તારા તે નામનો-આશા પુરોહિત

તારા તે નામનો પહેલો અક્ષર લઈ,
મેંદી રચી છે મારા હાથમાં,
મેંદીનો લાલઘુમ રંગ ચડે એવો,
કે, આવે ના કોઈ વિસાતમાં.

નાજુક હથેળીની એકાદી રેખામાં,
લખ્યું’તું આપણું તો મળવું,
ધાર્યું નહોતું, કે સાવ આટલુંયે સહેલું છે,
મળવાની ઈચ્છાનું ફળવું.
જોજનો દૂર સુધી એકલા ચાલીને,
હાશ ! મળ્યું કોઈ જીવતરની વાટમાં,
તારા તે નામનો પહેલો અક્ષર લઈ,
મેંદી રચી છે મારા હાથમાં.

મેંદીની મહેક મહેક ભીની સુગંધ,
વળી લાગણીનો ભીનો સંબંધ આ,
હોઠેથી બોલાય ના, આંખેથી કહેવાય ના,
કેવો આ કેવો ઉમંગ આ ?
રોજ રોજ નામ તારું ઘૂંટ્યા કરું છું,
પછી ડૂબ્યા કરું છું તારી યાદમાં,
તારા તે નામનો પહેલો અક્ષર લઈ,
મેંદી રચી છે મારા હાથમાં….

( આશા પુરોહિત )

દરિયે બેસો તો તમે સાચા-સ્નેહલ જોષી

દરિયે બેસો તો તમે સાચા,
દરિયાને જોઈ તમે મૂંગા થઈ જાવ અને દરિયાને ફૂટે છે વાચા.

આંખો પણ એક રીતે દરિયો કહેવાય
એમાં તરતા ન આવડે તો ડૂબો;
દરિયો તો એક તક આપી પણ દે
નથી આંખોમાં કોઈ મનસુબો.

દરિયાનું પાણી તો પાકટ કહેવાય, સાવ આંખ્યું ના નીર રહ્યા કાચા.
દરિયાની વાણીની વાત કરું તમને
તો મારી આ વાણીનું શું ?
બીજાં તો ઠીક બધાં ચૂપ થઈ સાંભળે
પણ દરિયાનાં પાણીનું શું ?

દરિયાના ઘુઘવાટો સામે આ મારા શબ્દો પડે છે ટાંચા
દરિયે બેસો તો તમે સાચા.

( સ્નેહલ જોષી )

પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે-જિગર જોષી ‘પ્રેમ’

તમે પહેલા પાણીથી તમને દઝાડો-પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે,
તિરાડો બની જાય જે ક્ષણે પહાડો!-પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

તમે એવું ધારીને જોયા કરો તો એ સંભવ છે બારી જ આકાશ થઈ જાય,
પરંતુ પ્રથમ એવું ધારી બતાડો-પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

આ નક્ષત્રો નભગંગા ખાબોચિયું છે ને એમાં કોઈ પગ પખાળી ગયું છે,
જ્યેં ધરતી લાગે બસ એક નાનો ખાડો-પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

પ્રથમ આખા જગથી જે નીચે હો એવું બનાવો તમારું અલગ એક આસન,
પછી ત્યાંથી તમને તમે ખુદ પછાડો-પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

અહર્નિસ ક્ષિતિજે આ ઝૂલ્યા કરે એવો બાંધ્યો છે કોણે સમય નામે હીંચકો ?
ઉઠાડો નહીં જોવા-ખુદને જગાડો-પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

તમે વૃક્ષને જ્યાં-જ્યાં મારો કુહાડો; ઉઝરડાને બદલે નવી ડાળ ફૂટે,
ચલાવી શકો એ રીતે જો કુહાડો-પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

ખીલે જે રીતે ફૂલ ક્યારીના ખોળે; ખૂલે જે રીતે એની સૌ પાંદડીઓ,
‘જિગર’! શ્વાસનાં એમ ખોલો કમાડો-પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

( જિગર જોષી ‘પ્રેમ’ )

જબાન દીધી છે-લલિત ત્રિવેદી

કયા તે અમરતે અમને જબાન દીધી છે
કયા પિયાલે કલમને જબાન દીધી છે

શબ્દપરસ્ત ઈસમને જબાન દીધી છે
મેં એના રહમોકરમને જબાન દીધી છે

હે ગેબ! તારા અગમને જબાન દીધી છે
કીડીના નકશેકદમને જબાન દીધી છે

ખુદાની વાત કરું કે હું ખુદની વાત કરું
અગરપરસ્ત કલમને જબાન દીધી છે

ગઝલનુમા કરો છો તરજુમા ઈશારાના
કવિ! તમે તો મભમને જબાન દીધી છે

દીવામાં ઝળહળ્યાં પૂર્યા ઉજાસને બદલે
ગહન ને ગૂઢ જખમને જબાન દીધી છે

ગઝલ લખું છું પગથિયાં ચડું છું એમ હજી
મેં જાતરાના મરમને જબાન દીધી છે

હું ઝીણા ઓટલાની વાત પણ ગઝલમાં કહીશ
હે મીરાંબાઈ! મેં તમને જબાન દીધી છે

( લલિત ત્રિવેદી )

ગીત-કિરણસિંહ ચૌહાણ

તું જે કહે એ કરું,
ઝેર પીને જીવું, કહે તો અમૃત પીને મરું !

તનમાં ખળખળ વહી રહ્યા છે લોહી કેરાં ઝરણાં,
મનમાં અવિરત દોડે છે મીઠી યાદોના હરણાં.
તેં આપ્યું એ વિકસાવીને અંતે તુજને ધરું.

જેમ તને હું ઝંખું છું એમ તુંય મને ઝંખે છે,
તોય મળાતું નથી હજી એ વાત મને ડંખે છે.
હા મળવાથી ઉત્કંઠાઓ મરી જાય…એ ખરું !

( કિરણસિંહ ચૌહાણ )

જોવા દે મને-બેન્યાઝ ધ્રોલવી

શબ્દ એનો એ જ જોવા દે મને,
ઘર ગઝલ સામે જ જોવા દે મને.

ચંદ્ર, સૂરજ છે કરામત બેઉમાં,
રાત દિવસ તેજ જોવા દે મને.

સાચવેલું વ્હાલ મૂકું પેટીમાં,
પ્રેમ દસ્તાવેજ જોવા દે મને.

પેન કાગળ લૈ કવિતા લખ હવે,
કલ્પનાનો મેજ જોવા દે મને.

ત્રાજવે ચોમાસું મૂકી જોઉં છું,
મેઘનું ય લગેજ જોવા દે મને.

મ્હેક રબની પૃથ્વી પર છે ઊતરી,
હવા આદમ બેજ જોવા દે મને.

જિંદગી ‘બેન્યાઝ’ ડૂબી સાંજના,
સૂર્ય ઢળતો સહેજ જોવા દે મને.

( બેન્યાઝ ધ્રોલવી )

ન કોઈ નિવારણ-હરકિસન જોષી

આ સ્વાસ્થ્યનું કથળવું અકારણ છે વૈદ્યજી !
એક દર્દ બીજા દર્દનું મારણ છે વૈદ્યજી !

જંગલથી જડીબુટ્ટી જરૂર શોધી લાવશે,
પશુઓને ચારનારો આ ચારણ છે વૈદ્યજી !

એ ઔષધે જ સૌને સ્વર્ગવાસી બનાવ્યા;
ટીવીમાં જેનું રોજ પ્રસારણ છે વૈદ્યજી !

ભીંજાઈ ગયા ત્યારે ખરું જાણવા મળ્યું;
વૈશાખના જ તાપથી શ્રાવણ છે વૈદ્યજી !

શું કરશો અહીં ખોલી દવાખાનું એ કહો;
મૃગજળથી છલોછલ જ્યાં ભર્યું રણ છે વૈદ્યજી !

અદ્દભુત કોઈ રોગ લઈ જીવીએ છીએ;
જેનું કદી ન કોઈ નિવારણ છે વૈદ્યજી !

( હરકિસન જોષી )

પ્રશ્ન સનાતન-જયંતી જડિયા

વાદળોને પણ સૂર્યના તડકાનો
લાગતો હશે તાપ
એટલે
વરસાદને બહાને રડી લેતા હશે ?
વૃક્ષોને પણ પર્ણ-ફૂલો-ડાળનો
સહેવાય નહીં ભાર
એટલે
એ પાનખરની રાહ શું જોતા હશે ?
આંખમાં ઉમટેલ સાગરના તરંગો
કેટલાક કરવા સહન,
એટલે શું
અશ્રુધારા થઈ ટપકતા હશે ?

( જયંતી જડિયા )

થઈ ગયું છે-પરાજિત ડાભી

કાગળનું એક કોફિન તૈયાર થઈ ગયું છે,
અક્ષર મરી ગયા તે પુરવાર થઈ ગયું છે.

ડૂબી ગયા જહાજો સંતોને લઈ જનારા,
મડદું તરીને દરિયાની પાર થઈ ગયું છે.

એકાદ ભૂખ્યું બાળક રસ્તે મળી જવાનું,
લાખ વખત આ સપનું સાકાર થઈ ગયું છે.

હામી ભરી નહીં મેં તેની ગઝલમાં તેથી,
એનું વલણ પછીથી તલવાર થઈ ગયું છે.

વ્હેર્યા કરું કલમથી શબ્દોના ઢીમચાઓ,
સાલ્લુ દિમાગ મારું સુથાર થઈ ગયું છે.

( પરાજિત ડાભી )

ભરવાડનો રખેવાળ કૂતરો-સંસ્કૃતિરાણી દેસાઈ

ભરવાડને ચિંતા નથી
તેનો રખેવાળ કૂતરો, છૂટાંછવાયાં થઈ ગયેલાં
ઘેટાંઓને ભેગાં કરી, પરોણા વડે હાંકી, કોઈક વાર વઢી
વાડામાં લઈ આવે છે સાચવીને
ઘેટાં રોજ ચરવા લઈ જાય છે.
ભરવાડનો રખેવાળ કૂતરો
થોડું આમ તેમ ચરાવી, થોડી વાર છુટ્ટા ફરવાની પરવાનગી આપી
હંમેશ નજર રાખી, સાંજે લઈ આવે છે પાછાં,
માંદા તરફ ધ્યાન દોરે છે ભરવાડનું.

ને પેલો ‘સિનિયર’ ભરવાડનો કૂતરો
માનવીઓને ભૂલથી ચરવામાં ને ચરવામાં
બીજા જન્મમાં ન પહોંચી જાય તેનું ધ્યાન રાખે છે.
માનવીની ચરવાની સીમા છે આ જન્મ સુધીની.
ડાબે, જમણે, ઉપર, નીચે જતાં દૂર સુધી જઈ
બીજા જન્મમાં ભૂલથી ન પહોંચી જવાય…
ભરવાડનો રખેવાળ કૂતરો, કે ભરવાડ, બહુ કડક નથી.
પણ નિયમ એટલે નિયમ.

મને સાચવતો રખેવાળ કૂતરો પણ સતત હાંક્યા કરે છે
મારા વિચારોને, વર્તનને
ભરવાડ ખુશ છે, રખેવાળ કૂતરાના કામથી.

ભરવાડ, રખેવાળ કૂતરા અને ઘેટાંનું
સારું ચાલે છે ક્યારનું…જન્મોથી…

( સંસ્કૃતિરાણી દેસાઈ )