બોધિસત્વમાં જોયું-લલિત ત્રિવેદી

નિજત્વમાં જોયું ને પરત્વમાં જોયું

મેં જ્યારે જ્યારે મારું ઘર મમત્વમાં જોયું

.

અકળ ! તમેય પણ ત્યારે અકળ ન દેખાયા

પ્રયોજનોની પાર જો સમત્વમાં જોયું

.

મળ્યું શું-તંતુ તંતુ ખોલ્યા જ્યારે સૂતરના

શું ફાયદો જો ખમીસને મેં સ્વત્વમાં જોયું

.

મેં ધૂળ ખંખેરીને જોયું ધૂળનું ઢેફું

હવાની સોંસરું મેં એક સત્વમાં જોયું

.

સુગંધ શબ ઉપર હતી ને પૂજામાંય હતી

ગુલાબ ક્યારે અને કયા મહત્વમાં જોયું !

.

મકાન ઉઘાડ્યું તો એક બોધિવૃક્ષ જોયું મેં

શરીર ઉઘાડીને મેં બોધિસત્વમાં જોયું !

.

( લલિત ત્રિવેદી )

ચલો ગાઈએ ગીત-ધ્રુવ ભટ્ટ

ચલો ગાઈએ ગીત છલકતા દરિયા જેવું

નૈં નિયમ નહીં રીત છલકતા દરિયા જેવું

.

માત્રા મેળ વગરના મીઠા છંદ રચે જ્યાં પાણી

અક્ષર વિના રોજ લખે ત્યાં રેત અજાણી વાણી

નહીં પાળો નહીં ભીંત છલકતા દરિયા જેવું

નૈં નિયમ નહીં રીત છલકતા દરિયા જેવું

.

ગીત કહેશે માછણની આંખોમાં સપનાં ભીનાં

છાતીથી છલકાય પછી તો નભ પછવાડે સીમા

લોહી લગોલગ હીંચ છલકતા દરિયા જેવું

ચલો ગાઈએ ગીત છલકતા દરિયા જેવું

નૈં નિયમ નહીં રીત છલકતા દરિયા જેવું

.

( ધ્રુવ ભટ્ટ )

નદીને મળ્યા પછી- હર્ષદ ચંદારાણા

.

પથ્થર થયા છે ગાતા, નદીને મળ્યા પછી

કાંઠે નથી સમાતા, નદીને મળ્યા પછી

.

લાલી સમા સુહાતા, નદીને મળ્યા પછી

હોઠો જે ગીત ગાતા, નદીને મળ્યા પછી

.

છાલકનો સ્પર્શ થાતાં, નદીને મળ્યા પછી

ફૂલો શરમથી રાતાં, નદીને મળ્યા પછી

.

દિવસો ન ઓળખાતા, નદીને મળ્યા પછી

ખુશ્બો બની છવાતા, નદીને મળ્યા પછી

.

ધસમસ પ્રવાહ થાતા, નદીને મળ્યા પછી

અંગે પવન ભરાતા, નદીને મળ્યા પછી

.

પરિચય મટીને નાતા, નદીને મળ્યા પછી

તનના પતંગ થાતા, નદીને મળ્યા પછી

.

(  હર્ષદ ચંદારાણા )

રાત આખી-અનિલા જોશી

રાત આખી સેવાયેલું

સ્વપ્ન

ઊડી ગયું છે ઝાકળની જેમ

કાળા કાળા ઉજાસમાં

રહી ગયા છે

લાંબા લાંબા ઓળાઓ.

અડીખમ પહાડમાંથી

જન્મી છે નદી.

ભગવન ખાતર

રહેવા દો, વહેવા દો

મારી એકલતાને…

મારે ઝીલવું છે

મારા કાળા ડિબાંગ પ્રારબ્ધના આકાશને

મારી નદીના જળમાં

.

( અનિલા જોશી )

મેં તો કૈં પણ કહ્યું નથી-અમી મહેતા

અરે !

મેં તો કૈં પણ કહ્યું નથી

તો પછી

આ ફૂલો

એકાએક કેમ ચીમળાઈ ગયાં ?

.

મેં તો કૈં પણ કહ્યું નથી

તો પછી

આ ધોધમાર વરસતો વરસાદ

અચાનક કેમ અંદર ને અંદર સૂકાઈ ગયો ?

.

મેં તો કૈં પણ કહયું નથી

તો પછી

આ ઝંઝાવાતી પવન

અચાનક ગગનની કઈ ગુફામાં લપાઈ ગયો ?

.

કદાચ હું કૈં નથી બોલ્યો

એની તો વેદના નહીં હોય ?

.

( અમી મહેતા )

ગુલ્ફામ આવે છે

જીવનમાં તો ઘણા એવા સરસ મુકામ આવે છે;

અમે કરતા નથી કૈં પણ અમારું નામ આવે છે.

.

અમે તો એટલા માટે વિગતને સાચવી બેઠા;

ઘરે હો સંઘરેલો સાપ તો એ કામ આવે છે.

.

‘નથી પીતો’, ‘નહીં પીઉં’, હકીકત કોણ સમજાવે ?

છતાં સાકીના હાથે કાં ભરેલા જામ આવે છે ?

.

ડરો ના મોતથી હરદમ, ખરેખર આવશે નક્કી;

ખુદાના હાથથી મળતું સહજ ઈનામ આવે છે.

.

ન છેડો કોઈ પણ એને, જવા દો એકલો એને;

બળેલું દિલ લઈને કોઈ એ ગુલ્ફામ આવે છે.

.

( અહમદ મકરાણી )

એ જ સપનાં ચૂરચૂર-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જીવ પેઠે જાળવ્યાં’તાં એ જ સપનાં ચૂરચૂર,

એ કયું વહેતું ઝરણ અટક્યું કે દરિયા ચૂરચૂર.

.

સાવ સાચું છે કશું સાચું નથી આ વિશ્વમાં,

સંત, તારી જેમ છે મારીય ઈચ્છા ચૂરચૂર.

.

સાતસો વાનાં કર્યાં, આકાશના તારા ધર્યા,

તોય આંખોની અડોઅડ સાત પગલાં ચૂરચૂર.

.

રાજિયો તો કૈં જ સિરિયસલી કદી લેતો નથી,

થઈ ગયા ‘રાજેશ’ના એકેક ચહેરા ચૂરચૂર.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

ક્ષેમકુશળ છે શાયર-કિશોર જીકાદરા

છાની છપની ચણભણ ને હોબાળા વચ્ચે,

ક્ષેમકુશળ છે શાયર લોહીઉકાળા વચ્ચે !

.

આજ નહીં તો કાલે એણે ભરવા પડશે,

ભડભાદર છે, તાણે સોડ ઉચાડા વચ્ચે !

.

થીજેલા શબ્દો પણ એને કામ ન આવે,

ઉષ્મા ક્યાં છે ? પૂછે ધોમ ઉનાળા વચ્ચે !

.

એનું સાચું સરનામું આ, ક્યાંક લખી લો

મળતાં મોતી છીપ અને પરવાળા વચ્ચે !

.

ચીવટ રાખી ટીપાંનો હિસાબ લખે છે,

ભૂલ પડે છે તાળા ને સરવાળા વચ્ચે !

.

મૂંગે મોંએ મરણતોલ એ ઘાવ સહે છે,

ચિત્કારે છે, સહેજ અડો જો આળા વચ્ચે !

.

જોકે મોત ભમે છે એના માથા ઉપર,

તો ય સલામત કોના એ રખવાળા વચ્ચે ?

.

( કિશોર જીકાદરા )

તડકો ભલે ને – સાહિલ

શિર ઉપર તડકો ભલે ને ધોમ છે

ફૂલથી લથબથ ભીતરની ભોમ છે.

.

કોઈ પણ વાતે નથી એ માનતી

કામનાની શું હઠીલી કોમ છે.

.

આહુતિ સુખની સતત માંગ્યા કરે

આપણો અવતાર છે કે હોમ છે.

.

એટલે તો હોઉં છું મદહોશ હું

છે હવા સાકી ને શ્વાસો સોમ છે.

.

તોય ઈર્ષા બેઉ જગ કરતાં રહ્યાં

સાહ્યબીમાં તો અમારે ઓમ છે.

.

પાર એનો પામશું કેવી રીતે !

આંખમાં આખ્ખુંય ‘સાહિલ’ વ્યોમ છે.

.

( સાહિલ )