આકાશમાં વાદળાં-નીતા રામૈયા

આકાશમાં વાદળાં

તળાવમાં કમળની કળી

હવામાં તરતાં ઘાસનાં તણખલાં

જાંબુડાની ડાળીએ વળગેલો કલશોર

ને સોડમાં જંપેલું બાળક

ક્યારેક કંઈક બનશેની અપેક્ષામાં

થોડી થોડી વારે આવું બધું

જોયા કરું છું

હાથગાળી નીચે સૂતેલા શ્વાનની જેમ.

 

( નીતા રામૈયા )

દિવસો જુદાઈના-ગની દહીંવાલા

દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી;

મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી,

ફકત આપણે તો જવું હતું, બસ એકમેકના મન સુધી.

હજી પાથરી ન શક્યું સુમન, પરિમલ જગતના ચમન સુધી,

ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જિંદગી,

ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,

જો અરજ કબૂલ હો આટલી તો હ્રુદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!

તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હ્રદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ ક્રુપા કરી,

કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

( ગની દહીંવાલા )

આનંદનું મહોરું પહેરીને-માધુરી દેશપાંડે

આનંદનું મહોરું પહેરીને દુનિયાને હસાવી જાણું છું

હે ખુદા! કહે તું જ હવે હું કેવું નિભાવી જાણું છું

નિશ્વાસભર્યા આ સંસારે જો બે ઘડી શ્વસવાય મળે

શ્વાસોના સુંદર ઉપવનનું ગોકુળ બનાવી જાણું છું

રાધાની મળે જો ગાગર તો યમુના નદી કૈં દૂર નથી

વિરહના લાંબા અણસારે હું સૂર સજાવી જાણું છું

ડોકાઈ શકું જો શબ્દ બની ગીતોની રમઝટ જામી જશે

આરોહ તમે જો છેડી લો અવરોહ જમાવી જાણું છું

( માધુરી દેશપાંડે )