થાતો જાઉં છું – વેણીભાઈ પુરોહિત

આશકોની આહની અંગૂર ખાતો જાઉં છું,

પ્યારમાં ને પ્યારમાં મન્સૂર થાતો જાઉં છું.

.

એ હથેળીમાં હિનાની મુશ્કરાહટ લાલ-લાલ !

મનનો હું મજબૂત પણ મજબૂર થાતો જાઉં છું.

.

આફતોના આફતાબી દોરમાં દાઝી મરું,

લૂ ઝરે છે તો ય હું લેલૂર થાતો જાઉં છું.

.

તું નથી કહેતી કે, ‘મારા પ્યારનું તું ગીત ગા-‘

તેથી હું બદનામ ને બેસૂર થાતો જાઉં છું.

.

તારા ઈન્કારોથી મારા જખ્મ દૂઝે છે ડબલ !

પ્યાર કહે છે : ‘પોશમાંથી પૂર થાતો જાઉં છું.’

.

એક પાછળ એક અરમાનોની હિજરત થાય છે

જિન્દગીનો શેઠ હું મઝદૂર થાતો જાઉં છું.

.

ભાંગની બરફીની માફક બોલ કેફી બોલ મા-

ચાખું છું લગરીક, ચકનાચૂર થાતો જાઉં છું.

.

રાગ સાંભળવો નથી, ને આગ ઓલવવી નથી,

વેદનાની વાંસળીનો સૂર થાતો જાઉં છું.

.

આપણી આ અલવિદાનાં આંસુઓ લે સાચવી,

કોકના સેંથાનું હું સિન્દૂર થાતો જાઉં છું.

.

દર્દ મર્દોમાં વસે છે, કાયરો ને શી ખબર ?

ખુદકુશી કરતો નથી, ખુદ ક્રુર થાતો જાઉં છું.

.

ઈલ્મી આંગળીઓની વચ્ચે ઠોઠ અંગૂઠા સમો-

દિલરુબાની પાસ આવી દૂર થાતો જાઉં છું.

.

બૂરી નજર તો ભલી બેચેનની બળતી નજર,

તારી સામું જોઈને મશહૂર થાતો જાઉં છું.

.

( વેણીભાઈ પુરોહિત )

સમય કહેશે – હિમાંશુ પ્રેમ

સફરમાં કોણ કોના પર મૂકે પ્રત્યય ? સમય કહેશે

ને મળશે ક્યાં સુધી, ને કેટલા વ્યત્યય ? સમય કહેશે

.

તમે મદમસ્ત થઈને હાંકતા રહેશો જીવન નૈયા

સમય વિણ કોઈ અહીંયા છે નહીં અક્ષય, સમય કહેશે

.

વિચારોમાં ગરકવાનો કરે છે ડોળ અહીં લોકો

ખરેખર કોણ અહીંયા કેટલું તન્મય, સમય કહેશે

.

સમસ્યાનું નિવારણ ભીતરે શક્ય છે મળવું

તમારી વર્તણૂકનો ક્યાં તૂટે છે લય,  સમય કહેશે

.

નજરના વ્યાપને ઘેરી વળ્યા છે કંઈક કૂંડાળાં

પ્રલય થાશે કે મળશે આ ભવે સંજય, સમય કહેશે

.

હ્રદય વિહ્વળ, સ્વજન વિહ્વળ, નગર વિહ્વળ, જગત વિહ્વળ

અકારણ ક્યાં સુધી તોળાઈ રહેશે ભય ? સમય કહેશે

.

( હિમાંશુ પ્રેમ )

जिस्म की जुस्तजू – निदा फाजली

सुनो तुम !

ये मेरा तुम्हारा

जो रिश्ता है

ईक रास्ता है

मैं तुमसे गुजर कर ही

तुम तक पहुँचने की रफ्तार हूँ

मेरा आगाज तुम

मेरा अंजाम तुम

तुम्हें देखकर मैं तुम्हें सोचता हूँ

तुम्हें पा के ही

मैं तुम्हें खोजता हूँ

तुम अपने बदन के समंदर में

सदीयों से पोशीदा

ईक ख्वाब हो

और मैं !!

खून की तेज गर्दिश में बनती हुई आँख हूँ

आँख और ख्वाब के दर्मियाँ

रोशनी तितलियाँ

नींद, बेदारियाँ

जिस्म से जिस्म तक

हर मिलन ईक सफर

हर सफर !

ख्वाब की आरजू

जिस्म की जूस्तजू !

.

( निदा फाजली )

શ્વાસ છોડ્યા – મુકેશ જોષી

શ્વાસ છોડ્યા જિંદગી ચોમેર ચર્ચાતી થઈ

હું ‘બહુ સારો હતો’ એ વાત કહેવાતી થઈ

.

કોઈએ પૂછ્યું ઉનાળો કેમ છે એના વિના

ત્યારથી ગુલમ્હોરની આંખો બહુ રાતી થઈ

.

એય મારા પ્રેમમાં છે વાત આ પાકી થઈ

એમની અંગત સખી મારી ગઝલ ગાતી થઈ

.

રામ જેવો છું મને સુખદ પ્રતીતિ થાય છે

છોકરી મારા જ એંઠા બોર જ્યાં ખાતી થઈ

.

મધ કે મધથીય સુંદર સ્વાદ છે આ કાવ્યનો

શું તમે પણ ના સમજતાં ! આમ ગુજરાતી થઈ

.

( મુકેશ જોષી )

ફાનસ – કિશોર શાહ

એક સાંજે

ઘરે પાછા ફરતાં

સ્ટેશનની ફૂટપાથ પર નજર ઠરી

.

એક ફેરિયાએ

ફાનસમાં દીવો સળગાવી પાથર્યો હતો

તે વેચતો હતો કાચનું ફાનસ

જ્યોતનું રક્ષણ કરવા માટે.

ફાનસ વેચાતું ત્યારે દીવો

બીજા ફાનસમાં પોતાની જગ્યા શોધી લેતો

અને ફાનસ

અંધારું ભરી કશેક આઘે નીકળી જતું

ત્યાં અચાનક

પુલની નીચે શોરબકોર વધ્યો

નમીને નીચે જોયું તો

રામનામનો મહિમા પોકારતી

એક શબયાત્રા પસાર થઈ રહી હતી

હું એક ક્ષણ શબને

અને

બીજી ક્ષણે ફાનસને

જોઈ રહ્યો.

.

( કિશોર શાહ )

વિજોગણ – ડો. ગુણવંત શાહ

બાવળના કાંટાને છાંયડે હું બેઠી

ને તોય મને લાગે છે ગુલછડીની લૂ;

વાલમનો સંદેશો લઈને પારેવડું

ઘૂઘવે છે ક્યારનું ઘેલું ઘેલું !

.

બળતા બપ્પોરનો તડકો ચીરે છે

એક તરસી તળાવડીનાં જંપેલાં નીર;

આડે પડખે પોઢ્યાં શમણાંને પજવે છે

કોની આ વાતનો વહેતો સમીર.

ક્યારની આ દેહમાંથી નીસરી હું બહાર

હવે તારે ઓશીકે અઢેલું !

.

અંધારું ભરખી જાય કોઈ એક આગિયો

કે સૂરજને શોષે આકાશ

આમ તો હું એકલી ને તોય મને લાગે છે

તું તો મારી ભીતર; ચોપાસ.

ચૂમતાં હું થાકું નહિ તારી ચબરખી

હું તો એકલી પૂનમનો રાસ ખેલું.

.

( ડો. ગુણવંત શાહ )

વાલમને ઠપકો – શિવજી રૂખડા

આટલી વાલમ લગાડી વાર કાં ?

હર વખત કાઢી સમયની ધાર કાં ?

.

મેં તમારા પર ભરોસો કેટલો કીધો હતો,

એ દિલાસા પર સતત મેં શ્વાસ પણ લીધો હતો.

.

હર એક આ પળનો સતાવે ભાર કાં ?

આટલી વાલમ લગાડી વાર કાં ?

.

હું જણસ તારી હતો તેં એટલે તોળ્યો મને,

આ કટોરાઓ છલોછલ રાખવા ઘોળ્યો મને,

.

હર વખત આવો કર્યો વહેવાર કાં ?

આટલી વાલમ લગાડી વાર કાં ?

.

તું જ દરિયો, તું કિનારો તેં જ તો ભરતી કરી,

કાં બવંડરની તરફ આ નાવને તરતી કરી,

.

ના કરી થોડી ઘણી દરકાર કાં ?

આટલી વાલમ લગાડી વાર કાં ?

.

( શિવજી રૂખડા )

એક તારી યાદ – તુરાબ ‘હમદમ’

એક તારી યાદનું ઝળહળ થવું

કેટલી ઈચ્છાઓનું સળવળ થવું

.

રાત આખી રાત બસ રડતી હશે

આંસુઓનું આમ આ ઝાકળ થવું

.

કેદ થઈ જાવું પડે કોઈ આંખમાં

સાવ કંઈ સહેલું નથી કાજળ થવું

.

જળ વિશેની શક્યતા ખોટી ઠરી

કાં પછી મુજ આંખનું મૃગજળ થવું

.

પ્રેરણાનાં પૂર જો આવી ચડે

હું કલમ ને આપનું કાગળ થવું

.

એક કવિતા આમ તો ‘હમદમ’ હશે

આ નદીનું આમ આ ખળખળ થવું

.

( તુરાબ ‘હમદમ’ )

ટ્વિન્કલ ટ્વિન્કલ – વિપિન પરીખ

નાની સરખી મનીષા ઘરે આવી હતી.

મેં બાળગીતની એક રેકર્ડ મૂકી.

’પાલઘર આવ્યું, નાળિયેર પાણી…’

એની મમ્મી કહે,

’મનીષાને સંગીતનો બહુ શોખ પણ

આ ગુજરાતી શબ્દો એ સમજી નહીં શકે.’

અમે મનીષાને કહે

’બેટા, Uncleને તારી પેલી Poem સંભળાવ તો !

Twinkle Twinkle Little Star…

મનીષા લહેકા સાથે ગાઈ સંભળાવે છે.

મને એક આકાશ દેખાય છે.

મારી ભાષાના શબ્દો એમાં એક ખૂણામાં ઊભા રહે છે – સંકોડાઈને,

નમાયા બાળકને જેમ,

ગંભીર ગુનો કર્યો હોય એમ !

Unwanted !

મારી ભીની આંખોને હસતી કરી

હું વિવેક સાચવી લઉં છું.

કહું છું :

’How wonderful !

કેટલું સરસ ઈંગ્લિશ બોલે છે અને કેટલા સરસ ઉચ્ચાર !

You are such a sweet little girl, Manisha !’

.

(વિપિન પરીખ )

હોય છે – શ્યામલ મુનશી

એટલું ઊંઘી જવાતું હોય છે

કે બધું ભૂલી જવાતું હોય છે.

.

દોર જો લીસ્સી થયેલી હોય તો,

ગાંઠથી ખૂલી જવાતું હોય છે.

.

બાળપણની યાદ આવી જાય ને,

ડાળ  પર ઝૂલી જવાતું હોય છે.

.

ઘાત જળની જેમ ફળતી હોય છે,

આંખમાં ડૂબી જવાતું હોય છે.

.

એક વેળા આઈનામાં જોઈને,

એકદમ તૂટી જવાતું હોય છે.

.

આંખ તો અટક્યા વિના ચાલ્યા કરે,

શ્વાસથી ખૂટી જવાતું હોય છે.

.

( શ્યામલ મુનશી )