મંઝિલ (ત્રણ કાવ્યો)-જયંત દેસાઈ

(૧)

મ્હારાં

બધાં બારીબારણાં ખુલ્લાં રાખીને,

મનોરમ હેંગરો પરથી

રસ્તાઓને આકર્ષક રીતે

લટકાવીને

હું ટાંપીને બેસી જ રહું છું.

કોઈ બિચારી, ભલી-ભોળી

મંઝિલ, લલચાઈને

ડોકાવે એટલી જ વાર…

.

(૨)

હાં, દોસ્ત!!

મને ય તારી જેમ જ

મંઝિલોના ‘કલેક્શન’નો

શોખ છે.

અદલાબદલી કરવાનું મન

પણ ઘણું થાય છે,

પણ શું કરું ?

કમ-સે-કમ

કોઈ પણ બે તો સરખી

નીકળવી

જોઈએ, ને ?!!!

.

(૩)

જ્યારે જ્યારે,

હું જેવું પગલું માંડું,

ને રસ્તો

ઝાડની બખોલમાં ભરાઈ જાય…

ત્યારે ત્યારે

મને થઈ આવે છે :

‘મારી મંઝિલોનો

ઉદ્ધાર કદી થઈ

શકવાનો નથી કદાપિ નહીં…’

.

(જયંત દેસાઈ)

શિયાળ બેટ, સવાઈ બેટની સફર-જિજ્ઞેશ અધ્યારુ

[ગુજરાતી બ્લોગજગતમાં જિજ્ઞેશ અધ્યારુનું નામ અજાણ્યું નથી. “અધ્યારુનું જગત“થી “અક્ષરનાદ” સુધીની જિજ્ઞેશભાઈની સફરના સાક્ષી ઘણાં હશે. અન્ય કવિ-લેખકોની રચનાઓ બ્લોગ પર મૂકતાં મૂકતાં જિજ્ઞેશભાઈની અંદર રહેલો કવિ અને લેખક ક્યારે જાગૃત થઈ ગયો એની જાણ કદાચ એમને પણ નહીં હોય. અને પછી તો એમની બળુકી કલમ દ્વારા ઘણી રચનાઓ મળી. એમાંય એમના પ્રવાસવર્ણનો હંમેશા અદ્દભુત રહ્યા. ઓછા જાણીતા એવા ઘણાં સ્થળો વિશે એમણે રસપ્રદ વર્ણનો લખ્યા. જે વાંચીને આપણને પણ એ સ્થળોની મુલાકાત લેવાનું અવશ્ય આકર્ષણ થાય. આવા જ એક સ્થળ શિયાળ બેટ અને સવાઈ બેટની મુલાકાત જિજ્ઞેશભાઈની કલમ દ્વારા લઈએ. જિજ્ઞેશભાઈનું આ પ્રવાસવર્ણન “નવનીત સમર્પણ”ના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાંથી લેવામાં આવ્યું છે. મારી સાઈટ પર આ પ્રવાસવર્ણન મૂકવાની પરવાનગી આપવા બદલ હું જિજ્ઞેશભાઈનો ખાસ આભાર માનું છું. ]

.

..


લૂંટ્યો છે-જિગર જોષી ‘પ્રેમ’

પહાડોએ કદી લૂંટ્યો, કદી પડઘાએ લૂંટ્યો છે,

કદી ઈચ્છા ગઈ લૂંટી, કદી શમણાંએ લૂંટ્યો છે.

.

અનોખી ભેટ આપી છે, તમે આ રાહ ચીંધીને,

દિશાઓએ કદી લૂંટ્યો, કદી નકશાએ લૂંટ્યો છે.

.

નથી અકબંધ હું જીવ્યો, સલામત હોઉં હું ક્યાંથી ?

કદી તૃષા ગઈ લૂંટી, કદી ઝરણાંએ લૂંટ્યો છે.

.

કરમ છે બેઉના સરખાં, દુઆ બંનેની સરખી છે,

કદી પાયલ ગઈ લૂંટી, કદી પગલાંએ લૂંટ્યો છે.

.

ફકીરી હાલ આ કંઈ ‘પ્રેમ’નાં અમથા નથી યારો,

કદી મંઝિલ ગઈ લૂંટી, કદી રસ્તાએ લૂંટ્યો છે

.

( જિગર જોષી ‘પ્રેમ’ )

એ હાલત હજી આવી નથી-સુધીર પટેલ

જોઉં ના કૈં ભેદ, એ હાલત હજી આવી નથી,

હો કશો ના ખેદ, એ હાલત હજી આવી નથી.

.

હું કરું છું યત્ન કે હો શબ્દ મારો સત્યવાન,

પણ વંદુ એ વેદ, એ હાલત હજી આવી નથી.

.

દર્દને બદલે વહે ત્યાં સૂર, જ્યારે પણ અહીં,

કોઈ પાડે છેદ, એ હાલત હજી આવી નથી.

.

તોય હો અહેસાસ બસ આકાશની હળવાશનો,

મુક્તિ કે હો કેદ, એ હાલત હજી આવી નથી.

.

કૈં ઘટે ત્યાં કોઈ પક્ષે હું મને જોતો ‘સુધીર’

જાત હો સાહેદ, એ હાલત હજી આવી નથી.

.

( સુધીર પટેલ )

ખુશી એકાદ માંગી છે-અહેમદ હુસેન ‘એહમદ’

ખુશી એકાદ માંગી છે ખુદાને યાર સમજીને,

દુવાઓ ના અમે માંગી કદી હકદાર સમજીને.

.

રહ્યું ના બે હ્રદય વચ્ચે જરા પણ લાગણી જેવું,

મળે છે એકબીજાને ફક્ત વ્યવહાર સમજીને.

.

પથારી છે ધરા એની, ગગન છે ઓઢવા માટે,

ઘણાં જીવી રહ્યાં છે જિંદગી પડકાર સમજીને.

.

વસંતો લઈને જન્મી છે અમારા ઘેર એક બાળા,

ઉજવણી ચાલ કરીએ આપણે તહેવાર સમજીને.

.

નજર નીચી, નયન ભીનાં, અધર પર ગાઢ ચુપકીદી,

કહે છે મૌનમાં નારી વ્યથાનો સાર સમજીને.

.

રહી તિરછી નજર કાયમ મિલન પર આ જમાનાની,

મુલાકાતો અમે લીધી છે શિષ્ટાચાર સમજીને.

.

દિશા ‘એહમદ’ બતાવે છે સફરનાં કંઈ મુકામોની,

ગઝલના વાંચવા પડશે બધા અશઆર સમજીને.

.

( અહેમદ હુસેન ‘એહમદ’ )

વિજોગણ વેદના રે-કિશોરસિંહ સોલંકી

તમે મળ્યાં આ મનસાના મેળે કે વિજોગણ વેદના રે

અમે ઊભા આંસુના ખોળે કે વિજોગણ વેદના રે

તમે વહેર્યા આ શ્વાસોના પહાડ કે વિજોગણ વેદના રે

અમે રોપશાં મોગરાનાં ઝાડ કે વિજોગણ વેદના રે

તમે ઉગાડી આયખાને ડાળ કે વિજોગણ વેદના રે

અમે બંધાયા વાયરાની પાળ કે વિજોગણ વેદના રે

તમે ભર્યા વાદળ જેવાં કોપ્યાં કે વિજોગણ વેદના રે

અમે દુકાળો લોહીમાં રોપ્યા કે વિજોગણ વેદના રે

તમે આંખોમાં છલકાવ્યા દરિયા કે વિજોગણ વેદના રે

અમે હલેસાં મારતાં તરિયા કે વિજોગણ વેદના રે

તમે ઝરણાંને હૈયે સમાયાં કે વિજોગણ વેદના રે

અમે દાવાનલ જેવા ઓલાયા કે વિજોગણ વેદના રે

તમે ઊડતાં પંખીઓનું આકાશ કે વિજોગણ વેદના રે

અમે કાપેલી પાંખોની આશ કે વિજોગણ વેદના રે

તમે જાઓ છો સમંદર પાર કે વિજોગણ વેદના રે

અમે સુકાતા સરોવરનો ભાર કે વિજોગણ વેદના રે

.

( કિશોરસિંહ સોલંકી )

આ અવસરે…-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

બહાર ભીતર ઝળહળું…

હું મને હરપળ મળું…

.

આંગણું આકાશનો ટુકડો બને,

યાદ તારી સાંકળું…

.

‘ચાલ ભૂલીને બધું મળીએ ફરી’

શબ્દ કોના સાંભળું…

.

સાવ પથ્થરનો હતો, આ દેહ પણ,

જળ સમો કાં ખળખળું?

.

આવ, કે આવ્યો છે આ અવસર ફરી,

તું બની હું નીકળું…

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

બે લઘુકાવ્યો-જયંત દેસાઈ

(૧)

મારી

ડાયરીને પહેલે

પાને તેં

કરેલા

હસ્તાક્ષરમાં દાખલ

થયા પછી, આડુંઅવળું

દોડીને મારા

વિચારો

બહાર નીકળે ત્યારે

બની ગઈ હોય

એક કવિતા !!!

.

(૨)

એક સાંજે

તું ત્યાં તારા

શિડ્યુઅલ

પ્રમાણે કેન્વાસ

પર પીંછી

ફેરવતી હશે..

બરાબર

તે જ સમયે

હું જોઈ શકેલો

ક્ષિતિજ

ઉપર

ફૂટી આવેલી

રંગીન ટશરોને…!!

.

(જયંત દેસાઈ)

હજી હમણાં જ…-દિનેશ ડોંગરે “નાદાન”

બધી ઈચ્છાઓ ઠારીને હજી હમણાં બેઠો છું,

ફકીરી વેશ ધારીને હજી હમણાં જ બેઠો છું.

.

મને અંધારમાં જોઈ તમે આશ્ચર્ય ના પામો,

સૂરજનો રથ ઉતારીને હજી હમણાં જ બેઠો છું..

.

ઉમળકાભેર સ્વાગત થાય એનું આંગણે તેથી,

હું ઘર-ઊંબર સંવારીને હજી હમણાં જ બેઠો છું.

.

હવે ધાર્યા મુજબ આઘાત-પ્રત્યાઘાત નૈં આવે,

સમજશક્તિ વધારીને હજી હમણાં જ બેઠો છું.

.

ઉદાસી આવી મારા ઘર સુધી પાછી વળી જાશે,

મનોમન એ વિચારીને હજી હમણાં જ બેઠો છું.

.

ખુશી આજે નહીં તો કાલે ચોક્ક્સ આવશે ‘નાદાન’

હું બાંહો પસારીને હજી હમણાં જ બેઠો છું.

.

( દિનેશ ડોંગરે “નાદાન” )

परम दु:ख-अक्कितम

कल आधी रात में बिखरी चाँदनी में

स्वयं को भूल

उसी में लीन हो गया मैं.

स्वत: ही

फूट-फूट कर रोया मैं

नक्षत्र-व्यूह अचानक ही लुप्त हो गया.

.

निशीथगायिनी चिडिया तक ने

कारण न पूछा

हवा भी मेरे पसीने की बूँदे न सुखा पायी.

.

पडोस के पेड से

पुराना पत्ता तक भी न झडा

दुनिया ईस कहानी को

बिल्कुल भी न जान सकी.

.

पैर के नीचे की घास भी न हिली-डुली

फिर भी मैंने किसी से भी नहीं बतायी वह बात.

.

क्या है

यह सोच भी नहीं पा रहा मैं

फिर ईस बारे में दूसरों को क्या बताऊँ मैं ?

.

( अक्कितम, मूल कविता : मलयालम, अनुवाद : उमेश कुमार सिंह चौहान )