યુનો, ન્યૂયોર્ક, તમે, અને…

.

યુનોની વડી કચેરી ધરાવતા

ન્યૂયોર્કમાં

તમે એક ઉંદરની હત્યા કરતાં

પકડાઈ જાઓ તો

તમને જેલમાં જવું પડે

પણ…

બોસ્નિયા કે રવાન્ડામાં

તમે ૧૦,૦૦,૦૦૦ કે

૨૦,૦૦,૦૦૦ મનુષ્યો

(જી હા, ખરેખર મનુષ્યો)ની

કત્લેઆમમાં સંડોવાયેલા હો તો

તમારે

ફાઈવસ્ટાર હોટેલના કોન્ફરન્સ

હોલમાં

યુદ્ધવિરામ અને શાંતિ માટેની

વાટાઘાટોમાં ભાગ લેવો પડે.

.

યુનોની વડી કચેરી ધરાવતા

ન્યૂયોર્કમાં

તમે એક મરેલી મરઘી

ઉકરડે નાખતાં પકડાઈ જાઓ તો

તમને હાથકડી પહેરાવવામાં આવે

પણ…

બોસ્નિયા કે રવાન્ડામાં

હજારો બાળકોના લોહીથી

તમારા હાથ ખરડયેલા હોય તો

તમને સ્વચ્છ નેપકિન

આપવામાં આવે.

.

યુનોની વડી કચેરી ધરાવતા

ન્યૂયોર્કમાં

તમે તમારા જ મૂત્રનો

નિકાલ કરતા ઝડપાઈ જાઓ તો

તમને પચાસ ડોલરનો

દંડ કરવામાં આવે

પણ…

બોસ્નિયા કે રવાન્ડામાં

તમે લાખ્ખો નિર્દોષોના

લોહીની નદીઓ વહાવો તો

તેમાં શાંતિના ઠરાવના

કાગળની હોડીઓ

તરાવવામાં આવે.

.

( આદિલ મન્સૂરી )

આંગળી અડાડો – કિશોર શાહ

આંગળી અડાડો તો તળિયું આવે

એવા સાગર મારે તાગવા નથી

વારે વારે ફૂંફાડો માર્યા કરે

એવા કાળી નાગ મારે નાથવા નથી

.

બોલકી દીવાદાંડી બોલી ગઈ શું

કે સૂરજ પણ ભરદરિયે ડૂબી ગયો.

કોણ જાણે કેમ આજે ઊંડા આકાશમાં

કાદવિયો અંધકાર ઊગી ગયો.

ઝાંઝવાને જોઈને હરખી ઊઠે

અને જળને જોઈને સહેજ મરકે પણ નહીં

એવાં હરણાં મારે પાળવાં નથી.

.

મીણના આ માણસો ફીણફીણ થઈ ગયા

અને પૂતળાંઓ થઈ ગયા અવાક

ઊંચેરા પહાડને તો આઘે ઠેલે

અને ચપ્પટ મેદાનોનો થાક

કાખગોડી લઈને ચાલતા આ પાંગળાઓ :

મારે આંધળાને મેઘધનુષ આપવાં નથી

.

( કિશોર શાહ )

ફરી એ જ વર્તુળ મહીં – ભરત ભટ્ટ ‘તરલ’

ફરી એ જ વર્તુળ મહીં વ્યાસ નાખ્યો,

પુનર્જન્મનો એક ઈતિહાસ નાખ્યો.

.

અમે મન ઉપર એક અધ્યાસ નાખ્યો,

કૂંડાળું કરીને વધુ ત્રાસ નાખ્યો !

.

અડાબીડ અંધાર – અજવાસ નાખ્યો,

અને આંખમાં તોય આભાસ નાખ્યો.

.

અમે પિંજરાને સ્વીકારી લીધું, તો-

તમે પિંજરામાં સતત શ્વાસ નાખ્યો.

.

એને પૂગવાની શરતમાં જ ઊગ્યાં,

એના ચાસ પાસે અમે ચાસ નાખ્યો.

.

( ભરત ભટ્ટ ‘તરલ’ )

અમીર જેમ – કૈલાસ પંડિત

ઊઘડે છે મોડી રાતના આંખો બે પીર જેમ,

મારામાં કોણ હોય છે બીજું શરીર જેમ.

.

સાંજે મળીને થાઉં છું હુંયે ભર્યોભર્યો,

તુંય હસે છે ફૂલમાં વ્હેતા સમીર જેમ.

.

આવીશ ત્યારે સાંજના ઢગલો થઈ જઈશ,

નીકળું છું ઘરની બહાર હું છૂટેલા તીર જેમ.

.

ભાગી રહેલા લોકને ફુરસદ નથી જુએ,

સૂરજ સવારે શહેરમાં ફરશે ફકીર જેમ.

.

ગ્રંથો ભરાય એટલાં સ્વપ્નાં ઘડ્યાં અમે,

ખાલી છે બેઉ હાથ ને જીવ્યા અમીર જેમ.

.

( કૈલાસ પંડિત )

સહેલું નથી – સુરેશ દલાલ

મારું વચન આ પહેલું નથી કે છેલ્લું નથી

માણસ થવું એ કંઈ સહેલું નથી

.

માણસ થવું એટલે ભૂલતા જવું

પળપળમાં કમળ જેમ ખૂલતા જવું

આભ જેવું આભ ક્યાંય મેલું નથી

માણસ થવું એ કંઈ સહેલું નથી.

.

પારકાની ચિંતા ને પોતાની વાત નહીં

એના જેવા કોઈ દિવસ કે રાત નહીં

આપણું નસીબ એ કાંઈ એકલું નથી

માણસ થવું એ કંઈ સહેલું નથી

.

( સુરેશ દલાલ )

દડો – કિશોર શાહ

નીચે મેદાનમાં છોકરાઓ

ક્રિકેટ રમે છે.

હું પાંચમે માળેથી

તેમને જોઈ રહું છું

જોરથી ફટકો વાગતાં

દડો દૂર ઘાસમાં જઈ અટકે છે

એક છોકરો

ઘાસમાં દડો શોધવા ફાંફા મારે છે

દડો નજીક છે

છતાં તેને નજરે નથી પડતો

હું મારા મન જોડે વાત કરું છું

કે

આ વિશ્વમાં

હું ખોવાયેલો દડો છું

કે

દડાને શોધી રહેલો છોકરો ?

.

( કિશોર શાહ )

कुछ भी नहीं

जिन्दगी आप की कुर्बत के सिवा कुछ भी नहीं

मौत क्या है ? गमे-फुर्कत के सिवा कुछ भी नहीं

.

वो हकीकत है उन्हें ख्वाब में भी देखते है

यानी हर ख्वाब हकीकत के सिवा कुछ भी नहीं

.

आप की याद है सहरा में गुलिस्ताँ की तरह

आप का जल्व: कयामत के सिवा कुछ भी नहीं

.

बेकरारी को करार आता है रफ्ता रफ्ता

गम भी ईंसान की आदत के सिवा कुछ भी नहीं

.

जख्म है ख्बाब है, यादें है परेशानी है

’नग्मा’ ये ईश्क मुसीबत के सिवा कुछ भी नहीं

.

( रुपा ‘नग्मा’ )

[ कुर्बत=सामीप्य, गमे-फुर्कत=जुदाई का दु:ख, सहरा=मरुभूमि, गुलिस्ताँ=पुष्पोद्यान, कयामत=प्रलय, रफ्ता रफ्ता=धीरे धीरे ]

Company

આવ, ચકલી આવ !

આવ થોડીક સળીઓ લાવ, – પાછી જા – થોડાંક ચીંથરાં લાવ.

અહીં આ ડ્રોઈંગરૂમમાં એક માળો બાંધ.

મને તારી જીવતી અવરજવર ગમશે.

તારા ગૂંથાયેલા માળામાંથી જ્યારે એક જીવ ચીંચીં કરી

થોડોક કચરો નીચે પડશે

ત્યારે હું પતાસાં વહેંચીશ.

.

આવ, કબૂતર આવ !

છત પર બેસ. મને તારું મોં જોવું ગમે છે.

તારી આંખોને પંપાળવાનું મન થાય છે.

ઘણા વખતથી

નિર્દોષ ચહેરા જોયા નથી.

આવ તારું ટોળું લઈને આવ.

ઘૂ ઘૂ કરતા દરિયાથી આ ઓરડાને ભરી દે.

મને એ દરિયામાં ડૂબવું ગમશે.

.

( વિપિન પરીખ )

પાંચ લઘુકાવ્યો

મેં તો તને ગુલાબ નહીં

પણ ગુલાબનો ફોટો આપ્યો

અને એ ફ્રેમમાં જ

કરમાઈ ગયો.

.

( રોહિત પુરોહિત )

.

એક રાતે

ઊંઘમાં અજાણતાં

સપનાને ઠોકર મારી બેઠો

ત્યારથી

હું ઊંઘી નથી શકતો.

.

( કિશોર શાહ )

.

નગરના રાજમાર્ગ પર

એક પૂતળું

મધરાતે

સ્ટ્રીટ લેમ્પ પાસે જઈને

એટલું જ બોલ્યું

સૂરજની સ્મૃતિમાં

હવે કોડિયાં

સળગાવવાનું બંધ કરો.

.

( સાગર મહેતા )

.

સૂરજ સામે

દીવાસળી સળગાવીને

હુંશોધું છું

શાશ્વત અંધારું.

.

( કિશોર શાહ )

.

હોટેલના

ટેબલ પર ટ્રેમાં

થરમોસ પડ્યું છે

પાણીનો ગ્લાસ ઊંધો છે.

તરસ મરી ગઈ છે

અને હું જીવું છું

થરમોસની અંદર ને અંદર

જળ ભલે ઝૂર્યા કરે.

.

( સુધાકર ગાંધી )

મેં જ તો

મેં જ તો વીંધી હતી પાની મોરપિંછધારીની !

ક્યાં કેડો છોડવાના હતા

અધર્મની ગઠરીઓ છોડી બેઠેલ

જગતના આ જથ્થાબંધ વહેવારીઓ !

જનમતાં વેંત રચાવી ભીંત રોકાવી જળ વેગ

કરાવ્યા કારસા કંઈક નંદઘેર દૂધમલ મોંએ !

સકળ જગત જેનું હતું આંગળિયાત

થતો તે મારા મહી દાણનો માગણિયાત !

મુકાવી પુણ્ય સઘળાં અંજલિમાં

કરાવ્યો જીવિત ઉત્તરાપુત્ર આખરમાં !

તો યે દેખાડી એને યાદવાસ્થળી

કરી ઋષિજનની હાંસિ, દઈ હાથતાળી !

છોડત આ જગ શું ક્યારેય તે એને

પાળત ક્યાંથી વચન એ ખુદ દીધું

’જનમવાનું યુગે યુગે !’

એટલે જ તો આજ લગે વીંધ્યા કરું છું હું

કોઈકની પાની ને કોઈકની છાતી !

.

( નિર્ઝરી મહેતા )