પ્રેમ-કલ્પનો રોપ

ધાર-ધુબાકા અણીઓ અડખે બેઠો છું.

પરબ માંડીને પબની પડખે બેઠો છું

પબમાં આવે છત્તરધારી, ખપ્પરધારી, લખમીજાયા ખુરસીજાયા થઈ રઘવાયા !

હૂંસાતૂંસી, કાનાફૂંસી, ભૂંસા-ભૂંસી, મૂછા-મૂછી એક એકથી હોય સવાયા.

ખદબદતી માખોની વચ્ચે બેઠો છું

આછી-ઝીણી ઝરણી લઈને બેઠો છું ……પરબ માંડીને.

.

મૂકે નસ્તર, ધરતી અસ્તર, ઉપર બખ્તર, ભેટ પ્રમાણે આશિષ દેતી ‘ખાસ’ કથા છે;

સુખવાસી સૌ છાકમછોળે, ઝાકમઝોળે, ચંદન ચોળે જુગ જુગ જૂની વ્યાસ-પ્રથા છે

નથી કોઈની નજર કેમ હું બેઠો છું ?

બાકી તો હું બુટ્ટી લઈને બેઠો છું ……પરબ માંડીને.

.

તત્વ ફત્વની મારામારી, ધરમકરમની ધક્કાબારી નથી વાદના ખૂંટા;

લોક-લ્હેકથી શી હવા, છાંયડો જરી પંજરી, ઠાર્યાં જળ ભર માણસાઈના ઘૂંટા

કેસર લઈને ન્હોર કાપવા બેઠો છું

પ્રેમ-કલ્પનો રોપ ચોપવા બેઠો છું ……પરબ માંડીને.

.

( પ્રતાપસિંહ હ. રાઠોડ ‘સારસ્વત’ )

ઈચ્છાનું તો એવું

ઈચ્છાનું તો એવું,

જાણે વૃક્ષ ઉપર પર્ણોની માફક સદાય ફૂટતાં રહેવું.

.

માંડ મળેલી ધરા ટેકીને માણસ રહે છે ઊભો

જગા મળે તો વિસ્તરતી રહે શાખ ને ખીલે ફૂલો

ઝંઝાવાતે ખરે પર્ણ તો હસતા મુખે સહેવું

ઈચ્છાનું તો એવું

.

જાતભાતના છોડ-વેલથી ભરી ભરી છે દુનિયા

નામઠામનાં છોગાં વિણ બસ એમ જ એ તો ઊગ્યાં

અગર ઢળી એ પડેય તોયે કોને જઈને કહેવું ?

ઈચ્છાનું તો એવું

.

ઈચ્છાઓનો રંગ એક છે પાનની માફક લીલો

ક્ષીણ થવા એ લાગે ત્યારે બની જાય છે પીળો

છેવટે તો ડાળી ઉપરથી ‘ટપાક’ દઈને ખરવું

ઈચ્છાનું તો એવું

.

( સંધ્યા ભટ્ટ )

હોડી મધ્યે ઝીણો છેદ છે

અટકળ કળી શકાશે નંઈ, સહેજમાં મળી શકાશે નંઈ,

ક્રિયાપદોના કૂંડાળામાં, શબ્દને છળી શકાશે નંઈ.

.

વડવાયુંની વચમાં બાંધ્યા

સુગરીઓએ માળા,

ગામની વચ્ચે સીમ ફૂટ્યાના

થઈ રહ્યા હોબાળા,

.

શેઢા પરના આવળ-બાવળ લણી શકાશે નંઈ,

અટકળ કળી શકાશે નંઈ; સહેજમાં મળી શકાશે નંઈ,

.

ઝાકળ જેવું આંખમાં ફૂટ્યું

પગને ફૂટ્યાં પાન,

માણસ થઈને બન્યો ચાડિયો

ગાઈને લીલાં ગાન,

.

ભર્યા ભાદર્યા ખેતર વચ્ચે ફરી શકાશે નંઈ,

અટકળ કળી શકાશે નંઈ, સહેજમાં મળી શકાશે નંઈ.

.

નદી કિનારે ભીની રેત પર

લખીને થાક્યો નામ,

હાથ હલેસાં, તનની હોડી,

જાવું સામે ગામ,

હોડી મધ્યે ઝીણો છેદ છે, તરી શકાશે નંઈ,

અટકળ કળી શકાશે નંઈ, સહેજમાં મળી શકાશે નંઈ.

.

( ડાહ્યાભાઈ પટેલ “માસૂમ” )

હવે તો હાથ પણ થાક્યા

તિમિરથી તેજ ટકરાવી હવે તો હાથ પણ થાક્યા

દીવાઓ નિત્ય પ્રગટાવી હવે તો હાથ પણ થાક્યા

.

મને લાગે છે ક્ષમતા ખોઈ બેઠા છે એ ખૂલવાની

સતત આ બાર ખખડાવી હવે તો હાથ પણ થાક્યા

.

રહી છે વાંઝણી આ આપણાં સપનાંઓની ક્યારી

બિયારણ રોજ ત્યાં વાવી હવે તો હાથ પણ થાક્યા

.

અભિગમ આક્રમક એનો રહ્યો છે હર સમસ્યામાં

ધજાઓ શ્વેત ફરકાવી હવે તો હાથ પણ થાક્યા

.

ગમે ત્યાંથી કલમ પર નામ આવી જાય છે એનું

શકું ના એને અટકાવી હવે તો હાથ પણ થાક્યા

.

( ઉર્વીશ વસાવડા )

મૃત્યુ : એક કારકુનનું

[ગઈ કાલે વાયા જય વસાવડા એ સમાચાર મળ્યા કે “ગુજરાતીના ઉમદા કવિ, ‘ડાર્ક & ઇન્ટેન્સ’ રચનાઓના સર્જક વિપિન પરીખ(૮૦)નું નિધન થયું છે. એમની ચોટદાર મર્મવેધક રચનાઓનો વારસો જ હવે જીવંત રહેશે”. વિપિન પરીખ મારા પ્રિય કવિ છે.  મોટી વાત પણ સાદી સીધી ભાષામાં લખવાની એમની  શૈલી મને પ્રિય હતી. કવિ અને તેની કવિતા કદી મરતી નથી. વિપિન પરીખ અક્ષરદેહે સદાયે જીવંત રહેશે.  વિપિનભાઈને એમના જ એક કાવ્ય દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ.]

હું જાઉં તો જગતમાં થોડોક ફરક પડશે

એવું અભિમાન હવે નથી રહ્યું.

એક દિવસ

દુનિયાની કાયાપલટ કરવાની

હોંશ લઈ વાળેલી અક્કડ મુઠ્ઠી

દુનિયાદારીથી ભીંજાઈ હવે પોચી થઈ છે.

જે બસમાં હું રોજ મુસાફરી કરું છું એ

૧૦૧ નંબરની બસમાં

મારી બેઠક ખાલી નહીં રહે.

ઓફિસમાં

ગોદરેજની ખાલી પડેલી ખુરશી માટે

ટાંપીને બેઠેલો ક્લાર્ક

સાહેબની આજુબાજુ પૂંછડી પટપટાવશે.

કહેશે : મિસ્ટર શાહ ઘણા પરગજુ હતા.

પણ ભલા, એક ક્લાર્ક ખાતર

ઓફિસ બંધ થોડી જ રાખી શકાય છે ?

બપોરે ટી ટાઈમમાં

ભટ્ટ ટેબલ ઉપર નજર ફેરવશે.

હું નહીં હોઉં

ને

રજિસ્ટરમાંથી એ મારું નામ કાઢી નાખશે.

.

( વિપિન પરીખ )

.

વિપિન પરીખની મારી સાઈટ પર પોસ્ટ થયેલ અન્ય કવિતાઓ…

હાથમાં નથી

એક ચિત્ર

તલાશ

ફૂલ

અર્થશાસ્ત્ર

.

નમસ્તસ્યૈ નમો નમ: (૯)

.

હે, મા ! માતાના ગર્ભની નાળમાંથી છૂટ્યા પછી અમારી એક એક ક્ષણ મરણ તરફનું ગમન હોય છે. કહો કે એ દરેક ક્ષણ તારી સાથેના મિલાપનું અવતરણ હોય છે. સંતોએ પણ કહ્યું છે કે માણસ મૃત્યુને નજર સમક્ષ રાખી જીવે તો એનું જીવતર ધન્ય બની જાય. એની ક્ષણેક્ષણ અણમોલ બની રહે. છતાં ખબર નહીં ક્યા કારણે અમે ગાફેલ રહી જીવતરની સત્યતાને વેડફી રહ્યાં છીએ.

.

સંસારની અસારતા સ્પષ્ટ છે. છતાંય એની પ્રત્યેક વસ્તુ તરફની અમારી તૃષ્ણા અને અપેક્ષાઓ અનેકગણી છે. વણ સંતોષાયેલી તૃષ્ણાઓથી જન્મતો અસંતોષ અમારા અડીખમ વિચારોને ખળભળાવી મૂકે છે ત્યારે એમાંથી જન્મતો વિખવાદ, વિવાદ અને વૈચારિક વમળોથી અમે મુંઝાઈ જઈએ છીએ અને ન કરવાનાં કૃત્યો કરી બેસીએ છીએ.

.

મા ! આ સઘળી હકીકતોથી અમે સૌ વાફેફ છીએ. છતાંય નિર્વીર્ય બની અપેક્ષાઓના અનંત આકાશમાં ઉડવા માટેના નિરર્થક પ્રયત્નો કર્યા જ કરીએ છીએ અને અંતે અમને મળે છે ઘોર નિરાશા.

.

ખરેખર તો તું જ બધાં પ્રાણીઓમાં તૃષ્ણારૂપે રહેલી છે. કેટલી સીધીસાદી વાત ! પણ અમારી સમજ ક્યાં અમારી તમામ તૃષ્ણાઓને જો તારામાં સમર્પિત કરવાની અમને શક્તિ મળી જાય તો તો મા અમારો બેડો પાર થઈ જાય.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે

.

या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमो नम

या देवी सर्वभूतेषु तृष्णारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमो नम

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ (સામર્થ્ય)રૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.

જે દેવી સર્વ પ્રાણીઓમાં તૃષ્ણારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર તેને વારંવાર નમસ્કાર.

.

માસુમ બાળક એ બાળક છે. પછી એ મેલઘેલા કે ફાટેલાં કપડાંવાળી કોઈ માગનાર સ્ત્રીનો ખોળો ખુંદતું હોય કે કોઈ ગર્ભ શ્રીમંતની બાબાગાડીમાં હોય પણ તેની સહજતા ગમે તે પરિસ્થિતિમાં પણ લોહચુંબક જેવું આકર્ષણ જન્માવે છે.

.

મા ! અમારામાં ઉદ્દભવતી તમામ તૃષ્ણાઓ જો તને સમર્પિત કરવાની અમને શક્તિ મળી જાય કે જીવનની તમામ તૃષ્ણાઓ અને એને સંતોષવા માટે વપરાતી શક્તિ એ પણ તારું જ સ્વરૂપ છે એવી સમજ કેળવાઈ જાય તો અમારું જીવન પણ પેલા બાળકની જેમ ગમે તે પરિસ્થિતિમાં પણ આકર્ષક બની જ રહે કેમ કે ત્યારે અમારા દ્વારા થતાં તમામ કાર્યો અમારા તમામ વિચાર પાછળ તારી જ શક્તિ કામે લાગેલી હશે અને તો અમારી તૃષ્ણાઓનું રૂપાંતર સંતોષમાં થઈને જ રહેશે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ: (૮)

.

હે, મા ! નવરાત્રિના નવે દિવસોની એક એક ક્ષણ તારા નામના જાપથી વિતાવી છે. અમે જાણીએ છીએ કે આ પવિત્ર દિવસો તારી ભક્તિ કરવા માટેના પાવન પર્વ સમાન છે. આ દિવસોમાં કરેલાં સદ્દકાર્યોનાં શુભ ફળ અનેક ઘણાં હોય છે તો જાણે-અજાણે પણ કરેલાં પાપકર્મોનાં અશુભફળ પણ ગુણાકારની રીતે અનેક ઘણાં વધી જાય છે.

.

મા ! વિદ્વાનો, તત્વચિંતકો અને ઋષિમુનિઓના મુખેથી સાંભળ્યું છે કે આત્માના અવાજને અનુસરનાર વ્યક્તિ જ જીવને સદ્દગતિ આપવામાં અગ્રેસર બની શકે છે. મનની ભ્રમણાઓ તો ભમરાળી છે. તારી ભક્તિમાં ઓટ આવે કે તારા નામે નખરાં થતાં હોય ત્યાંથી દૂર રહેવામાં જ જીવનું કલ્યાણ છે. પણ, મા ! આ બધું જાણતાં હોવા છતાં અમને શું થયું છે એ જ સમજાતું નથી. ભ્રમણાઓનાં વમળો આત્માના અવાજ તરફ બેધ્યાન કરી મૂકે છે. જાગૃતિ રાખવાના પ્રયત્નો પણ નાકમિયાબ નીવડે છે અને અમે ગાફેલિયતમાં જ્યાં ટોળાં ઉમટ્યાં હોય ત્યાં પહોંચી જઈ તારા નામના ઓઠા નીચે અમારી સુષુપ્ત લાલસાઓ, કામનાઓ અને ઈચ્છાઓને સંતોષવા મથીએ છીએ.

.

મા ! પવિત્ર વાતાવરણમાં ભક્તિમય સૂરો સાથે ગવાતાં તારાં ગુણલાં રોમરોમમાં તારી શક્તિનો અહેસાસ કરાવે છે. પણ આ જાણકારીમાં અમારો સ્વાર્થ ભળે છે ત્યારે તારા આ પવિત્ર તહેવારોને પણ અમે સેવાના નામે વ્યવસાયમાં ફેરવી નાખીએ છીએ ત્યારે ભક્તિને બદલે ઉત્તેજના, ગુણને બદલે ઘેલછા છવાય છે. પણ તારા જ નામે થતી આજની કેટલીક નવરાત્રીઓની ગરબીઓમાં પણ તારી ગેરહાજરી હશે એમ તો કેમ કહી શકાય અને તેથી જ તારી સૂક્ષ્મ સ્વરૂપની હાજરીની પરવા કર્યા વિના પણ જ્યારે અમે અમારામાં રહેલા ખરાબ વિચારો, દ્વેષ, વૈમનસ્ય, સ્વાર્થ, તૃષ્ણાઓ, વિલાસવૃત્તિઓ જેવા અસુરો સાથે તારા મંડપમાં પ્રવેશ્યાં છીએ ત્યારે જીવનું કલ્યાણ કરવા સમર્થ તેં અમારા આ મહિષાસુરરૂપી રાક્ષસનાં અસુર સૈન્યને હણી નાખ્યું છે. તું બધાં જ પ્રાણીઓમાં ક્ષુધા અને છાયારૂપે રહેલી છે તેથી જ તું અમારી ન માફ થઈ શકે તેવી ભૂલોને પણ માફ કરે છે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે :

.

या देवी सर्वभूतेषु क्षुधारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

या देवी सर्वभूतेषु छायारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષુધારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર. જે દેવી સર્વ પ્રાણીઓમાં છાયા-પ્રતિબિંબરૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.

.

ગબ્બરના ગોખે ઘૂમવાવાળી મા અંબા, મા ભવાની, ચોટીલાવાળી ચામુંડા, નવદુર્ગા આ નવે દિવસ અમે તારા સહવાસમાં રહેવા મથ્યાં છીએ અને તેથી જ અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી સર્વપ્રાણીઓમાં રહેલી તારી શક્તિને ઓળખવાની અમારા સ્વભાવમાં સાચી ક્ષુધા-તરસ પ્રગટાવ કે જે તરસ પણ તારું જ સ્વરૂપ હોય તો મા અમારા જીવનની દરેક ક્ષણ નવરાત્રિ બનીને રહે.

.

મા ! જગતનાં જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાને શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ: (૭)

.

હે, મા ! તાંતણે તાંતણો ગુંથાય ત્યારે જેમ વસ્ત્ર તૈયાર થાય છે તેમ જન્મ અને મૃત્યુના છેડાને ગાઢ રીતે બાંધતો જીવનરૂપી તાંતણો કેટલા તાણાવાણાથી અદ્દભુત રીતે ગુંથાયો છે એની કલ્પના કરીએ છીએ ત્યારે તારી લીલા નિહાળીને અમારું મસ્તક તારાં ચરણોમાં ઢળી પડે છે.

.

જીવન સુંદર છે કેમ કે તારું સર્જન છે. પણ અમારી અસ્થિર બુદ્ધિને લીધે અમે સુખ અને દુ:ખની અનુભૂતિઓમાં અટવાતાં રહીએ છીએ. અભિમન્યુ તો સાત કોઠામાંથી હેમખેમ પસાર થયો હતો અને આઠમા કોઠામાં અટવાઈ પડ્યો હતો જ્યારે અમે તો વિવિધ કોઠાઓમાં પહેલેથી જ એવા અટવાઈ પડીએ છીએ કે લગભગ અમારી સંવેદના સાવ ગુમાવી બેસીએ છીએ. મા, આ અમારી ભ્રમિત બુદ્ધિનું પરિણામ હોઈ શકે છે. આવું જ મા અમારી નિદ્રાનું છે. જાગવાના સમયે અમે ઘસઘસાટ ઊંઘીએ છીએ અને ઊંઘવાના સમયે અમે ઉજાગરા કરીએ છીએ. જીવનમાં આ જાગૃતિ અને નિદ્રાના અર્થને જ અમે સમજી શકતાં નથી. યોગીઓ જાગતા રહે છે અને સંસારીઓ નિદ્રામાં હોય છે આનો સ્થૂળ અર્થ કરીએ છીએ. આ જાગવું એટલે શું ? ઊંઘવું એટલે શું ?

.

મા ! અમારા જીવનમાં સાચી સમજણ કેમ ખીલતી નથી ? આવું કેમ બને છે ?

.

બુદ્ધિભ્રષ્ટ થાય તો જીવન આખું ભ્રષ્ટ થઈ જાય છે. કર્મના સંસ્કારો મુજબ સુખ કે દુ:ખ આવીને ઉભું રહે છે ત્યારે અમે ગભરાઈ જઈએ છીએ. અમે આનંદિત થઈએ તો પણ અને વિચલીત થઈએ તો પણ અમારી આવી માનસિક સ્થિતિને લીધે અમારી બુદ્ધિ અને નિદ્રા બન્ને બગડે છે….પણ, મા ! આવું કેટલો સમય ચાલશે ?

.

તું અમને તારાથી વિખુટા કેટલો સમય રાખી શકીશ ? મા સંતાનથી અળગી રહી જ ન શકે. તું-હું અને હું-તુંનો ભેદ વધુ સમય ભરમાવે એ પહેલાં અમને સાચી સમજ આપ કે અમારામાં રહેલી બુદ્ધિ અને નિદ્રા પણ તારું જ સ્વરૂપ છે અને પછી જો કે અમારા જીવનની આખી દ્રષ્ટિ કેવી બદલાઈ જાય છે !

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે

.

या देवी सर्वभूतेषु बुद्धिरुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

या देवी सर्वभूतेषु निद्रारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં બુદ્ધિરૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.

જે દેવી સર્વ પ્રાણીઓમાં નિદ્રારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી અમને એવી દ્રઢ સમજણ આપ કે જેથી તારા દ્વારા બનાવેલ જીવનનો વિવિધરંગી આ ધાગો વધુ મજબૂત બને.

.

મા ! જગતનાં જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાને શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ:(૬)

.

હે, મા ! આ સંસાર માયા છે, આ સંબંધો બધા જૂઠ્ઠા છે, સાથે કંઈ આવવાનું નથી….આવું બધું બોલીને પણ અમે એને જ પકડી રાખીએ છીએ. કોઈને સલાહ આપનાર અમને જ્યારે કોઈ સલાહ આપે છે ત્યારે અમે ધૂંઆપૂંઆ થઈ જઈએ છીએ. સ્વીકાર ભાવના અમારામાંથી લુપ્ત થઈ ગઈ છે. અમારી તમામ ઈન્દ્રિયો અને ચેતના મલિન બની ગઈ છે. અમારા જીવનમાં માયાનું પડ એવું સજ્જડ રીતે ચોંટી ગયું છે કે સત્યનો સાર અમને સમજાતો જ નથી. આ માયાની મમતા અમે મૂકી શકતાં નથી અને જ્યારે એ પરાણે મૂકાય છે ત્યારે આખું જીવન અસંતોષ અને ઉગ્રતાથી લોહીઝાણ થઈ જાય છે.

.

મા ! માયાના વમળમાં ફસાયેલાં અમને માયા જ સર્વસ્વ લાગતી હોઈ અમારા જીવનમાંથી જાણે કે “માઈ” સાવ વિસરાઈ જ ગઈ છે. માયાનાં પડ એવાં જામી ગયાં છે કે અમે અમારું અસલ સ્વરૂપ જ વિસરી ગયાં છીએ. મારું-તારું તો ઠીક પણ મારું એ મારું અને તારામાં પણ મારો ભાગ એવી વૃત્તિ પ્રબળ બને છે ત્યારે દોસ્તો દુશ્મનો બને છે અને સગાં વેરી બને છે. સ્વાર્થ અમારો સાથી બને છે અને ઈર્ષા અમારી અંગત મૂડી બને છે.

.

આ બધાં પરિણામોનું કારણ માયા છે અને એની અસર અમારા મન, વચન અને કર્મ ઉપર એવી રીતે પડે છે કે અમારી ચેતના સાવ અધમૂઈ થઈ જાય છે. પણ આ સમગ્ર માયા તેં જ મૂકેલી છે એટલું જ જો અમને સમજાઈ જાય – આ બધી તારી જ લીલા છે એવું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય તો પછી અમારામાં રહેલા “હું”ની શી હેસિયત છે કે એ ખોટો હુંકાર કરી શકે. પણ, આ શક્ય ત્યારે જ બને કે જ્યારે અમારી ચેતના શુદ્ધ બને. અમારા જીવનમાં આ શુદ્ધિકરણનો યજ્ઞ પ્રગટે તો બધી જ અશુદ્ધિઓ બળીને ભસ્મ થઈ જાય. હા, મા ! આ માટે અમારે પહેલાં તો એ સમજવાની જરુર છે કે આ માયા અને ચેતના પણ તારું જ સ્વરૂપ છે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે:

.

या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં વિષ્ણુમાયાના નામથી કહેવાય છે, તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર. જે દેવી સર્વ પ્રાણીઓમાં ચેતના કહેવાય છે તેને નમસ્કાર તેને વારંવાર નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી અમને એવી સમ્યક બુદ્ધિ આપ કે જેથી સુવર્ણ ઉપર જામેલી મેંશ દૂર થતાં શુદ્ધ સુવર્ણ દેખાય તેમ અમારાં મન-બુદ્ધિ અને ચેતના ઉપર જામેલાં માયાનાં પડળ દૂર થઈ જતાં અમારું જીવન પણ સુવર્ણની જેમ ચમકી ઊઠે.

.

મા ! જગતનાં જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાને શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ:(૫)

.

હે, મા ! જન્મ પછી મૃત્યુ અને ફરી જન્મની ઘટમાળ ન જાણે ક્યાં સુધી ફર્યા કરશે અને જીવને એમાં ફેરવ્યા કરશે. મા, અમે મુક્તિની આશાએ જન્મ મેળવ્યો અને હવે આશા અને એષણાઓમાં એવાં અટવાયાં છીએ કે મુક્તિનો માર્ગ અમે વિસરી ગયાં છીએ ભટકી ગયાં છીએ.

.

હા, અમારું જીવન કુદરત સાથે કરાર કરી શક્યું નથી અને મન કૃત્રિમતા તરફ વધુ આકર્ષાય છે એ હકીકત છે.

.

જાણવા કે સમજવા લાયક અનેક વસ્તુઓ તરફ અમારું ધ્યાન પણ જતું નથી. દરેક ઘટનાઓને અમે અમારા ત્રાજવે તોલવા મથીએ છીએ જેથી ઘણી વખત તારી કરામતો અમને દુ:ખદ પણ લાગે છે. આવું કરનાર તું કુદરત કેમ હોઈ શકે એની મુંઝવણમાં અને ખોટી ગણતરીમાં અનેકવાર ગુંગળાવાથી ઘેરાઈ જઈએ છીએ.

.

મા ! નગારાનો અવાજ સાંભળી ફૂલેકું જોવા નીકળેલા કોઈ નાદાન જેવી અમારી સ્થિતિ છે કેમ કે ડોલીમાં બેઠેલી નવોઢાના આંસુ હર્ષનાં છે કે દુ:ખના એ તરફ અમારું ધ્યાન પણ જતું નથી. કહોને અમે બેધ્યાન જ બની જઈએ છીએ.

.

કોઈના સારાં કાર્યોને જીરવી ન શકનાર અને ખરાબ કાર્યોનો વિરોધ કરવાની શક્તિ ગુમાવી બેસનાર અમે જ છીએ. એટલે જ અમારી સ્વાર્થ વૃત્તિ કહો કે અજ્ઞાનતા – સંકટ સમયે તારા સિવાય કોનું સ્મરણ કરવું ? નાક બંધ હોય કે દમનું દર્દ થયું હોય ત્યારે જ જેમ શ્વાસમાં જતી હવાનું મૂલ્ય સમજાય છે તેમ સારાં કે ખરાબ કાર્યોમાં તાટસ્થ્ય વૃત્તિ ન કેળવવાને લીધે ભોગવવાં પડતાં પરિણામો વખતે તારું સ્મરણ અમોઘ ઉપાય બની રહે છે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે:

.

अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नम:

नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नम:

.

અત્યંત સૌમ્ય તથા અત્યંત રૌદ્રરૂપા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. જગતની આધારભૂતા કૃતિ દેવીને – ક્રિયાશક્તિને વારંવાર નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી તારા સૌમ્ય તથા રૌદ્ર સ્વરૂપને ઓળખી શકવાની અમને શક્તિ બક્ષજે કે જેથી સુખની વર્ષા વખતે છલકાઈ ન જઈએ અને દુ:ખના વાવાઝોડા વખતે હિંમત હારી ન જઈએ.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.