Tag Archives: ઉર્દૂ કવિતા

મને શીખવાડ કોઈ તરકીબ – ગુલઝાર

દોસ્ત ! મને શીખવાડ કોઈ તરકીબ હે વણકર !

કોઈ વખત મેં જોયું છે કે તાણાં વણતાં

જો કોઈ દોરો તૂટે કે ખૂટે ત્યારે

બાંધી ફરીથી

છેડો કોઈ એમાં જોડી

આગળ વણવા લાગે તું

તારા આ તાણામાં તો પણ

ગાંઠ ન એકે ગૂંચ ન કોઈ દેખાતી.

મેં તો બસ એકવાર વણ્યું’તું એક જ સગપણ

કિન્તુ એની સઘળી ગાંઠો સ્પષ્ટપણે દેખાય, હે વણકર !

 .

( ગુલઝાર, અનુ. રઈશ મનીઆર )

 .

મૂળ : ઉર્દૂ

મૃત્યુનું બીજું નામ – મુઝાફર હન્ફી

તેમને મારું આલ્બમ બતાવતાં

મેં એક તસવીર તરફ ધ્યાન ખેંચ્યું.

’જુઓ, આ છે મારો મિત્ર,

કેનિયામાં રહે છે.

અને રબ્બરની કંપનીમાં મોટો હોદ્દો ધરાવે છે’.

દુ:ખથી તેનું મોઢું પડી ગયું.

’હા, હું તેને જાણું છું, અને

મેં એની સાથે પીધું પણ છે

તે મને કેનિયામાં છ વર્ષ પહેલાં મળેલો

પણ પછીના વર્ષે જ

ટ્રેન અકસ્માતમાં ખતમ થઈ ગયો.

.

અચાનક વાતાવરણ વેદનાથી ભરાઈ ગયું

મને સમજ ન પડી – તેને સાંત્વન આપું કે મને

આવું પણ ક્યારેક થાય છે.

મારા આલ્બમના કાળા પાના પર સ્મિત રેલાવતો આ માણસ

મારે માટે આજ લગી જીવતો હતો

અને હમણાં જ મરી ગયો.

.

શું એવું છે કે

જાણવું એ મૃત્યુનું બીજું નામ છે ?

.

( મુઝાફર હન્ફી, અનુ. ઉષા ઠક્કર)

.

[મૂળ કૃતિ : ઉર્દૂ ]