ચિરએકલપણાના પ્રવાસી

ન એકેય બારી કદી પણ ન વાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

ઉદાસી ફૂલોની મહેંક બારમાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી જ સાથે થતી મોજ ખાસ્સી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી હવેલી અમે એમાં દાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

ઉજાણીમાં કેવળ અમે ને ઉદાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અગોચર સફર ને અદીઠો ખલાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી જ ભીતરના કાયમ નિવાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

દત્તાત્રય ભટ્ટ

વરસાદ આવે છે

હું સાદી ભાષામાં તમને કહું ? વરસાદ આવે છે,

અદ્દલ વરસાદ જેવો હૂબહૂ વરસાદ આવે છે.

બહુ ભારે છે પર્વત, ક્યાં સુધી ટકવાની આ ટચલી

સહારો છોડીને ચાલો સહુ, વરસાદ આવે છે.

ગગનવાળાની પાસે માંગુ છું એક વાદળું કે જે,

વરસતું હોય ને ગાતો રહું, ‘વરસાદ આવે છે.’

સવારી વીજ પર, ઢોલીડા ગર્જન, બારાતી ફોરાં;

બનાવી લેવા અવનીને વહુ, વરસાદ આવે છે.

ન જાઓ, આમ છોડીને આ બાહુપાશની છત્રી!

બહાર આ હૂંફવર્તુળની, બહુ વરસાદ આવે છે!!

શોભિત દેસાઈ

બાપો

મૂળ વલસાડના અને થોડા વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા શ્રી જયંત દેસાઈની આ કવિતા દક્ષિણ ગુજરાતની લાક્ષણિક બોલીમાં લખાયેલી છે. આને પ્રાર્થના કે ભજન કહેવું મુશ્કેલ છે. કવિ ખૂબ જ સહજતાથી અને આત્મીયતાથી ઈશ્વર સાથે એવી રીતે વાત કરે છે જાણે કે ઘરની વ્યક્તિ કે મિત્ર સાથે કરતાં હોય. કવિ આ કવિતામાં ઈશ્વરને બાપો, ડોસો કહીને સંબોધે છે અને પોતાની ફરિયાદો કરે છે. પણ કવિનો દેસાઈ મિજાજ-કોઈથી ન દબાઈ જવાનો મિજાજ અહીં છતો થયા વિના રહેતો નથી. તે ઈશ્વરને ડોફો કહીને એ મિજાજમાં ધૂળ કાઢી નાખવા માટે ધમકી આપે છે. આ મિજાજ જોઈને વલસાડના જ મોરારજી દેસાઈ યાદ આવ્યા વિના રહેતા નથી. તેઓ પણ આવા જ મિજાજ માટે જાણીતા હતા.

બાપો

હું લાગમાં લીધો,
હું લાગમાં લીધો…!
બરોબ્બર ગચરાઈ’વો તેં
બાકી, કે’વું પડે હેં!!
તું ડોહો ને ઊં તારો પોઈ’રો…
એટલો હોં તે વિચાર નીં કઈ’રો!
હાંને હારું તેં મને
આ દુનિયામાં લાવી’ને લાઈ’ખો?
મારો વાંક હું ઉતો?
ને મારે કાં કંઈ જોઈતું ઉતું?
ખાલી ફોગટનો મરાવી લાઈ’ખો!
નિહાળમાં માસ્તરોએ કીધું
કે હારા પોઈરા બનવાનું,
તો ઉં બઈ’નો!
ચોપડામાં વાંઈ’ચા કરતો, ને પછી
હારો માણસ હો બઈ’નો!!
પણ મને તેં કાં ઠરીને બેહવા દીધો?
આ ફા લાઈ’ખો ને વરી તે ફા લાઈ’ખો!
ને છેલ્લે તો જે ફેંઈ’કો તે આ
દહ અજાર માઈલ દૂર આવીને પઈ’ડો!
જે લોકો સાલા ઉંધા ધંધા કરતાં ઉતાં
તેને નીને મને હાંને હારું તેં
આટલો દુ:ખી ક’ઈરો હેં?
તું હું એમ માને કે ઊં દબાઈને બેહી રે’વા
ને કંઈ ની બોલા? અરે ડોફા!
ભગવાન થેઈ ગીઓ તો હું થીયું?
ઊં તો તારી હો, ધૂળ કાઢી લાખા, કે’ઈ દે’ઊ!
વરી લેવાનું કંઈ મલે ની ને અમથો
મને આ ભવાડામાં ખેંચી લાઈ’વો!
જોતે…પાછો! અઈ’હાં હું કરતો છે?
તારા બધ્ધાં ફોટા ને મૂ’રતી, ઘરમાંથી કાઢી
ની લાખું તો મારું નામ ની!
બોઊ થહે તો ગાંડો થેઈ જવા ને
એમ માના કે મારો કોઈ બાપો ઊતો જ ની!
જો અક્કરમીના પડિયાં કાણા ઓ’ય તો
હક્કરમી બનીને હો હું કાંદો કાઈઢો?
કાં દા’ડો વઈ’ળો બોલ?
ચૂપ કેમ થેઈ ગીઓ
કંઈ ફાટ તો ખરો!! મોઢામાંથી!
.
[ગચરાઈ’વો-ગળચી દબાવી, પોઈરો-છોકરો, હક્કરમી-સદ્દકર્મી, અજાર-હજાર, ફા-બાજુ, અઈ’હા-હસ્યા]
.
જુલાઈ ૯ ૨૦૦૫ રાત્રે ૯.૦૦ પમોના
.
જયંત દેસાઈ

વાર લાગી

બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતાં વાર લાગી
હાર ને જીતથી પર હતા એટલે ખેલતાં ખેલતાં વાર લાગી

ઝેલતાં ઝેલતાં વેદના થઈ ગઈ માત્ર આનંદ હોવાપણાનો
પ્રિય પીડા હતી, કષ્ટ અંગત હતાં ગેલતાં ગેલતાં વાર લાગી

કોઈ રાખ્યાં નહીં માર્ગનાં વળગણો, કોઈ પરવા કરી નહિ સમયની
ટહેલતાં ટહેલતાં છેક પહોંચી ગયા, સહેલતાં સહેલતાં વાર લાગી

ચંદ્ર-સૂરજ વિના આમ અમને અમે ધીમે-ધીમેકથી ઓળખાયા
મૌનના ગર્ભમાંથી અસલ તેજને રેલતાં રેલતાં વાર લાગી

ભૂલતાં ભૂલતાં ભાન ભૂલ્યા, પછી ઝૂલતાં ઝૂલતાં ખૂબ ખૂલ્યા
ખૂલતાં ખૂલતાં પણ તમારા સુધી ફેલતાં ફેલતાં વાર લાગી

આમ અનહદ વરસતી કૃપાના અમે માંડ પીધા હશે બેક પ્યાલા
ઝીલતાં, ઝાલતાં, મ્હાલતાં, માણતાં, મેલતાં મેલતાં વાર લાગી

.જવાહર બક્ષી

ભૂલી જઈએ

ચલ બાળકની જેમ બધું ઝટ ભૂલી જઈએ,

આ હોવું, હોવાની ઝંઝટ ભૂલી જઈએ.

સાત ખોટની હોય ભલે રટ ભૂલી જઈએ,

આગ એક જે લાગી ઘટઘટ ભૂલી જઈએ.

બળમાં છે, છો સૌથી બળકટ ભૂલી જઈએ,

ખેલી લઈએ જીવ સટોસટ ભૂલી જઈએ.

આંખો, આંગણ, શેરી, પાદર થાક્યા પાક્યા,

કોણ કહે કોને? એ આહટ ભૂલી જઈએ.

એમ ફ્ક્ત મળવાથી શું વળવાનું ‘મિસ્કીન’

શરત એ જ છે નામ અને વટ ભૂલી જઈએ.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મેઘદૂત-ઉત્તર મેઘ


‘હે વાદળ ! અલકાપુરીના ઊંચા ઊંચા મહેલો બધી રીતે તમારા જેવા છે. તમારી પાસે વીજળી છે, તો એ મહેલોમાં સ્ત્રીઓ રહે છે. તમારી પાસે ઈન્દ્રધનુષ, છે તો એ મહેલમાં રંગબેરંગી છબીઓ ટીંગાડેલી છે. તમે મીઠા સ્વરથી ગંભીર ગર્જના કરી શકો છો તો મહેલોમાં પણ સંગીતના સમયે મૃદંગ વાગે છે, તમારી અંદર આસમાની રંગનું જળ છે, જેનાથી તમે કાન્તિમાન છો, તો તે મહેલ નીલમ આદિ રત્નોથી જડેલાં હોવાથી કાન્તિમાન છે. તમે ઊંચાઈ પર હશો તો ત્યાંના ભવનો પણ ગગનચૂંબી છે’.

‘જુઓ મિત્ર, ત્યાંની કુળવધૂઓ હાથમાં કમળનાં ઘરેણાં પહેરે છે. વાળમાં, અંબોડામાં, કાનમાં અને સેથાંમાં જાતજાતનાં ફૂલો ગૂંથે છે. મોઢા ઉપર ફૂલોનો પરાગ મસળે છે. ત્યાં આગળ બારે મહિના ફૂલ આવે એવાં ઘણાંયે ઝાડ છે, જેના ઉપર ભ્રમરો મસ્ત બનીને ગણગણ કરે છે. હમેશાં ખીલે એવાં કમળ અને કમલિનીઓને હંસ ઘેરીને ફરે છે. ત્યાં આગળ હમેશાં ચમકે તેવા પાંખોવાળા પાળેલા મોર ઊંચું મોઢું કરીને રાતદિવસ ટહુક્યા કરે છે. ત્યાંની રાત  સદા પૂર્ણિમાના પ્રકાશથી દેદીપ્યમાન હોવાને કારણે ખૂબ જ પ્રિય અને મનોહર લાગે છે. તેઓ પ્રેમમાં જ રૂઠે છે અને કોઈ કોઈથી વિખુટું પડતું નથી. તેઓ સદાકાળ જુવાન જ રહે છે. ત્યાંની કન્યાઓ બહુ જ સુંદર છે. પોતાની મુઠીમાં રત્નો લઈને એમના સોનેરી વાળમાં સંતાડીને તેને ગોતવાની રમત રમ્યા કરે છે’.

‘હે વાદળી ! તમારાં જેવાં ઘણાંયે વાદળો હવાની લહેરો જોડે એવા ઊંચા ઊંચા મહેલો ઉપરના ખંડોમાં ઘૂસી જાય છે અને ત્યાંની દીવાલો પર ટાંગેલાં   ચિત્રોને પોતાના ફુવારાઓથી ભીંજવી નાંખે છે અને ત્યાર પછી ભયના માર્યા ઝરુખામાંની જાળીઓમાંથી સંતાતા, છુપાતા, ચૂપકીથી ભાગી જાય છે. ધુમાડાના જુદા જુદા આકાર બનાવવામાં તેઓ બહુ ચતુર છે. ત્યાંના લોકો ખૂબ વિલાસી છે. ત્યાં શૃંગારની બધી સામગ્રી એકલા કલ્પવૃક્ષમાંથી જ મળી રહે છે. ત્યાંના શામળા ઘોડા પોતાના રંગ અને પોતાની ચાલની સામે સૂરજના ઘોડાને પણ ગણકારે તેવા નથી. ત્યાંના હાથી પહાડ જેવા શરીર અને આકારવાળા છે. તે એવા પ્રકારે મદ વરસાવશે કે જે પ્રકારે તમે જળ વરસાવશો. ત્યાંના યોદ્ધાઓ એવા લડાયક છે કે જેમણે પોતાનાં બધાં ઘરેણાં ઉતારી દીધાં છે, કારણ કે તેઓ બધા ઘાનાં નિશાનોને જ ઘરેણાં સમજે છે જે તેમણે રાવણની જોડે યુદ્ધ કરતાં સમયે ચન્દ્રહાસ નામની તલવાર વડે પડ્યા હતા. ત્યાં કુબેરના મિત્ર શિવજી પણ છે’.

‘એ જ અલકાપુરીમાં કુબેરની ઉત્તરમાં મોટું ઘર છે. એનું દ્વાર ઈન્દ્રધનુષ્યના જેવું સુંદર અને ગોળ છે. એવું મારું ઘર તમને દૂરથી નજરે પડશે. એની પાસે એક નાનું કલ્પવૃક્ષ છે. એને મારી પત્નીએ પુત્રની જેમ પોષ્યું છે. ફૂલોના બોજાથી એ એટલું લચી પડેલું હશે કે તેની નીચે ઊભા રહીને કોઈ પણ માણસ હાથેથી ફૂલો તોડી શકે છે. જ્યારે તમે ઘરની અંદર જશો ત્યારે તમને એક વાવ મળશે. એનાં પગથિયાં ઉપર નીલમ જડ્યાં છે. એમાં વૈદૂર્યમણિ નામનાં અનેક સુંદર કમળો ખીલ્યાં હશે. એના જળમાં રહેવાવાળા હંસ એટલા સુખી છે જે તમને જોઈને તેઓ પાસે આવેલા માનસરોવર પર પણ જવાનું ભૂલી જશે’.

‘એ વાવના કાંઠા પાસે એક બનાવટી પહાડ છે. એનું શિખર નીલમણિનું બનેલું છે. ચારે તરફ સોનેરી કેળાથી ઘેરાયેલું હોવાથી એની છબી જોતાં વેંત જ થઈ જાય છે. દોસ્ત, એ પર્વત મારી પત્નીને બહુ જ પ્રિય છે. એટલે જ્યારે તમને જ વીજળીની સાથે હું જોઉં છું તો મારું મન ઉદાસ થઈ જાય છે અને મને તે પહાડની યાદ આવી જાય છે. આ બધું હું એકલો હોવાને કારણે જ થાય છે. એ બનાવટી પહાડ પાસે કુરબકનાં ઝાડથી ઘેરાયેલો માધવીમંડપ છે. એની પાસે બે વૃક્ષ છે. એક લાલ અશોકનું અને બીજું બોરસલ્લીનું’.

‘એ બન્ને ઝાડની વચ્ચે એક ચોકી છે જે નવા વાંસના જેવા ચમકતા મણિઓની બનાવેલી છે. એ ચોકીની ઉપર વળી એક ચોરસ પટ્ટી રાખવામાં આવી છે. એ પટ્ટી ઉપર સોનાની એક સેર રાખી છે. તમારો મિત્ર મોર રોજ સાંજે એના પર આવીને બેસે છે અને મારી પત્ની એને ઘુઘરાવાળા કંગન પહેરેલા હાથ વડે તાલ દઈને નચાવે છે’.

‘હે ભલા માણસ ! જો તમે મારાં બતાવેલાં આવાં ચિહ્નોને બરાબર ધ્યાનમાં રાખીને મારા બારણા પર શંખ અને પદ્મનાં બનાવેલાં ચિત્રો જોશો કે તરત જ તમે મારું ઘર ઓળખી કાઢશો. હવે તો હું ન રહેતો હોવાથી મારું ઘર બહુ જ સૂનું સૂનું અને ઉદાસ દેખાતું હશે, જેમ સૂર્યનો અસ્ત થવાથી કમળ ઉદાસ થઈ જાય છે. જુઓ, તમારે જલદીથી મારા ઘરમાં જવું હોય તો હાથીના બચ્ચાની જેમ નાના થઈ જશો અને રમવા માટે બનાવેલા પહાડનાં શિખરો પર બેસી જશો. પછી તમારી વીજળીની આંખો આગિયાની જેમ વારે વારે ચમકવશો અને મારા ઘરમાં જઈને બંધ કરી દેજો. ત્યાં આગળ તમને નાજુક ઝીણા દાંતવાળી, લાલ હોઠવાળી અને પાતળી કમરવાળી તથા ડરી ગયેલી હરણીની જેવી આંખોવાળી એક યુવતી નજરે પડશે. તે જ મારી પત્ની છે એમ સમજશો. તે બહુ જ સુંદર છે; માનો કે બ્રહ્માની ઊંચામાં ઊંચી કારીગરી છે. પણ હું ત્યાં ન રહેતો હોવાથી એનું રૂપ બદલાઈ ગયું હશે. તે જાણે હલેસાંથી મારેલી કમલિની જેવી લાગતી હશે. રાત અને દિવસ રોતી હોવાના કારણે એનાં નયન સૂજી ગયાં હશે. ચિંતાના કારણે ગાલ ઉપર હાથ મૂકવાથી અને મોઢા ઉપર વાળ આવી જવાથી એનું અર્ધું ઢાંકેલું મુખ જાણે વાદળાંઓથી ઢાંકેલા ચંદ્રની જેમ ફિક્કું અને ઉદાસ દેખાતું હશે. જુઓ, વાદળ, કાં તો તમે તેને મારી શુભ કામનાને માટે દેવતાઓની પૂજા કરતા દેખશો અથવા તો તે કલ્પનાથી મારું ચિત્ર બનાવતી હશે અથવા તો પિંજરામાં બેઠેલી મેના સાથે કંઈ વાતચીત કરતી હશે. અથવા તો હે ભાઈ ! તે મેલાં વસ્ત્રો પહેરીને પોતાનાં ખોળામાં વીણા રાખીને મારા નામનાં આંસુઓથી ભીંજાયેલી વીણાને જેમતેમ લૂછી લેશે; પણ જ્યારે મારી યાદ આવશે ત્યારે બેહોશ થઈ જશે કે વીણાના મેળવેલા તારોને ચડાવવા કે ઉતારવા પણ ભૂલી જશે. અથવા તો અમારા વિરહના દિવસથી તે દરરોજ ઉંબરા ઉપર જે ફૂલો મૂકતે હશે તે ધરતી ઉપર પાથરીને ગણતે હશે કે હવે મારા આવવાના દિવસો કેટલા બાકી રહ્યા’.

‘હે મિત્ર ! સંસારની ગડમથલમાં તે દિવસ તો ગમે તેમ વિતાવતી હશે, પણ રાત વિતાવવી તેને માટે બહુ જ કઠણ થઈ પડતી હશે. માટે તું મારો સંદેશો સાંભળી એને સુખી કરવા માટે અર્ધી રાત્રે મારા ઘરમાં ઝરૂખા આગળ બેસીને એને જોજે. તે વખતે તે અર્ધનિદ્રામાં ધરતી ઉપર પડી હશે. તેની સખીઓ તેની પાસે હશે. દુનિયામાં બધી સ્ત્રીઓ પોતાની સખીઓના દુ:ખના સમયે એમનો સાથ છોડતી નથી. તેથી થોડીવાર પલંગ પાસેની બારી પાસે રાહ જોશો. તેઓ જ્યારે સૂઈ જાય ત્યારે તમે મારે પત્ની પાસે જજો. તે બહુ દુ:ખી હશે. તે ધરતી પર ચત્તીપાટ પડી હશે અને આંસુ વહાવતી હશે. તેની એવી દશા જોઈને તમે પણ રડ્યા વગર રહેશો નહિ. બીજાનું દુ:ખ જોઈને એવા કોમળ હ્રદયવાળો કોણ છે કે જેનું મન કરુણાથી આર્દ્ર ન થઈ જાય’.

‘જે મેઘ ! તમે પહોંચશો એટલે તેનું ડાબું નેત્ર ફરકવા લાગશે. પણ જો તે સમયે તે સૂતી હોય તો તમે શાંત બેસી રહેજો. એને ઉઠાડશો નહિ. પણ જુઓ, એક પહોર તમે બેસી રહો અને તો પણ તે આંખો ન ઉઘાડે તો તમે તમારા જળથી ઠંડા કરેલા પવન વતી તેને જગાડશો. જ્યારે એ તમને છજામાંથી એકીટશે જુએ ત્યારે તમે વીજળીની જેમ લપાઈને તેની સાથે વાત કરશો. તમારે એને કહેવું, ‘હે સૌભાગ્યવતી ! હું તમારા પતિનો પ્રિય મિત્ર મેઘ છું. તમારી પાસે એમનો સંદેશો લઈને હું આવ્યો છું’. એ સાંભળીને તે તમારી સામે જોઈને બહુ જ પ્રેમથી, પ્રસન્નતાથી અને આદરથી મારો સંદેશ એવી રીતે સાંભળશે કે જેમ સીતાજીએ હનુમાનજીની વાતો સાંભળી હતી ! પ્યારા દોસ્ત ! તમારે એમ કહેવું, ‘તમારા પતિ રામગિરિ આશ્રમમાં કુશળ છે અને તમારા કુશળ સમાચાર જાણવા આતુર છે. જેના પર અચાનક વિપત્તિ આવી ગઈ છે, એને આમ જ કહેવું યોગ્ય છે. એને કહેવું કે બ્રહ્માએ એમનો માર્ગ રોકી રાખ્યો છે, તે તને મળી નહિ શકે. તારા વિયોગથી બહુ દુ:ખી છે અને તે જાણે છે કે તું પણ તેવી જ રીતે દુ:ખી હશે. તું ખૂબ દૂબળી થઈ ગઈ હશે. ખૂબ રોતી હશે. તે તને ચોવીસે કલાક યાદ કર્યા કરે છે પણ આંખમાં આંસુ આવી જવાથી કંઈ જોઈ શકતો નથી. તે મનમાં ને મનમાં એક જ કામના કર્યા કરે છે કે કોઈ પણ પ્રકારે રાતના ત્રણ લાંબા પ્રહરો એક ક્ષણની જેમ નાના થઈ જાય, પરંતુ એ બધી પ્રાર્થના વ્યર્થ થઈ જાય છે’.

‘તમારે એને કહેવું, મારો જીવ ઊંડો ઊંડો જતો રહે છે. તો પણ હું વિચારીને જીવ સાથે માંડવાળ કરું છું. તું પણ બહુ દુ:ખી થઈશ નહિ. દુ:ખ અથવા સુખ સદાયે રહેતાં નથી. એ તો પૈંડાના ચકકરની જેમ ફર્યા કરે છે. જો, આવતી દેવઊઠી એકાદશીને દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા ઉપરથી ઊઠશે ત્યારે મારો શાપ પણ પૂરો થશે. એટલા માટે હવે બાકી રહેલા ચાર મહિનાઓ આંખ મીંચીને જેમ તેમ કરીને વિતાવી કાઢશો. ત્યાર પછી આપણે તો મળીશું જ. લોકોના કહેવાથી મારા પ્રેમ વિષે કોઈ પણ જાતની શંકા તારે લાવવી નહિ. કોણ જાણે લોકો એમ કેમ કહેતા હશે કે વિરહમાં પ્રેમ ઓછો થઈ જાય છે ! સાચી વાત તો એ છે કે જ્યારે મનમાં જોઈએ તે વસ્તુ મળતી નથી ત્યારે તે મેળવવા માટેની ઝંખના બહુ વધે છે અને તે મેળવવા માટે બધો પ્રેમ ભેગો થઈ જાય છે’.

‘વાદળ ! જુઓ, તમારી દુ:ખી ભાભીને આવી રીતે દિલાસો દઈને તેના ખુશીખબર જાણી લઈને અને તમે મળ્યા છો એની ખાતરી લઈ આવીને મારી પાસે આવશો અને મારા પ્રાણનું રક્ષણ કરશો. તમે મારું આ કામ કરશો ખરું ને? મારા વહાલા ભાઈ ! હું આવું પૂછું છું એટલા ઉપરથી તમે એમ ન માની બેસશો કે તમારી પાસેથી ‘હા’ પડાવ્યા પછીથી તમને આ કામ માટે યોગ્ય નથી સમજતો. ના હું જાણું છું કે જ્યારે ‘ચાતક’ તમારી પાસે પાણી માગે છે ત્યારે તમે જવાબ આપ્યા વગર જ પાણી આપો છો. સજ્જનોની આ જ રીત છે કે જ્યારે તેમની પાસે કોઈ માંગે છે ત્યારે તેઓ મોઢેથી કાંઈ કહેતા નથી. એનું કામ પૂરું કરી આપે છે. હે મેઘ ! અગર જો મારી પ્રાર્થના અનુચિત હોય તો પણ મિત્રના સંબંધથી અથવા મારા પર દયા લાવીને પણ મારું આ કામ પહેલું કરી આપજે, પછી તારે તારું વરસાદનું રૂપ લઈને ઈચ્છા આવે ત્યાં ફરજે. હું એટલું જ ઈચ્છું છું કે તમારી વીજળી તમારાથી કોઈ દિવસ અલગ ન થાય !’

યક્ષની આ વાતો સાંભળીને પોતાની ઈચ્છાનુસાર રૂપ બદલી શકે એવું આ વાદળું રામગિરિ પર્વત ઉપરથી ઊપડયું. ક્યારેક પર્વતો ઉપર, ક્યારેક નદીઓ પાસે તો ક્યારેક શહેરોમાં વિશ્રામ કરતું થોડા દિવસોમાં જ અલકાપુરી જઈ પહોંચ્યું. બતાવેલાં ચિહ્નો જોઈને યક્ષનું સોના જેવું ચળકતું ઘર શોધી કાઢ્યું. અંદર જઈને એણે જોયું તો યક્ષની સ્ત્રી બિચારી ધરતી ઉપર પડી હતી. એ જોઈને સર્વનું ભલું ઈચ્છનારા એવા ભલા મેઘે તેનો પ્રાણ બચાવવા માટે એના પ્યારા પતિનો મધુર સંદેશ એને સંભળાવ્યો. પોતાના પ્યારા પતિના કુશળ સમાચાર સાંભળી યક્ષની પત્નીના હૈયામાં આનંદ ન સમાયો. એને ખૂબ શાંતિ વળી. ખરેખર સારા માણસોને કામ સોંપીએ તો એ અવશ્ય પૂરું કરે છે.

અહીં યક્ષોના રાજા કુબેરે પણ જ્યારે આ સંદેશની વાત સાંભળી ત્યારે તેના મનમાં બહુ જ દયા ઊપજી. એનો ક્રોધ ઊતરી ગયો અને એનો શાપ પાછો ખેંચી લઈને બન્ને જણાંનો મિલાપ કરી દીધો.

આવા મિલનથી એનાં બધાં દુ:ખો દૂર થઈ ગયાં અને તેઓ પહેલાંની જેમ પ્રસન્નતાથી રહેવા લાગ્યાં એટલું જ નહિ પણ કુબેરે એવો પ્રબંધ કરી આપ્યો કે ફરી પાછું ક્યારેય પણ દુ:ખ એમની પાસે ફરકે પણ નહિ !

મેઘદૂત-પૂર્વમેઘ

आषाढ्स्य प्रथम दिवसे બોલીએ એટલે તરત કવિ કાલિદાસ અને તેમનું શ્રેષ્ઠ સર્જન “મેઘદૂત” યાદ આવે. આજે પણ અષાઢ માસનો પહેલો દિવસ છે. તો આપણે કવિ કાલિદાસ કૃત “મેઘદૂત”  માણીએ. એનો કથાસાર શ્રી વિષ્ણુ પ્રભાકરે લખ્યો છે અને અનુવાદ કનુભાઈ વોરાએ કર્યો છે. વોરા એન્ડ કંપની પબ્લિશર્સ લિમિટેડ દ્વારા સંસ્કૃત સાહિત્યમાળા શ્રેણી અંતર્ગત આ પુસ્તિકા ૧૯૫૬માં પ્રકાશિત થઈ હતી. અને તેનું મૂલ્ય હતું છ આના.

પૂર્વમેઘ

ઉત્તર દિશામાં આવેલા હિમાલય પર્વતની ઉપર યક્ષોના રાજા કુબેરની રાજધાની અલકાપુરી છે. ત્યાં એક યક્ષ, રાજાની સેવામાં રહેતો હતો, પણ તેનું મન હંમેશા પોતાની પત્નીમાં રહ્યા કરતું હતું. આવી લગનીમાં એક દિવસ તેનાથી કંઈ ભૂલ થઈ ગઈ, એટલે કુબેરને ખૂબ ક્રોધ ચડ્યો અને તેણે યક્ષને એક વરસ માટે દેશનિકાલની સજા કરી. આવા શાપને લીધે એનો બધો રાગરંગ ઊતરી ગયો, કારણ કે તે પોતાની પત્નીને સાથે લઈ જઈ શકે તેમ ન હતું. વિરહના દિવસો ગાળવા માટે તે દક્ષિણમાં રામગિરિ નામના પર્વત ઉપર આવેલા આશ્રમોમાં જઈને રહેવા લાગ્યો, જ્યાં ત્રેતાયુગમાં શ્રીરામચન્દ્રજી અને સીતાજી વનવાસનો વખત પૂરો કરવા રહ્યાં હતાં. અહીંના કુંડ અને તળાવોમાં સીતાજીએ સ્નાન કર્યું હોવાથી એ પવિત્ર બન્યાં હતાં અને ઘટાદાર વૃક્ષો પોતાની છાયા પાથરીને ફાલી રહ્યાં હતાં.

વિરહના દિવસો ગાળતો યક્ષ ધીરે ધીરે એટલો દુર્બળ થઈ ગયો કે તેના હાથમાંના સોનાના કંકણ પણ ઢીલા પડી ગયાં, તો પણ આવી રીતે કલ્પાંત કરતા તેણે આઠ મહિના વીતાવ્યા. આખરે અષાઢ મહિનાનો પહેલો દિવસ આવ્યો. તે દિવસે તેણે જોયું કે સામેના પહાડની ટોચ ઉપર એવી રીતે વાદળ છવાયું હતું કે જાણે કોઈ હાથી પોતાના મસ્તક વડે માટીનું ઢેફું નીચે પાડવા રમત રમી રહ્યો હોય !

મનમાં પ્રેમ જગાડનાર એ વાદળાં જોઈને યક્ષની આંખો આંસુથી ઊભરાઈ ગઈ અને તે ઘણીવાર સુધી સ્થિર ચિત્તે તેના તરફ જોઈ રહ્યો અને મનમાં વિચાર કરવા લાગ્યો. વાદળોને જોઈને સુખી લોકોનું મન પણ ડામાડોળ થઈ જાય છે તો યક્ષ તો બિચારો દુ:ખી હતો; ઘરથી દૂર હતો. એ વાદળું જોઈને તે વિચાર કરવા લાગ્યો, ‘હવે અષાઢ વીતી જશે અને શ્રાવણ આવશે, ત્યારે મારી પત્નીની દશા કેવી થશે? હું ત્યાં નહિ જઈ શકું, પણ આ વાદળોની મારફતે હું મારા કુશળ સમાચાર તો જરૂરથી મોકલી શકીશ, તેથી તેને ધીરજ રહેશે તે સુખી થશે’. બસ, આમ વિચાર કરીને તે બહુ જ પ્રસન્ન થઈ ગયો. આ પછી તરત જ તેણે પ્રથમ ફૂલોથી વાદળોની પૂજા કરી અને પ્રેમભરી વાણીથી કુશળ સમાચાર પૂછી તેનું સ્વાગત કર્યું. જરા વિચાર તો કરો, ક્યાં ધુમાડો, આગ, જળ અને હવાના મેળથી બનેલું પેલું વાદળુ અને ક્યાં ચતુર અને બુદ્ધિશાળી લોકો જ લાવજા કરી શકે એવો આ સંદેશો. પણ તે યક્ષને તો પોતાના શરીરનું પણ ભાન ન હતું. એ આવી વાતો ઉપર વિચાર પણ કેવી રીતે કરી શકે? તે તો બિચારો પોતાનો સંદેશો મોકલવા માટે વાદળાંની પછવાડે દોડવા લાગ્યો.

વાદળોનાં વખાણ કરતો તે બોલ્યો, ‘દુનિયામાં વાદળોનાં બે ઊંચા કુળ પ્રસિદ્ધ છે. એક પુષ્કર અને બીજું આવર્તક. એવા ઊંચા કુળમાં તેમે જન્મ લીધો છે. તમે દેવરાજ ઈન્દ્રના દૂત છો. તમે જેવું ચાહો તેવું રૂપ બનાવી શકો છો. આવા જ ગુણોથી પ્રેરાઈને હું આપની આગળ હાથ લંબાવું છું, કારણ કે ગુણવાન માણસ પાસે હાથ લાંબો કરીને નિરાશ થવું સારું છે, પણ નીચ વ્યક્તિના આગળ મનગમતું ફળ મેળવવું પણ સારું નથી’.

‘હે મેઘ, તમે દુ:ખીઓને શરણ આપવાવાળા છો અને કુબેરના ક્રોધને લીધે હું ઘરથી વિખૂટો પડી બહુ જ દુ:ખી થઈ રહ્યો છું, તેથી તમે મારો સંદેશો પહોંચાડવા માટે તમારે યક્ષોની નગરી અલકાપુરી જવું પડશે. ત્યાં આગળ યક્ષ લોકો ભારે ઠાઠમાઠથી રહે છે. ગામ બહાર આવેલા બાગમાં શિવજીની એક મૂર્તિ છે. એમનું લલાટ ચન્દ્રજડિત છે. તેના પ્રકાશથી આખી નગરીના ઊંચા ઊંચા મહેલોમાં પણ હંમેશા અજવાળું રહ્યા કરે છે’.

‘જ્યારે તમે હવાની પાંખ ઉપર સવાર થઈને ઉપર ચઢશો તો તમને જોઈને જેમના પતિ પરદેશ ગયા છે એવી ત્યાંની સ્ત્રીઓની ધીરજ વધશે. ઓ વાદળ ! એવી કોઈ જગ્યા નથી કે જ્યાં તમે ન પહોંચી શકો. માટે તમારી પતિવ્રતા ભાભીને જરૂર શોધી કાઢશો. તે બેઠી બેઠી મારા પાછા આવવાના દિવસો ગણતી હશે. વિરહવ્યથા ભોગવતાં માણસો પુનર્મિલનની આશા ઉપર જ જીવતા રહે છે’.

‘જુઓ, શુકન પણ બધા સારા થઈ રહ્યા છે. તમારો સાથી વાયુ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ડાબી બાજુએ વર્ષોની રાહ જોતાં ચાતક પંખી પોતાની મીઠી વાણી બોલી રહ્યાં છે. તમારું સુંદર સલોણું રૂપ જોઈને બગલાઓ પંખો નાખવાને માટે ઊડીને આવતા હશે. જે ધરતીને સીંચીને ફળદ્રુપ બનાવે છે તે કાનોને પ્રિય લાગે તેવી તમારી ગર્જના સાંભળીને માનસરોવરમાં જનારા રાજહંસો પોતાની ચાંચમાં કમળની દાંડીઓ લઈને કૈલાસ પર્વત સુધી તમારી સાથે સાથે ઊડશે. ઓ વાદળ ! તમે જે પહાડ ઉપર છો તેના ઉપર ઠેકાણે ઠેકાણે રામચંદ્રજીનાં પગલાનાં નિશાન છે. એ પગલાંઓનાં નિશાનને આખું જગત પૂજે છે. તમે જ્યારે જ્યારે અહીંયા મળવા આવો છો ત્યારે ત્યારે બહુ દિવસે મળ્યા હોવાને કારણે તે પોતાનો પ્રેમ તાજા આંસુ પાડીને પ્રકટ કરે છે’.

‘ઠીક ત્યારે, હવે હું તમને જવામાં મુશ્કેલ ન થાય એવો રસ્તો બતાવું છું. ત્યાર પછી તમને સંદેશો આપીશ. જુઓ, જ્યારે ચાલતાં ચાલતાં તમે થાકી જાઓ ત્યારે રસ્તામાં આવેલી પહાડની ટોચ ઉપર થોભી જજો. અને જ્યારે તરસ્યા થાઓ ત્યારે ઝરણાનું પાણી પીજો. જ્યારે તમે પહાડ ઉપરથી ઊડશો ત્યારે સિદ્ધોની ભોળી સ્ત્રીઓ અચંબાથી તમારી તરફ જોશે. એમને એવું લાગશે કે જાણે હવા પહાડનાં શિખરો ઉપર ઊડવાને માટે જઈ રહી છે. આ પ્રમાણે ઊડતા ઊડતા તમારે ઉત્તર તરફ વળી જવું’.

‘જુઓ, પેલો સામે રત્નોની માફક ચમકતા ઈન્દ્રધનુષ્યનો એક ટુકડો દેખાય છે તેનાથી તમારું શામળું શરીર એવું સુંદર થઈ ગયું છે કે જાણે મોરમુકુટ પહેરીને ગોવાળના વેશમાં નંદકિશોર આવીને ઊભા ન હોય ! ખેતરમાં પાક થવો ન થવો એ બધું તમારા ઉપર નિર્ભર છે, એટલે બિચારી ભોળી સ્ત્રીઓ તમારી તરફ ખૂબ પ્રેમ અને આદરથી જોશે. ત્યાં માલદેશના તાજાં ખેડાયેલાં ખેતરોમાં વરસાદનાં ઝીણાં ઝીણાં ફોરાં પડવાથી માટીમાંથી સરસ સુગંધ આવી રહી છે. ત્યાં આગળ વરસીને તમે પશ્ચિમ તરફ વળી જશો અને જલ્દીથી ઉત્તર તરફ પ્રયાણ કરશો. જ્યારે તમે આમ્રકુટનાં જંગલોમાં મુસળધાર જળ વરસાવશો તો તે તમારો ઉપકાર માનીને ખૂબ પ્રેમ અને આદરથી મિત્રની સમાન તમને તે શિખર ઉપર રહેવા દેશે. પાકાં ફળોથી લચી પડેલાં આમ્રવૃક્ષોથી ઘેરાઈ જવાને લીધે એ પીળું દેખાશે. થોડીવાર રોકાઈને તમે આગળ વધશો. જળ વરસી નાંખવાથી તમારું શરીર હલકું થઈ જશે અને તેથી તમારી ચાલને વેગ મળશે. ત્યાંથી આગળ વિન્ધ્યાચળના પથથરવાળા વિસ્તાર ઉપર અનેક ધારાઓમાં વહેતી રેવા નામની નદી મળશે. ઉપરથી તમને એ એવી દેખાશે કે જાણે મોટા હાથીના શરીર પર ભભૂતથી ચિત્રકામ કરવામાં આવ્યું છે. ત્યાં વરસીને અને તેનું જળ પીને તમારે આગળ વધવું. પાણી પીને જ્યારે તમે ભારે થઈ જશો ત્યારે હવા તમને અહીંતહીં ઝુલાવી નહિ શકે. હું જાણું છું કે મારા કામ માટે તમે ક્યાંય પણ રોકાયા વિના જલદી ચાલ્યા જશો. તો પણ હું માનું છું કે કુટજનાં ફૂલોથી આચ્છાદિત થયેલા પહાડો ઉપર તમારે થોભવું તો પડશે જ. કારણ કે ત્યાં હર્ષનાં આંસુથી ભરેલી મોરની આંખો પ્યારભર્યા ટહુકાથી તમારું સ્વાગત કરશે. પણ મને આશા છે કે તે ગમે તેમ હોય, તમારે જલદી જલદી આગળ વધતા રહેવું’.

‘ત્યાંથી થોડેક દૂર જશો એટલે દશાર્ણ દેશમાં આવી પહોંચશો. ખીલેલા કેવડાને લીધે ત્યાંનાં ઉપવન ઊજળાં દેખાશે. ત્યાંના ગામનાં મંદિરો પક્ષીઓના માળાથી ભરપૂર થયેલાં મળશે અને જંગલો પાકેલાં કાળાં જાંબુથી ભરેલાં હશે. ત્યાં કેટલાક દિવસ હંસ પણ રહેશે. આ દેશની રાજધાની વિદિશા છે. ત્યાં આગળ તમારે સુંદર નાચતી લહેરોવાળી વેગવતી નદીની પાસે ‘નીચ’ નામની ટેકરીઓ ઉપર થાક ઉતરવા માટે ઊતરી જવું. ત્યાં આગળ ખીલેલાં કદમ્બનાં વૃક્ષો એવાં લાગશે કે જાણે તમને મળવા માટે પુલકિત થયાં છે. થોડો વખત થાક ઉતારી અને નદીના તટ ઉપર ઉપવનોમાં જે જુઈની કળીઓ ખીલી છે તેના ઉપર પાણી સીંચીને અને માલણોની જોડે ઓળખાણ કરતા તમારે આગળ વધવું’.

‘કદાચ તમારે જરા ફરીને જવું પડશે કારણ કે તમારે ઉત્તર તરફ જવાનું છે. તો તમે ઉજ્જયિની નગરીનો રાજવૈભવ જોવાનું ભૂલશો નહિ. એ રસ્તે જતાં રસ્તામાં નિર્વિન્ધ્યા નદીનું જલપાન કરવું. નદીની લહેરો ઉપર પક્ષીઓ પાંદડાંની જેમ ઊડતાં હશે અને એવી સુંદર રીતે ભમરી ખાઈને વહેતી હશે કે એમાંની ભમરીઓ સુંદર નાભિ જેવી તમને દેખાશે. જળ વરસાવીને તમે એને ભરી દેશો. અહીંથી આગળ વધશો એટલે અવન્તિ દેશ આવશે. ત્યાં તમે ધનધાન્યથી ભરેલી વિશાલા નગરી જોશો. ત્યાં ગામનાં બધાં જુવાન તથા ઘરડાં માણસોને મહારાજ ઉદયનની કથા સરસ રીતે આવડે છે. ત્યાં ઉજ્જયિની નગરી એવી લાગે છે કે જાણે પુણ્યાત્માઓ પોતાના પુણ્યના બદલામાં સ્વર્ગનો એક આકર્ષક ભાગ પોતાની સાથે લઈને ધરતી ઉપર આવ્યા ન હોય ! આ નગરી સિપ્રા નદીના કાંઠા ઉપર વસેલી છે. અહીંના બજારોમાં ક્યાંક રત્નજડિત માળાઓ હશે તો ક્યાંક કરોડો શંખ છીપલાં અને ચમકે તેવાં નીલમ પથરાયેલાં નજરે પડશે. એ જોઈને એમ થશે કે જાણે સમુદ્રનાં બધાં રત્નો કાઢીને અહીં લાવીને રાખ્યાં  છે. ત્યાંના જાણકાર લોક બહારથી આવેલાં પોતાનાં સગાંવહાલાંઓને ઉદયન અને વાસવદત્તાની કથા સંભળાવી રહ્યા હશે કે અહીંયા કેવી રીતે વત્સદેશના રાજા ઉદયને ઉજ્જયિનીના મહારાજા ચંદ્રપ્રદ્યોતની વહાલી દીકરી વસવદત્તાને હરાવી હતી. એની ઉપર બનાવેલું તાડનાં વૃક્ષોનું એક સુંદર ઉપવન છે. એના પર નલગિરિ નામનો હાથી ખૂંટો ઉખાડી નાંખીને અહીંથી ત્યાં ઘૂમતો ફરતો હશે. ત્યાંના મોર તમને પોતાના સમજીને નાચગાન કરીને તમારો સ્વાગતસત્કાર કરશે. ફૂલોની સુગંધથી મહેકતા ત્યાંના ભવનોની સજાવટ જોઈને તમારે થાક ઉતારવો અને પછી ત્રણે લોકોના ચંડીશ્વર મહાકાલના પવિત્ર મંદિરની તરફ જવું. ત્યાં શિવનાં વૃંદો પોતના સ્વામીના નીલકંઠના જેવી વાદળી જોઈને તમારું બહુમાન કરશે. જો તમે એ મંદિરમાં સાંજ પહેલાં પહોંચી જઓ તો આરતી થાય ત્યાં સુધી રોકાઈ જશો અને પછી જ્યારે મહાકાલ તાંડવ નૃત્ય કરવા લાગશે ત્યારે તમે સાંજનો ગુલાબી પ્રકાશ લઈને વૃક્ષો ઉપર પાથરી દેશો. આને લીધે એવું લાગશે કે જાણે શિવજીએ હાથીના શરીરની ખોળ ઓઢી લીધી છે. એ જોઈને પાર્વતી બી જશે પણ પછી તમને ઓળખવાથી તેમનો ડર ચાલ્યો જશે અને શંકરમાં તમારી આટલી બધી ભક્તિ જોઈને તે ખૂબ ખુશ થશે. જ્યારે વારંવાર ચમકવાથી તમારી બહેનપણી વીજળી થાકી જાય ત્યારે તમે એવા કોઈ મકાનની છત ઉપર રાત વિતાવશો કે જ્યાં કબૂતરો રહેતાં હોય. પછી ત્યાંથી સવાર પડે કે તુરત જ નીકળી પડવું, કારણ કે જેણે પોતાના મિત્રનું કામ કરવાનો નિશ્ચય કર્યો છે તેને આળસ કરવું પાલવે નહિ’.

‘ઉજ્જયિનીથી આગળ વધશો કે તમને નિર્મળ જળવાળી ગંભીરા નદી મળશે. તમારા સુંદર શ્યામવર્ણા શરીરની પ્રતિમા એમાં દેખાશે. તમે એનો અનાદર કરશો નહિ. એનું જળપાન કરશો. ત્યાંથી પછી દેવગિરિના પહાડ તરફ જશો. એ દેવગિરિ પર દેવતાઓની સેનાના સેનાપતિ સ્કન્દ ભગવાન રહે છે. એટલે ત્યાં તમે ફૂલો વરસાવનારાં વાદળો બની એના ઉપર આકાશગંગાના જળમાં ભીંજાયેલાં ફૂલો વરસાવશો. એવી રીતે એનું સ્નાન થઈ જશે. તમારે એને જેવો તેવો દેવતા ન માનવો. ઈન્દ્રની સેના બચાવવા માટે એનો જન્મ થયો છે. ત્યાં પહોંચીને તમારે એટલા જોરથી ગર્જના કરવી કે પર્વતોની ગુફાઓ ગાજી ઊઠે. એ ગર્જન સાંભળીને સ્વામી કાર્તિકેયનો મોર નાચી ઊઠશે. એની આંખના ખૂણા શિવના મસ્તક ઉપર વિરાજમાન ચંદ્રમાની ચમકની જેમ ઝળહળી રહ્યા છે. સ્કન્દ ભગવાનની પૂજા કર્યા બાદ તમે જ્યારે આગળ વધશો ત્યારે તમને ચર્મવતી નદી મળશે. એનો આદર કરવા માટે તમારે નીચે ઊતરવું કારણ કે રાજા રંતિદેવના યજ્ઞની કીર્તિ બનીને વહી રહી છે. આ નદીને પાર કરીને તમારે દશપુર તરફ વધવું અને ત્યાંથી બ્રહ્માવર્ત દેશ ઉપર છાયા કરતાં કરતાં કુરુક્ષેત્ર પહોંચી જવું. કૌરવપાંડવોનાં કુળ યુદ્ધના કારણથી આજ સુધી બદનામ થયેલાં છે. અહીયાં જ ગાંડીવધારી અર્જુને પોતાના શત્રુઓના મુખ ઉપર આવી જ રીતે અગણિત બાણ વરસાવ્યાં હતાં, જેવી રીતે કમલ ઉપર તમારી જલધારા વરસાવો છો તેમ આ જ કુરુક્ષેત્રમાં સરસ્વતી નદી વહે છે. કૌરવપાંડવ બન્નેને સમાન પ્રેમ કરવાવાળા બલરામજી આ જ નદીનું પાણી પીતા હતા તમે પણ જો એનું જળ પીશો તો બહારથી કાળા હોવા છતાં પણ તમારું મન ઉજ્જવળ થઈ જશે’.

‘કુરુક્ષેત્રથી આગળ વધીને તમે કનખલ જજો. ત્યાં તમને મહારાજા સગરના સાઠ હજાર પુત્રોને મુક્તિ દેવાવાળી હિમાલયના ખોળામાંથી ઊતરતી ગંગાજી મળશે. જો તમે ત્રાંસા થઈને એનું જલપાન કરવા જશો તો તમારી ગતિમાન છાયા ગંગાજીની ધારામાં પડીને એવી લાગશે કે જાણે પ્રયાગ પહોંચ્યા પહેલાં જ ગંગાજી યમુનામાં મળી ગયાં હોય ! એની શિલાઓ પર કસ્તુરીમૃગ બેસે છે અને એનાં શિખર પર સદા બરફ જામેલો રહે છે. એના પર બેસતાં તમે એવા લાગશો કે જાણે મહાદેવજીના શ્વેતવર્ણવાળા સાંઢનાં શીંગડાં ઉપર માટીના ઢગલા ખૂંદતાં કાદવ જામી ગયો હોય ! હે વાદળ ! વંટોળિયો થવાથી દેવદારનાં વૃક્ષો એકબીજા પર ઘસવાથી જંગલમાં આગ લાગે તેમ ધોધમાર વરસાદ વરસાવીને તે આગને બુઝાવી દેશો, કેમકે ભલા માણસની પાસે જે કંઈ હોય છે તે દીનદુ:ખિયાંનું દુ:ખ મટાડવા માટે જ હોય છે. અને જુઓ શરતી જાતિનાં હરણો દૂર હોવા છતાં પણ તમને જોઈને આનંદમાં આવી જઈને કૂદકા મારે અને પોતાના હાથપગ તોડવા માટે તમારા ઉપર શીંગડાંથી માથું મારે તો તમે ધોધમાર કરા વરસાવી એમને ભગાડી દેશો. ત્યાંના એક મોટા પથ્થર ઉપર શિવજીનાં પગલાંની એક છાપ પડેલી છે. સિદ્ધપુરુષો હમેશાં તેની પૂજા કરે છે. તમે પણ ભક્તિભાવથી નમ્ર બનીને તેની પૂજા કરશો, કારણકે તેના દર્શનમાત્રથી શ્રદ્ધાળુ માણસોનાં પાપ ધોવાઈ જાય છે અને શરીર જ્યારે છુટી જાય છે ત્યારે શિવલોકમાં પહોંચી જાય છે. ત્યાં આગળ જ્યારે પેલા વાંસમાં હવા ભરાય છે તો તેમાંથી વાંસળીના જેવો મીઠો સૂર નીકળવા લાગે છે અને તેમાં ભ્રમરો પોતાનો મધુર સ્વર મેળવીને ત્રિપુરવિજયનાં ગીત ગાવા લાગે છે. પહાડની ગુફાઓમાં જ્યારે તમે પોતાની મેળે ગુંજન કરીને મૃદંગની સમાન શબ્દો કાઢવા લાગશે ત્યારે ભગવાન શંકરનાં સંગીતનાં બધાં અંગો પૂરાં થઈ જશે’.

‘હિમાલય પર્વતની આસપાસ જેટલાં સુંદર અને રમણીય સ્થળો છે એ જોઈને તમે કૌચરંધ્રમાંથી જઈને ઉત્તર તરફ જશો. આ જ માર્ગ ઉપરથી હંસ માનસરોવર ઉપર જાય છે. આને પોતાના તીરથી છેદીને પરશુરામ અમર થઈ ગયા છે. આ જ માર્ગે થઈને જરા ઊંચે ચઢશો એટલે તમે કૈલાસ પહોંચી જશો. રાવણે પોતાના બળના ઘમંડમાં આ પહાડનાં શિખરોને હલાવી નાંખ્યાં હતાં. હે વાદળ ! તમે ચીકણા ઘુંટેલા અંજન સમા કાળા છો. અને કૈલાસ તુરત કાપ્યો હોય એવા હાથીદાંત સમાન સફેદ છે. માટે જ્યારે તમે તેના ઉપર જશો ત્યારે એવા મનોહર લાગશો કે જાણે બળરામજીના ખભા ઉપર પડેલાં ચમકદાર કાળાં વસ્ત્રો. બધી આંખો તમને એકીટશે જોઈ જ રહેશે’.

‘એ કૈલાસ ઉપર જ્યારે ભગવાન શંકર સાપોનાં ઘરેણાં ઉતારીને પાર્વતીજીની સાથે ફરી રહ્યા હશે, ત્યારે તમે વરસશો નહિ, પણ આગળ જઈને સીડીની જેમ તમે એક ઉપર એક ગોઠવાઈ જશો તો એના ઉપર ચડવામાં તમને સગવડભર્યું થશે. હે મિત્ર ! ત્યાં રહેવાવાળી અપ્સરાઓ ખૂબ જ આનંદી સ્વભાવવાળી છે. તે પોતાનાં રત્નજડિત કંકણોની ધારથી તમારા શરીરને ટોચશે અને તમારામાંથી પાણીની ધારો કાઢીને તેના ફુવારાઓ બનાવશે. એમાંથી છુટકારો મેળવવા માટે તમારે જોરથી ગર્જના કરીને એમને બીવડાવી દેવી. જુઓ, ત્યાં પહોંચીને તમારે સુંદર કમળોવાળા મનસરોવરનું જળ પીવું અને થોડીવાર ઐરાવતનું મન રાજી કરવું. પછી કલ્પદ્રુમનાં કોમળ પાંદડાંને હલાવવાં. આ પ્રમાણે જાતજાતની રમતો કરતાં તમારે કૈલાસ ઉપર ફરવું. એ જ કૈલાસના ખોળામાં અલકાપુરી વસી છે. ત્યાંથી નીકળતી ગંગા એવી લાગે છે કે જાણે અલકારૂપી નગરીના શરીર ઉપર સરી જતી સાડી ન હોય ! એવી અલકાને જોઈને તમે એને ઓળખશો નહિ એવું તો નહિ બને. એનાં ઊંચા ઊંચા મહેલ ઉપર વર્ષા ઋતુમાં વરસતાં વાદળો એવાં છવાઈ રહે છે કે જાણે સ્રીઓના માથા ઉપર સુંદર મોતીનાં ગૂંથેલા ગુચ્છો !’

(ઉત્તરમેઘ આવતી કાલે માણીશું)

બહાર ના શોધે-સુધીર પટેલ

બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે, પાનબાઈ !

એમ બસ આઠે પ્રહરની મોજ રાખે પાનબાઈ !

આપણે ડૂબી ગયા ને એ તરે છે એટલે,

વિષયોનો ના કશોયે બોજ રાખે, પાનબાઈ !

જ્યાં તમે ને હું પડી ગ્યાં ત્યાં જ ઊભા એય પણ,

દ્રઢ નિશ્ચયની અડીખમ ફોજ રાખે, પાનબાઈ !

વેણ કૈં ગંગાસતી બોલે નહીં વારંવાર,

ટેક લીધી એક દી તે રોજ રાખે, પાનબાઈ !

ફક્ત દીવાથી નહીં ફેલાય અજવાળું ‘સુધીર’,

વેણ બોલી ઊજળાં કૈં ઓજ રાખે, પાનબાઈ !

(સુધીર પટેલ)

ઊંઘમાં પોઢી જતાં પહેલાં

[audio:https://heenaparekh.com/wp-content/uploads/2010/07/10-Track-10.mp3%5D

આજે રાતે, ઊંઘમાં પોઢી જતાં પહેલાં

મને મારા એ સેંકડો બાંધવો યાદ આવે છે,

જેમની આંખમાં ઊંઘ નથી;

જિંદગીએ જેમને લોહિયાળ ઘાવ કર્યા છે,

સમાજના દ્વેષ અને સંકુચિતતાથી જેમના

હ્રદયમાં ચીરા પડ્યા છે,

જેમનો તેમનાં પ્રિયજનોએ જ દ્રોહ કર્યો છે,

સમગ્ર ચાહનાથી ઈચ્છેલી વસ્તુને પામવામાં જેઓ

નિષ્ફળ ગયા છે,

જેમના પ્રેમને પ્રતિસાદ મળ્યો નથી,

યાત્રાની અધવચ્ચે જેમણે પોતાના સાથીને ગુમાવ્યા છે

જેમની શક્તિઓને સાર્થક થવાની તક મળી નથી

જેમના કાર્યની મહત્તાનું ક્યારેય મૂલ્ય અંકાતું નથી,

પોતાના કાર્ય માટે જેમને આભાર કે પ્રશંસાના બે

શબ્દો સાંભળવા મળતા નથી,

હ્રદયની વાત કરી શકાય, એવા જેમને મિત્રો નથી

જેઓ હંમેશા થાકેલા, વિષાદથી ભરેલા હોય છે,

જેમના ઉમદા ભાવોની કોઈ કદર થતી નથી,

જેઓ ઘણી મહેનત કરે છે ને ઓછું વળતર પામે છે

આ બધા બાંધવો માટે

આજે મારું હ્રદય પ્રેમ અને પ્રાર્થનામાં વહી જાય છે

પ્રભુ,

એમના દુ:ખમાં એમને આશ્વાસન આપો

એમને હિંમત અને માર્ગદર્શન આપો

ઉલ્લાસ અને પ્રોત્સાહન આપો

શક્તિ, આનંદ અને પ્રેમ આપો

બધાં બારણાં બંધ હોય ત્યારે,

તેમાંના કોઈક બારણાની પાછળ તમે આવી ઊભેલા છો,

એવી તેમને પ્રતીતિ આપો;

જેથી તેઓ ગમે તેવો કાંટાળો માર્ગ પણ

એવા વિશ્વાસ સાથે પસાર કરી જઈ શકે

કે માર્ગને કોઈક વળાંકે

તમારા અનંત સામર્થ્યયુક્ત બાહુ

તેમને બધી પીડામાંથી ઉપર ઊંચકી લેવા તત્પર છે.

(“પરમ સમીપે” – સંપાદન: કુન્દનિકા કાપડીઆ, ઉદ્દગાર : અંકિત ત્રિવેદી)

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

અંગદનો પગ-હરેશ ધોળકિયા

માત્ર વાંચવા માટે જ નહીં પણ વસાવવા અને વહેંચવા જેવી નવલકથા

કચ્છના લોકો માટે શ્રી હરેશભાઈ ધોળકિયાનું નામ અજાણ્યું નથી. ઘણાં વર્ષોથી કચ્છમિત્રમાં એમની “ઘડિક સંગ” નામની કોલમ ચાલે છે. ડો. અબ્દુલ કલામના બે પુસ્તકોનો અને કિરણ બેદી તથા ચેતન ભગતના એક-એક પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરીને ગુજરાત સમક્ષ આ પુસ્તકો મૂક્યા ત્યારે ગુજરાતના બધા જ વાચકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. જોકે આ ઉપરાંત પણ ઘણાં અનુવાદો તેમણે કર્યા છે, મૌલિક પુસ્તકો પણ ઘણાં લખ્યા છે અને સંપાદનો પણ કર્યા છે. લેખન ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય, જાતીય સ્વાસ્થ્ય, ભારતીય વેદાંત, શિવામ્બુ, આરોગ્ય વગેરે વિષયો પર પ્રવચનો આપે છે અને શિબિરો ચલાવે છે.

શ્રી હરેશભાઈ ધોળકિયા

એમની બીજી નવલકથા “અંગદનો પગ” શિક્ષણજગતમાં ચાલતી બદીઓ પર પ્રકાશ પાડે છે. જૂન ૨૦૦૬માં આ નવલકથાની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ. પછી આ નવલકથાને એટલો પ્રતિસાદ મળ્યો કે નવેમ્બર ૨૦૦૬, માર્ચ ૨૦૦૭, ઓક્ટોબર ૨૦૦૭ અને મે ૨૦૦૯માં પુનર્મુદ્રણ કરવું પડ્યું. આ નવલકથા વિશે ઘણાં જાણીતા લેખકો, શિક્ષણકારોએ પ્રતિભાવ આપ્યા છે. પરંતુ આજે અહીં “ગુજરાતમિત્ર”માં પ્રકાશિત થયેલ એક લેખ પોસ્ટ કરું છું.

“ગુજરાતમિત્ર”નો આ લેખ ઉપલબ્ધ કરી આપવા બદલ મારા વડિલમિત્ર શ્રી હરેશભાઈ ધોળકિયાનો હું ખાસ આભાર માનું છું.

શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા(?) આપતા ગંદા અને ખંધા શિક્ષકોની કથા : અંગદનો પગ

વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રતિભાશાળી અને સામાન્ય..પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે. પણ વિશ્વનો કબજો હંમેશા ‘સામાન્યો’ પાસે જ રહ્યો છે. સામાન્યો હંમેશા પ્રતિભાશાળીઓને બાહ્ય રીતે હેરાન કરી શકે છે પણ ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. પ્રતિભાશાળીઓ ‘રામાયણ’ના ‘અંગદ’ના પગ જેવા છે અચળ અને સ્થિર.તેને સામાન્યો કદી ખેસવી ન શકે. પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની કથા લઈને શ્રી હરેશ ધોળકિયાની નવલકથા રચાઈ છે.

લેખકે દાયકાઓ સુધી શિક્ષક તરીકે સફળ કામગીરી બજાવી છે. અનેક ચિંતનલક્ષી પુસ્તકો લખ્યાં છે. અનુવાદ કરીને ગુજરાતને ચરણે ધર્યા છે. ‘અંગદનો પગ’ શુભ અને અશુભ, રચનાત્મક અને ખંડનાત્મક, કર્મશીલ અને કામચોર એવા બે પ્રકારના શિક્ષકો વચ્ચેની સંઘર્ષ કથા છે. લેખકે પ્રસ્તાવનામાં જ નોંધ્યું છે-“પચીસ વર્ષ આ ક્ષેત્રમાં કામ કર્યું છે. સેકન્ડ રેટરોને ભરપૂર માણ્યા છે. અનેક ઘટનાઓ અને દ્રશ્યો આંખ સામે તરતાં હતાં. ધીમે ધીમે તેને સંકલિત કરવા માંડ્યા અને નવલકથા લખવી શરૂ કરી. હવે નામ શું રાખવું તેની મૂંઝવણ શરૂ થઈ. ‘રામાયણ’માં યુદ્ધ પહેલાં સમાધાનના છેલ્લા પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે. રાવણ તેની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી યુદ્ધ જિતાય? ત્યારે અંગદ રાવણને દરબાર વચ્ચે કહે છે કે પોતે પગ ખોડીને ઊભો રહેશે. જો રાવણ કે કોઈ દરબારી પણ તે પગ ઈંચભર પણ ખસેડી દે તો રાવણ જીતશે. બધા હસી પડે છે. પણ પછી અંગદના પગને રાવણ સહિત કોઈ જ દરબારી ખેસવી શકતા નથી. અંગદ હસીને કહે છે કે પોતે તો સેનામાં જુનિયર વાનર છે. સેનામાં ખૂબ સિનિયર વાનરો છે. આ નાનો પગ ન ખસેડી શકાયો તો રામ જિતાશે?”

અહીં પણ એ જ ઈશારો છે કે પ્રતિભાશાળીઓ અંગદના પગ જેવા છે. સામાન્યો તેને હટાવવા, હરાવવા, હેરાન કરવા ખૂબ જ પ્રયાસો કરે છે. બાહ્ય રીતે કદાચ સફળ પણ થાય છે. સત્તા વગેરેથી દૂર રાખે છે. હોય તો ખસેડે છે અથવા હેરાન કરીને કામ કરવા દેતા નથી. બધા જ પ્રયાસો કરે છે અને સામાન્ય રીતે દેખાય પણ છે કે પ્રતિભાશાળીઓને ‘નુકસાન’ પહોંચે છે પણ પ્રતિભાશાળીની પ્રતિભામાં આનાથી અંશ માત્ર પણ ફર્ક પડતો નથી. પળભર પણ તે નથી ઘટતી. બાહ્ય હલચલ તેમને જરાપણ વિચલિત નથી કરી શકતી. ગરીબી કે અપમાન તેને જરા પણ મૂંઝવી નથી શકતા. કારણ કે તેઓ આંતરિક રીતે સ્થિર છે. તેમની પ્રતિભા સ્વયંભૂ છે. સ્વયં આધારિત છે. સ્વ સંચાલિત છે. તે પરાવલંબી નથી. બાહ્ય બનાવો તેને કદી પણ અસર કરતા નથી. તેની મસ્તી જ એવી છે જે તેમને સતત કૃતકૃત્ય રાખે છે. સામાન્યો તેમને પદ પરથી ખસેડી કે હેરાન કરી રાજી થાય છે. પણ પેલાઓ તો સ્થિર જ રહે છે. અંગદના પગની જેમ તેમની પ્રતિભા અડગ જ રહે છે.

આ નવલકથામાં પણ એવા જ એક પ્રતિભાશાળી શિક્ષક બતાવવાનો પ્રયાસ કર્યો છે. અને આ પાત્ર કાલ્પનિક છે તેમ ન માનવું. ખુદ નવલકથા પણ કાલ્પનિક નથી. દરેક પ્રસંગ ઈન કેમેરા બનતા જોયા છે અનુભવ્યા છે અને આવા ‘જ્યોતિન્દ્રો’ જોયા પણ છે. આ નવલ એક સ્પષ્ટ હેતુ માટે જ લખાઈ છે. નવલકથાનું ફોર્મ જ છે. બાકી માત્ર પ્રતિભાશાળીનું મહત્વ દર્શાવવા જ તે લખાઈ છે. ‘આવા’ જ લોકો આપણા સમાજને ચલાવે છે તે દ્રઢતાથી કહેવું છે. જો આપણો સમાજ થોડો પણ પછાત રહે તો તેનું કારણ આ પ્રતિભાશાળીઓની અવગણના થાય છે અને સામાન્યોની અર્થહીન પ્રશંસા થયા કરે તે છે!

શ્રી હરેશભાઈ ધોળકિયાએ આ પુસ્તક વાચકોને મનોરંજન આપવાના હેતુથી લખ્યું નથી. એમણે આદર્શ શિક્ષક જ્યોતીન્દ્ર શાહના પાત્ર દ્વારા જે સંદેશો પાઠવવાનો હતો તે વાચકોને પાઠવી દીધો છે. નવલકથામાં એક તરફ કથાનો નાયક આદર્શ શિક્ષકના સ્વરૂપમાં જ્યોતીન્દ્ર શાહ છે તો ખલનાયક તરીકે ટ્યૂશનિયો ખટપટિયો (લેખક જેને સેકન્ડ રેટર દ્વિતિય કક્ષાનો ગણાવે છે) કિરણ દવે છે. આ દવે કિશોર અને અન્ય વિદ્યાર્થીઓને હથિયાર બનાવીને જ્યોતીન્દ્ર શાહને કઈ રીતે હેરાન કરે છે, સંચાલક મંડળના પ્રમુખની ચાપલૂસી કરી કરીને કેવી રીતે આચાર્ય બની બેસે છે તેની સમજવા યોગ્ય વાતો લેખકે નવલકથામાં ગૂંથી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં ગંદા અને ખંધા શિક્ષકો દ્વારા જે રાજકારણ ખેલાય છે તેનો તાદ્રશ્ય ચિતાર શ્રી હરેશ ધોળકિયાએ કિરણ દવેનું પાત્ર સર્જીને રજૂ કર્યો છે. વિદ્યાર્થીઓમાં સસ્તી લોકપ્રિયતા મેળવવા શ્રી દવે કેટલી હદે નીચે ઊતરી જાય છે, ટ્યૂશનિયો શિક્ષક પોતાને ત્યાં ટ્યૂશને આવતાં વિદ્યાર્થીઓને હાથમાં લઈ આદર્શ શિક્ષક જ્યોતીન્દ્રને ક્યાં અને કેવી રીતે હેરાન પરેશાન કરે છે તે બધી વાતો ખૂબીપૂર્વક નવલકથાને આગળ વધારે છે.

શાળામાં દર વર્ષે એક દિવસનો પ્રવાસ ગોઠવાતો. કિરણ દવેએ ખટપટ કરી વિદ્યાર્થીઓને ઉશ્કેરી લાંબા પ્રવાસનું આયોજન કર્યું. ખટપટિયા અને કામચોર શિક્ષકોને દસ-પંદર દિવસના લાંબા શૈક્ષણિક(?) પ્રવાસોમાં ઊંડો રસ હોય છે. કારણ ન પૂછશો. લેખકે તે હકીકત સુંદર રીતે વિકસાવી છે. શ્રી શાહ શિસ્તમાં માને-કડક શિસ્તના આગ્રહી. દવેનું કામ તોફાની વિદ્યાર્થીઓને મમરો મૂકી આપી તોફાનો કરવા ઉશ્કેરવાનું. વિદ્યાર્થીઓને હાથો બનાવી પોતાની નિષ્ક્રિયતા, મંદબુદ્ધિપણું અને કામચોરીના દુર્ગુણોને ઢાંકવાની નાકામ કોશિશ કરતા આવા ‘દવેઓ’ પ્રત્યેક સંસ્થામાં ફેલાયેલા છે. ડી. એન. મિશ્રા હાઈસ્કુલ શહેરમાં શ્રેષ્ઠ ગણાતી. દવેએ ધીમે ધીમે એને ઉંદરની જેમ ખોતરવા માંડી. જે શાળાના શિક્ષકો કદી સંઘના સભ્યો નહોતા બનતા એમને દાબ દબાણ કરી શિક્ષક સંઘના સભ્ય બનાવ્યા. શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ બનવા ઈચ્છતા ખટપટિયા નેતાઓની લાક્ષણિકતાને લેખકે કઈ રીતે વ્યક્ત કરી છે તે જુઓ: “તેમની મુદત પૂરી થતી હતી. તેમને ફરી ચૂંટાવું હતું. લગભગ દસ વર્ષથી તેઓ અણનમ ચૂંટાતા હતા પણ ગયા વર્ષે તેમની સામે છૂપો અસંતોષ પ્રગટ્યો હતો. નવાને તક આપવી જોઈએ એવું ઘણા સભ્યો વિચારતા હતા. તેમને આ સમાચાર મળી ગયા હતા. તેથી અકળાતા અને મૂંઝાતા હતા. પ્રમુખપદ તેમને ફાવી ગયું હતું. તેને બહાને શાળામાંથી ભણાવવાની મુક્તિ મળતી હતી. શિક્ષકો પર કાબૂ અને પ્રભાવ રહેતાં હતા. શિક્ષણાધિકારીઓ સાથે મીઠા સંબંધો રહેતા હતા. નિમણૂંકો વખતે પ્રસાદ મળતો હતો. આ બધું ગુમાવવાનું પોષાય તેમ ન હતું.”

પ્રતિભાશાળી શિક્ષક તરીકે શ્રી જ્યોતીન્દ્ર શાહનું પાત્ર સમગ્ર નવલકથાને અનોખી ઊંચાઈ બક્ષે છે. નિષ્ફળ, હતાશ, નિરાશ ખલનાયક શ્રી કિરણ દવે ઉર્ફે ખટપટિયો શિક્ષક આત્મહત્યા કરતા પૂર્વે લખયેલી પોતાની આત્મકથામાં નોંધે છે: ‘અને, હું તો હતો જ્યોતીન્દ્રના તત્વજ્ઞાન પ્રમાણે a second rater બીજી કક્ષાની વ્યક્તિ. જોકે તે કદી જાહેરમાં ન કહેતો. તેને ઊતારી પાડવાની ટેવ જ ન હતી. પણ પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને આ વિશે હંમેશા કહેતો કે વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના (ફર્સ્ટ રેટર્સ) અને દ્વિતિય કક્ષાના (સેકન્ડ રેટર્સ). માનવીના ઉષ:કાળથી આ વિશ્વનો વિકાસ હંમેશા આ ફર્સ્ટ રેટર્સ દ્વારા થયો છે. ગુફાથી અણુયુગની પ્રગતિ કોઈ અનામી ઋષિથી આઈન્સ્ટાઈનને આભારી છે. પણ તે કહેતોૢ કરુણતા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ, રાજસત્તા, ધનસત્તા માત્ર હંમેશા બીજી કક્ષાના લોકો પાસે રહી છે. પ્રથમ કક્ષાના લોકો પોતાનાં કાર્યોમાં એવા મસ્ત હોય છે કે તેમને આવી સત્તા પ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં રસ જ નથી હોતો અને બીજી કક્ષાના લોકો સર્જનાત્મક ન હોવાથી માત્ર આવી જ બાબતોમાં રસ ધરાવે છે. તેઓ હંમેશા પ્રથમ કક્ષાના લોકોની સિદ્ધિઓને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. પ્રથમ કક્ષાના લોકો આ જુએ છે. તેમને તે નથી ગમતું પણ સત્તા પ્રાપ્તિ તેમની વૃત્તિ ન હોવાથી ચૂપચાપ જુએ છે અને આ બીજી કક્ષાના લોકો તેમને દબાવે છે તે સહન કર્યા કરે છે.” દવે આગળ નોંધે છે “આ વાત જ્યોતીન્દ્ર એટલી સચોટતાથી કહેતો કે બધા સ્તબ્ધ થઈ સાંભળતા. કોઈ આયન રેન્ડની ચોપડી “Fountainhead”ની વાતો તે કરતો. હિટલર અને ગાંધીજીની તુલના કરતો. સાંભળવાની તો મને પણ મજા આવતી પરંતુ સાંભળતા સાંભળતા મને થતું કે હું જ સેકન્ડ રેટર છું અને જ્યોતીન્દ્ર ફર્સ્ટ રેટર. માટે જ મને તે ન ગમતો.”

ખટપટિયો કિરણ દવે જ્યારે જ્યોતીન્દ્રની પ્રતિભાથી અકળાયો ગભરાયો અને સતત પરાજિત થયો ત્યારે તેણે જ્યોતીન્દ્રને સકંજામાં લેવા ટ્રસ્ટીઓ સુધી વાત પહોંચાડી અને જ્યોતીન્દ્ર વર્ગમાં સાઘુ સંતોની નિંદા કરે છે ટીકા કરે છે. એમના પતનના કારણો ચર્ચે છે! ટ્રસ્ટી મંડળે જ્યોતીન્દ્રને આરોપી ઠરાવી પોતાની સભામાં ખુલાસો કરવા બોલાવ્યો. પ્રતિભાશાળી શિક્ષકે કહ્યું: “હા, મેં પતનના કારણો ચર્ચ્યા છે પરંતુ એ મારા શબ્દો નથી. ઈતિહાસના પાઠ્યપુસ્તકમાં લખાયેલું છે. હા, બૌદ્ધ ધર્મના પતનના કારણો તેમાં ચર્ચ્યા છે! પાઠ્યપુસ્તકમાં જોઈ લો. પાન નંબર પચીસ.” પ્રકરણ થયું પુરું. બીજા દિવસે જ્યોતીન્દ્રએ દવેને સીધું જ સંભળાવી દીધું, ‘દવે લોકપ્રિય થવા માટે તારી લીટી મોટી કર. બીજી લીટીને નાની કરવા પ્રયત્ન ન કરે તો સારું. તેનાથી કદી પ્રગતિ થઈ શકતી નથી. લીટી નાની પણ કરી શકાતી નથી. દોસ્ત લડાઈ કરવી છે ને તો બુદ્ધિથી લડ, મજા પડશે’. પછી આગળ બોલ્યો, ‘પણ તે તારા હાથમાં નથી ખેર! હવે આવું બીજા પર ન કરતો. મને તું ટ્યૂશન કરે છે તેનો કોઈ વાંધો નથી. વિદ્યાર્થીઓને તારા પ્રભાવમાં લાવવા માંગે છે તે પણ જાણું છું.. લે ને ભાઈ! આમ પણ વ્યર્થ ચિંતા કરે છે. મોટાભાગના તને જ વશ થશે. સમાન સમાનને આકર્ષે. કોઈ કિશોર જેવા જ છટકશે. બરાબર?’

નવલકથામાં ઠેર ઠેર જ્યોતીન્દ્ર દ્વારા ઉચ્ચારવામાં આવેલું શિક્ષણ અને જિંદગી જીવવા અંગેનું તત્વજ્ઞાન વાચકને વિચારતો કરી મૂકે તેવું છે. આદર્શ શિક્ષક બનવા ઈચ્છતા નવી પેઢીના મિત્રો માટે જ્યોતીન્દ્રનું પાત્ર રોલ મોડેલ જેવું છે. દવેનું પાત્ર વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ખટપટિયા અને રાજકારણી, દુષ્ટ વૃત્તિ ધરાવતા શિક્ષકોથી શા માટે દૂર રહેવું જોઈએ તે સમજાવવામાં સફળ રહ્યું છે. ટ્રસ્ટી મંડળના અલ્પ બુદ્ધિ ધરાવતા પ્રમુખ, સાચા શિક્ષકની પરખ ધરાવતા કિશોર જેવા વિદ્યાર્થીઓ, મહેતાજી મારે નહીં અને ભણાવે નહીં એ કહેવતને સાર્થક કરે તેવા આચાર્ય ઓઝાસાહેબ આ બધા નવલકથાના એવા પાત્રો છે જેમને મળ્યા પછી વાચકને અવશ્ય એવો વિચાર આવે કે આ સૌ પાત્રોને લઈને એકાદ સુંદર ફિલ્મ બનાવવામાં આવે તો?

સંસ્કાર બિંદુ

‘કિશોર, હું કહેતો હતો કે અંદરનું જગત પૂર્ણ અને અનંત છે. તેનો આનંદ અવર્ણનીય છે. અને દોસ્ત, જીવન આ આનંદની પ્રાપ્તિ માટે છે. બાહ્ય સફળતા તો મળવી જ જોઈએ. તે માટે અવશ્ય પ્રયાસ કરવા જોઈએ. પણ જો સમાંતરે અંદરની સ્વસ્થતા વધશે તો તેટલી બહારની સફળતા પણ વધશે. કિશોર અંદરની સ્વસ્થતા વધે તે માટે ત્રણ પ્રયોગ કરી શકે. એક દરરોજ રાત્રે સૂવા જાય ત્યારે જાતને પૂછ્ કે આજે કોઈને ઉપયોગી થવાય તેવું શું કર્યું? બીજું જે કંઈ કરે તે પ્રત્યે જાગ્રત રહે….તારા દ્વારા થતી દરેક ક્રિયા તારા ધ્યનમાંથી છટકવી ન જોઈએ. પૂરો સજાગ રહે. અદ્દભુત અનુભવો કરીશ. અને ત્રણ, બેટા સવાર સાંજ થોડો સમય ધ્યાનમાં ગાળજે. તે તને અકલ્પ્ય રીતે આગળ વધારશે.’

(શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ-એકલવ્ય, “ગુજરાતમિત્ર”, તા.૨૧/૧૧/૨૦૦૬)

અંગદનો પગ – હરેશ ધોળકિયા

પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

પૃષ્ઠ: ૧૮૮

કિંમત: રૂ. ૧૦૦.૦૦

નોંધ : શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં આ પુસ્તક રૂ. ૩૫/- માં પ્રાપ્ત થશે.