આપણા સંબંધનું – જ્યોતિષ જાની

આપણા સંબંધનું

તારે કોઈ નામ આપવું

હોય તો-

તને ગમતા કોઈપણ એક ફૂલનું

નામ આપજે!

ફૂલ ખરી પડે

એ પહેલા

એની સુગન્ધથી

નિરંતર છલકતો દરિયો હું બની જઈશ!

( જ્યોતિષ જાની )

ધીમે ધીમે ઢાળ ઊતરતી – રમેશ પારેખ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ

અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

અડખેપડખેના ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં

એકલદોકલ કોઈ ઊછળતું સસલું દોડી જતાં ઝાંખરા પરથી પર્ણો ખરતાં

તરે પવનના લયમાં સમળી તેના છાંયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એક સામટું

પાંખ વીંઝતું હવા જેવડું થાય

ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ

ઝાડ ભૂલ્યાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

( રમેશ પારેખ )

ખબર નથી – આહમદ મકરાણી

વરસો સુધી જીવો છતાં પળની ખબર નથી,

અસ્તિત્વના દરિયા તને તળની ખબર નથી.

જીવન મહીં છે કેટલા ઉત્સાહની ખપત?

નહિતર જુઓ હનુમંતને બળની ખબર નથી.

યમ તો બિછાવે ફાંસલા માનવજીવન મહીં,

બેખૌફ થૈ માનવ જીવે, છળની ખબર નથી.

ક્યારે થતું એ બંધ ને ક્યારે ખૂલી જતું,

આ દ્વારને તો કોઈ સાંકળની ખબર નથી.

જીવ્યા કરું છું હું, કશી પણ જાણ ક્યાં મને,

વૃક્ષો કને તો એક પણ ફળની ખબર નથી.

( આહમદ મકરાણી )

ધીરે ધીરે – દિનકર સોની

પ્રણયની શરૂઆત થઈ ધીરે ધીરે;

સ્વપ્નમાં મુલાકાત થઈ ધીરે ધીરે.

સમય પણ ટેરવે સરકી રહ્યો છે;

વાતમાંથી વાત થઈ ધીરે ધીરે.

સાંજની લાલાશ ઓગળતી રહી છે.;

ને સુહાની રાત થઈ ધીરે ધીરે.

ભીંત પર પડછાયો ફેલાયા કરે છે;

અશ્રુની સોગાત થઈ ધીરે ધીરે.

જિંદગી દાવ પર લાગી ગઈ છે;

હર કદમ પર માત થઈ ધીરે ધીરે.

શ્વાસોની ધડકન રંગોલી સજાવે;

મૃત્યુની નવી ભાત થઈ ધીરે ધીરે.

( દિનકર સોની )

માણસ – કલ્યાણી મહેતા

સદા શુષ્ક રણમાં રઝળતો છે માણસ

અને મૃગજળોમાં પલળતો છે માણસ

છે આશા, મળી જશે સુખની સવારો

દીવા જેમ કાયમ સળગતો છે માણસ

કરે કોણ વિશ્વાસ એનો જગતમાં

દીધેલાં વચનથી છટકતો છે માણસ

કદી જીત થાશે અહીં સત્ય કેરી

મસીહા બનીને લટકતો છે માણસ

એ મંઝિલની આશે વિતાવીને જીવન

યુગોના યુગોથી ભટકતો છે માણસ

( કલ્યાણી મહેતા )

ક્યાં ગયું મારું હૃદય? – કિસન સોસા

મેઘની સાથે છવાતું ક્યાં ગયું મારું હૃદય?

ને પપીહા જેમ ગાતું ક્યાં ગયું મારું હૃદય?

નેવની જલધારના તારે રણકતું રાતભર;

વાયરે વ્યાકુળ વાતું ક્યાં ગયું મારું હૃદય?

ફૂલ પેખી ફૂલ જેવું ખીલી ઊઠતું મહેક મહેક;

ને પલક-છાબે ઝિલાતું ક્યાં ગયું મારું હૃદય?

કેટલા ભય..શોક..દ્વિધાથી હવે રૂંધાયેલું-

મુક્ત શ્વાસે મુસ્કુરાતું ક્યાં ગયું મારું હૃદય?

પેટમાં પથરો પડ્યો હો એમ છાતીએ પડ્યું

બુન્દ-સ્પર્શે શેરડાતું ક્યાં ગયું મારું હૃદય?

વાછટે ભીંજાતો ભાળી કોઈ ખૂણામાં યતીમ;

કમકમી જાતું, ઘવાતું ક્યાં ગયું મારું હૃદય?

મેડી અજવાસે સભર છલકાવતું ને બારીએ-

બાંધણી થઈને સુકાતું ક્યાં ગયું મારું હૃદય?

( કિસન સોસા )

ઉદાસી આ સૂરજની – ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે

તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે

મને ઉંબરે એકલો છોડી દઈને

હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે

અનુભવ છે દરિયાના તોફાનનો પણ

આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે

લખ્યું તું કદી નામ મારું તમે જ્યાં

મધુમાલતી એ જ ભીંતે ચઢી છે

ઘણાં રૂપ લઈ લઈને જન્મે છે સીતા

હવે લાગણી પણ ચિતાએ ચઢી છે

જરા ગણગણી લઉં તમારી સભામાં

ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે

( ભગવતીકુમાર શર્મા )

તારા શહેરમાં – મધુસૂદન પટેલ

રહી ગયા સડકો ઉપર ગુલમ્હોર તારા શહેરમાં,

ને કરે ઘરને સુશોભિત થોર તારા શહેરમાં.

મેં દીધેલા સાદને બિનવારસી માની લીધો,

કેટલો નિષ્ઠુર છે આ શોર તારા શહેરમાં.

ગામડેથી બાતમી હમણાં મને એવી મળી,

એક દિલના હોય છે બે ચોર તારા શહેરમાં.

વાયરા વરસાદના આવે અને લાગે મને,

વાયરાને પણ ફૂટે છે ન્હોર તારા શહેરમાં.

બસ મધુની લાગણી એ કારણે જીવતી રહી,

એક દિ જોયો અચાનક મોર તારા શહેરમાં.

( મધુસૂદન પટેલ )

સવારે બાજરીના ડૂંડે – પ્રીતમ લખલાણી

સવારે બાજરીના ડૂંડે મસ્તીથી રમતાં

બે ચાર પંખીઓ…

મને જોતાં જ ફરર કરતાં આભમાં ઉડી ગયા

દી આખો હું

ખેતરને શેઢે લમણે હાથ મૂકીને વિચારતો રહ્યો

કે

હવે ક્યારે સાંજ પડે

અને હું મને ઘરે જઈને અરીસામાં જોઉં

કે કઈ ક્ષણે હું

માણસમાંથી ચાડિયો થઈ ગયો!!

( પ્રીતમ લખલાણી )

પહેલા હતું એ – કિરાત વકીલ

પહેલા હતું એ આજનું વાતાવરણ નથી

રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી

તેં જે નથી કહી એ બધી વાત યાદ છે

તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી

પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર

કહેતા હતા મને કે કોઈ આવરણ નથી

હું છું તમારી પાસ ઉપેક્ષાની રીત આ

આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી

અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ

દુનિયામાં માત્ર એકલાં રેતીના રણ નથી

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા

શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી

( કિરાત વકીલ )