દરિયાકાંઠે
હાથમાં હાથ ઝાલી
ચાર આંખો નિહાળે સૂર્યને
અસ્ત થતાં બે હથેળીઓ વચ્ચે ઉષ્મા
ધબકતા નવા સહઅસ્તિત્વની
રોમેરોમમાં ફેલાય ઉષ્મા
હવે સૂર્યની શોધ
પરસ્પરની આંખોમાં
( ધર્મેશ ભટ્ટ )
દરિયાકાંઠે
હાથમાં હાથ ઝાલી
ચાર આંખો નિહાળે સૂર્યને
અસ્ત થતાં બે હથેળીઓ વચ્ચે ઉષ્મા
ધબકતા નવા સહઅસ્તિત્વની
રોમેરોમમાં ફેલાય ઉષ્મા
હવે સૂર્યની શોધ
પરસ્પરની આંખોમાં
( ધર્મેશ ભટ્ટ )
છે-ની બારીમાંથી સામે
કદાચ
લીમડાભાઈ લહેરાય છે
મંજરીઓના મઘમઘતા થર આવીને
કદાચ
હાલક ડોલક નાક સુધી પથરાય છે
ડાળ પરે કોઈ અજાણ્યું પંખી
કદાચ
ઉત્કટ એકલતાને ગાય છે
પાંદડાં પવનરહિત રૂપેરી તડકામાં
ફરફર ફરફર ન્હાય છે
ઘોળીને ચૂસેલી પડી ગયેલી પક્વ લીંબોળીનો
મીઠો કડવો સ્વાદ
કદાચ
અધરોષ્ઠના ચસકારામાં સંભળાય છે
ટબ્બા જેવીના સ્પર્શમાં ટેરવાં
કદાચ
રણઝણ રણઝણ થાય છે
છે
છે-ની હાલક ડોલક સ્મૃતિઓમાં
કદાચ
છે-ને તાકે છે…ચાખે છે…સૂંઘે છે…સ્પર્શે છે…
એવું
છે-ને
ઊંઘ ભરેલાં ઝોકામાં લયભર
કદાચ
લાગે છે.
( લાભશંકર ઠાકર )
મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારોય એક જમાનો હતો કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?
માની રહ્યો છે જેને જમાનો જીવનમરણ,
ઝગડો એ ‘હા’ ને ‘ના’ નો હતો કોણ માનશે?
મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ
એ પણ સમય નશાનો હતો કોણ માનશે?
હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે?
( રુસ્વા મઝલૂમી )
મા, મારા જીવતદાન માટે
ઠાકોરજીને ક્યાં સુધી ધર્યા કરીશ
આંસુઓના થાળ?
તને ખબર તો છે જ કે
બહેરી થઈ ગયેલી મારી કરોડરજ્જુમાં
ક્યારેય લીમડાની કૂંપળો ફૂટી શકી નથી
છતાંય તું બ્રાહ્મણોને મૃત્યુંજયના જપ
કરવાનું શા માટે કહે છે?
હવે તો ટેબલેટ્સ ગળવાથી પણ
જ્ઞાનતંતુમાં થીજેલા પતંગિયાઓ
ઊડી શકે તેમ નથી
ને ઊલટાના આવે છે મૃત્યુના વિચારો.
એટલે તો કહું છું કે
શીશીમાં રહી-સહી દવા ઢોળી નાખ
મને મારા લોહીના બળવાની વાસ આવે છે.
હવે બની શકે તો-
આ પલંગ પર ખેતરની માટી પાથરી દે,
માથા પરથી છત ઉડાડી દે,
આકાશને કહે-અહીં આવે
આ દીવાલોને ખસેડીને લઈ જા,
વૃક્ષોના હસતા ચહેરાઓને બોલાવી લાવ
(પ્લીઝ, ડોકટરને નહીં)
મારી પીઠ પર લગાડેલી
આ સ્ટ્રીપ્સ ઉખેડી લે,
પંખીઓને કહે-અહીં આવી બેસે,
કપાળ પરથી હઠાવી કે મીઠાનાં ભીનાં પોતાં,
શિશુઓ જેવાં વાદળોને બોલાવી લાવ-
મારા વાળમાં ભીની હથેળીઓ ફેરવે…
અને ફરી વાર કહું છું
આ ટેબલ પરની શીશીઓમાંથી-
દવા ઢોળી નાખ
ને તારાં સ્તનોનું
પહેલાંનું તાજું દૂધ પા
-કદાચ હું જીવી જઈશ!
( મહેન્દ્ર જોશી )
આ ચરણ હવે તો થાક્યા!
જીવતરના આ જટાઝૂટ જંગલમાં કાંટા વાગ્યા!
આ ચરણ હવે તો થાક્યા!
ખટમીઠા સહુ સ્વાદ સરીખા અક્ષર ત્રોફી જોયા
વળગેલી માયાના મણકા શત શત જોખી જોયા
ભાર કશોયે નહીં તોય આ મણકામાં ભરમાયા!
આ ચરણ હવે તો થાક્યા!
સાત સમંદર પાર કર્યાના પડઘમ ભીતર વાગે
નામ વિનાની નદી બિચારી કોક મળસ્કે જાગે
હલેસાં હારી-થાકીને દૂર દૂર જઈ ભાગ્યા!
આ ચરણ હવે તો થાક્યા!
પ્રસ્વેદોની પીડા ભરચક અંગઅંગમાં કણસે
અશ્રુઓનાં ઓઘ હજીયે દશે દિશાથી વરસે
નયન હજીયે જોયા કરતા વરસોના પડછાયા!
આ ચરણ હવે તો થાક્યા!
( રમણ વાઘેલા )
એક ક્ષણનું આપણું મળવું અને એવું બધું
ને યુગોનું એમ ખળભળવું અને એવું બધું
આમ દરિયા ને ક્ષિતિજની વાત તો અંગત હતી
ડૂબતા સૂરજનું સાંભળવું અને એવું બધું
પારદર્શક ઓરડામાં બંધ આ બપ્પોર છે
સાંજનું ધુમ્મસમાં ઓગળવું અને એવું બધું
કારમી દ્વિધા હતી સંબંધની ઓળખ વિશે
પાર્થનું અંતે પછી લડવું અને એવું બધું
( નીતિન વડગામા )
માર હલેસાં જીવનને, મંઝિલની હજી દૂરી છે
શ્વાસોમાં વહાલપ બાકી કે ઈશ્વરની મજબૂરી છે
હોય ઉષા કે સંધ્યા, દિશા ભલે ઉત્તર દક્ષિણ
બિન્દાસ્ત બની તું જીવી લે જે ક્ષણો બની સિંદૂરી છે
મંદિરની મૂરતમાં જ્ઞાની શોધે તું કોની સૂરતને
ખુદની ઓળખ માટે સિર્ફ દર્પણનું હોવું જરૂરી છે
તોડી દે મયખાનું આજે, સાથે જામ સુરાહીને
શરાબને લત લાગી મારી, મારી જ સંગત બૂરી છે
પ્રતિબિંબ આપે છે વર્ષોથી એક સંદેશો આંખોને
સમજો તો છીએ નીકટ ઘણાં નહીં તો જોજનોની દૂરી છે
( નિલેશ રાણા )
ઘૂઘવતા ઝાંઝવાઓમાં તરવાની વાત છે
માયાને સામે કાંઠે ઉતરવાની વાત છે
સૂરજને પાછો આઈનો ધરવાની વાત છે
ઝળહળતા કોઈ શહેરમાં તરવાની વાત છે
મોતી હો, છીપ હો કે હો પરપોટો છેવટે
ડૂબી જઈને પાછા ઊભરવાની વાત છે
ખોદ્યા કરું છું શબ્દને ઊંડે સુધી સતત
કેવળ સમયનો ખાલીપો ભરવાની વાત છે
વિસ્મય કળીનો આંખ ઉઘાડીને સાંભળે
કે ભર વસંતે ડાળથી ખરવાની વાત છે
ઘરમાં અટૂલા એકલા એકાંતના ખૂણે
બારીથી, બારણાંઓથી ડરવાની વાત છે
આ જીવને શરીરથી છૂટા પડ્યા પછી
અવકાશમાં અનંત વિહરવાની વાત છે
( આદિલ મન્સૂરી )
રહ્યા આંખ વચ્ચે જિગરમાં ન આવ્યાં,
વળોટીને ઉંબર એ ઘરમાં ન આવ્યાં.
કહે છે કે એ બધાને જુએ છે,
અમે કેમ એની નજરમાં ન આવ્યાં?
મને પ્રશ્ન પેલી તળેટી કરે છે,
તમે કેમ પ્રહરમાં ન આવ્યાં.
બધાને સુરાનું ચડ્યું ઘેર ઘેરું,
મને એક એની અસરમાં ન આવ્યાં.
વિકટ, અતિવિકટ, દોસ્ત આવ્યા વળાંકો,
સરળ મોડ મારી ડગરમાં ન આવ્યાં.
ઘણા આમ તો ટૂંકા રસ્તા હતા પણ,
મને કામ એક્કે સફરમાં ન આવ્યાં.
ગઝલ એ નહીં તો સુભાષિત ગણાયાં,
મને જે વિચારો બહરમાં ન આવ્યાં.
ડરી કંટકોથી ગયાં એ ગયાં બસ,
ફરી ફૂલ મારા નગરમાં ન આવ્યાં.
પછી ‘રાજ’ ફળશે નહીં તો થશે શું?
મને સ્વપ્ન બસ એ જ ડરમાં આવ્યાં.
( રાજ લખતરવી )