http://heenaparekh.com/2009/06/24/pahelo-varsad/
પહેલો વરસાદ તે દી થ્યો’તો, સખીરી
પછી પહેલો વરસાદ કે દી થ્યો’તો
ઝાંખી પડેલી ઓઢણીને ફરી ફરી રંગી ને પહેરવાનું સુખ
એક વાર નયણામાં ભાળ્યું સખીરી હવે તક્તામાં તાકવાના મુખ
નજરુંમાં નાદ તે દી થ્યો’તો, સખીરી
પછી નજરુંમાં નાદ કે દી થ્યો’તો
સખીરી, પછી પહેલો વરસાદ કે દી થ્યો’તો
ઊભા તે મોલ સમું સુક્કાવું લઈને આ માટીની ગંધ હારુ ઝૂરવું
ગાડાં ભરીને વા’લો ચોમાસાં ઠાલવે ને તોયે અભાવને વલૂરવું
ભીનેરો સાદ તે દી થ્યો’તો, સખીરી
પછી ભીનેરો સાદ કે દી થ્યો’તો
સખીરી, પછી પહેલો વરસાદ કે દી થ્યો’તો
( સંદીપ ભાટિયા )



One Comment
ગમે એવું ગીત.