ખળભળે – દત્તાત્રય ભટ્ટ

ઝાંઝવાંમાં ઝંખનાઓ ખળભળે,

પ્રાર્થનામાં કામનાઓ ખળભળે.

.

રાહ જોતા તત્વને સંકોર, જો !

બીજમાં સંભાવનાઓ ખળભળે.

.

આંસુ છે, વરસાદ જેને માનીએ,

આભમાં સંવેદનાઓ ખળભળે.

.

કોઈને ભેટી કે ચૂમી ના શકે,

જે હૃદયમાં વંચનાઓ ખળભળે.

.

શબ્દને નોખી રીતે હું વાપરું,

શબ્દમાં છે વ્યંજનાઓ ખળભળે.

.

( દત્તાત્રય ભટ્ટ )

પથ્થર – સુરેશ દલાલ

લિસ્સી, સુંવાળી, નજાકતભરી, રેશમી સંવેદનો કરતાં

ખરબચડી સંવેદના સાથે જીવવું હમણાં હમણાં મને વધુ ગમે છે.

કરકરાપણાનો પણ એક સ્વાદ હોય છે.

ઢાળ પર જળની જેમ ઢળવા કરતાં

પથ્થરના પગથિયાંનો સ્પર્શ વિશેષ જીવંત લાગે છે.

.

પથ્થર ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય,

ચિત્રવિચિત્ર આકાર ધરાવતા હોય કે અણીદાર હોય

તો પણ મારો પથ્થર માટેનો પક્ષપાત વધતો જાય છે

દરિયાના પહાડ જેવા મોજાંની જેમ અથવા

દરિયા વચ્ચેના અડીખમ, નક્કર ખડકની જેમ.

.

આકાશ પાસે ચંદ્ર છે, તારા છે, નક્ષત્રો અને ગ્રહો છે.

પણ આકાશ પથ્થર વિના દરિદ્ર લાગે છે.

એની સરખામણીમાં ધરતી વિશેષ ગર્ભશ્રીમંત છે.

ફૂલ અને પથ્થરને એ અડખેપડખે ધારણ કરી શકે છે.

.

મને પથ્થર ગમે છે, કરું છું એને પારાવાર પ્રેમ

હું પથ્થરને શિલ્પીથી દૂર રાખવા માગું છું

જેથી એની ટાંકણું – હથોડી જેવી નજર

કોઈ પણ મૂર્તિને કંડારે નહીં !

.

( સુરેશ દલાલ )

વાયરામાં મોરપીંછ – મનોહરસિંહ જાડેજા

કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય

દિશા દિશામાં મારી આંખો વેરાય,

અને સપનાંઓ શ્યામનાં ઘેરાતાં જાય.

.

આંખ સામે ઊગે છે કદંબનું ઝાડ

અને આંખો આ યમુના થઈ વ્હેતી,

એક પછી એક ગોપી આવે ને જાય

ને મને કહેવાનું કંઈ નથી કહેતી.

મૌન એવું કે શબ્દો પણ વ્હેરાતા જાય

કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય.

.

વાંસળીના સૂર તો એવા નિરાકાર

પણ તારો આકાર નહીં ઓળખી શકું,

તારાથી હું તો એવી ભોળવાઈ જાઉં

પણ મને પોતાને નહીં ભોળવી શકું.

મધરાતે મોરલા પણ ગહેકતા જાય

કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય.

.

( મનોહરસિંહ જાડેજા ‘રવિપિયુ’ )

બાકી છે હજુ – ત્રિલોક મહેતા

સૂર્યમાં ભીનાશ બાકી છે હજુ

છેક ઊંડે પ્યાસ બાકી છે હજુ

.

વન બળીને રાખ જેવું થઈ ગયું

હું હતો ત્યાં ઘાસ બાકી છે હજુ

.

રોજ મળનારાં બધાં આવી ગયાં

એક માણસ ખાસ બાકી છે હજુ

.

રેડ જલ્દી જળગઝલ મોમાં જરા

સાવ છેલ્લો શ્વાસ બાકી છે હજુ

.

આખરે પહોંચી જઈશ તારા સુધી

આખરી પ્રયાસ બાકી છે હજુ

.

( ત્રિલોક મહેતા )

નવાં નવાં – હરિશ્ચંદ્ર જોશી

નકશા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં

રસ્તા તો એના એ જ છે ચરણો નવાં નવાં

.

આ રેતના નગરમાં વિહવળ તમામ આંખ

મૃગજળ તો એનાં એ જ છે હરણો નવાં નવાં

.

જીવનને જરી જાણ્યું, ન જાણ્યું પૂરું થતું

ડાઘુ તો એના એ જ છે મરણો નવાં નવાં

.

વાસંતી વસ્ત્ર ઓઢે કે પહેરે નરી હવા

વૃક્ષો તો એનાં એ જ છે પરણો નવાં નવાં

,

શ્રદ્ધાને સાચવી રહ્યું આંગણ યુગો પછીય

મંત્રો તો એના એ જ છે શ્રમણો નવાં નવાં

.

ખિસ્સામાં લાગણી લઈ ફરશો બજારમાં

સિક્કા તો એના એ જ છે ચલણો નવાં નવાં

.

નીકળ્યો હરીશ પહોંચવા તારી ગલી સુધી

નકશા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં

.

( હરિશ્ચંદ્ર જોશી )

જીવું છું – રમણિક સોમેશ્વર

તાણ સતત તાણ લઈને જીવું છું

વેદનાનું હું પરિમાણ લઈને જીવું છું

.

સાવ લાગું છું તને શાંત સપાટી ઉપર

લોહીમાં કેટલાં રમખાણ લઈને જીવું છું

.

જીવનને કોઈએ સાગર કહ્યું એ વેળાથી

હુંય કાંઠે તૂટેલું વ્હાણ લઈને જીવું છું

.

હોય મારામાં; તમારામાં, કોઈનામાં પણ

રોજ ઘટનાઓ કચ્ચરઘાણ લઈને જીવું છું

.

ફક્ત સચવાયેલી છે દંતકથાઓમાં જે

એ હવડ વાવનું ઊંડાણ લઈને જીવું છું

.

( રમણિક સોમેશ્વર )

મને ન શોધો – ભગવતીકુમાર શર્મા

મને ન શોધો ડોટ-કોમમાં;

હું છું કેવળ હરિઓમમાં.

.

પોથી, પુસ્તક, માળા ફોગટ;

રામનામ છે રોમ-રોમમાં.

.

કુંડળીમાંથી છલાંગ મારું;

પકડાઉં ના શુક્ર-સોમમાં.

.

માટીમાં છે મૂળિયાં મારાં;

વ્યક્ત કદી ના થાઉં વ્યોમમાં.

.

કુંડ, અગ્નિ ને ઋત્વિક હું છું,

હું હોમાઉં હવન-હોમમાં.

.

કફન ખસ્યું તો ફૂલ નીકળ્યા;

કબીર ક્યાં છે કોઈ કોમમાં ?

.

( ભગવતીકુમાર શર્મા )

ડોશીની વાતો – બાબુ સુથાર

યમરાજ કહે : ચાલો ડોશી, તમારો ટાઈમ થઈ ગયો.

ડોશી કહે : અરે હોય, હજી તો મારે ઘણું કામ કરવાનું બાકી છે.

યમરજ કહે : હવે શું બાકી છે ડોશી ? મોટા દીકરાના ઘરે પણ દીકરા છે અને એમના ઘરે પણ દીકરા છે.

ડોશી કહે : ઘણું કામ બાકી છે હજી તો, તમને ખબર નહીં પડે.

યમરાજ કહે : ડોશી વચોટ તો અમેરિકામાં છે,

એય ખાધેપીધે સુખી છે.

તો ચાલો હવે.

ડોશી કહે : ના ભૈ ના.બૌ કામ બાકી છે હજી તો.

બે-ચાર વરસ પછી આવજો.

યમરાજ કહે : નાનાને ત્યાં પણ હવે તો શાન્તિ છે બા.

એને માથે કોઈ ચિન્તા નથી,

પોતે ભણે છે

ને દીકરીને અમેરિકામાં ભણાવે છે.

દીકરો પણ નોકરી કરે છે.

હવે તો ચાલો.

ડોશી કહે : ના, મારો ટાઈમ નથી થયો હજી,

તમ તમારે જાવ. મારો ટાઈમ થશે ત્યારે હું તમને સામેથી બોલાઈ લે.

યમરાજ કહે : તો શું કામ બાકી છે ડોશી, બોલોને.

”ભૈ, પેલો વચલાં ઘરાંવાળો પૂંજીયો

વાલોળનું શાક આલી જ્યો સ.

એ શાક કરવાનું સ

અને એને પણ વાડકી આલવાનું સ”, ડોશીએ કહ્યું.

એ સાંભળતાં જ યમરાજા પાછા ગયા.

એઓ હજી પણ રાહ જુએ છે

પેલો વચલાં ઘરાંવાળો પૂંજીયો

ડોશીને શાક આલતો બંધ થાય એની.

.

( બાબુ સુથાર )

આ મુજબ – મુકેશ જોષી

આપને જોયા પછી જે કંઈ થયું તે આ મુજબ

આંખ લૂછી તે છતાં જે રહી ગયું તે આ મુજબ

.

બે’ક પંખી, બે’ક વાદળ, સૂર્યને બદલે દીવો

આટલું આકાશ કોઈ દઈ ગયું તે આ મુજબ

.

‘આપ મારી જિંદગી છો’ સો વખત ગોખ્યું હતું

સો કરી વાતો છતાં જે રહી ગયું તે આ મુજબ

.

એક શીશીમાં સુગંધીદાર ડૂસકાંઓ રડે

મોગરાનું ફૂલ અત્તર થઈ ગયું તે આ મુજબ

.

સૂર્ય વેચી મેં ખરીદી રાત પૂનમની અને

કોઈ મારો ચાંદ લઈ ગયું તે આ મુજબ

.

( મુકેશ જોષી )

રોજ સૂરજ આથમે છે – નીતિન વડગામા

આભનો દરિયો તરીને રોજ સૂરજ આથમે છે,

પાંદડાં માફક ખરીને રોજ સૂરજ આથમે છે.

.

રોજ ઊગીને સજા એ ડૂબવાની ભોગવે છે,

તોય પણ હાથે કરીને રોજ સૂરજ આથમે છે.

.

આગ વરસાવે બપોરે, એ જ પાછો સાંજ વેળા,

સાવ ઝીણું ઝરમરીને રોજ સૂરજ આથમે છે.

.

ગાઢ સગપણ તોડવું પણ એમ તો સહેલું નથી કૈં,

વાદળોને કરગરીને રોજ સૂરજ આથમે છે.

.

તારવે છે એક મોટું તથ્ય એ હળવે રહીને,

પાંગરીને-ઊછરીને રોજ સૂરજ આથમે છે.

.

( નીતિન વડગામા )