પ્રેમ – વિપિન પરીખ

જે સુંદર છે તેને જ બધા પ્રેમ કરે છે.

જોયા કરે છે ટીકીટીકીને

એક ભ્રમર બનીને ગુંજ્યા કરે છે આજુબાજુ,

બીજો રચે છે ચરણોની આસપાસ સુવાસનાં સરોવર.

કોઈ કેમેરા લઈને ‘સ્નેપ શોટ’ પાડ્યા કરે છે અહીંથી-તહીંથી

કોઈ દોરે છે ‘ચિત્રો’, કોઈ ગાય છે ગીત.

પણ

પણે એક ખૂણે હતાશ થઈને બેઠી છે એક સંકોડાઈને-

એની આંખોમાં માછલીઓ તરતી નથી

એના હોઠ પરવાળાના નથી

એનું મુખ પૂર્ણચંદ્ર જેવું નથી

એના કેશને જોઈ કાળી સાપણ યાદ આવતી નથી

લાવ, આજે હું જ

સુંદર-અસુંદરના બધા જ ખ્યાલોને ડુબાડીને

એના હોઠ ઉપર માતું નામ તરતું મૂકું.

.

( વિપિન પરીખ )

આગવા બેત્રણ અભાવો – કરસનદાસ લુહાર

થૈ જવા તરબોળ તડકે મ્હાલવાદેજે મને !

રણ વચોવચ રૂખડાશો ફાલવા દેજે મને !

.

ક્યાં સુધી આધાર મારો તું થવાનો દોસ્ત હે

આંગળી મારી હવે તો ઝાલવા દેજે મને !

.

આમ તો હું ભાવથી ભરચક સતત છું તે છતાં

આગવા બેત્રણ અભાવો સાલવા દેજે મને !

.

આ સફર છે આખરે મારાથી તે તારા સુધી;

એ જ રસ્તે મન મૂકીને ચાલવા દેજે મને !

.

હું જ છું, ના હું નથી, કોઈ નથી કૈં પણ નથી;

શૂન્યના મબલખ આ મેળે મ્હાલવા દેજે મને !

.

( કરસનદાસ લુહાર )

ખરી ખરીને – આહમદ મકરાણી

ભૂલી ગયો છું તરતાં, દરિયો તરી તરીને;

ચહેરો ભૂલી ગયો છું, દર્પણ ધરી ધરીને.

.

સાકી નથી, ન મયકશ, પ્યાલા હવે નથી એ;

પીતા હતા અમે જે પ્યાલા ભરી ભરીને.

.

થોડાં સવાલ ઉત્તર આપી દીધા અમે પણ;

ડગલું હવે શું ભરવું અમથું ડરી ડરીને ?

.

માનવ થયો છું આખર માનવ બનાવજે તું;

થાકી ગયો છું નવલાં રૂપો ધરી ધરીને.

.

ખીલ્યા પછીનું ખરવું કોણે લખી દીધું છે ?

ફરિયાદ કૈં કરે છે ફૂલો ખરી ખરીને.

.

( આહમદ મકરાણી )

પ્રેમ એટલે…

કોઈ તમને જીવવા માટે પ્રેરણા આપે

તમારામાં રહેલ આનંદને બહાર લાવી

તે બીજાને આપવાની પ્રેરણા આપે…

પ્રેમ એટલે…

તમને શક્તિશાળી બનાવે તે

તમારામાં વિશ્વાસ પેદા કરે છે તે

પ્રેમ એટલે…

જ્યાં તમે હંમેશા હાજર હો છો…એવી જગ્યા

જ્યાં તમોને ઘણું શીખવાની પ્રેરણા થાય છે…

તમારો વિકાસ થાય છે…

આ એવો સાથ છે જ્યાં

’હું’ જેવો છું તેવો સ્વીકારાઉં છું અને

મને વધુ સુંદર બનવા મદદ મળે છે.

અને મારી જાતની અપૂર્ણતાઓ પૂર્ણતામાં ફેરવાય છે.

આ એવો સાથ છે

જે શક્તિશાળી બનાવે છે…અને

જ્યારે જરૂર પડે ત્યારે ગમે તેવા સંજોગોમાં પણ

સુખ અને સહકાર આપે છે.

આ એવો સાથ છે જ્યાં

શ્રદ્ધાનું આશ્રય સ્થાન છે

સલામતીની ભાવના છે…અને છતાં

મને સ્વતંત્રતા પણ મળે છે

જ્યાં હું મારી જાતે જ વિકસું છું…

આ એવો સાથ છે,

સદીઓથી જેનો ઈન્તજાર છે

તે ખૂબ જ સુંદરતમ છે..અજોડ છે…

વાસ્તવિક છે…

એ જ તો પ્રેમ છે.

.

( અજ્ઞાત )

પ્રિય, તને પત્ર – સુરેશ દલાલ

Happy Valentine's Day

પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. સમયનો સ્વભાવ સરવાનો છે. મિલનમાં સમય સરતો જાય છે. વિરહમાં સમય જાણે કે થંભી જાય છે. હકીકતમાં હરણની છલંગરૂપે કે ગોકળગયની ગતિએ સમય સરતો જ રહે છે. ઓક્ટેવિયા પાઝની એક પંક્તિ છે : “Does nothing pass, when time is passing by ?” સમયની સોગાતરૂપે મળેલો પ્રેમ રાતોરાત વીખરી જાય છે અને છતાં પણ એ વીખરવાપણાની વચ્ચે પણ કહ્યા વિના એક વાત કહેવાય છે કે હવે આ હ્રદય અન્ય કોઈ સાથે ક્યારેય અનુસંધાન નહિ પામે.

.

તને પત્ર લખવો છે અને નથી લખવો. બધી જ વાત કહેવી છે અને કશી જ વાત કહેવી નથી. બધી જ વાત કોઈ કદીયે કહી શક્યું છે ખરું ? લાગણીની લિપિ પૂર્ણપણે કોરા કાગળ પર અંકિત થઈ શકે ખરી ? એટલે જ પત્ર લખવાની સનાતન પ્યાસ હોવા છતાંય પત્ર લખવાનું માંડી વાળું છું. અને આ વાત માંડી વાળી શકાય એવી પણ નથી. હું લખું છું, વલખું છું ,લખું છું. સૂરજનું કિરણ રોજ સવારે સમુદ્રના જળ પર પોતાની લિપિ આંકવા માટે અથાક પ્રયત્ન કરે છે. થાકીને તે પાછું રાતના અંધકારમાં લપાઈ જાય છે. રાતના અંધકાર જેવી મારી ભાષા. એમાં કોઈક શબ્દો તારાની જેમ પ્રકટે પણ ખરા પણ તારાનું જરીક અમથું તેજ આટલા બધા અંધકારને કઈ રીતે છેદી ભેદી શકે ?

.

સ્મૃતિ વીજળી થઈને મારા આકાશને આખેઆખું ચીરી નાખે છે. ક્યારેક એ વીજળી ચાબુક થઈને મને ફટકારે છે ત્યારે પણ મારા કંઠમાંથી ચીસ નથી પ્રગટતી. સરી જાય છે એક આનંદનો ઉદ્દગાર અને ઉદ્દગારમાં હોય છે તારું નામ. હું અભાગી નથી. સદ્દભાગી છું. તારી સ્મૃતિ સાથે જીવું છું. તારી સ્મૃતિ સાથે જાગું છું, તારી સ્મૃતિ સાથે ઊંઘું છું. તારી સ્મૃતિ સાથે ખાઉં છું, પીઉં છું. કરવા પડતાં તમામ કામ કરું છું તારી સ્મૃતિ સાથે. અને એટલે જ મારું કોઈ પણ કામ, બોજો કે વેઠ કે વૈતરું નથી પણ જીવનનો નર્યો ઉલ્લાસ છે. પ્રત્યેક પળ સાથે તારો પ્રાસ છે. પ્રત્યેક પળ એ તારો સહવાસ છે. પ્રત્યેક પળ એ તારી સાથેનો પ્રવાસ છે. ચારે બાજુ આસપાસ તારી જ સુવાસ છે.

.

મારે તો તને એક જ વાત કહેવી છે. તું આવ, અહીં આવ. પવનના તીરની ગતિ લઈને આવ. આ સાગરમાં મારી નાવ ડૂબી જાય એ પહેલાં આવ. આ રાતનો અંધકાર જરી પણ નથી જીરવાતો. મારો આ સૂર તારા શબ્દ વિના ક્યાં લગી એકલો રઝળતો ગાતો ગાતો ફર્યા કરશે ?

.

હવામાં રાતરાણીની મહેક ક્યાંથી ? ફૂલની કોઈ પણ સુગંધ, શરણાઈના કોઈ પણ સૂર મને વ્યાકુળ કરવા માટે પૂરતા છે. તારે માટે ઝૂરતા જીવ માટે આટલું જ પૂરતું છે. વ્યાકુળતા દેખાતી નથી પણ હવાની જેમ હોય છે. વ્યાકુળતા દેખાડવાની પણ હોતી નથી. એને જેટલી સંગોપી શકાય એટલી સંગોપવી જોઈએ. સંગોપી શબ્દમાં પણ ગોપી લપાઈ છે. ગોપીને કોઈ નામ નથી હોતું. એ કેવળ કૃષ્ણની હોય છે.

.

( સુરેશ દલાલ )

પ્રેમનો અર્થ – ઓશો

પ્રેમનો અર્થ છે જીવનની વહેંચણી.

પ્રેમનો અર્થ છે જીવંત વ્યવહાર.

પ્રેમનો અર્થ છે ખુશીઓ વિખેરવી…ઉડાડવી…

પ્રેમનો અર્થ છે લોકોના જીવનમાં થોડાં ફૂલો ખીલવવાં…

પ્રેમનો અર્થ છે બુઝાયેલા દીવા સળગાવવા…

પ્રેમ તો છે બે વ્યક્તિ વચ્ચેની સ્વતંત્રતાની આપ-લે…

ન કોઈ કોઈનો માલિક છે, ન કોઈ કોઈની દાસી છે…

પ્રેમ જીવનમાં હોય તો તમે મુક્ત છો…

કોઈપણ રીતનો પ્રેમ હોય, શુભ છે…

કારણ કે ગમે તે પ્રેમ હોય તેને ઉજળો કરી શકાય છે…

જો માણસથી ડરતા હો તો…

સંગીતથી પ્રેમ કરો…

પ્રકૃતિથી પ્રેમ કરો…

ચાંદ-તારાથી પ્રેમ કરો…

કોઈ સર્જનાત્મક આયામમાં,

પ્રેમને ઢાળી દો…

મૂર્તિ ઘડો, ગીત રચો કે નાચો, પરંતુ

ગમે તે દિશા હો, તે તરફ એને પ્રવાહિત થવા દો…

જેથી થોડાક પ્રેમનો અનુભવ થાય…

પ્રેમ ભલે શીખવી શકાય કે ન શીખવી શકાય…

પરંતુ પ્રેમ માટે સંદર્ભ આપી શકાય…

પ્રેમ માટે વાતાવરણ ઉભું કરી શકાય…

પ્રેમમાં બગીચો ખડો થાય…

જ્યાં ફૂલ ખીલવી શકાય…

.

( ઓશો )

સમજાય તો સારું – બી. કે. રાઠોડ

ઈશારો મૂક પથ્થરનો, તને સમજાય તો સારું.

સવેળા અર્થ ઠોકરનો, તને સમજાય તો સારું.

.

જગતની રંગભૂમિ પ,ર તમાશો જિંદગીનો છે,

મજાનો ખેલ ઈશ્વરનો, તને સમજાય તો સારું.

.

વધારો થાય માત્રાનો, પછી હર ચીજ બૂરી છે,

ટકોરો છે ખરેખરનો, તને સમજાય તો સારું.

.

સુનામી રૂપ લૈ કાં બંધનો તોડ્યાં કિનારાએ….?

બળાપો સાત સાગરનો, તને સમજાય તો સારું.

.

ન જાણે મોત કેવું રૂપ લઈને આવશે તારું,

હશે કિસ્સો ઘડીભરનો, તને સમજાય તો સારું.

.

લખી છે વાત દિલની મેં અહીં બેચાર ગઝલોમાં,

ઝુરાપો જિંદગીભરનો, તને સમજાય તો સારું.

.

( બી. કે. રાઠોડ )

શબ્દો વજનમાં હોય છે – રશ્મિન પટેલ

કેટલી વાતો દટાયેલી જ મનમાં હોય છે,

ગામમાં, ઘરમાં અને બીજી પવનમાં હોય છે.

.

બીજમાંથી ફળ પછી શું હોય છે અંદર કહો ?

એ જ રીતે આ કર્મોની ગતિ ગહનમાં હોય છે.

.

ફક્ત ફૂલોની સુગંધ વિશે કહો તો શું હશે ?

જો કશું ના હોય તો કૃષ્ણ ભજનમાં હોય છે.

.

આમ આખ્ખું જગત ખિસ્સામાં લઈ ફરતા રહો,

એક છેલ્લી મરણની ઈચ્છા વતનમાં હોય છે.

.

યાદની આ વેલનાં પુષ્પો ખરે છે રાતદિન,

એ જ શબ્દો એ જ અર્થો ત્યાં વજનમાં હોય છે.

.

( રશ્મિન પટેલ )

એક ખોવાયેલ – ઉર્વીશ વસાવડા

એક ખોવાયેલ નથડી, ને રમેલા રાસનો

ક્યાં મળે છે કોઈ દસ્તાવેજ એ ઈતિહાસનો

.

દોસ્ત સાબૂત રાખજે સંવેદનાઓ પગ નીચે

તો જ થઈ શકશે અનુભવ સાવ તાજા ઘાસનો

.

ઘોર અંધારે દીવો એકાદ પ્રગટાવો પછી

અર્થ આપોઆપ સમજાઈ જશે અજવાસનો

.

તેં ઈમારતના ઘણા નકશાઓ ચીતર્યા પણ હવે

આજ ચીતરી દે મને નકશો સૂના આવાસનો

.

સહેજ અમથી ફૂંકની ભીતિ તને પજવે સતત

નેસ્તનાબૂદ થઈ શકે આ મહેલ તારો તાસનો

.

( ઉર્વીશ વસાવડા )

ખૂબ સંભાળજે – ‘પ્રણય’ જામનગરી

ધૂપ છે છાંવ છે, ખેંચ છે તાણ છે, ખૂબ સંભાળજે

છે અજાણી જગા, શખ્સ અણજાણ છે, ખૂબ સંભાળજે.

.

કંઈક આ પાર છે, કંઈક એ પાર છે, એ જ છે આપણું,

રાખની છે રમત, લાખની લહાણ છે, ખૂબ સંભાળજે.

.

છે સમય કૈં અલગ, છે નસીબ કૈં અલગ, છે દશા કૈં અલગ,

એનું એ તીર છે, એનું એ બાણ છે, ખૂબ સંભાળજે.

.

ધૂળ ઢંકાયેલો, સાવ ઝંખાયેલો, જાણે પીંખાયેલો,

આભમાં ક્યાંક એ, એનો એ ભાણ છે, ખૂબ સંભાળજે.

.

સહેજ લથડે ચરણ, તો અહીં છે મરણ, વાત નક્કી જ એ,

માણસો ખીણ છે, માણસો ખાણ, છે ખૂબ સંભાળજે.

.

આ તો દરિયો ‘પ્રણય’, દે ડૂબાવી બધું; શેષ કૈં ના બચે !

આંધી-તોફાન છે- જર્જરિત વ્હાણ છે, ખૂબ સંભાળજે.

.

( ‘પ્રણય’ જામનગરી )