જીવન સુંદર છે !

આ જીવન સુંદર છે !

ઉર-પથ્થરથી ફૂટી નીકળે રમ્ય પ્રેમનું ઝરણું;

શ્યામલ શશના ગૌર હાસ્યમાં શરદપૂર્ણ ચાંદરણું:

આ અનુકૂલ અવસર છે-

આ જીવન સુંદર છે !

.

અલ્પ વર્ણની વર્ણમાલિકા : મહાકાવ્ય અવતરતું;

સ્વલ્પ વર્ણની કાવ્યપંક્તિમાં નવચેતન તરવરતું :

તન વ્યંજન મન સ્વર છે –

આ જીવન સુંદર છે !

.

પલ પલ પર્વ અમર છે :

સુંદર સુંદરતર છે !

જવ સમદર પર સૂર્ય નવોદિત અદ્દ્ભુત કંઈ ઉદ્દભવતું;

ક્ષિતિ-નભ-વાયુ-અગન-જલ સંગમ પંચતત્વ પાંગરતું !

એ જ બ્રહ્મ-હરિ-હર છે !

આ જીવન સુંદર છે !

પલ પલ પુણ્ય પરમ છે :

સુંદર સુંદરતમ છે !

.

( અરુણ વામદત્ત )

ખાલીપાની ખાલી

ચડી છે સહુને ખાલીપાની ખાલી…

નથી કોઈના ચહેરા ઉપર…

સ્મિત ભરેલી લાલી…!

.

હાય-વોયનાં જાળાંઓની વચ્ચે ગયાં ફસાઈ,

દુનિયા નાની થઈ, રચાઈ મનની ઊંડી ખાઈ,

છોળ છલોછલ સમૃદ્ધિની,

કિન્તુ સંકોચાઈ હ્રદયની પ્યાલી…

.

સૌ રંગોની અસલ ચમકની પરખ નથી પકડાતી,

ભીતરમાંયે તંગદિલી તો સદા રહે સૂસવાતી,

વાતવાતમાં નથી આપતું,

કોઈ હવે તો હસી હસીને તાલી…!

.

( યોસેફ મેકવાન )

મને

લીલુંછમ કોણે બતાવ્યું રણ મને ?

ઝાંઝવાથી થૈ ગયું સગપણ મને.

.

રૂપનું મેં પત્રમાં વર્ણન કર્યું,

પણ રિસાવાનું કહો કારણ મને.

.

પાછલા હું બારણેથી નીકળું-

તે છતાંયે દેખતું દર્પણ મને.

.

કેટલાં વરસો પછી આવું ઘરે,

ઓળખે છે ઊડતી રજકણ મને.

.

ક્યાંક તો ઘરમાં સમય ઊભો હશે,

છૂટીને એમાંથી વાગી ક્ષણ મને.

.

( મનીષ પરમાર )

નાનીમાનું ઘર

હવે તો તે છે ઘણું દૂર

જ્યાં એક વાર મને મળી હતી પ્રેમની હૂંફ.

મૃત્યુ પામી છે એ સ્ત્રી-મારી નાનીમા.

શાંતિની બખોલમાં પાછું સરી પડ્યું છે એ ઘર.

વાંચી ન શકું એટલી નાની બાળકી હતી હું,

પુસ્તકોમાં ફરતાં’તાં ત્યારે સાપોલિયાં

ને ઠરી જતું’તું મારું લોહી ટાઢાટમ ચાંદાની જેમ.

કેટલીયે વાર કરું છું વિચાર ત્યાં જવાનો-

બારીઓની અંધ આંખોથી અંદર ઝાંખવાનો

થીજી ગયેલી ત્યાંની હવાને વાંચવાનો

કે પછી ઘોર નિરાશામાં ઘેરાયેલી હું

મુઠ્ઠીભરી ત્યાંથી લઈ આવું અંધારું,

સુવાડું તેને મારા બેડરૂમનાં બારણાંની બહાર

જાણે વિચારોમાં ખોવાઈને પડેલું કૂતરું !

રસ્તો ભૂલી હવે માગું છું

અજાણ્યા ઘરે ઘરે પ્રેમના પરચૂરણની ભીખ.

તને ખચીત જ માન્યામાં નહીં આવે વહાલા,

એક વાર રહેતી હતી હું પેલા ઘરમાં

ગૌરવ અને પ્રેમની હૂંફ સાથે.

.

કમલા દાસ (અંગ્રેજી)

અનુવાદ : ઈન્દ્રજિત

ચકમકની પોટલી

તમરાં સજાવી શોધે છે બકબકની પોટલી,

ઢોળાઈ ગઈ છે રાતમાં ચકમકની  પોટલી.

.

કાપી સતત રહી છે સમયને દિવસ ને રાત,

લટકી રહી જે ભીંત પર ટકટકની પોટલી.

.

ભાષા જુદી જ હોય છે શિશુઓના વિશ્વની,

ચકલીનું નામ હોય છે ચકચકની પોટલી.

.

બાંધે છે રાતે વસ્ત્રથી મલમલના, નભને કોણ ?

જાણે બની ગયું છે એ તારકની પોટલી !

.

એ સામે આવશે તો થશે શું, નથી ખબર;

એનો વિચાર માત્ર છે ધકધકની પોટલી.

.

ભૂલી સમય વહાલ કરે આંખ, આંખને !

વેરાઈ રહી છે, જોઈ લો ! રકઝકની પોટલી.

.

(શોભિત દેસાઈ)

અસ્તિત્વ

હું મને પાંજરામાં પૂરું છું

અને એકાદ યુક્તિથી

સ્ટોપર લગાવી દઉં છું.

હું મને ત્રાજવામાં રાખું છું

અને જુદાં જુદાં વજનથી

જોખી જોઉં છું.

બધી યુક્તિઓ નકામી છે

બધાં વજન નિરૂપાય છે.

મારું અસ્તિત્વ જ અટ્ટાહાસ્ય કરે છે

હું

વહી

જાઉં છું

બધા

નિષેધોની

સુરંગમાં થઈ

અને રૂપાંતર પામું છું.

ક્યારેક ફૂલ

ક્યારેક તલવાર

ક્યારેક … …

ક્યારેક … …

.

નિર્મલપ્રભા બરદલૈ (અસમિયા)

.

અનુવાદ : ભોળાભાઈ પટેલ

હાલી નીકળ્યા

લઈ એક ‘ઠોસ નામ’ અમે હાલી નીકળ્યા

ખાલી કરીને ગામ અમે હાલી નીકળ્યા

.

બસ ‘નામની’જ પાટી ગળે બાંધી : બાકીનાં

સહુ ભૂંસી નામઠામ અમે હાલી નીકળ્યા

.

ઘેરી વળ્યા સંબંધ : અતિ કરગર્યા છતાં

સહુને કરી પ્રણામ અમે હાલી નીકળ્યા

.

દિવસે નહીં નિરાંત નહીં નિંદ રાતના

વિશ્રામ ના વિરામ અમે હાલી નીકળ્યા

.

ગોઠ્યું નહીં પ્રયાગમાં કે નાથદ્વારમાં

સહુ ત્યાગી તીર્થધામ અમે હાલી નીકળ્યા

.

જોયું નહીં કે માર્ગ કયો શ્રેયકર હશે !

નિષ્કામ કે સકામ : અમે હાલી નીકળ્યા

.

(અમૃત ઘાયલ)

તારી-મારી ભીતર

તારી-મારી ભીતર ભઈલા ક્યાંક મળે ના એક્કે દેરું,

તોય વાત આ નક્કી છે કે ભીતર એનું છે જ પગેરું.

પાંખો માંહે થાક લઈને નીડ ભણી આવે પંખેરું,

દૂર પણે ઝાલર વાગે છે ; નભ વેરે છે ગુલાલ ગેરુ.

શ્વાસ સમો જીવનની સાથે કાયમ એ ચાલ્યા કરવાનો,

વીત્યોકાળ નથી કંઈ ‘રજકણ’ કે બસ ઊભો થઈ ખંખેરું.

વાત ક્ષણોની એવી છે કે જેમ ઊતરતા જાઓ ઊંડા,

અજવાળાંઓ ઠરી જઈ ને સ્તબ્ધ બની પ્રગટે અંધેરું.

એક અજાયબ ઘટના સાલ્લી વરસોથી બનતી આવી છે,

સાંજ પડે ને સાવ અચાનક ‘સ્મરણ’ નામનો ડંખ એરુ.

સવાર સાથે સૂરજ છે ને વર્ષા સાથે ચાતક, એમ જ,

શબદ અમારો અમે શબદના જનમ જનમના છઈએ ભેરુ.

ન વાત કશી જ્યાં ‘પ્રેમ’ થઈ છે પ્રેમ-પદારથ પણ પીધાંની,

નામ સતત ચર્ચાયું છે આ બંદાનું તો વેંત ઊંચેરું.

(જિગર જોશી ‘પ્રેમ’)

વાતાવરણ તો બદલાય

મકાનોનાં બંધ દ્વાર,

નિર્જન માર્ગ,

લોકો મૌન,

મારી સોસાયટીનું વાતાવરણ

અકળાવી નાખે છે.

મન ઈચ્છે,

કોઈક તો દ્વાર ખોલે,

એકાદ શબ્દ બોલે,

કે પછી ક્યાંકથી

કોઈ પાગલ આવી

ચીસો પાડે.

કે તોફાની બાળકો

અહીં તહીં દોડે,

ને પછી રામ રામ કરતાં

ભલે ડાઘુઓની પસાર થાય સ્મશાનયાત્રા,

કોઈ મરણ પામ્યો હોય,

બાણું વર્ષનો ઘરડો,

સોસાયટીનું વાતાવરણ તો બદલાય.

.

(અમૃત મોરારજી)

[મોગરાવાડી, હનુમાન ફળિયા, વલસાડ]

ચકલી ગીત

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના

બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો

ચકલીની માફક નવાય છે ના… રે… ના

ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને

વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,

સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું

પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.

પૂર્વાપર સંબંધો ચકલીને કન્યાના બંધાયા કઈ રીતે ? એવું

કંઈ કોઈને પૂછાય છે ના… રે… ના

ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે

બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે

ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી

શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?

સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની પાંખોથી,

ચકલીને ભાગી શકાય છે ના… રે… ના

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના

.

(નયન દેસાઈ)