શ્રી ગંગેશ્વર મહાદેવ

સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન પ્રવાસના બીજા દિવસે બપોરે ૧.૩૦ વાગ્યે અમે પાલિતાણાથી દીવ જવા નીકળ્યા. સાંજે પાંચ વાગ્યે દીવ પહોંચીને હોટલ પર સામાન મૂકી નાગવા બીચ ગયા. સાત વાગ્યા સુધી દરિયાને માણ્યા બાદ ટુર સંચાલક શ્રી અનિલભાઈ પારેખે કહ્યું કે ગંગેશ્વર મહાદેવ જવું છે. તેથી બધા ફરી બસમાં ગોઠવાયા અને દીવના કુદમ ગામ સ્થિત ગંગેશ્વર મહાદેવ પહોંચ્યા. અહીં મંદિર જેવું કંઈ ન હતું. દરિયાકિનારે કુદરતી રીતે બનેલ ખડકની નીચે પાંચ શિવલીંગ હતા જેની સ્થાપના પાંડવોએ કરી હતી અને દરિયામાં ભરતી આવે ત્યારે દરિયાનું પાણી બધા શિવલિંગને અભિષેક કરે છે એવી માહિતી અમને શ્રી અનિલભાઈએ આપી. અમે ૭.૦૦ વાગ્યે ગયા ત્યારે ભરતીનો સમય ન્હોતો. બસની બહેનોએ ભજનો ગાયા અને ઉપર મોટો ચોક હતો ત્યાં ગરબાની રમઝટ બોલાવી. ત્યારબાદ અમે દીવ હોટલ પર પહોંચ્યા. ભોજન તૈયાર જ હતું એટલે તેને ન્યાય આપ્યો. બીજા દિવસે સવારે આગળની યાત્રા માટે નીકળવાનું હતું અને અમારી ઈચ્છા દીવનો ફોર્ટ વગેરે જોવાની હતી એટલે મન જરા કચવાતું હતું. ત્યાં અનિલભાઈ આવીને કહ્યું ‘ચાલો’. રીક્ષામાં બેઠા ત્યારે જ ખબર પડી કે અમે (અનિલભાઈ પારેખ, જયસિંગભાઈ ચૌહાણ, અલકામાસી અને હું) ફરી ગંગેશ્વર મહાદેવ જઈ રહ્યા છીએ. ભરતીનો સમય રાત્રે ૯.૦૦ વાગ્યાનો હતો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં જામનગર ઈન્ડિયન એરફોર્સના એક પાયલટ અને તેનો પરિવાર ત્યાં હાજર હતો. તે સિવાય બીજું કોઈ જ ન હતું. એ લોકો તો અમે સાંજે ૭.૦૦ વાગ્યે પહેલીવખત દર્શન કરવા ગયા ત્યારે પણ ત્યાં જ બેઠા હતા. એ ભાઈ સાથે વાત કરતાં એમણે કહ્યું કે “હું તો આજે નક્કી કરીને જ આવ્યો છું કે અભિષેક ના થાય તો આખી રાત બેસી રહીશ. પણ અભિષેક જોઈને જ જઈશ”. ભરતીની શરૂઆત થઈ હતી પણ શિવલિંગ સુધી પહોંચતા હજુ વાર લાગશે તેવું લાગ્યું. છતાં અમે બધા પાણીની રાહ જોઈને ગોઠવાયા. મારે ફોટોગ્રાફ્સ લેવાના હતા એટલે મેં શિવલિંગની સામે ઉપરના ખડક પર જમાવ્યું. જેમ જેમ ભરતી વધતી ગઈ તેમ તેમ ધીમે ધીમે થોડું પાણી આવતું ગયું. દરેક શિવલિંગ એક સીધી લાઈનમાં હતા અને પાંચ પાંડવોના કદ પ્રમાણે હતા. નકુલ અને સહદેવ દ્વારા સ્થાપિત શિવલિંગો નાના હતા અને જે તરફથી પાણી આવવાનો માર્ગ હતો એ તરફ જ હતા. તેથી તેના પર જલ્દી અભિષેક થઈ ગયો. પાયલોટ ફેમિલીના બાળકો ભૂખ્યાં થયા હતા એટલે એ બધા હોટલ જવા નીકળ્યા. પાયલોટ જતાં જતાં કહી ગયો કે “ હું પાછો આવું છું”. પાણીના મોજા આવતા ગયા અને અર્જુન અને યુધિષ્ઠિર દ્વારા સ્થાપિત શિવલિંગો પર પણ અભિષેક થઈ ગયો. ભીમભાઈ જ જરા મથાવતા હતા. છેવટે બે-ત્રણ મોટા મોજા આવ્યાં અને ભીમ દ્વારા સ્થાપિત શિવલિંગ પર અભિષેક થઈ ગયો અને અમે સૌએ હર્ષોલ્લાસ કર્યો. અને હર હર મહાદેવનો જયકાર કર્યો. આ તમામ સમય દરમ્યાન કંઈ નવી જ અનુભૂતિ થતી હતી. કોઈ અલૌકિક સ્થળ પર અમે સૌ હતા અને કુદરતનો જીવતોજાગતો ચમત્કાર જોઈ રહ્યા હતા એવું લાગતું હતું. ઘડિયાળનો કાંટો ૧૦.૦૦ વાગ્યાથી ઉપર પહોંચી ગયો હતો. રીક્ષાવાળો ઉતાવળ કરાવતો હતો. કારણ કે આ સ્થાન પર રાત્રે કોઈ રહી શકતું નથી એવી સૂચના ત્યાં બોર્ડ પર લખવામાં આવી છે. એટલે અમે સૌએ પ્રણામ કરીને કુદમ ગામ છોડ્યું.

ગંગેશ્વર મહાદેવના પૌરાણિક માહત્મ્ય અંગે જાણકારી મેળવવા અહીં ક્લીક કરો.

? City

વડોદરાને “સંસ્કારનગરી” કહેવામાં આવે છે તો વળી સુરતને “નર્મદનગરી”. એક સાહિત્યિક કાર્યક્રમમાં વલસાડને “ઉશનસનગરી” તરીકે ઓળખાવવામાં આવી હતી. આ નામ પણ ખોટું નથી. ઉશનસ જેવા મોટા ગજાના  કવિ નોકરી અર્થે વલસાડ આવ્યા અને પછી અહીં જ વસી ગયા. એનું ગૌરવ વલસાડને છે જ. પરંતુ વલસાડ માટે કોઈ નામ પ્રયોજવાનું કહે તો હું “Mango City” કહેવાનું વધારે પસંદ કરું.

ગયા વર્ષે કેરીની સિઝન ખરાબ જતાં પાક ઘણો ઓછો ઉતર્યો હતો. તેથી ગયા વર્ષે મન ભરીને કેરી ખાવા ન્હોતી મળી. આ વર્ષે ભગવાનની કૃપાથી કેરી માટે વાતાવરણ સારું રહ્યું. અને લગભગ ૧૫ માર્ચથી જ બજારમાં કેરી મળવા માંડી હતી. જો કે વલસાડી હાફુસની મોસમ હવે શરૂ થઈ છે. અને બજારમાં બાઅદબ તેનું આગમન થઈ ચૂક્યું છે. વધારે કંઈ લખવાની મારે જરૂર નથી. ફોટોગ્રાફ્સ જ બયાન કરશે.

કેરીની વાડી-કલવાડા

 

કેરીની વાડી

 

હાફુસ અને કેસર

 

હાફુસ

કેસર

 

વલસાડના વતનીઓને કેરી (હાફુસ) મુબારક!!

બે માળાનું પંખી-ભાગ ૨

બે માળાનું પંખી-ભાગ ૨

એક દિવસ દિનેશની ઓફિસના માણસોએ ઉજાણી ગોઠવી હતી. બન્યું એવું કે તે જ દિવસે પંખીની વર્ષગાંઠ હતી. દિનેશે ઘણાં દિવસ પહેલાં જયાને કહી મૂકેલું કે ઓફિસની ઉજાણીમાં બધા પોતપોતાનાં છોકરાંને લાવવાના છે. પંખી તથા રમેશને હું પણ લઈ જઈશ. આ તરફ પંખીને આઈસ્ક્રીમ બહુ જ ભાવે એમ વિચારી નરેશે વર્ષગાંઠ ખાતે આઈસ્ક્રીમ પાર્ટીની યોજના ઘડી હતી. તે રોજ કહેતો: પંખી ! તારી વર્ષગાંઠને દહાડે તું ધરાઈને આઈસ્ક્રીમ ખાજે, હોં ! ત્રણેક દિવસ પહેલાં જયાને ખ્યાલ આવ્યો કે આ બંને પ્રસંગો અથડાશે. તેણે દિનેશને કહી જોયું: ‘ઉજાણીમાં છોકરાંને શું ગમશે? તમે એકલા જ જવાનું રાખો તો કેવું? બનતાં સુધી જયા અને કંચન પોતપોતાના પતિ સાથેની વાતચીતમાં સામસામાં ભાઈઓનાં નામ ન દેવાય તેની કાળજી રાખતાં. દિનેશે જવાબ દીધો: ‘વાહ, કેમ નહિ ગમે? ત્યાં તો પચાસેક છોકરાં ભેગાં થશે. સિનેમાની ફિલમ દેખાડવાની છે. પંખીને તો ખૂબ ગમ્મત પડશે.’ જયાએ ખૂબ ડરતાં ડરતાં ખરી વાત રજૂ કરતાં કહ્યું૰ જાણે વાત એમ છે કે તે દિવસે પંખીની વર્ષગાંઠ છે.

‘તો તો સરસ. પંખીની વર્ષગાંઠ છે તો હું ત્યાં સૌ છોકરાં માટે રબ્બરનો એકેક ફુગ્ગો લેતો જઈશ.’ ‘પણ…’જયાએ હિમ્મ્ત એકઠી કરી બોલી નાખ્યું: ‘નરેશભાઈએ આઈસ્ક્રીમ પાર્ટી રાખી છે.’ એકદમ મોઢું ગંભીર કરી નાખી દિનેશ ધીમેથી પણ સ્પષ્ટ ઉચ્ચાર કરતાં બોલ્યો: ‘જો જયા, પડોશી સાથે ઝગડો ન કરવો એ વાત બરાબર, પણ તેની સાથે વધુ પડતી ઘરવટ પણ શા માટે રાખવી? એ લોકોની આઈસ્ક્રીમ પાર્ટી એમને જ મુબારક ! એમાં આપણને શું લાગેવળગે?’ ‘પણ ખાસ પંખીની વર્ષગાંઠ ખાતે જ આ પાર્ટી છે. પંખીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, તે જાણીને જ નરેશભાઈએ…’તે અણગમતું નામ સાંભળી મોઢામાં ક્વિનીન ગયું હોય તેવો ચહેરો કરી દિનેશ વચ્ચેથી જયાનું વાક્ય કાપી નાંખતા બોલી ઊઠ્યો: ‘જો જયા, બધી બાબતમાં તને જેમ ગમે તેમ તું કર, પણ એનું નામ મારી આગળ ન દેતી.’ વાત ત્યાં જ અટકી. પણ બપોરે જયાએ કંચનને ખબર આપી, ‘આઈસ્ક્રીમ પાર્ટી અને ઓફિસની ઉજાણી બન્ને એક જ દિવસે ગોઠવાયાં છે, શું કરીશું?’ કંચને કહ્યું, ‘હું એમને વાત કરીશ.’ પણ કંચન ઢીલું જ બોલી હતી. દિનેશ સાથેના ઝગડામાં પતિ આગળ તેનું કાંઈ જ ઊપજતું નહોતું, તે કંચન પોતે ક્યાં નહોતી જાણતી?

તે દિવસે પતિ જમવા બેઠો ત્યારે ખુશામત ખાતર કંચને એક વધારાનું શાક પીરસ્યું હતું. પતિને પસંદ એવી લસણની ચટણી વાટીને મૂકી હતી અને જમતા પતિને માંખ ઉડાડતી તે બાજુમાં પાટલો નાંખી બેઠી હતી. નરેશે હસીને પૂછ્યું: ‘કેમ, આજે શું માંગવું છે? નવી સાડી કે પછી સોનાનો અછોડો?’ ચોરી કરતાં પકડાઈ ગયા જેવી છોભીલી કંચન પડી ગઈ, પણ પછી બોલી: ‘જાઓ વળી, આવું તે શું બોલો છો? મારે તો કશુંયે માગવું નથી; પણ આ આઈસ્ક્રીમ પાર્ટી ને ઉજાણી બે એક દિવસે આવ્યાં છે તેનું શું કરીશું?’

‘ઉજાણી કઈ વળી?’ નરેશે નવાઈ પામતાં પૂછ્યું. ડરને લઈને અચકાતી જીભે કંચન બોલી: ‘દિનેશભાઈના ઓફિસના સ્ટાફની…’દિનેશનું નામ આવતાં જ નરેશે કોળિયો હેઠો મૂકી દીધો અને તે બોલી ઊઠ્યો, ‘ખાતી વખતે કોઈ સારા માણસનું નામ દેતી જા કંચન ! વળી એની ઉજાણી સાથે મારે શી લેવાદેવા છે?’ ‘તમારે નહિ, પણ પંખીને તો ખરી જ ને?’ હવે વાતનો ફડચો આણવા કંચન કટિબદ્ધ થઈ અને બોલી: ‘ઓફિસની ઉજાણીમાં વીસપચીસ છોકરાં જવાનાં છે, ત્યાં ફિલમ દેખાડવાના છે અને પંખીની વર્ષગાંઠ ખાતે દરેક છોકરાંને રબ્બરનો ફુગ્ગો આ લોકો આપવા ધારે છે.’ બધી બાબતમાં ઠરેલ અને સમજુ એવો નરેશ ભાઈ સાથેના સંબંધની વાતમાં છેક જ બાલિશ બની જતો. તે બોલ્યો: ‘હું પણ શેરીનાં તમામ છોકરાંને બોલાવીશ. ફિલમ દેખાડીશ અને ફુગ્ગો તો ફટ દઈને ફૂટી જાય, હું તો સરસ રમકડાં અને સીંગ-સાકરિયા અને રેવડીનાં પડીકાં સૌ છોકરાંને વહેંચીશ.’

‘પણ એ લોકો પંખીને ઉજાણીમાં લઈ ગયા વગર નહિ રહે,’ કંચને યાદ દેવડાવ્યું.

નરેશ ઊકળીને બોલ્યો: ‘એટલે શું? મારી પંખીની વર્ષગાંઠ હું ઉજવું છું અને જોઉં છું તો ખરો કે તેને કોણ ઉજાણીમાં લઈ જવા છીનવી જાય છે?’

હવે શું કરવું, તે નક્કી કરવા દેરાણીજેઠાણીની એક અગત્યની ખાનગી મિટિંગ મળી. ઘણી ચર્ચા બાદ નિર્ણય થઈ ગયો.

પંખીની વર્ષગાંઠ ચૈત્રસુદ બીજને દિવસે હતી. પડવાને દિવસે કંચન સવારે પથારીમાંથી ઊઠી નહિ. ‘ઓ રે, ઓ રે,’ ની બૂમો શરૂ કરી. પેટમાં દરદની ફરિયાદ પતિ આગળ નોંધાવી. નરેશ ગભરાયો. પડોશમાં જ દાક્તર રહેતા હતા તેમને તેડી લાવ્યો. દાક્તરે ગરમ પાણીની રબ્બર-થેલીથી શેક કરવા સૂચના આપી ને પીવાની દવા આપી. મગના પાણી સિવાય કાંઈ ન લેવાની અને પથારીમાં સૂઈ રહેવાની સૂચના કરીને પાંચ રૂપિયા લઈ દાક્તર ચાલતા થયા. પત્નીનું દરદ જોઈ નરેશ હાંફળો બની ગયો હતો. તે નોકરી ઉપર પણ ન ગયો. પ્રેમાળ પતિને છેતરતાં કંચનનો જીવ કપાઈ જતો હતો, પણ તે સિવાય છૂટકો જ ક્યાં હતો? આખો દિવસ કંચને ઢોંગ માંડેલો જ રાખ્યો. સાંજ પડતાં નરેશ કહે: ‘કાલની પાર્ટીનું કેમ કરીશું?’ કંચન બોલી: ‘મારાથી કાલે તો કશી તૈયારી નહિ થાય. ખમણ ઢોકળાંની દાળ આજે પલાડવી પડે. પેંડા વાળવા માવો પણ હજી આણ્યો નથી. બે દિવસની તૈયારી વગર પંખીનો જન્મદિવસ ન ઊજવાય.’ નરેશ કશું બોલ્યા વગર ખિન્ન વદને બેસી રહ્યો. તેનો પડી ગયેલો ચહેરો જોઈ કંચન બોલી ઊઠી: ‘પણ એમાં શું? પંખીની અંગ્રેજી તારીખ પ્રમાણે ચૌદમી તારીખે વર્ષગાંઠ આવે છે. તેને હજી આઠેક દિવસની વાર છે. તે દિવસે તમે જ કહેતા નહોતા કે ખરી ગણતરી તો તારીખ પ્રમાણે જ થાય?’ નિરાશાનું વાદળ પત્નીના શબ્દો સાંભળી નરેશના ચહેરા ઉપરથી હઠી ગયું અને વળતે દિવસે પંખીની વર્ષગાંઠ વિઘ્નરહિત રીતે ઊજવાઈ ગઈ. બીજે અઠવાડિયે ફરીથી નરેશે પણ પંખીની વર્ષગાંઠ ઊજવી.

તે પછી એકાદ મહિને પંખી સવારે ઊઠી, ત્યારે તેનું દિલ ખૂબ તપેલું હતું. નરેશ દાક્તરને તેડી આવ્યો. દાક્તર કહે: ‘તાવ વધારે છે. સુવાડી રાખજો.’ તે તાવ બે-પાંચ દિવસે પણ ન ઊતર્યો. આઠમે દહાડે લોહી તપાસ્યા પછી દાક્તરે ટાઈફોઈડ વર્ત્યો. પંખીનો ખાટલો નરેશના ઘરમાં હતો. ત્યાં દિનેશને હવે નિત્ય ગયા વગર છૂટકો જ ન હતો. શરૂઆતમાં તો નરેશ બહાર ગયો હોય, ત્યારે દિનેશ ત્યાં જઈ બેસતો. પણ મોટા મંદવાડમાં એવું ક્યાં સુધી ચાલે? ‘જરા બરફ લેતો આવજે. મોસંબી પણ લાવવાની છે.’ એવી વાતો કરવી જરૂરી રહેતી. કંચન તથા જયા વારાફરતી બરફ ઘસવા બેસતાં. તાવ ઉગ્ર સ્વરૂપે હતો. બન્ને ઘરમાં રસોડાં ચલાવવાથી કંચન-જયા બન્નેનો વખત તેમાં જતો, તેથી તેમણે મસલત કરી, માત્ર એક જ બાવાળું રસોડું ચાલુ રાખ્યું. જે નવરું હોય તે રાંધતું અને જેને રુચિ થાય તે બે કોળિયા ખાઈ લેતું. બાકી સૌના જીવ અદ્ધર થઈ ગયા હતા. ત્રીજે અઠવાડિયે પંખીને પુષ્કળ ઝાડા થઈ ગયા અને ચોથે અઠવાડિયે તાવ ઊતરવાની જ્યાં આશા સેવીને ચારે જણ બેઠાં હતાં, ત્યાં પંખીના પડખામાં શૂળ ઊપડ્યું. દાક્તરે ન્યુમોનિયા વર્ત્યો. ત્રણ દિવસ ભારે કટોકટીના હતા. વચલે દિવસે પંખી બેભાન બની ગઈ. પગ ટાઢા પડી ગયા. કંચન અને જયા એકબીજાને વળગીને રોતાં હતાં. નરેશ બે ભાઈઓમાં વધુ પોચો હતો. તેનાથી ન રહેવાયું. દિનેશને ખભે માથું નાખી તે ખૂબ રડવા લાગ્યો. પોતાના આંસુની પરવા કર્યા વગર દિનેશ નરેશને શાંત પાડવા પ્રયત્નો કરતો હતો.

મધરાતે પંખીની નાડી છેક જ મંદ પડી જતી લાગી. તેના ખાટલાની આસપાસ અદ્ધર શ્વાસે ચારે માતા-પિતા બેઠાં હતાં. નરેશનો હાથ જોરથી ઝાલીને દિનેશ બેઠો હતો. ચારે જણ પોતપોતાની રીતે ભગવાનને સંભારી રહ્યાં હતાં.

પાછલી રાત્રે પંખીનો શ્વાસોચ્છવાસ કાંઈક નિયમિત બનતો જતો જણાયો. પરંતુ જયા હળવે સાદે બોલી: ‘ઓલવાતો દીવો લગીરવાર ઝબૂકી જાય એવું તો ન હોય?’ નરેશ બોલ્યો, ત્યારે આંસુથી તેનો સાદ ઘેરો બની ગયો હતો: ‘મારી પંખીને આપણા માળામાંથી ઉપાડી જવાની ખુદ ભગવાનની હિંમત નહિ ચાલે.’ દિનેશ બોલ્યો, ‘પરમાત્મા આપણી ચારની લાજ રાખશે.’ કંચન જાણે સ્વગત બોલતી હતી: ‘બા, બા, તમે કેવાં છો? અમારાં રાંકનું આટલું રતન જળવાઈ રહે, એટલી અમારી અરજી ઈશ્વરના દરબારમાં તમે પહોંચાડજો.’

તે પછી પાંચેક મિનિટે પંખીએ આંખો ખોલી; નરેશ તરફ નજર ઠેરવી, હોઠ ફફડાવી તે બોલી: ‘કાકા !’ ‘ઓ બેટા, દીકરી મારી ! શું છે?’ નરેશ વાંકો વળીને હલકે અવાજે પૂછવા માંડ્યો. દિનેશે પંખીના હોઠ ઉપર બે ટીપાં પાણી મૂક્યું. તે તેણે ગળે ઉતારી દીધું. કંચન હજી પંખીની પાંગતે બેસી ભગવાનની નહિ પણ સ્વર્ગે સંચરેલાં સાસુની જ પ્રાર્થના કર્યા કરતી હતી: ‘ભગવાન મારું સાંભળે કે ન સાંભળે, પણ મારે મન તો તમે જ હાજરાહજૂર છો.’ જયાએ પતિની પાસે જઈ તેના કાનમાં કહ્યું: ‘પંખીને જરા કરાર વળતો જણાય છે.’

આખી રાતની પૂરેપૂરી ઊંઘ પછીનું પ્રભાત અમુક પ્રકારનું ભાસે છે અને રાતભરના ચિંતાજનક ઉજાગરા પછીનું પરોઢ વળી તદ્દન અવનવું લાગે છે ! પરોઢનો ધીમો, આછો પવન વાતો હતો. પ્રભાતની તાજગીભરી હવાથી પંખીનો ઓરડો ભરાઈ ગયો હતો. નવજીવનનો સંદેશો લઈને જાણે આકાશમાંથી શુક્રતારિકા પોતાનાં તેજકિરણો પંખીની પથારી ઉપર પાથરી રહી હતી.

સવાર પડી ત્યારે મૃત્યુ સાથેના દ્વંદ્વયુદ્ધમાં વિજય મેળવી પંખી ઘણે દિવસે જંપીને ઊંઘી ગઈ હતી. સવારે આઠ વાગે દાક્તર આવ્યા, ત્યારે જયા નીચે બાવાળા રસોડામાં ચાનું પાણી ગરમ કરતી હતી. કંચન બાના દેવઘરમાં બેઠેલી હતી. દરદીના ખંડમાં પંખી ઊંઘતી હતી. પાસેના ખાટલા ઉપર નરેશ જાગતો બેઠો હતો. તેના ખોળામાં માથું મૂકી દિનેશ ઊંઘી ગયો હતો. દાક્તરે ‘સબ સલામત’ની જાહેરાત કરી.

હજી બાનું રસોડું જ ચાલતું હતું. એક દિવસ નરેશ કહે: ‘હવે આ જ ક્રમ ચાલવા દઈએ.’ દિનેશ કહે: ‘બરાબર છે. ઘણાં કુટુંબો લડીને છૂટાં પડે છે. આપણે છૂટાં પડેલાં પાછાં અનોખાં બનીને રહીએ.’ પણ પંખીએ એ સૂચના સામે વાંધો નોંધાવ્યો.

બે ઘર, બે રસોડાં, બે માતાઓ અને પિતાઓની સમૃદ્ધિનો ઠાઠ કમી કરવાની તેની મુદ્દલ ઈચ્છા હતી નહિ. અને કંચન અને જયાએ પણ તેમાં સૂર પુરાવતાં કહ્યું: ‘હવે જે રીતે ભેગાં થયાં છીએ તે ક્યાંથી જુદાં પડી શકવાનાં છીએ? પણ અમને બન્નેને પોતપોતાના શોખ અને કોડ પ્રમાણે અલગ અલગ રસોડાં જ ચલાવવાની હોંશ છે. જે પ્રેમને તાંતણે બંધાયાં તે કાંઈ તૂટે એવો નથી.’ અને નિશાળની પ્રાર્થનામાં શીખવાયેલું ભજન પંખીએ ગાવા માંડ્યું: ‘સબસે ઊંચી પ્રેમસગાઈ.’

-વિનોદિની નીલકંઠ

બે માળાનું પંખી

વિનોદિની નીલકંઠની આ વાર્તા મને બાળપણથી બહુ પ્રિય રહી છે. પંખી જેવું જ્યારે કોઈ મળી જાય ત્યારે અમે તેને “બે માળાનું પંખી” કહીએ છીએ. સાહિત્ય લહરી ભાગ ત્રીજો-આ પુસ્તકમાંથી આ વાર્તા અહીં મૂકી રહી છું. વાર્તા થોડી લાંબી હોવાથી બે ભાગમાં પોસ્ટ કરીશ. આશા રાખું છું કે આપ સૌને પણ પંખી ગમશે.

બે માળાનું પંખી

 

બા જીવ્યાં ત્યાં સુધી, પોતાના બે પુત્રો વચ્ચે સાધારણ વાતચીતનો પણ સંબંધ ઊભો રહે એટલું કરવા તે બહુ મથ્યાં હતાં. ત્રણ માળનું સરસ મકાન હતું. તેમાં ત્રીજે માળે મોટો દીકરો દિનેશ રહેતો હતો. વચલે માળે નાનો નરેશ રહેતો હતો. ભોંયતળિયે બા પંડે રહેતા હતા. ત્રણે રસોડાં જુદાં. બાને તો કોઈ સાથે લડાઈ નહોતી, પણ બા નરેશને ઘેર જમે તો દિનેશ ચડભડી ઊઠતો અને જો દિનેશને ઘેર જમે તો નરેશ રિસાઈ જતો, તેથી સમજુ થઈ બાએ ત્રીજું રસોડું માંડ્યું હતું.

નરેશ-દિનેશના પિતા કલ્યાણભાઈ ગુજરી ગયા, ત્યારે વીલ લખીને મિલકતની વહેંચણી કરી ગયા હતાં. છતાં તેમાંથી જ બન્ને ભાઈઓ વચ્ચે અણબનાવ થયો હતો. બન્નેને લાગેલું કે પોતાને અન્યાય થયો છે. પિતાનું વીલ દીવા જેવું ચોખ્ખું હોવાથી કોર્ટમાં જવાથી કાંઈ વળે એમ નહોતું, તેથી બન્ને મનમાં જ સમસમીને બેસી રહ્યા. બેચાર વખત તે બાબત ખૂબ બોલાચાલી થઈ ગઈ. મારામારી ઉપર મામલો જશે એવું બાને લાગતાં તે વચમાં ઊભાં રહ્યાં. ખૂબ રડ્યાં. બસ ! તે દિવસથી સગા માજણ્યા ભાઈઓ એકબીજા સાથે બોલતા ન હતા. તે વાતને ત્રણ વર્ષ વીતી ગયાં હતાં.

આ અબોલા બાને બહુ સાલતા અને કદીક બહુ અકળાતાં ત્યારે બોલતાં: ‘તમારા બાપુજીએ પેટે પાટા બાંધીને તમારે સારુ મિલકત એકઠી કરી, પણ તમે તેમનું કર્યું-કારવ્યું ધૂળભેગું કરવા બેઠા છો’.

પછી દિનેશને બાએ પરણાવ્યો. તે લગ્ન વખતે બાએ ખોળા પાથર્યા, તોયે નરેશ લગ્નમાં ન આવ્યો, તે ન જ આવ્યો. દિનેશની વહુનું નામ જયા. તે સ્વભાવે બહુ સાલસ અને ભલી હતી. લગ્ન પછી દોઢેક વર્ષે જયાએ એક પુત્રીને જન્મ આપ્યો. આ છોકરીને પગ આવ્યા ન આવ્યા અને તે દાદરો સપસપ ચડ-ઊતર કરવા મંડી પડી. નીચલે માળે બા અને ત્રીજે માળે જયા એટલે છોકરી તો ઊપર-નીચે ફર્યા જ કરે. છોકરીનું નામ હજી પાડ્યું ન હતું. પણ સૌ તેને પંખી કહી બોલાવતાં. તે હતી પણ પંખી જેવી જ. અને પાછી સ્વભાવે પણ બહુ ટીખળી ને તોફાની હતી. રૂપરંગે પણ સરસ હતી; શરીરે પણ ભરી સીંગ જેવી હોવાથી, જોનારને તે ગમી જતી.

પંખીને દિનેશે કહી મૂકેલું કે વચલે માળે ‘કાકા’ નામનો એક રાક્ષસ રહે છે. ત્યાં કદી જવું નહિ; તે તરફ જોવું પણ નહિ. નાનકડી પંખી ‘કાકા’ કે ‘રાક્ષસ’ એકે શબ્દનો અર્થ ક્યાંથી સમજે? છતાં પણ વચલા માળ સાથે સંબંધ રાખવાનો નથી એટલું તો એ નાનીશી બાલિકા પણ સમજી ગઈ હતી. એમ કરતાં પંખી જરા મોટી થઈ. તે હવે એક ભાઈની બહેન પણ બની ચૂકી હતી. પોતાની મીઠી કાલી બોલીથી તે વાચાળ છોકરી સૌનાં દિલ જીતી લેતી.

એક દિવસ તે દાદર ઉપર ચડતી હતી. ત્યાં તેના મગજમાં તોફાની કીડો સળવળી ઊઠ્યો. દાદરના કઠેરામાં સળિયા નાખેલા હતા. બે સળિયા વચ્ચે પંખીએ પોતાનું માથું ખોસી દીધું. ખોસાતાં ખોસ્યું તો ખરું, પણ પછી તે કેમે કરતાં પાછું જ ન નીકળે. આ વખતે પંખી બરાબર વચલા માળ આગળ હતી. તે ઝટ રડી પડે એવી નહોતી.

તેણે મદદ માટે કોઈને હાંક પણ ન પાડી. બે બચુકડા હાથ વડે કઠેરાના સળિયા પકડી તેમાંથી પોતાનું ઝૂલ્ફાદાર માથું કાઢી લેવા તે મથી રહી હતી. તે વખતે બપોરે એક વાગ્યો હતો. પંખીની માતા જયા, ખાઈ-પરવારીને દીકરા રમેશના ઘોડિયાની દોરી હાથમાં ઝાલી રાખી જરા આડે પડખે થઈ હતી. દિનેશ તો નોકરીએ ગયેલો હતો. નીચે બા પણ બપોરની નિંદરમાં પડ્યાં હતાં. તે જ ઘડીએ નરેશ ઘેર આવ્યો. તેને જરાક તાવ ભરાયા જેવું લાગવાથી તે પેઢી ઉપરથી રજા લઈ ઘેર આવ્યો હતો. દાદર ઉપર તેણે બે સળિયા વચ્ચે ભરાઈ પડેલી પંખીને જોઈ. છોકરીની કઢંગી હાલત દેખી, તેને હસવું આવ્યું. પળવાર ઠમકીને તે ગમ્મત જોવા ઊભો રહ્યો. માથું ખેંચવાના પ્રયત્નથી પંખીનું ગોરું મોઢું લાલચોળ થઈ ગયું હતું. રડુંરડું થતી આંખોમાંથી સરી પડવાની તૈયારી કરતાં આંસુને ખાળવા તેણે હોઠ દબાવી રાખ્યા હતા. નરેશને જોઈ તે ખુશ થઈને બોલી; “કાકા, મારું માથું કાઢોને !” નરેશે ‘કાકા’ શબ્દનું મીઠું ઉચ્ચારણ પોતાને માટે વપરાતું પહેલી વાર જ સાંભળ્યું. દુશ્મન જેવા ભાઈની આ ટચુકડી ભત્રીજી ઉપર તેને ખૂબ જ વહાલ ઊપજ્યું. સળિયાની વચ્ચેથી પંખીનું માથું તેણે સિફતથી કાઢી દીધું. તે દિવસે તો તે પરિચય ત્યાંજ થંભ્યો. પરંતુ તે પછી દાદર ચઢતાં ઊતરતાં કાકો ભત્રીજી વારંવાર સામસામાં થઈ જતાં. “કાકા, તમારે ઘેર આવું?” પંખી ઉપરનીચે નજર કરી દિનેશની ગેરહાજરીની ખાતરી કરી લીધા પછી પૂછતી અને નરેશ પંખીને પોતાના ઘરમાં લઈ જતો. એક દિવસ પંખી પૂછવા લાગી: ‘કાકા, રાક્ષસ કેવો હોય?’ નરેશને આવડ્યું તેવું વર્ણન તેણે કર્યું. તે ધ્યાનથી સાંભળ્યા પછી પંખી બોલી: “તમે ક્યાં એવા છો? તમે તો માણસ જ છો ને કાકા?” આ સાંભળીને નરેશને ખૂબ જ હસવું આવ્યું. પછી ગંભીર બની જઈ તે બોલ્યો: ‘તારા બાપુએ આવું શીખવ્યું છે ને?’

વાળના ગૂંચળાં માથેથી ઉછાળી ડોકું હુંકારમાં ધુણાવી પંખી બોલી: ‘હું-અં…પણ જયાબહેન કહે છે કે એવું ન બોલાય. નરેશકાકા તો તારા બાપુજીના ભાઈ થાય. હેં કાકા રમેશ મારો ભાઈ છે, તેવા તમે મારા બાપુજીના ભાઈ છો?’ નરેશ અને પંખીની દોસ્તી દિનપ્રતિદિન ગાઢ બનતી ગઈ અને તે વાત દિનેશથી પણ ક્યાં સુધી છાની રહે?

તે પછી એક વખત બા બહુ માંદા થઈ ગયાં. તેમણે નરેશને કહ્યું: ‘બેટા, નરેશ, હવે તું વહુ લઈ આવે તો હું નિરાંતે મરું.’ નરેશે બાને રાજી કરવા અને પોતાની ઈચ્છાથી, ભણેલીગણેલી અને ઠાવકી, એવી કંચન નામની યુવતી સાથે લગ્ન કર્યા. તે લગ્નમાં દિનેશ ન ગયો. પણ જયાએ તો પોતાના પતિને કહ્યું: મારે તો નથી બીજા દિયેર; જેઠ તો છે જ નહિ, નણંદે એક્કે નથી. પછી મારે માટે તો સંસારનું આ પહેલું કે છેલ્લું જ પગરણ છે ને? અને પંખી તો કાકાના લગ્નને નામે કૂદી રહી છે.

લગ્ન કરીને વરકન્યા ઘેર આવ્યાં, ત્યારે બાએ કહ્યું: ‘બન્ને જણ મોટાભાઈને પગે લાગી આવજો’. નરેશ હસીને બોલ્યો: ‘દિનેશના આશીર્વાદ વગર અમે સુખી નહિ થઈએ, ખરું બા?’ બા કશું ન બોલ્યાં. પણ રાત્રે દશ વાગે જયા આવીને કંચનને કહેવા લાગી: આ ભાઈભાઈની લડાઈમાં આપણે તો પડવું જ નહિ. તમે તો જેઠને પગે લાગશો ને? એટલે કંચન તો ઉપર જઈ દિનેશને પગે લાગી આવી. જયા અને કંચનને તો બહેનપણાં જામી જતાં વાર ન લાગી. બા કહેતાં: ‘જુઓ તો ખરાં! આ પારકી જણીઓના જીવ હળી ગયા, પણ આ સગા સહોદર ભાઈઓ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા અલગ રહે છે!’

નરેશનો સંસાર સારી રીતે ચાલતો નિહાળ્યા પછી બાએ દેહ છોડી દીધો. એક રાત્રે અચાનક તેમનું હ્રદય બંધ પડી ગયું. બાકી બાના મનમાં હતું કે મરવાની છેલ્લી ઘડીએ બે ભાઈઓને ભેગા કરી, એકબીજાના હાથ પકડાવીશ. બાની મનની મનમાં જ રહી ગઈ.

પંખી તો હવે ખરું જોતાં દિનેશ અને જયાની મટી નરેશ અને કંચનની જ દીકરી બની ગઈ હતી. તે ખાતી કંચનને રસોડે. સૂતી નરેશની પાસે. નરેશ તેને બહુ લાડ લડાવતો, ત્યારે જયા કહેતી: ‘નરેશભાઈ, દીકરીની જાતને ઝાઝાં લાડ ન કરો, નહિ તો સાસરિયામાં તે દુ:ખી થશે (જયાને દિયેર સાથે બોલવાની છૂટ હતી).’ ત્યારે નરેશ જવાબ દેતો: ‘ભાભી, મારે એને પરણાવવી જ ક્યાં છે? એને તો દાક્તર બનાવવાની છે દાક્તર ! ડૉ. મિસ પંખી !’ લગ્નને બે વર્ષ થઈ ગયાં, પણ કંચનને ઘેર હજી ઘોડિયું બંધાયું નહોતું; પરંતુ જેઠાણીની આ છોકરી ઉપર પ્રેમ વરસાવી તે આશાભરી સુખભર દિવસો વિતાવતી હતી.

પંખીને એક ભાઈ હતો જ. તે છોકરો-રમેશ બહુ નાનકડો હતો અને જયાને બીજી છોકરી આવી. ઉપરાઉપરી થયેલાં આ બે છોકરાં સાથે ત્રીજે માળે રહેવાનું જયાને વસમું પડવા લાગ્યું. ‘છોકરાં દાદર ઉપરથી ગબડી પડ્યાં,’ એવાં સ્વપ્નાં તેને રોજ રાત્રે ઊંઘમાંથી ઝબકાવી દેતાં. જયાના દિલની વરાળ કાઢવાનું સ્થાન તેની દેરાણી કંચન, એટલે કંચન આગળ પોતાના મનની બીક જણાવી. સાવ સ્વાભાવિકતાથી કંચને કહ્યું: નીચે બાવાળું ઘર ખાલી પડ્યુંપડ્યું ખાવા ધાય છે, ત્યાં આખો દહાડો રહેતાં હો, ને રાત્રે ત્રીજે માળે સૂવા જતાં હો તો કેવું?

જયા હસી પડી ને બોલી: ‘ભોળાં દેરાણી ! અમે ત્રીજો માળ અને ભોંયતળિયું બન્ને વાપરીએ, તે મારા દિયર એક ઘડી પણ સાંખી લે ખરા કે?’

એવામાં એક દિવસ દિનેશ દાદર ઊતરતો હતો; હાથમાં પુત્ર રમેશને તેડેલો હતો. સાથે સાથે પિતાની બીજા હાથની આંગળી ઝાલી પંખી પણ ઊતરતી હતી. પંખીનો પગ જરા લપસી પડ્યો. હાથમાં રમેશને તેડેલો હોવાથી દિનેશથી પંખીને બચાવાઈ નહિ. દડબડ ગબડતી તે બીજા માળ સુધી આવી પહોંચી. “કાકા ! ઓ કાકા !” ની બૂમથી તેણે ઘર આખું ગજવી મૂકયું. નરેશ નાહવા બેઠેલો હતો તે ટુવાલ વીંટાળી ભીને શરીરે નાહવાની ઓરડીમાંથી ધસી આવ્યો. પંખીને ઊપાડી લીધી: ‘બેટા, દીકરી, બહુ વાગી ગયું, ખરું?’ પંખીને વાંસે હાથ ફેરવતાં તે બોલતો હતો અને પછી દિનેશ તરફ જોયા વગર જ બોલ્યો: ‘કોઈ લોકો કેવાં થાંથાં હોય છે! છોકરી ગબડી પડે તો ઝાલી ન લેવાય? છોકરો બહુ મોંઘો હોય તો ભલે, છોકરી કંઈ વધારાની તો નથી ને?’ પંખીને ઝાઝું વાગ્યું નહોતું છતાં કંચને પિપરમીટની ગોળીઓ આપી, નરેશે બનાવટનું વાઘનું મોઢું પહેરી, તેને ખૂબ હસાવી અને ઘડીક વારમાં તો પંખીના કલરવથી આખું ઘર ગાજી ઊઠ્યું. થોડી વાર રહીને જયા આવી એટલે નરેશે કહ્યું: ‘ભાભી, તમે છોકરાંનો કાફલો લઈ, દિવસે તો નીચે જ વસવાટ રાખો. આમ રોજ ઊઠીને મારી પંખી ટિચાયા કરે તે ન ચાલે.’ જયાને બહુ હસવું આવ્યું અને તે બોલી: ‘ખરી વાત; તમારાં દીકરીબા કદાચ ગોબાઈ જાય તો?’ નરેશ જરાક તપીને બોલ્યો: ‘ના ભાભી, આ હસવાની વાત નથી. કોઈ વાર ખૂબ વાગી જાય, તો જનમભરની ખોડ રહી જાય. પેલી નંદુબહેનની કમળા એમ પડી ગઈ અને વાંસામાં ખૂંધ નીકળી છે ! ત્રીજે માળે તો ફક્ત રાત્રે જ ચઢવાનું રાખો.’ દેરાણી જેઠાણી એકબીજા સામું જોઈ સહેજ મોઢું મલકાવી ગયાં તે નરેશે ન જોયું.

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

કુન્દનિકાબેનના હસ્તાક્ષરો

“સાત પગલાં આકાશમાં” મારી પ્રિય નવલકથા છે તથા કુન્દનિકાબેન પણ મારા પ્રિય લેખિકા. જ્યારે હું ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી ત્યારે એક એસાઈન્મેંટના ભાગ રૂપે મારે કોઈ પણ પુસ્તક વાંચીને તેના પર લખવાનું હતું. ત્યારે મેં આ નવલકથા પર લખવાનું પસંદ કર્યું હતું. આ લખાણ હમણાં મને મારા ખજાનામાંથી મળ્યું જે આજે પોસ્ટ કરું છું.

કુન્દનિકાબેનની આ નવલકથા જ્યારે લખાઈ ત્યારથી આજ સુધીમાં ખૂબ વંચાઈ. ઘણી ભાષાઓમાં તેના અનુવાદ પણ થયા.  સ્ત્રી સ્વાતંત્ર્યના આ વિચારો તે સમયે પણ ક્રાંતિકારી હતા અને આજે પણ હજુ એ એટલા જ ક્રાંતિકારી  છે. આ નવલકથા સમય પહેલા લખાઈ છે. આવી કોઈ ક્રાંતિ માટે આપણો સમાજ હજુ તૈયાર નથી. કોઈ વસુધા સાચે જ કોઈ આદિત્ય સાથે ચાલી નીકળવાની હિંમત બતાવે તો તેને સમાજ સ્વીકારશે કે તેના તરફ આંગળી ચીંધશે??

આ પોસ્ટ તૈયાર કરતી હતી તે દરમ્યાન જ એક મિત્ર સાથે આ નવલકથા સંદર્ભે વાત થઈ તો એણે કહ્યું કે: “કોઈ મને પૂછે કે તારું ઘર ક્યાં?-તો હું તે વ્યક્તિને મારું ચોક્ક્સ સરનામું આપું છું. પણ મારી કોઈ મિત્ર દુ:ખી હોય અને તે મારા આશરે આવે તો હું એને પાંચ દિવસ માટે પણ આ ઘરમાં રાખી શકતી નથી. ક્યારેક મને રડવાનું મન થાય તો તારા જેવા મિત્રને મારા ઘરે બોલાવીને એના ખભે માથું મૂકી હું રડી શકતી નથી.  કારણ કે લગ્નના પંદર વર્ષ પછી પણ મારે બધી જ વાતના જવાબો, કારણો અને હિસાબો આપવા પડે છે. હું મારી મરજીનું કંઈ જ કરી શકતી નથી તો આ ઘર મારું કહેવાય?”–મારી આ મિત્રનો પ્રશ્ન વિચાર માંગી લે એવો છે.

એક બીજી સ્ત્રી પણ મને યાદ આવે છે. જેને મેં ૨૦-૨૨ વર્ષ પહેલા આ નવલકથા વાંચવા આપી હતી. તે લગભગ વસુધાના જેવી જ વ્યથાથી પીડાતી હતી. તેને પણ વ્યોમેશ જેવો જ પતિ હતો. નવલકથા વાંચ્યા બાદ પરત આપતી વખતે તેણે મને કંઈ કહ્યું તો ન્હોતું પણ ત્યારે એની આંખોમાં કંઈક અલગ ચમક હતી. એક આશા હતી કે કદાચ મારી જિંદગીમાં પણ આવો દિવસ ક્યારેક આવશે. આદિત્ય જેવું જ કોઈ મળે એવું નહીં પણ કોઈ મિત્ર કે કોઈ સગાસંબંધીની ઓથ મળે તો આ પરિસ્થિતિમાંથી છૂટવાની તેને અપેક્ષા હતી. પણ થોડા વર્ષો પહેલાં માત્ર ૪૬ વર્ષની ઉંમરમાં હ્રદયના પહેલા જ હુમલામાં તે સ્ત્રીનું મૃત્યુ થયું. સ્વતંત્રતા તો તેને મળી પણ જિંદગીના ભોગે.

સાત પગલાં આકાશમાં

 

“આનંદગ્રામ”માં વૃક્ષોથી ઘેરાયેલી સુંદર જગ્યાનું નામ હતું ફૂલઘર. સૂરજ છેક દરિયા પર ઉતરી આવ્યો હતો તે સમયે વસુધાનો અંધારાની આરપાર તેજ લિસોટો દોરતો હોય એવો પ્રશ્ન ફૂલઘરમાં ઉપસ્યો: “માણસ જે રીતે પોતે જીવવા માંગે છે તે રીતે જીવી શકે ખરો?” આ પ્રશ્ન પૂછીને વિચારશીલ મગજમાં ઝંઝાવાત પેદા કરનાર વસુધા એ વ્યોમેશની પત્ની તરીકે ઓળખાતી સ્ત્રી હવે ન્હોતી. એ તો હતી માત્ર વસુધા-સ્વાતંત્ર્ય મેળવવા મથતી એક સ્ત્રી…

આનંદગ્રામમાં રહેતી વસુધાના મનમાં જોરદાર ઝપાટો આવ્યો…મનમાં રહેલી બંધ બારીનાં દરવાજા ખૂલી ગયાં…ને..

ને પછી વહી ગઈ એક કથા…પ્રસંગો…ઘટના અને કેટલીક ક્ષણો…

ફૈબાના મૃત્યુના સમાચાર જાણીને પણ પાર્ટીમાં આનંદથી વર્તતા પતિ વ્યોમેશ સાથે પ્રથમ વખત દલીલ કરતી વસુધાના મુખમાંથી સરી પડ્યું કે: “માણસ પોતાને ખરેખર જે લાગતું હોય તે પ્રમાણે જીવે એમાં સચ્ચાઈ છે”. પણ શું એ પોતે જ એ રીતે જીવતી હતી ખરી?

સાધારણ સ્થિતિનાં માતાપિતાની પાંચ દીકરીઓમાંની ત્રીજી દીકરી વસુધા સૌના દબાણથી એની ઈચ્છાને નેવે મૂકીને વ્યોમેશ સાથે પરણી ગઈ. વસુધાને તો આકાશમાં વિરહતા મુક્ત પંખીની જેમ મુક્ત ઉડવું હતું. પણ ત્યાં તો અનિચ્છાએ બંધાઈ ગઈ. પેલા આકાશમાંના પંખીને જોઈને એના અજાગ્રત મનની તરુણ ભૂમિમાં એક બીજ વવાયું.. “કોઈક દિવસ હું પણ ઉડતા પંખીના જેવું જીવન જીવીશ. આજે ભલે હું લગ્ન કરું સંસાર વસાવું પણ દૂર-સુદૂરના કોઈક દિવસે હું મારી ઈચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ. કોઈ દબાણ હેઠળ હું નહીં જીવું”.

પરણ્યા બાદ વસુધાએ ઘરકામ અને ઘરકામની કંદરાઓમાં, ઊંડી અંધારી કોતરોમાં ચાલ્યા કર્યું. પોતાની પાછળ સતત ચોકી રાખતા, સતત ફરમાનો છોડ્યા કરતા, રૂઢિથી બધિર બની ગયેલા ફૈબાને સહ્યા કર્યા. પણ મન તો મુક્તિ માટે જ…સ્ત્રીની સ્વતંત્રતા માટે જ મંથન કરતું. એના મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા….

“પુરુષ કદી પત્ની કે મા કે માસી કે ફોઈ માટે ખાવા-ન ખાવાનાં વ્રત લેતો હશે?”

“પ્રેમ કે સંબંધ કે ફરજ પુત્ર અને તેનાં માતાપિતા વચ્ચે જ હોય છે? અને પુત્રીનાં માબાપ વચ્ચે નહીં?”

“પુરુષ અમુકનો વિધુર એ રીતે કદી ઓળખાયો છે?”

“માતા પોતાના બાળકને પોતાનું નામ, પોતાનો ધર્મ, પોતાની જ્ઞાતિ આપી શકે છે?”

“પુત્રીજન્મના વધામણાં થાય છે ખરાં?”

“દહેજ એ વ્યાપારી વિચારણા નથી?”

“સ્ત્રી શા માટે લગ્ન કરે છે? લગ્ન કરીને સ્ત્રીને શું મળે છે?”

“જીવન શું છે? આપણે બધાં શાને માટે જીવીએ છીએ, બીજાઓ સાથે શાને માટે જવાબદારીથી સબંધાઈએ છીએ?”

“મનુષ્ય મનુષ્ય વચ્ચે, સ્ત્રી અને પુરુષ વચ્ચે એવો સંબંધ શક્ય છે ખરો, જેનો આધાર પૃથ્વી હોય અને જેનો વિસ્તાર આકાશ હોય?”

“દક્ષતાપૂર્વક કામ કરવું, લોકપ્રિય થવું, વધું કમાવું એ શું ગુનો છે? પતિ માટે એ જો ગુનો ન હોય તો પત્ની માટે એ ગુનો કેમ કરીને હોય શકે?”

…પણ આ તમામ પ્રશ્નો…ઈચ્છાઓ…સમસ્યાઓને હલ કોણ કરે? એકલી વસુધા??

વસુધા લગ્ન પછી ઘણાં વર્ષો સુધી પતિનો અનાદર, ઉપેક્ષા સહન કરતી રહે છે. પરંતુ વ્યોમેશને કહી શકતી નથી કે “તમારો આ વ્યવહાર હું સહી લઉં છું ભલે ,પણ હું એ સ્વીકારી શકતી નથી”.

ન ઉચ્ચારાયેલ શબ્દો વસુધાની અંદર ને અંદર ગૂંગળાય છે. એના મનને ભીંસ લાગે છે. રોજના એકધારા કામની નીરસ ભૂમિમાં આનંદનું એક્કે તરણું ઊગતું નથી. પણ વસુધા અન્યાયને…વેદનાને સહન કરવા માટે સર્જાયેલી સ્ત્રી ન્હોતી. એ તો હતી સ્ત્રીમુક્તિની ચેતનવંતી મશાલ….!

અચાનક વસુધાના જીવનમાં વળાંક આવે છે. વસુધા અન્યાયો પ્રત્યે જાગ્રત બને છે, વિચાર કરે છે, આ પ્રકારની બીજી સ્ત્રીઓ સાથે સમવેદના અનુભવે છે, મથામણ કરે છે અને તેની અંદર સંઘર્ષ જાગે છે. અને પછી તેની જ્વાળાનો પ્રકાશ સંબંધોને તેના વાસ્તવિક સ્વરૂપમાં છતાં કરે છે. તેણે અને વ્યોમેશે વસાવેલો સંસાર…જેમાં હર્ષ, અશેષ, દીપંકર, સુનીલા, કમલ, સલીના હતાં. એ સર્વ માહોલને છોડીને મુક્તિના રાહ પર પગલાં માંડે છે.

મુક્તિના રાહ પર માંડેલા પગલાં વસુધાને “આનંદગ્રામ”માં ખેંચી લાવે છે. ત્યાં વસે છે ઈશા-સ્વરૂપ, આભા-ગગનેન્દ્ર, અગ્નિવેશ, એના-વિનોદ, અલોપા, મિત્રા, જયાબેન અને “અ”….બધાં મુક્તિના પંથે ડગ માંડતા વિચારશીલ, લાગણીશીલ, ઉચ્ચ આત્માઓ.

અને એક અપૂર્વ દિને એ જ “આનંદગ્રામ”માં અચાનક વસુધાનો ભેટો એના નાનપણના મિત્ર આદિત્ય સાથે થાય છે. આદિત્ય એક ભવ્ય પુરુષ…, એના હ્રદયના ધબકારે આછો આછો સચવાયેલો પુરુષ! આદિત્ય સામાજીકકાર્ય, સેવા અને હાસ્યનો માણસ હતો. વાતોનો રસિયો, સાહસનો પ્રેમી. હિમાલયમાં એ બહુ સાદું કામ કરતો. જ્યાં એક આંસુ ટપક્યું હોય ત્યાં બે હાસ્ય વાવતો.

આદિત્યના આવ્યા બાદ ઘણી ઘટનાઓ બને છે. અને સમય પસાર થતાં આદિત્યને હિમાલય પાછા ફરવાનો દિન આવી પહોંચે છે. પાછા ફરવાના આગલા દિવસે આદિત્ય વસુધાને કહે છે:

”વસુધા, તું…તું આવીશ મારી સાથે પહાડોમાં? આપણે સાથે મળીને ત્યાં આવું આનંદધામ ઊભું કરવાની કોશિશ કરી શકીએ. તું એ કરી શકીશ…”

અને વસુધા આદિત્યને ઉત્તર આપે છે: “ભલે, હું આવીશ…”

અને સાચે જ, વ્યોમેશ નામના બંધનને તોડીને સ્ત્રી મુક્તિની અદભુત મશાલ લઈને વસુધા નામનું પંખી આદિત્ય નામના જબરજસ્ત સાથના સહારે આકાશમાં ખૂબ ઊંચે ઊડ્યું. કે જે પંખીને ચાર દીવાલની ચેતનામાં ફરી સમાવવા કે મુક્ત રીતે ઊડતા અટકાવા માટે કોઈ સમર્થ ન્હોતું.

સાત પગલાં આકાશમાં-કુન્દનિકા કાપડીઆ  

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર

પૃષ્ઠ: ૪૬૧

કિંમત: રૂ. ૨૫૦.૦૦

હિના પારેખ “મનમૌજી”

Copyright©HeenaParekh

દિવ્યભાસ્કર અને ટાઈપભૂલો

આ વિષય પર થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે. એનો એક વધુ નમૂનો જુઓ.

Divya Bhaskar - Valsad Vapi Edition (19/03/2010)

કંટોલ કે કંટ્રોલ?

અહીં ટાઈપ ભૂલ નથી. પણ બોલચાલની ભાષાને લખવાની ભાષા બનાવી દીધી છે. આવું વાંચીને હસવું કે રડવું તે સમજાતું નથી.

આ વિશે વધુ વાંચવા અહીં ક્લીક કરો.

શ્રદ્ધાંજલિ

Preeti, Nita, Sudha (Baku), Bhavini, Parul, Dipti, Heena

उसके आ जाने की उम्मींदे लिए

रास्ता मूड मूड के हम तकते रहें

  

 

કોની રાહ જોઈએ છીએ? કોનો ઈન્તઝાર કરીએ છીએ? જાનેવાલે કભી લૌટકર નહીં આતે. 

 

સાત સખીઓના આ ફોટોગ્રાફમાંથી એક વ્યક્તિ તા. ૧૬/૦૩/૨૦૧૦ના રોજ ઓછી થઈ ગઈ. બકુ ઉર્ફે સુધા બંકિમચંદ્ર પારેખ (રતલામ) એ આ દુનિયામાંથી વિદાય લીધી. 

 

એની સાથેના તમામ સંસ્મરણો માનસપટ પર તરવરી રહ્યા છે. બાળપણ અમે સૌએ સાથે વીતાવ્યું. પહેલેથી જ એનું વ્યક્તિત્વ સીધું, સાદું અને સરળ રહ્યું. અમારા સૌમાં એ સૌથી મોટી હતી પરંતુ કોઈ દિવસ એણે એની મોટપનો અધિકાર કોઈ પર બતાવ્યો હોય એવું યાદ નથી. અમે સૌ એના કરતાં નાના તો પણ એને તું કહીને જ સંબોધી શકતા હતા. એનું વ્યક્તિત્વ શાંત, સરળ, નિષ્પાપ, નિરાભિમાની, નિરુપદ્રવી અને કંઈક અંશે આંતરમુખી હતું. તેના સ્વભાવમાં કશીક મીઠાશ હતી, સામી વ્યક્તિને પોતીકી બનાવી લે એવી એક આગવી સુગંધ હતી, જે હવે માત્ર સ્મૃતિ બની ગઈ છે.

 

 

 

પરણીને રતલામ ગઈ. પછી જ્યારે આવવાનું થતું ત્યારે પહેલાના જેટલા જ ઉમળકાથી મળતી. આટલી માંદગીમાં પણ કોઈ ફરિયાદ એના ચહેરા પર જોવા ન મળતી. જ્યારે પણ પૂછીએ ત્યારે જવાબ મળતો-સારું છે. તારી હિંમતને જોઈને લાગતું હતું કે તું મૃત્યુને જીતી જઈશ. પણ બકુ તું આટલી વહેલી ચાલી જઈશ એવું કોઈએ ધાર્યું ન્હોતું.

 

સ્વજન-પ્રિયજનના મૃત્યુનો ઘા ઘણો વસમો હોય છે, જે માત્ર કાળ જ રૂઝવી શકે છે. સ્વજનની ખાલી જગ્યા આશ્વાસનના બોલથી ભરી શકાતી નથી.

 

બકુ તારા આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય અને તારા પરિવારજનોને તથા અમને સૌને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે એજ પ્રાર્થના હું કરું છું. તું સ્વર્ગસ્થ નથી થઈ અમારા સૌના હ્રદયમાં હ્રદયસ્થ થઈ છે.

 

તમામ સગા-સંબંધી અને મિત્રો વતી બકુને ભાવભીની શ્રદ્ધાંજલિ, લાગણીભીની પ્રેમાંજલિ તથા શોકાર્ત મૌન પાઠવું છું.

 

-હિના પારેખ

પત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’

નેશનલ એન્ડ પેન અમેરિકન કોંગ્રેસના ઉપક્રમે ઈ.સ. ૧૯૪૨માં મેક્સિકોમાં એક ‘પત્રકાર અધિવેશન’ ભરાયું હતું, જેમાં પત્રકારની આચારસંહિતાના દસ ધર્મસૂત્રો’ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ધર્મસૂત્રોમાં પત્રકાર માટે વાંછનીય અને અવાંછનીય કર્તવ્યોનો સ્વર સમાવિષ્ટ છે:

  1. તમારા સમાચારપત્રની પ્રતિષ્ઠાનો ગર્વ કરજો; જોશ સાથે ઉત્સાહ પણ દાખવજો, પણ મિથ્યાભિમાની ન બનશો.
  2. પત્રકારત્વમાં જડતા એ મૃત્યુ સમાન છે, તો પીષ્ટ પેષણ મૃત્યુ છે.
  3. તક ગુમાવશો નહીં, બહુજ્ઞ બનો અને નવીનતાનું પ્રદર્શન કરવાનું ચૂકશો નહીં.
  4. વ્યક્તિથી મોટો છે સમાજ અને સરકારથી મોટો છે દેશ. મનુષ્ય મર્ત્ય છે, પણ સંસ્થા અને સિદ્ધાંત અમર છે.
  5. શત્રુ અને મિત્ર બન્ને બનાવજો. મિત્ર એવો હોય, જેને તમારી પાસેથી આદર મળે. શત્રુ એવો હોય, જેના પ્રત્યે આપ દ્વેષ ન કરો.
  6. આર્થિક અને સાહિત્યિક બન્ને ક્ષેત્રમાં આક્રમણનો જવાબ આક્રમણથી આપજો. શાંતિથી રહેવું હોય તો પોતાના રક્ષણ માટે હંમેશા તૈયાર રહેજો.
  7. તલવાર અને પૈસો બન્ને કલમના શત્રુ છે. જરૂરિયાત ઉપસ્થિત થતાં આત્મગૌરવની રક્ષા ખાતર જીવન અને ધનની કુરબાની આપજો.
  8. દ્રઢ રહેજો, પણ હઠાગ્રહી નહીં. પરિવર્તનશીલ બનજો, પણ નિર્બળ નહીં. ઉદાર બનજો, પણ હાથ બિલકુલ ખુલ્લા ન મૂકી દેશો.
  9. સ્પષ્ટવાદી, સ્વાભિમાની અને સાવધાન તથા ચેતનવંતા રહો તો જ આપનો આદર થશે. નબળાઈ પરલોક માટે સારી છે; બાકી તો એ નરી નપુંસકતા છે.
  10. જે કાંઈ છપાય તેની જવાબદારી લેજો. વ્યર્થ દોષારોપણ પાપ છે. પ્રતિષ્ઠાને હાનિકર્તા વસ્તુઓ ન છાપશો. લાંચ લેવી એ પાપ છે. સહકાર્યકર પત્રકારની જગ્યા મેળવી લેવાની ઈચ્છા રાખવી, ઓછા પગારે કામ સ્વીકારીને સહકાર્યકર પત્રકારને કાઢવો એ પણ પાપ છે અને કોઈની જાહેરાત લેખની જેમ છાપવી એ પણ પાપ છે. રહસ્યનું કાળજીથી જતન કરજો. સમાચારપત્રના સ્વાતંત્ર્યનું કે તેની શક્તિનો વ્યક્તિગત લાભાર્થે ઉપયોગ કદાપિ ન કરશો.

આ દસ ધર્મસૂત્રો એ પત્રકારના વ્યાવસાયિક કર્તવ્યની દીવાદાંડીરૂપ છે.

(ડો. ચંદ્રકાન્ત મહેતાના પુસ્તક- “પત્રકારત્વ : સિદ્ધાંત અને અધ્યન”માંથી)

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

 

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

સાચા સેવકને સેવા કરતાં જે આનંદ મળે છે તે ખરું જોતાં પ્રેમાનંદ હોય છે. સાચા શિક્ષકને ભણાવતાં જે સુખ થાય છે તે પણ પ્રેમાનંદ જ છે. કુદરત-ઘેલો જ્યારે કશા હેતુ વગર રખડે છે ત્યારે એને જે કલાત્મક આનંદ થાય છે તેની પાછળ પણ વિરાટ પ્રેમાનંદ જ હોય છે. જ્યારે હું ગુજરાતીમાં લખું છું ત્યારે મારા નાનામોટા વાચકો સાથે હું એક રીતે વાતો કરું છું એ ખ્યાલથી, અને એટલા પૂરતો બધા લોકો સાથે હું અભેદ અનુભવું છું એ રસથી મને આનંદ થાય છે. મેં જોયું છે કે આ ઓતરાતી દીવાલોએ મારે માટે અનેક ઘરનાં બારણાં ખુલ્લાં કર્યાં છે; અને અનેક હ્રદયમાં મને પ્રવેશ આપ્યો છે. 

આ લખાણમાં ઉપદેશ નથી, પ્રચાર નથી, ડહાપણ નથી, વિદ્વત્તા નથી; કેવળ અનુભવની, સુખદુ:ખની અને કલ્પનાની આપલે છે. અને વિશેષ તો ખુશમિજાજી છે. ખરેખર, દુનિયા મારાથી અકળાઈ હોય તો ભલે પણ હું દુનિયાથી અકળાયો નથી. દુનિયા ભલી છે, દુનિયાએ મને પ્રસન્ન રાખ્યો છે; મારું ભલું જ કર્યું છે; અને મને જીવવા પૂરતો અવકાશ આપ્યો છે. જેલમાં જ્યાં ગેરસમજ, ગેરઈન્સાફ અને હેરાનગત જ હોય છે ત્યાં પણ મારી દુનિયા મને પ્રિય જ લાગી છે.

                                                                                                       -કાકાસાહેબ કાલેલકર

જેલવાસના દીવસોને કાકાસાહેબે પ્રેમાનંદથી માણ્યા હતા. જેલની અંદરની મનુષ્ય સિવાયની સજીવ સૃષ્ટિની દિનચર્યાનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું. કાગડો, કાબર, કબુતર, ચકલી, હોલા, સમડી, નીલકંઠ(ચાસ પક્ષી), સારસ, કીડી, મંકોડા, માકડ, વંદા, કાનકજૂરા, પતંગિયું, ગરોડી, દેડકો, બિલાડી, વાંદરા, ખિસકોલી, પીપડો, અરીઠાનું ઝાડ, તુલસીનો છોડ, બારમાસી, લીમડો, જાંબુડાનું ઝાડ.…વગેરેનું માત્ર અવલોકન ન કર્યું પણ તેની સાથે તાદાત્મ્યપન અનુભવ્યું. અને એ વિશે આ પુસ્તિકામાં ખૂબ જ સરળ શૈલીમાં આલેખન કર્યું છે. નાનકડી પણ વાંચવા ગમે એવી આ પુસ્તિકા છે.

કાકાસાહેબની કલમે આ પુસ્તિકામાંથી જ એક ઝલક મેળવીએ…

હું માનતો કે કોયલ પોતાનાં ઈંડાં કાગડા પાસે સેવાવે છે એ કેવળ કવિકલ્પના હશે. શાકુન્તલમાં જ્યારે વાંચ્યું अन्यैद्विजै: परभृत पोषयन्ति ત્યારે કાલિદાસે લોકવહેમનો ઉપયોગ કર્યો છે એમ જ મેં માનેલું. પણ જેલમાં જોયું કે કાગડા સાચે જ કોયલનાં બચ્ચાંને ઉછેરે છે. જ્યાં ત્યાંથી ખાવાનું આણીને બચ્ચાંને ખવડાવે અને તેમને લાડ લડાવે. પણ થોડા દિવસમાં સંસ્કૃતિનો ઝગડો શરૂ થયો. કાગડાને થયું કે બચ્ચાંને ખવડાવીએ તેટલું બસ નથી, આપણી સુધરેલી કેળવણી પણ તેને આપવી જોઈએ. એટલે ખાસ વખત કાઢી માળા પર બેસી કાગડો શિખવાડે, બોલ કા…. કા …. કા. પણ કોયલનું પેલું કૃતઘ્ન બચ્ચું જવાબ આપે, કુઊ…. કુઊ…. કુઊ. કાગડો ચિડાઈને ચાંચ મારે અને ફરી કેળવણી શરૂ કરે, કા…. કા …. કા. પણ આમ કોયલ કંઈ પોતાની સંસ્કૃતિનું અભિમાન છોડે? એણે તો પોતાનું કુઊ…. કુઊ જ રટવા માંડ્યું. કાગડાની ધીરજ ખૂટી ત્યાં સુધીમાં કોયલનું બચ્ચું પગભર-અથવા સાચું કહીએ તો પાંખભર-થયું હતું. કાગડાની બધી મહેનત છૂટી પડી. મને લાગે છે કે કાગડો હિંદુસ્તાની હોવાથી તેણે નિષ્કામ કર્મ કર્યાનું સમાધાન તો જરૂર મેળવ્યું હશે : यत्ने कृते यदि न सिध्यति कोत्र दोष:I 

 

એમ ન હોત તો કાગડો દર વર્ષે એ ને એ જ અખતરો ફરીફરીને શું કામ કરત? શામળભાઈ કહે, આ કોયલનાં બચ્ચાં જેટલી પણ અક્કલ આપણા અંગ્રેજી ભણેલાઓમાં હોત તો તેઓ ઘરમાં અંગ્રેજીમાં ન બોલત.   

 

ઓતરાતી દીવાલો-કાકાસાહેબ કાલેલકર

પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર

પૃષ્ઠ: ૯૯

કિંમત: રૂ. ૩૦.૦૦

પુસ્તકતીર્થ

એક વખત દિલ્હીના સરાઈ રોહિલ્લા રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં બેસવાનું થયું ત્યારે  સ્ટેશનના બુકસ્ટોલ પરથી મને અમૃતા પ્રીતમની આત્મકથા “रसीदी टिकट” માત્ર ૩૫/-રૂ.માં મળી. ત્યારબાદ હું કલકત્તા જતી હતી અને નાગપુર સ્ટેશન પર ટ્રેન થોડીવાર અટકી ત્યારે પ્લેટફોર્મ પરના બુકસ્ટોલમાંથી મને રવીન્દ્રનાથ ટાગોરની “ઘરે બાહિરે” અને પ્રેમચંદની “ગોદાન” ૬૦-૬૦ રૂ.માં મળી ગઈ. અન્ય ભાષાના પુસ્તકો આટલા સહેલાઈથી અને નજીવી કિંમતે ઉપલબ્ધ થતાં જોયા ત્યારે મને થતું કે આવી રીતે ગુજરાતી ભાષાના પુસ્તકો ક્યારે ઉપલબ્ધ થશે?

પરંતુ અશક્ય લાગતી આ વાત છેલ્લા દસ વર્ષથી શક્ય બની છે. ડો. ગુણવંત શાહે જેને “પુસ્તકતીર્થ”નું નામ આપીને નવાજ્યું તેવું ભુજનું “શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ”  અધધધ..કહી શકાય તેવા વળતરથી પુસ્તકોની લ્હાણી કરી રહ્યું છે.

શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ આમ તો રૂરલ હ્યુમન હેલ્થ પ્રોગ્રામ, એજ્યુકેશન પ્રોગ્રામ, નોન કન્વેશન એનર્જી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વુમન-ચાઈલ્ડ એન્ડ યુથ અવેરનેશ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વોટર હાર્વેસ્ટીંગ એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, વાસ્મો, એન્વાયરમેન્ટ એન્ડ રૂરલ સેનિટેશન પ્રોગ્રામ, કેટલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ડાયમંડ ટ્રેઈનિંગ એન્ડ પ્રોડક્શન સેન્ટર, એક્ષટેન્શન પ્રોગ્રામ, વોટરશેડ પ્રોગ્રામ જેવી ઘણી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. પણ આજે જેની માહિતી અહીં મેળવવાના છીએ તેનું નામ છે “પુસ્તકમિત્ર” યોજના.

શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, પ્રેમજી જેઠા ચેરિટેબલ ટ્રસ્ટ અને કેશવકાન ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડોનર એવા શ્રી કેશવલાલ પ્રેમજી ભૂડિયાએ પુસ્તકપ્રેમીઓને સહાયભૂત થવા તથા સમાજમાં પુસ્તકવાંચનમાં રસવૃત્તિ ધરાવતો નવો યુવાવર્ગ તૈયાર કરવા પુસ્તકમિત્ર યોજના ઘડી કાઢી. તા. ૧/૦૪/૨૦૦૦ના રોજ આ યોજનાના શ્રીગણેશ કર્યા અને એનું ફલક વિસ્તર્યું કચ્છ, ગુજરાત, ભારત અને વિદેશ સુધી. ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત પ્રકાશકોએ પ્રકાશિત કરેલા સેંકડો ઉત્તમ પુસ્તકો ૫૦ થી ૬૫%ના વળતરે વાચકોને ઉપલબ્ધ કરાવાયા છે. આ પ્રકાશકોમાં નવભારત સાહિત્ય, ઉપનિષદ પ્રકાશન, નવનીત પ્રકાશન, નવજીવન પ્રકાશન, પ્રવિણ પ્રકાશન, ગુર્જર ગ્રંથરત્ન, આદર્શ પ્રકાશન, સાધના ફાઉન્ડેશન, અઢિયા પ્રકાશન, આર. આર. શેઠની કંપની, ગુજરાત પુસ્તકાલય સહકારી મંડળી લી., યજ્ઞ પ્રકાશન, ગ્રંથલોક પ્રકાશન, લોકમિલાપ ટ્રસ્ટ, સસ્તુ સાહિત્ય, અરૂણોદય પ્રકાશન, સાહિત્ય સંગમ, કુસુમ પ્રકાશન, પાર્શ્વ પબ્લિકેશન વગેરેનો સમાવેશ થાય છે. આ ટ્રસ્ટ પ્રકાશકો પાસેથી માતબર કમિશન સાથે પુસ્તકો ખરીદે છે અને પછી વિશેષ વળતર ઉમેરીને વાચકોને ઓછી કિંમતે પહોંચાડે છે. આમ પુસ્તકાલયો, શાળાઓ અને વાચકોને બેવડા વળતરનો લાભ મળે છે. તા. ૧૩/૧૧/૨૦૦૯ સુધીમાં ૩,૯૨,૫૧,૪૦૦/-રૂ.ની મૂળ કિંમતના પુસ્તકો ૬૦% વળતરથી અપાતા વાચકોના ૨,૩૨,૨૯,૯૬૯/- રૂ. બચાવવામાં ટ્રસ્ટ નિમિત્ત બન્યું છે.

ઉત્તમ સાહિત્ય ગામડાઓ સુધી પહોંચે તે માટે શાળા કક્ષાએ વાંચન શિબિરોનું આયોજન પણ ટ્રસ્ટે હાથ ધર્યું છે. શું વાંચવું, કેમ વાંચવું અને ખાસ તો બે લીટી વચ્ચેની ખાલી જગ્યાને વાંચી ઉકેલવા જેવી બાબત પરત્વે વાંચન કાર્યશાળાઓમાં સક્રિય માર્ગદર્શન આપવામાં આવે છે. શાળા, કોલેજો, સાંસ્કૃતિક મેળાઓ, ભવ્ય મિલન સમારંભો દરમ્યાન ટ્રસ્ટ પુસ્તકમેળાનું આયોજન પણ કરે છે.

૨૦/-રૂ.નો મનીઓર્ડર કરીને સૂચીપત્ર મેળવી શકાય છે. મનીઓર્ડર કરવાનું તથા આ ટ્રસ્ટનો સંપર્ક સાધવાનું સરનામું આ મુજબ છે…

શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, જી. એમ. ડી. સી. ગેસ્ટ હાઉસ નીચે, ભુજ-મિરજાપર હાઈવે, ભુજ-કચ્છ. ફોન નંબર: ૦૨૮૩૨-૩૨૯૬૬૬, મોબાઈલ નંબર: ૯૮૨૫૨૨૭૫૦૯, ઈ-મેઈલ: ssrdt@yahoo.in

સૂચિપત્ર-પાના નંબર ૧