નથી ખબર;

એનો વિચાર માત્ર છે ધકધકની પોટલી.

.

ભૂલી સમય વહાલ કરે આંખ, આંખને !

વેરાઈ રહી છે, જોઈ લો ! રકઝકની પોટલી.

.

(શોભિત દેસાઈ)