ઈચ્છાનું તો એવું

ઈચ્છાનું તો એવું,

જાણે વૃક્ષ ઉપર પર્ણોની માફક સદાય ફૂટતાં રહેવું.

.

માંડ મળેલી ધરા ટેકીને માણસ રહે છે ઊભો

જગા મળે તો વિસ્તરતી રહે શાખ ને ખીલે ફૂલો

ઝંઝાવાતે ખરે પર્ણ તો હસતા મુખે સહેવું

ઈચ્છાનું તો એવું

.

જાતભાતના છોડ-વેલથી ભરી ભરી છે દુનિયા

નામઠામનાં છોગાં વિણ બસ એમ જ એ તો ઊગ્યાં

અગર ઢળી એ પડેય તોયે કોને જઈને કહેવું ?

ઈચ્છાનું તો એવું

.

ઈચ્છાઓનો રંગ એક છે પાનની માફક લીલો

ક્ષીણ થવા એ લાગે ત્યારે બની જાય છે પીળો

છેવટે તો ડાળી ઉપરથી ‘ટપાક’ દઈને ખરવું

ઈચ્છાનું તો એવું

.

( સંધ્યા ભટ્ટ )

3 thoughts on “ઈચ્છાનું તો એવું

  1. ખૂબ સુંદર રચના. ઇચ્છાઓ તો કાળક્રમે ખરી પડે છે. પણ જે ઈચ્છાઓ વાસનામાં પરિવર્તીત થઈ જાય છે તેનાથી છૂટકારો અતિ મૂશ્કેલ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *