પસંદગી – ઉદયન ઠક્કર

.

એક તરફ સૂરજ, બીજી તરફ વીજળી.

 .

સૂરજ એટલે કેલેન્ડરનો ડટ્ટો

સવારે ઊગે, સાંજે ફડાઈ જાય

ક્યાં હશે, ક્યારે હશે-

બધું જ નક્કી

‘વર્ક ટુ રુલ’નું જાણે રોજિંદુ આંદોલન.

 .

સૂરજ

ઝાકળમાં મોં ધોતાં ધોતાં મોડો પડ્યો

કે તડાક કોચલે બહાર નીકળતા

અબાબિલના બચ્ચાને જોવા રોકાઈ ગયો

એવું સાંભળ્યું છે કદી ?

 .

ગ્રહણ તો ગોઠવાય

પણ છૂટવાની પૂર્વશરતે,

પીળકેસરું જાદુ ફેલાવીને અલોપ તો થવાય

પણ છાપેલા સમયે.

 .

શું હશે આ વીજળી ?

વાદળોનું હસ્તધૂનન ?

ફાવે ત્યારે થાય

ન ફાવે ત્યારે પણ.

એના થવાથી બળ્યો શો ફાયદો ?

ક્યારેક ભીંજવી દે, ક્યારેક ભૂંજી દે.

ચીરી નાખે આકાશને ચૂપચાપ

પછી જ બોલે.

ગમે.

પણ બે ઘડી બાંધીને સાથે ન રખાય.

 .

…કહો, તમે નાતે કેવા ? સૂરજિયા કે વીજળિયા ?

 .

( ઉદયન ઠક્કર )

લખજે – મણીલાલ હ. પટેલ

.

અંદરના અજવાળે લખજે

સંત કબીરની સાળે લખજે

 .

ઊભી વાટે આડા ડુંગર

દાવાનળની ફાળે લખજે

.

મેઘ અષાઢી ઘાસ શરદનાં

ટેકરીઓના ઢાળે લખજે

 .

સોળ વર્ષની વાત લખે તો

ગુલમોરોની ડાળે લખજે

 .

સ્મિત ઝિલાયાં છીપ વચાળે

યાદોનાં પરવાળે લખજે

 .

કંકુચોખા ગોરજ વેળા

ફૂલેલા ગરમાળે લખજે

 .

તાપ તરસ ને આગ લોહીમાં

કોણ રોજ આ બાળે લખજે

 .

ટળવળતી ઈચ્છાની વાતો

પંખીઓના માળે લખજે

.

ભૂખ્યો પોપટ તરસ્યો પોપટ

ભર્યાં સરોવર પાળે લખજે

 .

મૂલ્ય વગરના મોજ કરે છે

કળિકાળના કાળે લખજે

 .

( મણીલાલ હ. પટેલ )

ખોતર – કૃષ્ણ દવે

.

ખોતર

હજી વધારે ખોતર

બે આંખે ધસમસતું જે કંઈ ઊંડે ઊંડે છેક જ ઊંડે-

મળશે એનું ગોતર

….ખોતર-

 .

આ માથે ઘનઘોર ઘટાને હજી ખેડવું બાકી ?

એક પછીથી એક બધા સંબંધો ઊભા થાકી ?

કોની રાહ જુએ છે ? જોતર સ્વયમ જાતને જોતર

….ખોતર-

 .

તો જ પુષ્પની પાંદડીઓનોરંગ શ્વાસમાં ચડશે.

પર્વતને પણ છેક મૂળમાં જઈ ઓગળવું પડશે.

તારામાંથી તું જ મળેના એમ તને તું કોતર

….ખોતર-

 .

ભીતર કંઈક વહે તો એને પથ્થર પણ પ્રગટાવે

આ તો અવસર છે કુંપળનો કહે કોણ ના આવે ?

દૂર દૂરના આ વૃક્ષોને જઈ સાગમટે નોતર

….ખોતર-

 .

( કૃષ્ણ દવે )

ફાઈવ સ્ટાર હોટલની સાંજ – મોના કાણકિયા

.

કોઈ એક ફાઈવ સ્ટાર હોટલના

સ્વીમિંગ પૂલની છેડે

બેસી નિરાંતે દમ ભરીને

પીધેલા બિયરની એ ઘૂંટની સાથે

અંદર ભરાયેલા, વિખરાયેલા ને

ઊમટેલા

લાગણીના કાટમાળને

બહાર કાઢવાનો

ને પછી

એના પર કોઈ એક

કાવ્ય લખી

એક મનુષ્ય તરીકેની ઈમેજ ઉપસાવવાની

અને પાછા,

વધુ એક બિયરના ઘૂંટ સાથે

સૂર્યાસ્ત થતો જોઈ

એના રંગોમાં વિલીન થઈ જવાનું

ક્યાંય સુધી !!

ને પછી,

દરિયાની એ મોજમસ્તી

સાથે મસ્ત થઈ

મનુષ્ય સમા આ દેહને

ક્યાંય સુધી

રમાડ્યા રાખવાનું !!!!

 .

( મોના કાણકિયા )

ઝીલી લે – દિનેશ ડોંગરે “નાદાન”

.

આગિયાની જાત છું અંધાર ઝીલી લે,

જિંદગી પડકાર છે પડકાર ઝીલી લે.

 .

તું અડગ યોદ્ધા સમો આ યુદ્ધભૂમિમાં,

શસ્ત્ર હાથોમાં ઉઠાવી વાર ઝીલી લે.

 .

પોતપોતાના ગજાની વાત છે સઘળી,

છે કૃપાઓ એની અનરાધાર ઝીલી લે.

 .

બાગમાં હરએકને ફૂલો નથી મળતાં,

ભાગ્યમાં જો ખાર છે તો ખાર ઝીલી લે.

 .

આયખાનો એ પછી ઉદ્ધાર છે “નાદાન”,

ભીતરેથી આવતો અણસાર ઝીલી લે.

 .

( દિનેશ ડોંગરે “નાદાન” )

પંખીઓ વિશે – જયન્ત પાઠક

.

૧.

ખરાં છો તમે !

નહીં કામ, નહીં કાજ

ને તોય અંધારે અંધારે ઊઠી જાવ છો,

-માત્ર ગાવા જ !

 .

૨.

પંખીઓ કવિતા જેવાં છે :

ચાલે છે ઓછું, ઊડે છે ઝાઝું !

 ,

૩.

વૃક્ષો ને ઈમારતો વચ્ચેનો

ભેદ

ભૂલી જવા લાગેલાં

આ પંખીઓ !

.

૪.

આ પંખીઓ

ઊડવાનું બંધ કરી દે

તો શું થાય !

આકાશવાણીનો

સંદેશવ્યવહારનો

આખો કાર્યક્રમ જ રદ થઈ જાય !

 .

૫.

પંખીઓ !

એકાદ દિવસ માટે તો મને

તમારો કંઠ, તમારી પાંખો આપો-

ભાષાથી

તરડાઈ ગયો છે મારો કંઠ

માટીથી

ખરડાઈ ગયા છે મારા પગ.

 .

( જયન્ત પાઠક )

મધ્યરાત્રિએ આવતી – સુરેશ દલાલ

.

મધ્યરાત્રિએ આવતી રાતરાણીની મ્હેક જેવી તારી યાદ

અંધારામાં હળુહળુ કંડારે છે એક કોમળ શિલ્પ.

પથારીમાં પડેલો હું એને જોયા કરું છું નિ:સ્તબ્ધતાથી.

ઝાકળથી જન્મેલી એની આંખો જાણે કે હમણાં જ હસી પડશે.

બિડાયેલા હોઠમાંથી એકાએક પ્રગટશે સૂર્યનો લાલ રંગ

અને આખા ચહેરાને અજવાળતો એ કંકુ થઈને મ્હોરી ઊઠશે.

જરાક પણ જો એનાં ચરણ હલચલ થાય તો હવામાં ઝાંઝરના રોમાંચનો રંગ.

 .

ખુલ્લાં સ્તનોમાં આષાઢના વાદળની જેમ ચાંદની ઘેરાઈ રહી છે.

આંગળીઓમાં ટહુકે છે સ્પર્શનાં રેશમી પીંછાઓ

અને થીજેલા ગીત જેવું મારું મૌન મલ્હાર થઈને વરસી પડે છે.

શયનખંડની બારી ઉપર ટપકતાં ફોરાંઓના ધ્વનિનું ચિત્ર

અને પવનથી ચિરાઈ જતો પડદાઓની ઘંટડીઓનો ઘેરો અજંપો.

શયનખંડના દર્પણમાં ભીંસાઈને સંતાતાં આપણે બે

અને દર્પણની બહાર વિસ્મય અનુભવતી રાતરાણીની મ્હેક !

 .

( સુરેશ દલાલ )

ક્યારે પાછા આવશે – ખલીલ ધનતેજવી

.

એકલા છોડી ગયા તે ક્યારે પાછા આવશે,

દૂર જઈ ભૂલી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

જે તરસ લઈને ફરે છે, એ કિનારે આવશે

ઝેર જેવું પી ગયા તે તે ક્યારે પાછા આવશે.

 .

આ ધરા ફણગાશે, લીલીછમ ફરી થાશે કદી,

મૂળથી ઊખડી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

જે થયા પરલોકવાસી, રોઈ નાખ્યું એમનું,

પણ ફક્ત રૂઠી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

દૂરથી પાછા ફરે એ સ્હેજ મોડા પણ પડે,

ઉંબરે અટકી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

વૃક્ષ ધરખમ છે ને એને કૂંપળો ફૂટશે નવી,

પાંદડાં તૂટી ગયાં તે ક્યારે પાછા આવશે.

.

મેં ખલીલ આવ્યા ગયાની નોંધ પણ રાખી નથી,

શી ખબર ઊઠી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

( ખલીલ ધનતેજવી )

હું તો પહેલા વરસાદથી – રમેશ પારેખ

.

હું તો પહેલા વરસાદથી ભીંજેલી હો શ્યામ, મારે જાવું ક્યાં જાવું રે બોલ ?

 .

જોઉં તો ભાનસાન પાણી વિના ય

તૂટી પડતા વરસાદ સમા લાગે

ઝીલવા જઉં તો કેર કાંટાની જેમ

રાજ, મારો સહવાસ મને વાગે

 .

ચોમાસુ બેસવાને આડા બે-ચાર માસ તો ય પડે ધોધમાર હેલી

 .

હું રે ઉનાળાની સાંકડી નદી ને

તમે મારામાં આવેલું પૂર

ઝાડથી વછોઈ કોઈ ડાળખીને

જાણે કે પાંદડાંઓ ફૂટ્યાં ઘેઘૂર

 .

ભીનોચટ્ટાક સાદ પાડે છે મોર પછી ખોલું કે બંધ કરું ડેલી ?

 .

( રમેશ પારેખ )

પ્રેમ જ લખાશે – ‘રાઝ’ નવસારવી

.

તારા ગયા પછીનું હું વાતાવરણ લખું,

સંબંધને ઉલેચતી એકેક ક્ષણ લખું.

 .

એકાન્ત છે ને સામે પ્રસંગોની ભીડ છે,

મૂંઝાઉં છું કે તમને કયા સંસ્મરણ લખું ?

 .

દિવસ ને રાત તારા અરીસા બની ગયા,

એક જ છબી નિહાળતું હું જાગરણ લખું.

 .

સંબંધનાં છે ઝાંઝવા, છલનાની રેત છે,

દિનરાત પાંગરે છે જે મારામાં રણ લખું ?

 .

બારાખડી સમાઈ અઢી અક્ષરોમાં ત્યાં,

પ્રેમ જ લખાશે ‘રાઝ’ ભલે કાંઈ પણ લખું.

 .

( ‘રાઝ’ નવસારવી )