એ કોણ છે ? – દિનેશ ડોંગરે ‘નાદાન’

.

સૂર્ય જેવું ઝળહળે એ કોણ છે ?

મીણ માફક ઓગળે એ કોણ છે ?

 .

આંગણે જેના પડે પગલાં પછી,

ઘરની ભીંતો સળવળે એ કોણ છે ?

 ,

સ્હેજ અમથોયે મને જોઈ ઉદાસ,

રાત આખી ટળવળે એ કોણ છે ?

 ,

આંખ-મન-નાભી લગોલગ ઊતરી

રક્તની ભીતર ભળે એ કોણ છે ?

 .

સાંજ શણગારો સજી બેસે અને,

જઈ ક્ષિતિજોમાં ઢળે એ કોણ છે ?

 .

( દિનેશ ડોંગરે ‘નાદાન’)

મીરાં ચૂપ થઈ – સુરેશ દલાલ

.

ઘૂંઘટપટની ઘુઘરિયાળી વાત ગગનમાં ધૂપ થઈ,

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

 .

મોરપિચ્છનો રંગ શરીરે ભયો ભયો થઈ વહેતો

મુરલીનો એક સૂર મીટમાં થીર થઈને રહેતો

યમુનાજલની કુંજગલનમાં મીરાં છૂપ થઈ

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

 .

ઝેરકટોરો, પ્રેમકટારી અને હેમની ગાગર,

કાંઈ કશો નહીં ભેદ હવે તો સાંવરિયાનો સાગર;

વ્રજવૈકુંઠના વૃંદાવનમાં મીરાં શ્યામનું રૂપ થઈ;

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

 .

( સુરેશ દલાલ )

કશું નકામું નથી – રઈશ મનીઆર

.

અરણ્ય, પંથ કે નડતર કશું નકામું નથી

રતન કે ધૂળ કે કંકર કશું નકામું નથી

 .

પડાવ, થાક, ત્રિભેટો, ભુલામણી ઠોકર

સફરના અંશ છે, આખર કશું નકામું નથી

 .

એ બેઉ વિશ્વોની લીલાને મનભરી માણો

અહીં બહાર કે અંદર, કશું નકામું નથી

 .

કોઈનું થાય છે ઘડતર, કોઈ રહે પડતર

અહીંના શિલ્પ કે પથ્થર, કશું નકામું નથી

 .

ફરજ જુઓ ન ગૂંથાવા અને ચૂંથાવામાં

સ્વીકારો પુષ્પ કે અત્તર, કશું નકામું નથી

 .

કદીક મન થશે અણનમ સરોને ઝુકવાનું

આ પથ્થરો અને ઈશ્વર, કશું નકામું નથી

 .

ભલે ને હમણાં કશું વ્યર્થ લાગતું હો તને

એ ધરશે અર્થ નિરંતર, કશું નકામું નથી

.

( રઈશ મનીઆર )

રોકાણ થાતું જાય છે – ‘વિવશ’ પરમાર

 

.

જેમ તારી યાદનું નિર્માણ થાતું જાય છે,

આંસુઓથી આંખનું ધોવાણ થાતું જાય છે.

 .

રોજ મારી ભીતરે રમખાણ થાતું જાય છે;

કોણ છે ? જેના તરફ ખેચાણ થાતું જાય છે ?

 .

કંઠમાં થંભી ગયું છે એક ડૂસકું જ્યારથી;

આ હૃદયમાં ત્યારથી પોલાણ થાતું જાય છે.

 .

તાગ મેળવવા મથામણ જ્યાં કરું છું એમ કૈં;

જખ્મનું મારા વધુ ઊંડાણ થાતું જાય છે.

 .

સ્વપ્ન છે કે છે હકીકત કૈં ખબર પડતી નથી;

આંખ ખોલું કે તરત બીડાણ થાતું જાય છે.

 .

કોઈ ગેબી સાદનો ગિરનાર પર પડઘો પડે;

દત્ત ને દાતારનું જોડાણ થાતું જાય છે.

.

કુંડ દામો ને તળેટીમાં કોઈ અંજળ હશે;

ગોદમાં ગિરનારની રોકાણ થાતું જાય છે.

 .

( ‘વિવશ’ પરમાર )

એ રીત પણ સારી નથી – પ્રજ્ઞા દીપક વશી

.

સાવ ખોટું થાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

જિંદગી લૂંટાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

 .

જીતવાની વાત પર ખુશી મનાવો ત્યાં સુધી સહુ ઠીક છે પણ જ્યાં પછી

હારથી દુભાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

 .

ઝાંઝવાનું જળ મળે એ કામના સાથે ભલે દોડી તમે રણમાં ભળો

પણ ગળું ટૂંપાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

 .

કોણ કોનું છે અહીં એ વાત તું જાણે છતાં ખોટી રીતે ગંઠાયેલા

સગપણો રહેંસાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

 .

રોજ તો ગઝલ ને ગીતે સાવ નોખું તેજ લૈ ‘પ્રજ્ઞા’ ખીલે મન આંગણે

ને છતાં અંજાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

 .

( પ્રજ્ઞા દીપક વશી )

મૂળ સોતો – ખલીલ ધનતેજવી

.

મૂળ સોતો જે ઉખાડે છે મને,

એ નવેસરથી ઉગાડે છે મને.

 .

ઊંઘના ફૂર્ચા ઊડે છે રાતભર,

તું ખરા સ્વપ્ના અથાડે છે મને.

 .

ઓળખું છું ટેરવાના સ્પર્શને,

કેમ તું પીંછું અડાડે છે મને.

 .

એ પ્રથમ ઘાયલ કરે છે, એ પછી,

એ જ ખુદ મલ્લમ લગાડે છે મને.

 .

ક્યાંક અડક્યો’તો સુંવાળા હાથને,

એ પછી ફૂલો દઝાડે છે મને.

 .

કો’ ઉમેરે મારામાં મારાપણું,

કોઈ મારામાં ઘટાડે છે મને.

 .

એક બે ડગ ચાલવાનું મન નથી,

તોય ઈચ્છાઓ ભગાડે છે મને.

.

આમ પણ હું ભાનમાં ક્યાં છું તબીબ,

કેમ તું શીશી સુંઘાડે છે મને ?

 .

આ ઊથલપાથલ ખલીલ અંદરની છે,

કોક મારામાં પછાડે છે મને !

 .

( ખલીલ ધનતેજવી )

હું માંડ છૂટ્યો છું – આહમદ મકરાણી

.

રહેવા દે મને જંજાળથી હું માંડ છૂટ્યો છું;

ઘડીભર શૂન્ય થૈ વિચારથી હું માંડ છૂટ્યો છું.

.

મને જંગલ અને ઝાડી ભીતરથી સાદ પાડે છે;

મને જકડી જતા સંસારથી હું માંડ છૂટ્યો છું.

 .

થયું કે બુદ્ધની માફક સદા નિર્લેપ થૈ જાઉં,

હૃદય બાળી જતા અંગારથી હું માંડ છૂટ્યો છું.

 .

બનીને અજનબી દેશે મને વિહાર કરવા દો;

જગતના ખોખલા વહેવારથી હું માંડ છૂટ્યો છું.

 .

બધીયે કાળની ગણના બની બેકાર જીવનમાં,

અનોખા અંકના સુમારથી હું માંડ છૂટ્યો છું.

 .

( આહમદ મકરાણી )

તું માન કે ન માન – લાલજી કાનપરિયા

.

તું માન કે ન માન, હજુ તારામાં, મારામાં અણપ્રીછ્યું ધબકે છે કોઈ.

 .

હળવેથી હાથોની તાલી મારીને તું પૂછી લે વાત વણપૂછી.

જોને જરાક તારી ભીતરા ડોકાઈને ભીની આ આંખોને લૂછી.

 .

અંતરના ખૂણામાં ઊગેલું હોય તે આપણામાં અદકેરું હોઈ.

તું માન કે ન માન, હજુ તારામાં, મારામાં અણપ્રીછ્યું ધબકે છે કોઈ.

 .

થઈને ભીનાશ મારી રગરગમાં વ્યાપીને ટપકે છે ઝાકળની જેમ.

કોળેલી કૂંપળને જાળવીને જીવ જેમ પાણી સીંચે છે કોઈ એમ.

 .

મૂળ સોતા ઉખડેલાં વૃક્ષોનાં પર્ણોમાં લીલી લીલાશ મેં તો જોઈ.

તું માન કે ન માન, હજુ તારામાં, મારામાં અણપ્રીછ્યું ધબકે છે કોઈ.

 .

( લાલજી કાનપરિયા )

લઘુકાવ્યો

૧.

એકાદ મોતી બંધાશેની આશામાં

છીપ જેવી મારી આંખ

સપનાનાં લાખો બુંદ ઝીલે છે.

પણ સપનાં તો સરી જાય છે

પાન પરના ઝાકળની જેમ !

 .

( વજેસિંહ પારગી )

 .

૨.

ડાયવોર્સ

પેપર પર

સહી કરતા કરતા

ભૂંસાઈ ગયા

સપ્તપદીના સાતેય પગલાં !!!

.

( દિનેશ કાનાણી )

 .

૩.

ખરે  બપોરે

ગાડી ખેંચી રહેલા

ભૂખ્યા ઊંટની

હોજરીમાં હાંફે છે

ધોમધખતું રણ

 .

( પુષ્કરરાય જોષી )

 .

૪.

સંબંધ તો

સાપની જેમ સરકી ગયો

ને જીવ હજી

સ્મરણોની કાંચળી આગળ

મહુવર વગાડ્યા કરે છે.

 .

( વજેસિંહ પારગી )

 .

૫.

નિષ્ઠા

.

અત્તરના રવાડે ચડેલી

સુગંધ

ફૂલોથી અલગ

રહી શકે છે;

પણ

ફૂલો કદી સુગંધથી

અલગ નથી રહેતાં.

 .

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’)

 .

૬.

રેત ભેગી જ્યાં કરું, જળ નીકળે,

એ રીતે રણ આખામાં છળ નીકળે,

અંત માટે કહો હવે શું જોઈએ;

શબ્દ ખોલું ને હળાહળ નીકળે.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

 .

૭.

મોંઘવારી

 .

હે કૃષ્ણ !

મારે તને મળવું છે,

પણ…

મારી પાસે

ચપટી

તાંદુલ નથી.

 .

(રામુ પટેલ ડરણકર )

 .

૮.

મૃત્યુ

 .

બગીચામાં

પ્રવેશનારના હાથમાં

ખાલી છાબ જોઈને

ફૂલો ફફડી ઊઠ્યાં-

અરે ! આપણામાંનું કોઈ

મૃત્યુ નથી પામ્યું;

છતાં કોણે મોકલી

આ શબ-વાહિની ?

 .

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )

પૂછશો ના શી રીતે – ખલીલ ધનતેજવી

.

પૂછશો ના શી રીતે જીવાય છે.

શ્વાસ જેવા શ્વાસ હાંફી જાય છે.

 .

તે છતાં પીંછાં સલામત છે હજી,

રોજ આ કાયા સતત પીંખાય છે.

 .

જે તમે લખતા નહોતા પત્રમાં,

એ તમારી આંખમાં વંચાય છે !

 .

હું હવે મોટા ગજાનો થઈ ગયો છું,

પીઠ પાછળ મારી વાતો થાય છે.

 .

આ બધી તારીફ રહેવા દે હવે,

અમને શબ્દોની રમત સમજાય છે.

 .

એ ભલે સંતાઈને આવે અહીં,

છેક ફળિયામાં સુગંધ ફેલાય છે.

 .

બસ ખલીલ આ અશ્રુ લૂછી લો હવે,

ત્યાં કોઈની ઓઢણી ભીંજાય છે.

 .

( ખલીલ ધનતેજવી )