[મારા સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન બસમાં અમારી બાજુની જ સીટ પર ઉષાબેન જોષી નામના સહપ્રવાસી હતા. પ્રથમ નજરે તેઓ ગૃહિણી જેવા જ દેખાતા હતા. રોજ તેઓ દરેક સ્થળ વિશે વિગતે ડાયરીમાં નોંધ કરતા હતા. એક દિવસ તેમની સાથે તેમની આ આદત વિશે વાત થઈ તો જાણવા મળ્યું કે તેઓ લેખિકા છે અને બાળવાર્તા, નવલિકા, જીવનચરિત્ર, કવિતા, બાળકાવ્યો, ધાર્મિક લેખો અને પ્રસંગ વિષયક લેખો લખે છે. તેમના લેખો સ્ત્રી, સંદેશ, હિન્દુ મિલન મંદિર વેદ સંદેશ, શ્રી, નવસાક્ષરબંધુ, બાલઆનંદ, પા..પા..પગલી, મારે ભણવું છે અને લોકજીવન માસિક વગેરેમાં પ્રકાશિત થયા છે. આકાશવાણી દમણ પર પણ તેમની કૃતિઓ બ્રોડકાસ્ટ થઈ છે. આ બાળવાર્તા તેમના “મારો વાર્તાવૈભવ” નામના પુસ્તકમાંથી લેવામાં આવી છે જે પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી પ્રકાશિત થયું છે.]
એક ને એક અગિયાર
સ્વામી રામતીર્થ શિક્ષક હતા ત્યારની આ વાત છે. તેઓ વિદ્યાર્થીઓને ગણિત શીખવતા હતા. ઘણાં વિદ્યાર્થીઓને ગણિત વિષય નિરસ લાગતો હતો. સ્વામી રામતીર્થ ગણિત એવી રીતે શીખવતા કે વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞ્રાન મળતું.
એક દિવસની વાત છે. તે દિવસે રામતીર્થનો ગણિતનો પિરીયડ છેલ્લો હતો. વર્ગના વિદ્યાર્થીઓ ખૂબ કંટાળેલા હતાં. બધાં વિદ્યાર્થીઓ રામતીર્થને કહેવા લાગ્યા, “સાહેબ, આજે ભણવું નથી, વાર્તા કરો”. રામતીર્થે વિદ્યાર્થીઓને કહ્યું, “આજે આપણે અંકની રમત રમીએ”. વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા.
સ્વામી રામતીર્થે વિદ્યાર્થીઓને કહ્યું, “હું તમને એક પ્રશ્ન પૂછું તેનો જવાબ દરેક વિદ્યાર્થીએ પોતાના મનમાં નક્કી કરવો અને હું પૂછું ત્યારે મને જવાબ આપવો. એક વાત યાદ રાખવી કે દરેકનો જવાબ માત્ર પોતાનો જ હોવો જોઈએ. એકનો જવાબ તે બીજા પાસે ન બોલાવે. દસેક મિનીટ પછી હું તમને જવાબ પૂછવાની શરૂઆત કરીશ”. દરેક વિદ્યાર્થીએ આ વાત સ્વીકારી લીધી.
સ્વામી રામતીર્થે વિદ્યાર્થીઓને પૂછ્યું, “તમને શું ગમે? એકડો કે શૂન્ય? શા માટે? તમે મનમાં બરાબર વિચારીને જવાબ ગોઠવો”. બરાબર દસ મિનીટ પછી રામતીર્થે વારાફરતી બધાં વિદ્યાર્થીઓના જવાબ સાંભળવા માંડ્યા. સૌને સાવધ કર્યા કે આ જવાબ સાંભળીને કોઈએ પોતાના મનનો જવાબ ગોઠવવાનો નથી. મને તમારા પોતાના જ જવાબ જોઈએ છે. કોઈ વિદ્યાર્થીએ કહ્યું, “મને શૂન્ય ગમે છે કારણ કે તે લખવામાં સરળ છે”. કોઈકે કહ્યું, “મને એકડો ગમે છે કારણ કે તેમાં શૂન્ય અને વળાંકવાળી રેખા બન્ને આવે છે”. કોઈએ કહ્યું, “મને એકડો એટલા માટે ગમે છે કે તે કદમાં શૂન્ય કરતાં મોટો છે”. વળી કોઈકે કહ્યું, “શૂન્ય એકડાનું સ્થાન બદલે છે માટે મને શૂન્ય ગમે છે”. કોઈકે કહ્યું, “શૂન્યની મદદથી એકડો બને છે માટે મને શૂન્ય ગમે છે”. કોઈકે કહ્યું, “મને શૂન્ય અને એકડો બન્ને ગમે છે કારણ કે તે ગણિતના પાયાના માધ્યમો છે”. વળી કોઈએ કહ્યું, “એકડા વિનાના સો શૂન્ય નકામા છે માટે મને એકડો ગમે છે”. કોઈક વિદ્યાર્થી હોશિયાર હતો તેણે કહ્યું, “એકડો જેમ જેમ શૂન્યની ડાબી બાજુએ ખસે છે, તેમ તેમ તેની કિંમત દસગણી વધતી જાય છે જ્યારે શૂન્ય એકલું ગમે તે તરફ ખસે તો તેની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી માટે મને એકડો ગમે છે”. એક વિદ્યાર્થીએ કહ્યું એકડો એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે જ્યારે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે માટે શૂન્ય અને એકડો બન્ને ગણિતના સિદ્ધાંતનો પાયો છે”. વળી કોઈકે કહ્યું, “એક એકડો એકલો હોવા છતાં તે કિંમત ધરાવે છે જ્યારે એક શૂન્ય એકડા વિના એકલું હોય તો તેની કોઈ કિંમત નથી”. છેલ્લા વિદ્યાર્થીએ કહ્યું “એકડો અને શૂન્ય બન્ને એક રીતે તો એકબીજાના પૂરક છે પણ એકડાનું સ્થાન અને એકડાની કિંમત શૂન્ય કરતાં મોટી છે કારણ કે એકડાને તેની પોતાની કિંમત છે”.
આમ બધાં વિદ્યાર્થીઓના જવાબ સાંભળી સ્વામી રામતીર્થ ખૂબ ખુશ થયા . તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, “તમારી સૌની વાત સાચી છે. શૂન્ય અને એકડો એ બે ગણિતના પાયાના આધારસ્તંભો છે, ગણિતનું જ્ઞાન મેળવવા માટેના એ બન્ને એકમો છે. બન્નેની કિંમત અલગ છે છતાં બન્ને વ્યવહારમાં અતિ ઉપયોગી છે. એ બે વિના ગણિતનું જ્ઞાન શક્ય નથી.માણસનું મન પણ એવું જ છે. જેમ શૂન્ય અને એકડાની કિંમત જુદી છે, બન્ને પોતાના સ્થાન પ્રમાણે કિંમત ધરાવે છે તેમ માણસ પણ પોતાના વર્તનથી અને કામથી પોતાની કિંમત કરાવે છે. માણસ પોતાના કામથી મોટો બને છે. દરેક માણસના કામ સાથે તેનું નામ જોડાયેલું છે. જે માણસ સારું કામ કરે છે તેનું સ્થાન ઊંચું છે અને કિંમત વધુ છે. માણસના નામ તો તેને એકબીજાથી જુદા પાડવા માટે છે પણ કામથી માણસ મોટો બને છે અલગ તરી આવે છે. આપણે મોટા બનવા કે આપણું સ્થાન ઊંચુ બતાવવા બીજાનું મન જીતવું પડે છે, સારા કામથી જ બીજાનું મન જીતી શકાય છે. મેં મારા જ્ઞાનની વહેંચણી તમારામાં કરી છે, તમે તે જ્ઞાન ગ્રહણ કર્યું છે. મારી આપેલી કેળવણી અને તમે મેળવેલું જ્ઞાન ભેગાં થશે તો ઉત્તમ જીવન પસાર થશે, એક ને એક અગિયાર થશે”.
આમ સ્વામી રામતીર્થે બાળકોને શૂન્ય અને એકડાની કિંમત દ્વારા માણસનું જ્ઞાન અને સ્થાન પ્રમાણે મેળવાતી મોટાઈની સમજણ વિદ્યાર્થીઓને આપી. વિદ્યાર્થીઓએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું.
ઉષાબેન એસ. જોષી
[૧, શ્રુતિ એપાર્ટમેન્ટ, તીથલ રોડ, વલસાડ. ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૮૧૬]
સરસ વાર્તા. ઉષાબેન ને અમારા અભિનંદન અને સાથે સાથે આપણે પણ આવી સુન્દર વાર્તા મૂકવા બદલ અભિનંદન.
very nice story.
ખુબ જ સરસ રસદાર વાર્તા આપે મુકેલ છે.