ભટકતા રહીએ ! ( કરસનદાસ લુહાર )

ભટકતા રહીએ !

અમે ભટકતા રહીએ એ ભાઈ!
અમે ભટકતા રહીએ !
જીવતર જેવા જીવતરથી બસ
આમ છટકતા રહીએ !

ક્યાંય ઠેકાણું કે ઠામ નહીં,
કહેવાનું યે ગામ નહીં,
આભ-ધરાની વચ્ચોવચ લો-
અમે છટકતા રહીએ !
રે ભાઈ, અમે ભટકતા રહીએ !

ઘરનાં સોણાં બે-ઘર રાખી,
રઝળું હોવું ગાડે નાખી,
થાક્યા તો કોઈ નામ ભુલાયાં-
ગામ છેવાડે અમે અટકતા,રહીએ,
રે ભાઈ, અમે ભટકતા રહીએ !

મૃગજળ મેલાં દરિયા તરીએ,
કાળી લૂ ભીતરમાં ભરીએ,
સળંગ શ્વાસો શેં લઈએ કે-
છૂટક તૂટક સતત બટકતા રહીએ,
રે ભાઈ, અમે ભટકતા રહીએ !

( કરસનદાસ લુહાર )

जिस तरह पानी का कतरा कश्ति के काबिल हुआ – चिनु मोदी

जिस तरह पानी का कतरा कश्ति के काबिल हुआ
मैं तुम्हारी जिंदगी में ईस तरह शामिल हुआ

बाद मुद्त भी तुम्हें यह बात समजाती नहीं ?
मैं तेरी रहेमोकरम से सब जगह बातिल हुआ ?

जो भी भले सबने बताया था गलत तेरा पता-
चलते चलते ईस तरह जन्नत में मैं दाखिल हुआ

प्यार में होता है, ऐसा बंदगी में भी हुआ
मैं तुम्हारी चीकनी चीकनी बातों से गाफिल हुआ

यह सरासर जूठ है, यह जूठ है, हां जूठ है
तू नहि पैदा हुआ तो कैसे में कातिल हुआ ?

( चिनु मोदी )

તાન્કા – ઉમેશ જોષી

તાન્કા

સમય તારો
પગરવ સાંભળી
અરધ રાતે
શ્રદ્ધાદીપ પ્રગટું
એક પળ માટેય…
***
તરફડે છે
પાછોતરો સમય
ઢોલિયે સૂતો
જાળમાં ફસાયેલી
માછલીની જેમ જ.
***
સ્તબ્ધ સમય
સળવળે છે ફરી
નયનમાં, ને
સગપણ સંધાય
સમજણનાં હવે.

( ઉમેશ જોષી )

આવવાનું ને જવાનું થાય છે – ચિરાગ ઝા “ઝાઝી”

આવવાનું ને જવાનું થાય છે
આપણાથી ક્યાં કશું રોકાય છે.

એક ઈચ્છા રોજ ઈશુ થઈ જાય છે,
અવદશાના સ્તંભ પર દેખાય છે !

ચાંચ મારી એક ચકલી ઊડી ગઈ,
ને અરીસો એકલો અકળાય છે.

માત્ર પૂઠું જોઈ પુસ્તક લઈ ગયાં,
એ વગર વાંચે બધે અથડાય છે.

નીકળી ગઈ ચીસ સારસની પછી,
એજ લયમાં ગીત પણ સરજાય છે.

જીવને ઝાઝી ભલે લય ના મળે,
મૃત્યુ છંદોબદ્ધ રીતે ગાય છે.

( ચિરાગ ઝા “ઝાઝી” )

સામે કાંઠે જઈને તારું વસવું બહુ મર્માળુ છે – સુરેન્દ્ર કડિયા

સામે કાંઠે જઈને તારું વસવું બહુ મર્માળુ છે
આપણ બેની વચ્ચે ધસમસ કરોળિયાનું જાળું છે

ક્યાંક ઢળેલી સાંજ અને આ ક્યાંક ઝળહળ જેવું શું ?
ચહેરો વાદળ-છાયો છે ને આંખોમાં અજવાળું છે

એક દિવસ તો દર્પણમાં નાજુક ચહેરો જોવા મળશે
તારી જુલ્ફો વચ્ચે વહેતો વાયુ બહુ શ્રદ્ધાળુ છે

લેવું-કરવું કાંઈ નથી ને ભાવ અમસ્તો હું પૂછું
એણે ચપટીક બાંધી કીધું, સસ્તું છે, અજવાળું છે

જો ખોલું તો હું જ ખૂલું ને બંધ થવાનું નામ નહીં
નગરી-નગરી, દ્વારે-દ્વારે લક્ષણવંતુ તાળું છે

( સુરેન્દ્ર કડિયા )

જો અચાનક સાંજ પડશે, તો પછી તું શું કરીશ – સુરેન્દ્ર કડિયા

જો અચાનક સાંજ પડશે, તો પછી તું શું કરીશ !
તારી છાયા તુજને નડશે, તો પછી તું શું કરીશ !

તું પવનમાં પૃષ્ઠ ઉપર કાઢી નાખ જલદી
વૃક્ષના ભાવો ગગડશે, તો પછી તું શું કરીશ !

એક સપનું આંખનું સાકાર કરવાનું કરી લૈ
જો એ આંસુ થઈને દડશે, તો પછી તું શું કરીશ !

તું ભલે વરદાન લઈ પારસમણિમય થઈ ગયો
હાથ તારો તુજને અડશે, તો પછી તું શું કરીશ !

કાં વિચારોની અ-ધ-ધ-ધ ઊંચાઈ પર ચડ્યો !
એક પગલું જો લથડશે, તો પછી તું શું કરીશ !

( સુરેન્દ્ર કડિયા )

ક્યાં કશું કહેવાય છે અંદર ને અંદર – સુરેન્દ્ર કડિયા

ક્યાં કશું કહેવાય છે અંદર ને અંદર
મ્યાન પણ મૂંઝાય છે અંદર ને અંદર

સોંસરો નીકળે પવન જે નાભિમાંથી
આજ એ અટવાય છે અંદર ને અંદર

બહાર કેવાં બુંદ કે ભીનાશ કેવી
આંખ પણ છલકાય છે અંદર ને અંદર

ના પડે કે ઊપડે એકેય પડદો
દ્રશ્ય તો ભજવાય છે અંદર ને અંદર

હાથમાં લે રોજ, પણ ખોલી શકે ના
પત્ર ભીનો થાય છે અંદર ને અંદર

( સુરેન્દ્ર કડિયા )

સાંજ પણ નડે, કદી સવાર પણ નડે – સુરેન્દ્ર કડિયા

સાંજ પણ નડે, કદી સવાર પણ નડે
પાનખર નડે, કદી બહાર પણ નડે
હું ક્ષણોની રિક્તતા ઉલ્લંઘવા મથું
દ્વાર પણ નડે, કદી દરાર પણ નડે
હું કશું પ્રમાણસર કરી શકું નહીં
અલ્પ પણ નડે, કદી અપાર પણ નડે
જીવીએ છતાં સમજની બહાર જિંદગી
મોત પણ નડે, કદી મજાર પણ નડે
આ અહંનો આખરી કિલ્લો પડે નહીં !
કોટ પણ નડે, કદી કગાર પણ નડે
( સુરેન્દ્ર કડિયા )

… થાવા દીજિયે – સુરેન્દ્ર કડિયા

… થાવા દીજિયે
સુખ અથવા દુ:ખ પારાવાર થાવા દીજિયે
એક ટીપું જળ હલેસા-ધાર થાવા દીજિયે
ડૂબવાની પ્રથમિકતાઓ જ ડૂબે સૌ પ્રથમ
ધારમાંથી ધાર અનરાધાર થાવા દીજિયે
એ નશો કે આભલામાં આભલું ઓછું પડે
કુંભ કાચી માટીનો ચિક્કાર થાવા દીજિયે
ટેરવાં કંઈ સમસમી બેસી રહે એવાં નથી
પંડ વાઢી નાખતો પડકાર થાવા દીજિયે
સિંહનો બચ્ચો બનીને શબ્દ તો જન્મી ગયો
અર્થ એના એક-બે ખૂંખાર થાવા દીજિયે
( સુરેન્દ્ર કડિયા )

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? – નિયતિનું સંતાન – હરેશ ધોળકિયા

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

નિયતિનું સંતાન-હરેશ ધોળકિયા
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
પૃષ્ઠ : ૧૮૦
કિંમત : રૂ. ૧૨૫/-